ગુજરાત સમાચાર - એશિયન વોઈસઃ જ્ઞાનયજ્ઞ એ જ સેવાયજ્ઞના ભેખધારી સાપ્તાહિક

લોર્ડ ડોલર પોપટ Wednesday 01st December 2021 06:32 EST
 
લોર્ડ ડોલર પોપટ હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના રિસેપ્શન કાર્યક્રમમાં પૂર્વ વડા પ્રધાન થેરેસા મે અને દિવંગત અર્જુન વેકરિયા (HFB ના પૂર્વ પ્રમુખ)ને એશિયન વોઈસના મહત્ત્વની સમજ આપી રહ્યા છે.
 

આપણે આ વર્ષના સમાપન અને એશિયન વોઈસ અને ગુજરાત સમાચારના પ્રકાશક ABPLની ગોલ્ડન જ્યુબિલી-સુપવર્ણજયંતીના આરંભ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે યુકેમાં એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની સેવામાં જે શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યાં છે તેને ભાવાંજલિ અર્પવાની આ સમયસરની તક છે.

અન્ય ઘણા લોકોની માફક, યુગાન્ડન એશિયન તરીકે હું પણ યુકેમાં નવા આવેલા ઈસ્ટ આફ્રિકન એશિયનોને એકબીજા સાથે સંપર્ક જાળવવા, માહિતગાર રાખવામાં અને યુકેના નવા જીવનમાર્ગ સાથે અનુકૂલન સાધવામાં મદદરુપ ભૂમિકા ભજવવા બદલ ગુજરાત સમાચારનો અત્યંત ઋણી રહીશ. એ સમયે ઘણા પરિવારો પોતાના પગ જમાવી સ્થિર થવાનો સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે આપણી ઓળખ અને સંસ્કૃતિને જીવંત રાખવામાં ગુજરાત સમાચાર અને ન્યૂ લાઈફ (એશિયન વોઈસનું પુરોગામી પ્રકાશન) દ્વારા અમને અમૂલ્ય મદદ મળી હતી.

નિશ્ચિતપણે આ તમામ ભૂમિકાના કેન્દ્રમાં APBLના એડિટર, સામાન્યપણે અને પ્રેમથી CB પટેલના હુલામણા નામથી વધુ ઓળખાતા શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલ છે. મને યાદ છે કે લેબર પાર્ટીના પૂર્વ નેતા નીલ કિનોકે એક વખત ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનની બેઠકમાં કહ્યું હતું કે CB એટલે ‘કોમ્યુનિટી બાઉન્ડ’ અને ચોક્કસપણે માનું છું કે આ સંબોધન સંપૂર્ણપણે ‘સીબી’ને બંધબેસતું છે.

સીબી પટેલ હકીકતમાં એવા વ્યક્તિવિશેષ છે જેમણે માત્ર બ્રિટનમાં જ નહિ, આખા વિશ્વમાં સમગ્ર એશિયન કોમ્યુનિટી માટે અથાક કામગીરી બજાવી છે. કાયદા, ફાઈનાન્સ અને બિઝનેસના ક્ષેત્રોમાં વ્યાપક કારકિર્દીઓ ધરાવતા સીબીએ ૧૯૭૬માં ગુજરાત સમાચાર નામે ઓળખાતા ગુજરાતી ન્યૂઝવિક્લીને સ્વહસ્તક લીધું ત્યારે પોતાનો સાચો અનુરાગ સમજાયો હતો. સીબીની રાહબરી હેઠળ ગુજરાત સમાચાર અને તેના સાથી પ્રકાશનો યુકેમાં તેમના પ્રકારના સૌથી વધુ વેચાતાં પ્રકાશનો બન્યા એટલું જ નહિ, આપણી કોમ્યુનિટીમાં સર્વોચ્ચ આદર અને વિશ્વસનિયતાનું પ્રતીક બની રહ્યા છે. વર્ષો દરમિયાન ગુજરાત સમાચાર અને એશિયન વોઈસે રેસ ઈક્વલિટી અને ડાયવર્સિટી, નેશનાલિટી, ઈમિગ્રેશન સહિત વિવિધ મુદ્દાઓ પર અભિયાનો ચલાવ્યા છે તેમજ આપણા પૂર્વજોની ભૂમિ ગુજરાતના મુદ્દાઓ હાથ ધર્યાં છે.

સીબી અંગત રીતે પણ અનેક અભિયાનોમાં સંકળાયેલા છે જેમાં સૌથી પ્રસિદ્ધ અભિયાન ૯૦ના દાયકાના આરંભમાં વોટફર્ડના હરે કૃષ્ણ મંદિરને બંધ કરાવા સામેનું લડત અભિયાન હતું. તેમણે એક ઉદ્દેશ માટે સાથે મળી લડવા બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. યુકેમાં બ્રિટિશ ભારતીયોને આ રીતે ઝૂંબેશમાં સાંકળવાની આ સૌ પ્રથમ ઘટના હતી. બ્રિટિશ ભારતીયોએ પ્રથમ વખત પાર્લામેન્ટની બહાર કૂચ યોજી હતી અને જ્યારે આખરે આપણો અવાજ સંભળાયો ત્યારે કોમ્યુનિટીમાં જે ગૌરવ અને ગર્વની લાગણી છવાઈ હતી તે મને હજુ યાદ છે.

તાજેતરના વર્ષોમાં સીબી ગુજરાત જવા માટે આવશ્યક ડાયરેક્ટ ફ્લાઈટ માટેના અભિયાનના કેન્દ્રમાં રહ્યા હતા. આજે કોમ્યુનિટી તેનો વ્યાપક લાભ મેળવી રહી છે પરંતુ, બ્રિટિશ ભારતીયોએ ગુજરાતમાં પૂર્વજોની ભૂમિના શહેરોમાં જવા વર્ષો સુધી જે લાંબી યાત્રા-પ્રવાસો કરવા પડતા હતા તેની કલ્પના કરવા આજે મુશ્કેલ છે. ફરી એક વખત સીબી આ અભિયાનના કેન્દ્રમાં હતા જેમની ભૂમિકાને ગુજરાતના અનેક મુખ્ય પ્રધાનોએ બિરદાવી હતી.ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં વેમ્બલી સ્ટેડિયમ ખાતે પ્રસિદ્ધ સંબોધનમાં ‘જીવંત સેતુ’ સ્થાપવાના અથાક પ્રયાસો બદલ સીબી પટેલનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને યુકેના મુખ્ય સમાજપ્રવાહ અને વિશેષતઃ રાજકીય પ્રક્રિયામાં એકીકૃત કરવાના કાર્યમાં એશિયન વોઈસ અને ગુજરાત સમાચારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. આજ સુધી, સીબી અને તેમના ન્યૂઝવિક્લીઝ ગૌરવપૂર્ણ રીતે નિષ્પક્ષ રહ્યા છે અને તમામ રાજકારણીઓને (મારા સહિત!) નિર્ભયતાથી ઉત્તરદાયિત્વના પાઠ ભણાવ્યા છે. દરેક તબક્કે અમારી કામગીરીનો ખુલાસો કરવા સતત પડકારાયા છે.

સીબી સામાજિક - નાગરિક એકરસતાના પ્રણેતા રહ્યા છે. ૧૦૦ જેટલા ગુજરાતી એસોસિયેશનોનું પ્રતિનિધિત્વ કરતી છત્રરુપ સંસ્થા NGCO અને તેઓ જેના પેટ્રન છે તે હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રખર સમર્થક અને પ્રોત્સાહક રહ્યા છે. આ ઉપરાંત, સીબી બ્રિટન અને ભારતમાં તેમના પરોપકારી કાર્યો, વિશેષતઃ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ તેમજ અન્ય પ્રાકૃતિક આપદાઓ પછી પુનર્વસનના પ્રયાસો માટે પણ પ્રખ્યાત છે

જોવાની વાત તો એ છે કે હાલમાં સીબી વૃદ્ધ થઈ રહ્યા છે પણ તેમનું અખબાર યુવાન બની રહ્યું છે. વર્તમાનમાં એશિયન વોઈસ ન્યૂઝવિક્લી આવતી કાલના ભવિષ્ય સમાન યુવા બ્રિટિશ ભારતીયોને આકર્ષી રહેલું વિશાળ માધ્યમ છે. ૧૫ -૨૦ વર્ષ પહેલાં આપણા ઘણાં બાળકો ગુજરાતી વાંચી અને લખી શકતાં ન હોવાનાં વ્યવહારુ કારણસર એવો ભય લાગતો હતો કે આ દેશમાં આપણાં બાળકોમાં આપણી ગુજરાતી પરંપરાઓ અને ઈતિહાસનો લોપ થઈ જશે, તેનો અંત આવી જશે. પરંતુ, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસે આમ થતું અટકાવ્યું છે અને તેના બદલે આપણી સંસ્કૃતિનું પુનર્સ્થાપન થાય એટલું જ નહિ, આપણા યુવાનોમાં તે મજબૂત બને તે માટેનો માર્ગ ઘડ્યો છે.

આજના એશિયન વોઈસમાં રુપાંજના દત્તા, શેફાલી સક્સેના અને અલ્પેશ પટેલ સહિત પ્રતિભાશાળી જર્નાલિસ્ટ કાર્યરત છે અને આ તો થોડાં જ નામ છે. ગુજરાત સમાચાર પાસે જ્યોત્સનાબહેન શાહ, કોકિલાબહેન પટેલ, નીલેશ પરમાર અને અન્યો સહિત અનુભવી જર્નાલિસ્ટ્સની ટીમ છે. તેઓ જે કાર્ય કરી રહ્યા છે તે આપણી કોમ્યુનિટીને યુકેમાં માહિતગાર અને પ્રસ્તુત બની રહેવા માટે અમૂલ્ય છે તેમાં કોઈ શંકા નથી.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter