પ્રિય વાચક મિત્રો,
આપના પ્રિય સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર - Asian Voice આજે પાંચમી મે ૨૦૨૦ના રોજ ૪૮મો સ્થાપનો દિન ઉજવી રહ્યા છે. આનંદનો આ અવસર આપના પ્રેમ અને ઉષ્માભર્યા સાથ-સહકાર થકી જ શક્ય બન્યો છે. ગુજરાત સમાચારની આ પ્રકાશન યાત્રાના પ્રેરણાસ્રોત અપ્પાસાહેબ પંત છે તો પ્રાણલાલ શેઠ, કુસુમબહેન શાહ, નલીનકાન્ત ટી. પંડ્યા, બલવંતસિંહ કપૂર, યુદ્ધવીર પાયાના પથ્થરસમાન છે. ભારતના બ્રિટનસ્થિત કાર્યકુશળ હાઇ કમિશનર અપ્પાસાહેબે ૫ મે, ૧૯૭૨ના રોજ ગુજરાત સમાચારની પ્રથમ આવૃત્તિનું વિમોચન કર્યું ત્યારથી આ પ્રકાશન યાત્રા અવિરત ચાલતી રહી છે. સમયાંતરે New Life અને તેમાંથી Asian Voiceનો જન્મ થયો. જ્ઞાનસેવા-સમાજસેવા-વિશ્વસનિયતાનો ત્રિવેણીસંગમ રચનાર ગુજરાત સમાચાર -Asian Voice આજે લોકહૃદયમાં આગવું સ્થાન ધરાવે છે તે વાતનો અમને આનંદ પણ છે, અને ગૌરવ પણ છે. વીતેલા વર્ષોમાં અમને સાથ-સહકાર - સમર્થન - પ્રોત્સાહન આપનાર વાચકો, લેખકો, વિજ્ઞાપનદાતાઓ સહિત સહુ કોઇ શુભેચ્છકો-સમર્થકોનો આ પ્રસંગે અમે આભાર માનીએ છીએ. આપ સહુના સહયોગ - આશીર્વાદ વગર આ મુકામ શક્ય નહોતો. ૪૯ વર્ષમાં પ્રવેશેલા ગુજરાત સમાચાર - Asian Voiceને ભવિષ્યમાં પણ આપનો આવો જ સાથ-સહકાર-સમર્થન મળતા રહેશે તેવી અભ્યર્થના સહ...
આપનો,
સી.બી. પટેલ
પ્રકાશક-તંત્રી