કેનેડિયન ઈસ્માઈલીઓઃ વિશ્વને આવાં માઈગ્રેશનની શાથી જરૂર?

કેનેડા ડાયરી

મિતુલ પનીકર Wednesday 18th December 2019 04:29 EST
 
 

પ્રિય વાચકમિત્રો,

એન્વિરોન્મેનટ કેનેડાએ બરફવર્ષા સાથે ઠંડા પવનના સૂસવાટાની આગાહી આપી દીધી છે. ઠંડા હવામાનમાં પણ ટોરોન્ટો વધુ પ્રકાશમય જણાય છે. આ અનુભવ કરવા અને માણવા જેવો છે. આ લેખનો વિષય વિશેષ સમુદાય ઈસ્માઈલી ખોજાઓ વિશે છે. સામાન્યપણે ઈસ્લામનું જે નિરુપણ થાય છે તેનાથી તદ્દન વિરોધાભાસમાં આ સમુદાય લેખાય છે. જે લોકો અજાણ છે તેમની જાણકારી માટે કહેવાનું કે ઈસ્માઈલીઓ વિશ્વના સૌથી આદરપાત્ર અને કેનેડાના માનદ નાગરિક તરીકે ઉલ્લેખિત માત્ર પાંચમા મહાનુભાવ આગા ખાનના અનુયાયી છે.

ઈસ્માઈલી ખોજાઓ કોણ છે?

મુસ્લિમ વિશ્વમાં લઘુમતીમાં લઘુમતી ગણાયેલા ઈસ્માઈલીઓ પયગમ્બરના કયા વંશજનું અનુસરણ કરવું તે મુદ્દે વિખવાદથી આઠમી સદીમાં લઘુમતી શિયા સમુદાયથી અલગ પડ્યા હતા. છેક ૧૨મી સદી સુધી નોર્થ આફ્રિકા અને ઈજિપ્તના પ્રદેશોમાં તેમનું પ્રભુત્વ રહ્યાં પછી તેમની સંખ્યા ઘટતી ગઈ અને ઘણી વખત દમનનો ભોગ પણ બન્યા. આજે ઈસ્માઈલીઓ આગા ખાનને મુહમ્મદ પયગમ્બરના સીધા વંશજ અને પોતાના ૪૯મા ઈમામ તરીકે સ્વીકારે છે.

આગા ખાન કોણ છે?

પ્રિન્સ શાહ કરીમ અલ હુસૈની અથવા ૮૦ વર્ષીય હિઝ હાઈનેસ આગા ખાન ચોથા વિશ્વમાં આશરે ૧૫ મિલિયન ઈસ્માઈલીઓના આધ્યાત્મિક ગુરુ છે. તેઓ પરોપકારી છે અને વિશ્વની સૌથી મોટી ખાનગી ચેરિટી સંસ્થા ધ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કનું સંચાલન કરે છે. તેઓ ૨૦૧૦માં અંદાજે ૮૦૦ મિલિયન ડોલરની ચોક્ખી સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનવાન શાહી વંશજોમાં૧૦મા સ્થાને હતા.

ઈસ્માઈલીઓનું કેનેડામાં સ્થળાંતર

કેનેડામાં ઈસ્માઈલી માઈગ્રેશનનો ઈતિહાસ ૧૯૭૦ના દાયકાના પ્રારંભથી શરૂ થાય છે. આ સમુદાય આજે સમાજના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે અને મોટા ભાગના અન્ય વસાહતી જૂથોની સરખામણીએ તેમની ક્ષમતા કદાચ અદ્વિતીય છે. બિઝનેસ, રાજકીય અને સાંસ્કૃતિક વર્તુળોમાં આ જમાત (ઈસ્માઈલી સમુદાય) સારું પ્રતિનિધિત્વ ધરાવે છે. કેનેડાના પ્રથમ મુસ્લિમ સાંસદ રહીમ જાફર, રોજર્સના પૂર્વ સીઈઓ નાદિર મોહમ્મદ, કાલ્ગેરીના મેયર નાહીદ નેનશી તેમજ ગિલેર પ્રાઈઝ વિજેતા નોવેલિસ્ટ એમજી વાસનજી સહિતના મહાનુભાવો આ જમાતની સાચી ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે.

યુગાન્ડાના ઈદી અમીન દ્વારા ૮૦,૦૦૦ સાઉથ એશિયનોની કુખ્યાત હકાલપટ્ટી કરાઈ તે ગાળામાં ઈસ્માઈલીઓનું પ્રથમ જૂથ ૧૯૭૨માં કેનેડા આવ્યું હતું. આગા ખાને તેમના અંગત મિત્ર તત્કાલીન વડા પ્રધાન પિઅરે ટ્રુડો (વર્તમાન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના પિતા)ની મદદથી આશરે ૬,૦૦૦ યુગાન્ડન ઈસ્માઈલીઓના કેનેડામાં શરણની વ્યવસ્થા કરી હતી. તેઓ આ કેવી રીતે કરી શક્યા તેની પણ લોકપ્રિય કથા છે, જે મારા સહયોગીએ જણાવી હતી. નામદાર આગા ખાનની કેનેડિયન ઈમિગ્રેશન અધિકારીઓ સાથે બેઠક હતી. આ સમય ૧૯૭૨ હોકી સમિટ સીરીઝનો હતો અને ટીમ કેનેડા સોવિયેટ રશિયાનો સામનો કરી રહી હતી. એક અધિકારીએ રમતનો સ્કોર જણાવવા જુનિયરને કહી રાખ્યું હતું. સાંજે આગા ખાને પૂછ્યું કે કેનેડા કેટલા યુગાન્ડન ઈસ્માઈલીઓને શરણ આપશે તે વેળાએ જ જુનિયર અધિકારીએ બંને ટીમની ટાઈ થયાનો સ્કોર દર્શાવવા બંને હાથની ત્રણ-ત્રણ આંગળી ઊંચી કરી હતી.

જોકે, સીનિયર અધિકારીએ જુદું અર્થઘટન કર્યું અને મૂળ સંખ્યા કરતાં બમણાં યુગાન્ડન ઈસ્માઈલીઓને કેનેડામાં શરણ અપાયું તેવી આ વાર્તા છે. શરૂઆતમાં આશરે ૩,૦૦૦ ઈસ્માઈલીએ તેમના પુનર્વસવાટ માટે ફેડરલ નાણાકીય સહાય મેળવી અને દેશમાં આશરાનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું ત્યારે ૧૫૦થી ઓછાં વસાહતી સરકારી સહાય મેળવી રહ્યા હતા. આ કોમ્યુનિટીના સભ્યો વર્તમાન નિર્વાસિતો જેવાં ન હતા. તેમાંથી અડધાએ હાઈ સ્કૂલનું શિક્ષણ લીધું હતું અને લગભગ તમામ ઈંગ્લિશ બોલતા હતા તેમજ મોટા ભાગના કેનેડાની નિયમિત કૌશલ્ય આધારિત ઈમિગ્રેશન પોઈન્ટ્સ સિસ્ટમ સહેલાઈથી પસાર કરી શક્યા હોત. શું આ પ્રભાવશાળી નથી લાગતું?

ઊંચા શિક્ષણસ્તર અને કૌશલ્યના પરિણામે તેઓ કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશી શક્યા અને ‘નિર્વાસિત’માંથી નાગરિક થવાની પ્રક્રિયા વેગીલી બની. આજે સુસ્થાપિત ઈસ્માઈલી કોમ્યુનિટીના ૧૨૦,૦૦૦થી વધુ સભ્યો વાનકુવર, ટોરોન્ટો, એડમન્ટન, કાલ્ગેરી, ઓટાવા, મોન્ટ્રીઅલ અને અન્ય વિસ્તારોમાં ફેલાયેલા છે. એક સમયે દમનનો શિકાર કોમ્યુનિટી અન્ય દુર્ભાગી લોકો માટે આશ્રયસ્થાન બન્યું છે અને તેમણે જરૂરતના સમયે જે મેળવ્યું તેનાથી ઘણું પરત કરી રહી છે.

પ્રમાણમાં નિષ્ક્રિય અને ઊચ્ચ શિક્ષિત કોમ્યુનિટી નામદાર આગા ખાનના આધ્યાત્મિક નેતૃત્વ હેઠળ અન્ય સામાજિક જૂથોના વ્યાપક કલ્યાણ માટે યોગદાન આપવા સામૂહિક પ્રતિબદ્ધતા ધરાવે છે. એક તરફ, પશ્ચિમ વિશ્વ ભવાં ચડાવી મુસ્લિમ ઈમિગ્રેશન તરફ શંકાની નજરે નિહાળે છે ત્યારે ઈસ્માઈલી સમુદાયનો ઈતિહાસ અલગ જ અહેસાસ કરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter