કવિદિન નિમિત્તે કવિશ્રી સુન્દરમને સ્મરણાંજલિ

-જ્યોત્સના શાહ Wednesday 24th March 2021 07:47 EDT
 
 

કવિ સુન્દરમ્ -  જન્મ: તા. ૨૨-૩-૧૯૦૮ -  સ્વર્ગવાસ : તા. ૧૩-૧-૧૯૯૧
૨૧ માર્ચનો દિવસ કવિતા દિન તરીકે કવિગણે ઉજવ્યો. આ દિન નિમિત્તે આપણે આપણા ગુજરાતી સાહિત્યના શિરમોર સમા કવિ સુન્દરમ્ નું સ્મરણ કરીએ. ૨૨ માર્ચ ૧૯૦૮માં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મીયામાતરમાં ત્રિભુવનદાસ પુરૂષોત્તમદાસ લુહારનો જન્મ થયો હતો. માતા ઉજમબહેનના આ પુત્ર ગાંધીયુગના પ્રથમ પંક્તિના કવિ તરીકે જાણીતા છે.
"ગુર્જરીના ગૃહે કૂંજે, અમારૂં જીવન ગૂંજે ગૂંજે…..”એમનું આ બાળ કાવ્ય જાણીતું છે.
 એમના અભ્યાસપૂર્ણ  વિવેચનાનું ઉજળું પાસું છે "અર્વાચીન કવિતા" (૧૯૪૬) જે એમનો પ્રમાણિત ઇતિહાસ ગ્રંથ છે. એમણે કવિ નર્મદ-દલપતરામ, કલાપી-કાન્તથી શરૂ કરી ૩૫૦ નાના-મોટા કવિઓની

૧૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટપૂર્વક વાંચી, અનેક સેરોમાં ગોઠવી એનો સહ્દય પ્રતિભાવથી સમાવેશ કર્યો છે.  એમના કાવ્યો અને સાહિત્ય સર્જનમાં ગાંધી વિચાર ધારા અને શ્રીઅરવિંદો વિચારનો સ્પર્શ વરતાય છે.  
કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે આગવી આભા ઉપસાવનાર કવિ સુન્દરમ્ અનેક એવોર્ડ્સથી સન્માનાયા છે. ૧૯૩૪માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક, ૧૯૪૬માં મહિડા પારિતોષિક, ૧૯૯૫માં નર્મદ સુવર્ણ ચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કાર જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મેળવ્યાં છે.
“કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો"(૧૯૩૩)માં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ બહાર પડ્યો. એમાં ગાંધી સૈનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાનો આક્રોશ જોવાય છે. એમના ભજનોના ઢાળમાં ક્યાંક ક્યાંક સૌંન્દર્ય પ્રતિષ્ઠાની આહ્લાદક ચમત્કૃતિ અનુભવાય છે. એમના "કાવ્ય મંગલા"વૃત્તમાં કાવ્યો, સોનેટો અને ગીતો છે. એમાં રાષ્ટ્ર જાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિતો પ્રત્યેનો સમભાવ પ્રગટે છે.
“વસુધા"(૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવિકતાથી આગળ વધી અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે, જે ઉત્તમ પરિણામો લાવે છે. ઇન્દ્રિયાનુરાગી અભિપ્રાયમાં પ્રણય રસઅને શરણ રસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ નોંધપાત્ર છે. “યાત્રા" (૧૯૫૧) માં અરવિંદ વિચાર અને દર્શનનો કવિતાની દ્રષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બન્ને સ્વરૂપ દર્શાવે છે. “રંગ રંગ વાદળિયા"(૧૯૩૯)માં બાળકાવ્યો સંગ્રહિત છે. “હીરાકણી અને બીજી વાતો"વાર્તા સંગ્રહમાં ગાંધીવાદ પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામ ચેતના અને નગરચેતનાની કલાત્મક માંડણી કરી છે. જે ગુજરાતી વાર્તા સાહિત્યમાં વિશિષ્ઠ સ્થાન ધરાવે છે.
એમના ગ્રંથાવલોકનનો સંગ્રહ "અવલોકના" અને સાહિતય ચિંતન" સહિતનું અઢળક સાહિત્યની ભેટ ગુજરાતી સાહિત્યને આપી સમાજ સુધારક તરીકેની ભૂમિકા પણ ભજવી છે.
૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ભાષા વિશારદ અને ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક બન્યા. સોનગઢ ગુરુકૂળમાં અધ્યાપન કર્યું અને ૧૯૩૫ થી ૪૫ અમદાવાદની સ્ત્રી સંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે ફરજ બજાવ્યા બાદ પત્ની મંગળાબહેન સાથે સહકુટુંબ પોંડીચેરીના શ્રી અરવિંદો આશ્રમમાં સ્થાયી થયા. ઓગષ્ટ ૧૯૪૭માં "દક્ષિણા"ના તંત્રી બન્યા. ૧૯૭૦માં જુનાગઢમાં મળેલ સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. ૧૯૭૪માં આફ્રિકા, કેન્યા, ઝામ્બિયા, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કર્યા છે. ૧૯૭૫માં એમને સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર તરફથી ડોક્ટરેટ લીટરેચરની માનદ્ પદવી એનાયત કરાઇ હતી.
૧૯૮૭માં એમની લંડનની મુલાકાત દરમિયાન "ગુજરાત સમાચાર" કાર્યાલયની મુલાકાત લીધી હતી. એ વખતે મારા પતિશ્રી ડી.આર.ની બદલી ભારત પરત થતાં મારો વિદાય સમારંભ કવિશ્રી સુન્દરમના હસ્તે થયો હતો. એ એક કાયમી સંભારણું બની ગયું મારા જીવનમાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter