ગઝલ

- બેદાર લાજપુરી લેસ્ટર Tuesday 03rd November 2020 13:24 EST
 

મળે જ્યાં સુખ શાંતી પ્રેમ એવું તું વતન દેજે

કશાયે ડર વિના મુજને વિહરવાને ગગન દેજે

સલામત કોઈ ડાળી પર બને મારોય માળો પણ

શિકારીનો ન ડર લાગે ખુદા એવું ચમન દેજે

મને જો આપવા ઈચ્છે ઓ માળી તું બગીચાથી

તો કંટકથી ભરેલું પણ મને સુંદર સુમન દેજે

નજર પડતાં જ જેના પર ભૂલી જાઉં બધા ગમને

જીવનમાં એવું રૂપાળું દિલબરનું વદન દેજે

સતત શોધી રહ્યો જેને થઈ બેહાલ વર્ષોથી

બુઢાપામાં મને એનું કરાવી તું મિલન દેજે

જગતમાં મારા દુશ્મનની થતો જોઈ તરફડીને

હૃદયમાં થાય સહેજે પણ મને ના જલન દેજે

જે વાંચી બોધ લે બેદાર જેનાથી જગત આખું

લખાવી હાથથી મારા ખુદા એવું કવન દેજે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter