ગઝનીના તુર્કી દળોને પરાજિત કરનારા સુહેલદેવની દંતકથા અને વર્તમાન ભારત

રુચિ ઘનશ્યામ Wednesday 13th October 2021 07:41 EDT
 
 

ગત સપ્તાહે ભારતના મીડિયામાં તાલિબાન નેતા અનાસ હક્કાનીએ મહમૂદ ગઝનવીના મકબરાની મુલાકાત પછી કરેલા ટ્વીટને પ્રસિદ્ધિ આપી હતી. અનાસ હક્કાનીએ ‘મહાન મુસ્લિમ લડવૈયા’ તરીકે ગઝનવીની પ્રશંસા કરી હતી. ૧૧મી સદીમાં ગુજરાત પર આક્રમણ કરી પ્રસિદ્ધ સોમનાથ મંદિરની લૂંટ ચલાવનારા અને મંદિરના મહાન જ્યોતિર્લિંગને તોડનારાની આ પ્રશંસા હતી.

મહમૂદ તુર્કીશ ગુલામ સેબૂક્તિજિનનો પુત્ર હતો જે ઈ.સ. ૯૭૭માં ગઝનાનો શાસક બન્યો અને તેણે ગઝનાવિદ વંશની સ્થાપના કરી હતી. તે તુર્કીના ગઝનાવિદ વંશનો સૌપ્રથમ સ્વતંત્ર રાજા હતો અને તેણે ઈ.સ. ૧૦૩૦ સુધી શાસન કર્યું હતું. તેનું સામ્રાજ્ય ઉત્તર ઈરાનથી ભારતમાં પંજાબ સુધી ફેલાયેલું હતું.

 એમ મનાય છે કે મહમૂદ ગઝનવીએ મધ્યયુગીન ભારતના મથુરા અને સોમનાથ જેવાં સમૃદ્ધ-અપાર સંપત્તિ ધરાવતા શહેરો અને ધાર્મિક નગરો પર આક્રમણો કરી ત્યાં લૂંટ ચલાવી હતી. તેણે દર વર્ષે ભારત પર એક આક્રમણ કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું પણ કહેવાય છે અને વાસ્તવમાં આ રીતે તેણે આવાં ૧૭ આક્રમણો ભારત પર કર્યા હતા. તેનું મોટા પાયા પરનું આક્રમણ અભિયાન પ્રથમ ઈ.સ. ૧૦૦૧માં શરૂ થયું હતું  અને આખરી આક્રમણ ૧૦૨૬માં કર્યું હતું. મહમૂદ ગઝનવીએ ૧૦૨૫માં ગુજરાત પર હુમલો કર્યો હતો અને સોમનાથ મંદિરને તહસનહસ કરી લૂંટ ચલાવી હતી. ભગવાન શિવ આ મંદિરના અધિષ્ઠાતા દેવ છે. ગઝનવીએ મુખ્યત્વે હિન્દુ મંદિરોને લક્ષ્ય બનાવ્યા હતા કારણકે આ મંદિરો અપાર સંપત્તિ, અર્થતંત્ર અને ભારતના લોકોની વિચારધારાના કેન્દ્રો હતા. તેણે મંદિરોની લૂંટેલી સંપત્તિનો ઉપયોગ પોતાની રાજધાની ગઝનીને વિસ્તારવામાં કર્યો હતો.

મહમૂદ ગઝનવીની પ્રશંસા કરતી અનાસ હક્કાનીની ટ્વીટ વિશે વાંચતાં મને મેં ગત વર્ષે જ વાંચેલાં અમિશ ત્રિપાઠીના પુસ્તક ‘Legend  of Suheldev: The King who saved India’ની યાદ આવી ગઈ. અમીશ ઘણા વર્ષોથી ભારતના સૌથી લોકપ્રિય લેખકોમાં એક હોવાં છતાં, અમીશનું લખાણ વાંચવાનો આ મારો પ્રથમ અનુભવ જ હતો.

‘લેજન્ડ ઓફ સુહેલદેવ’ શ્રાવસ્તીના રાજવી સુહેલદેવની કથા કહે છે જેઓ સોમનાથસ્થિત ભગવાન શિવના ભવ્યતમ મંદિરની લૂંટ અને તોડફોડ-વિનાશ વિશે જાણી એટલા હચમચી ગયા હતા કે તેમણે પ્રિન્સ-રાજકુમાર તરીકે રાજવી જીવનના એશોઆરામનો ત્યાગ કરી ગઝનીના મહમૂદ થકી ભારતમાં આવેલા તુર્કો વિરુદ્ધ ગેરિલા પદ્ધતિએ યુદ્ધ કરવાનો નિર્ણય લીધો હતો. ઉત્તર ભારતમાં મચાવેલી લૂંટફાટ અને તારાજી દરમિયાન મહમૂદ ગઝનવીએ કેટલાક જૂના રાજ્યો પર વિજય હાંસલ કર્યો હતો અને તેમને ખંડિયા મિત્રો બનવાની ફરજ પાડી હતી. જરૂર લાગી ત્યારે સુહેલદેવે આવા તુર્કીશ મિત્રો સામે પણ યુદ્ધો કર્યા હતા.

અમીશના પુસ્તકની વાર્તાનો આરંભ સોમનાથના મંદિરને મહમૂદ ગઝનવીના આક્રમણ સામે રક્ષણ કરતી વેળાએ સુહેલદેવના મોટા ભાઈ મલ્લાદેવની હત્યા સાથે થાય છે. સુહેલદેવના પિતા, શ્રાવસ્તીના રાજા મંગલધ્વજ સોમનાથ મંદિરનું રક્ષણ કરવા માટે જરુરી ગણનાપાત્ર સૈન્ય સજ્જ કરી શક્યા નહિ ત્યારે સુહેલદેવે પોતાનું એશોઆરામપૂર્ણ રાજવી જીવન છોડી જંગલમાં જવાનો નિર્ણય લીધો હતો. માતૃભૂમિ માટે પોતાના યુદ્ધમાં સામેલ થવા સુહેલદેવે અન્યોને પણ પ્રેરણા આપી પોતાની સાથે આવવા સમજાવ્યા હતા. સુહેલદેવની વીરતા અને દેશભક્તિની વાતો પ્રસરવા લાગી તેની સાથે તેમના વફાદાર લડવૈયાની ટોળી પણ વધતી ગઈ. તેમણે બધાએ સાથે મળીને દુશ્મનો કદી શાંતિથી સૂઈ ન શકે તેની ચોકસાઈ રાખી હતી. અમીશ સુહેલદેવની વીરતા અને અભૂતપૂર્વ નેતૃત્વની અનેક કથાઓનું વર્ણન કરે છે. એવો પણ સમય આવે છે જ્યારે સુહેલદેવ અને તેમના લડવૈયાઓને મુશ્કેલીમાં મૂકાઈ જવું પડે છે. દરેક વખતે, અભૂતપૂર્વ સમયસૂચકતાના કારણે તેઓ દુશ્મનો પર વિજય હાંસલ કરે છે અથવા બીજા યુદ્ધ લડવા માટે જીવતા રહી શકે છે.

શ્રાવસ્તીના રાજવી તરીકે સુહેલદેવ આસપાસના પડેશી રાજ્યો સાથે વ્યવસ્થિત ગઠબંધનો-મિત્રતાનું નિર્માણ કરે છે. અમીશના પુસ્તકમાં, સુહેલદેવ ભારતના સૌથી શક્તિશાળી અને દંતકથારુપ રાજા રાજેન્દ્ર ચોલા સમક્ષ પોતાના વિશ્વાસુ દૂતને મોકલી આપે છે. શક્તિશાળી ચોલા કિંગના સપોર્ટ અને રાજ્ય સાથે સંઘની રચનાથી સુહેલદેવ તુર્કી દળો સામે બહરૈચના યુદ્ધ - Battle of Bahraich માટે સુસજ્જ બની રહે છે. લાંબા અને ભારે ચડાવઉતાર સાથેના મુશ્કેલ યુદ્ધ પછી રાજા સુહેલદેવની આગેવાની હેઠળ દેશભક્ત ભારતીય સૈન્યદળ તુર્કીના લશ્કરી દળોનો કચ્ચરઘાણ કાઢતો વિજય હાંસલ કરે છે. આ વિજય એટલો મજબૂત અને અભૂતપૂર્વ હોય છે કે તુર્કો દોઢ સદી-૧૫૦ વર્ષ સુધી ભારત તરફ આંખ નજર પણ માંડતા નથી અને વિશ્વના અન્ય વિસ્તારોમાં પોતાની લૂંટફાટને આગળ વધારવાનું પસંદ કરે છે!

આ ભવ્ય વિજય અમીશના રસપ્રદ પુસ્તકની પ્રેરણા બની રહ્યો છે. કિંગ સુહેલદેવની વાર્તા દંતકથા પર આધારિત છે. અમીશે અભૂતપૂર્વ નેતૃત્વના તાણાવાણા ગૂંથ્યા છે, જે માત્ર રણમેદાન પર જ પ્રદર્શિત થતું નથી. વિવિધ જાતિ-જ્ઞાતિઓ અને ધર્મો સાથે સુહેલદેવના વ્યવહારમાં પણ નેતૃત્વ જોવા મળે છે. સુહેલદેવના ગાઢ સાથીઓમાં જ્ઞાતિઓથી પર રહીને લડતા યોદ્ધાઓમાં ભારતીય મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે.

પ્રથમ પેરેગ્રાફમાં જે ટ્વીટનો ઉલ્લેખ કરાયો છે તેનાથી કોઈ પણ ભારતીયની માફક મને પણ ભારે રોષ આવ્યો હતો. મારા તીવ્ર રોષ છતાં, હું એ પણ સમજું છું કે કોઈ વ્યક્તિ કયા સ્થાને છે તેના પરિપ્રેક્ષ્યના આધારે ઈતિહાસને અલગ રીતે નિહાળવામાં આવે છે. મહમૂદ ગઝનવી વિશે અફઘાન મંતવ્ય કે દૃષ્ટિબિંદુ ભારતીયો તેને જે રીતે નિહાળે છે તેનાથી કદાચ અલગ પડી જાય છે. આમ છતાં, સોમનાથ મંદિરની મૂર્તિ- જ્યોતિર્લિંગને તોડી નાખવાનો ઉલ્લેખ બામિયાન બૌદ્ધ મૂર્તિઓને તોડી નાખવાની અક્ષમ્ય ઘટનાઓનું સ્મરણ કરાવે છે. અન્ય લૂંટારા આક્રમણખોરોની માફક મહમૂદ ગઝનવી ભારતની અપાર સમૃદ્ધિથી આકર્ષાયો હતો. આજનું ભારત માત્ર સમૃદ્ધ નથી, પોતાનું રક્ષણ કરવા માટે સુસજ્જ અને શક્તિશાળી પણ છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે. Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter