કેનેડામાં ‘સેક્યુલારિઝમ’નો વરવો વળાંક

કેનેડા ડાયરી

મિતુલ પનીકર Wednesday 16th October 2019 06:09 EDT
 
NDPના નેતા જગમીતસિંહને મોન્ટ્રીઅલમાં એક માણસે તેમને ‘પાઘડી કાઢી નાખવા’ સૂચન કર્યું જેથી તેઓ ‘વધુ કેનેડિયન દેખાઈ શકે.’
 

પ્રિય વાચકમિત્રો,

કેનેડામાં ઠંડીનો સત્તાવારપણે આરંભ થઈ ગયો છે અને હું કાતિલ ઠંડીનો સામનો કરવા સજ્જ બની રહી છું. જોકે, વાતાવરણમાં રાજકીય ગરમાવો જરૂર છે કારણકે દેશ ૨૧ ઓક્ટોબરે યોજાનારી ફેડરલ ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો સંપૂર્ણ સજ્જતા સાથે પ્રચારમાં લાગી ગયા છે અને આપણે બધા જાણીએ છીએ તેમ શીક નેતા પણ આ સ્પર્ધામાં ઉતર્યા છે. નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીતસિંહે ૨૦૧૭થી આંતરરાષ્ટ્રીય તખ્તા પર પ્રસિદ્ધિ મેળવી છે જ્યારે, તેમના એક પ્રચાર અભિયાનમાં એક મહિલાએ તેમને વચ્ચેથી અટકાવી તેમની સામે ઘાંટાઘાંટી કરી હતી.

જગમીત સિંહે જે રીતે આ ઘટનામાં સ્વસ્થતા જાળવી અને શાલીન વર્તાવ કર્યો તેનાથી તેઓ લોકોની નજરમાં વસી ગયા. કટ્ટરતા કે ધર્માન્ધતાથી પરિચિત સિંહ તાજેતરમાં રાષ્ટ્રીય ચર્ચા અર્થે મોન્ટ્રીઅલ આવ્યા હતા. પાતાની પત્ની સાથે શેરીઓમાં ફરી રહેલા જગમીત સિંહનો સામનો એક વ્યક્તિ સાથે થયો જેણે તેમને ‘પાઘડી કાઢી નાખવા’ સૂચન કર્યું જેથી તેઓ ‘વધુ કેનેડિયન દેખાઈ શકે.’

સિંહનો પ્રતિભાવ એવો હતો જે ‘અનાડી’ લોકો સાથે કામ પાર પાડવામાં જરા પણ પાછા ન પડે. સિંહે સંપૂર્ણ આદર અને સ્વસ્થતા સાથે પેલા માણસને ઉત્તર વાળ્યો કે,‘ઓહ, મને તો લાગે છે કે કેનેડિયનો તમામ પ્રકારના લોકો જેવાં જ દેખાય છે. આ જ તો કેનેડાની વિશેષતા છે.’

કેનેડાનો ઈતિહાસ પેઢીઓ અગાઉ આ દેશમાં સૌપ્રથમ આવેલા શીખોની મુશ્કેલીઓ-મુસીબતોનો સાક્ષી છે. કુખ્યાત બની ગયેલા જાપાનીઝ જહાજ કોમાગાટુ મારુ પર સવાર થઈને ૩૩૭ શીખ, ૨૭ મુસ્લિમ અને ૧૨ હિન્દુઓએ ૧૯૧૪માં કેનેડામાં સ્તળાંતર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંના મોટા ભાગનાને પ્રવેશનો ઈનકાર કરાયો અને તેઓને વર્તમાન કોલકાતા પાછાં ફરવું પડ્યું હતું. આ પછી તો, શ્વેત પ્રભુત્વ હેઠળની કેનેડાની સરકાર દ્વારા અમલી ગેરવાજબી ઈમિગ્રેશન નીતિઓ અસ્તિત્વમાં આવી. ભારતથી નોર્થ-અમેરિકન દેશમાં ઉતરેલા સૌપ્રથમ ઈમિગ્રન્ટમાંની એક શીખ કોમ્યુનિટી પણ હતી જેણે, કઠોર અને અપમાનજનક વ્યવહારનો સામનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તો લાંબા ગાળે ઈમિગ્રન્ટ્સને સ્વીકારવામાં આ દેશને કોઈ છોછ રહ્યો નથી પરંતુ, આજે પણ આવા આક્રમક દુર્વ્યહારને જોતાં મારું મન અને હૃદય દુઃખી થઈ જાય છે. અન્ય લોકોની સંસ્કૃતિને આદર આપવો તે પણ સ્વીકારનો જ હિસ્સો છે. આમાં શિક્ષણનું સૌથી વધુ મહત્ત્વ રહ્યું છે.

સિંહ દેશની દેખાતી લઘુમતીના સૌપ્રથમ સભ્ય છે, જેઓ ફેડરલ પાર્ટીનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. તેઓ આવી ઘટનાઓને કશું શીખવતી ક્ષણો તરીકે માને છે અને કહે છે કે તેમની જાહેર છબી લોકોને અન્ય ધર્મો પ્રતિ વધુ સંવેદનશીલ બનતાં શીખવશે.

ક્યુબેકના Bill 21 મુદ્દે જોરદાર વિરોધ

દરમિયાન, આ વર્ષની અહીંની ચૂંટણીમાં ક્યુબેકનું Bill 21 મહત્ત્વનો મુદ્દો બની રહ્યું છે. આ ‘બિલ ૨૧’ સેક્યુલારિઝમ-ધર્મનિરપેક્ષતા સંબંધિત કાયદો છે જે, જાહેર સેવામાં ધાર્મિક પ્રતીકો ધારણ કરવા પર પ્રતિબંધ લગાવે છે. આ બિલનો વિરોધ કરવા ૧૩૦ મોન્ટ્રીઅલવાસીઓ રવિવારે, બીજી વખત પ્લેસ એમિલી-ગેમલિન ખાતે એકત્ર થયા હતા. આ કાયદો નેશનલ એસેમ્બલીમાં જૂન મહિનામાં પસાર કરાયો હતો, જે માર્ચ ૨૮ ૨૦૧૯ અગાઉ, નોકરીએ રખાયેલા શિક્ષકોને રક્ષણ આપતી ‘ગ્રાન્ડફાધર’ જોગવાઈ સાથે સંકળાયેલો છે.

દેખાવકારોનું કહેવું છે કે આ કાયદો ભેદભાવયુક્ત છે અને મોટી ચિંતા એ છે તે તેનાથી તિરસ્કાર- ઘૃણાની હવા સર્જાઈ રહી છે. ખાસ કરીને મુસ્લિમ અને શીખ સમુદાય તણાવમાં છે કારણકે આ કાયદો તેમને જાહેરમાં હિજાબ અથવા પાઘડી પહેરતા અટકાવે છે. ક્યુબેક અને દેશના બાકીના વિસ્તારોમાં સર્વે કરાયેલા લોકોમાં બહુમતી લોકોએ જણાવ્યું હતું કે જાહેર કર્મચારીઓ નોકરી પર હોય ત્યારે તેમને કૃસીફિક્સ- ક્રોસ પહેરવાની છૂટ અપાવી જોઈએ. પરંતુ, ઈસ્લામિક ધર્મ સંબંધિત પ્રતીકોની વાત આવી ત્યારે સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો દેખાયો હતો.

કેનેડાની મુખ્ય ફેડરલ પાર્ટીઓના નેતાઓ- લિબરલ જસ્ટિન ટ્રુડો, કન્ઝર્વેટિવ એન્ડ્રયુ શીઅર, નેશનલ ડેમોક્રેટ જગમીત સિંહ અને ગ્રીન પાર્ટીના એલિઝાબેથ મે સ્પર્ધામાં અગ્રેસર છે. તાજેરના પોલના તારણો જોઈએ તો ટ્રુડો માટે સૌથી વધુ ૩૫ ટકાનું સમર્થન છે અને તેમના પછી ૩૪ ટકા સાથે શીઅર આવે છે. તારણો કહે છે કે સિંહને લોકપ્રિય મતોના ૧૫ ટકા મળશે. ચારેય મુખ્ય સ્પર્ધકોએ સેક્યુલારિઝમ કાયદાને વખોડી કાઢ્યો છે.

જોકે, આટલું પૂરતું કહી શકાય?  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter