ગુજરાતના પ્રથમ ઔષધ નિયામકઃ ભુપેન્દ્ર પટેલ

Thursday 08th August 2019 08:14 EDT
 
 

મોટા સરકારી અમલદારો પાર્ટી લેવા ટેવાયેલા હોય, આપવા નહીં ત્યારે એક વિશિષ્ટ ગુજરાતી ઉચ્ચ કક્ષાના સરકારી અમલદાર જે અવિભક્ત મુંબઈ રાજ્યના અને પછીથી ગુજરાતના પ્રથમ ઔષધ નિયામક બન્યા તે ભુપેન્દ્ર પટેલની આ વાત છે. રાજ્યમાં બનતી કોઈ પણ દવા એમના દ્વારા પ્રમાણિત ના થાય તો દવા બજારમાં મૂકી જ ના શકાય. નિયત ધોરણો મુજબનું એનું ઉત્પાદન થયું છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ઔષધ નિયામકની. તે વાંધા-વચકા કાઢે તો ફાર્માસ્યુટિકલ્સ કંપનીને લાખો કે કરોડો રૂપિયાનું ખર્ચ માથે પડે. આવી કંપનીઓના માલિકો ભુપેન્દ્રભાઈને ખુશ રાખવા મથે પણ ભુપેન્દ્રભાઈ કોઈની પાર્ટી ના સ્વીકારે. કોઈની ભેટ વસ્તુ કે પૈસાના રૂપમાં કદી સ્વીકારે નહીં. મુંબઈ રાજ્યના અને પછીથી ગુજરાત રાજ્યના ઔષધ નિયામક બન્યા ત્યારે માત્ર એમણે કાયદાપાલનનો આગ્રહ રાખ્યો. ઉદ્યોગપતિ મિત્રોને એ સાચી સલાહ આપે. વિદેશમાં કોઈ નવી દવા શોધાઈ હોય તો તેનું ભારતમાં ઉત્પાદન કરવા સૂચવે.
ભુપેન્દ્રભાઈની પ્રામાણિકતા અને નિષ્ઠાનો ચેપ દવા ઉત્પાદકોને લાગતો. કોઈ દવા ઉત્પાદક એમની નામંજુર થયેલી દવાની ભલામણ કરવા આવવાની હિંમત જ ના કરતા. જેની સાથે મૈત્રી હોય તેવા દવા ઉત્પાદકની ફેક્ટરી સજાના ભાગરૂપે થોડોક સમય માટે બંધ કરાવવામાં પણ એમને શેહશરમ નડતાં નહીં. કોઈનાય પર મહેરબાની બતાવાય કે કોઈનીય ખોટી રીતે કનડગત થાય એ તેમને પસંદ ન હતું. દવાઓની ગુણવત્તા સુધરે અને ઉત્પાદન વધે એ જ એમનું ધ્યેય રહેતું. સરકારી જવાબદારીને ઈશ્વરકાર્ય માનીને તે પાર પાડતા. પોતે ના હોય ત્યારે પણ તંત્ર સરખું ચાલે માટે એવા માણસો તૈયાર કરવામાં એમને ખાસ રસ હતો. આથી જુદી કોન્ફરન્સોમાં વડા તરીકે પોતે જવાને બદલે પોતાના હાથ નીચેના માણસોને મોકલતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના ખર્ચે પરદેશ જવામાં તેમણે પોતાના મદદનીશને મોકલ્યા હતા. કર્મચારીઓને પોતાના સ્વજનની જેમ સાચવતા પણ એમની ગેરરીતિ ચલાવી ના લેતા.
પ્રખર રાષ્ટ્રભક્તિ છતાં આધુનિક ટેકનોલોજીમાં ભારત પાછળ ના રહે માટે આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ એસોસિએશનો સાથે ભારતના સંબંધ બંધાય એના તે હિમાયતી હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાની આંતરરાષ્ટ્રીય સમિતિના એ સભ્ય હતા.
ભુપેન્દ્ર પટેલ ૧૯૧૬માં લખનૌમાં જન્મેલા. પિતા વલ્લભભાઈ લખનૌમાં ડોક્ટર હોવાથી તેમનું ભણવાનું ત્યાં જ થયેલું. લખનવી ઉછેરથી ખાવા-ખવડાવવાના શોખીન હતા. ભુપેન્દ્રભાઈ ભણવામાં હોંશિયાર હતા. સાથેસાથે સુથારીકામ, પ્લમ્બિંગ અને કોતરકામના પણ નિષ્ણાત હતા. પોતાનું કામ જાતે કરતા. સાદગીમાં જીવતા.
મુંબઈમાંથી બી.એસસી. થયા પછી લંડનમાં બી.ફાર્મ. થયા. તે જમાનામાં ભારતમાં ક્યાંય ફાર્મસી કોલેજ ન હતી. આથી તેમને ઊંચા હોદ્દા પર સમાવી શકાય તેવી નોકરી પણ ન હતી. સ્પેશ્યાલિટી વિક્સી ન હતી. બી.એસસી. થયેલા ત્યારે મોટી મોટી લેબોરેટરીઓમાં કામ કરતા. સરકારી ખાતામાં અદ્યતનીકરણ ન હતું. આથી ઔષધ નિયમન તંત્ર જ ન હતું. તે માટે અમુક ડિગ્રી જોઈએ તેવો નિયમ ન હતો, લંડનથી આવીને પૂનાની હાફકીન ઈન્સ્ટિટ્યુટમાં જોડાયા. તેમના કામ, ધગશ અને નિષ્ઠાથી એમની નામના વધી. આ પછી મુંબઈ રાજ્યના ઔષધ નિયમન તંત્રમાં જોડાયા. થોડા વખતમાં તેમને ઔષધ નિયામક બનાવાયા. ટેક્નિકલી ફાર્માસિસ્ટ ડિગ્રીધારી, તેમણે ઔષધ નિયમન ધારા કેવા હોવા જોઈએ તેનું પોતાની કામગીરી દ્વારા ઉદાહરણ પૂરું પાડ્યું. ૧૯૪૦નો ઔષધ નિયમન ધારો તેમણે અમલી બનાવ્યો. મુંબઈ રાજ્યમાં તેમની કામગીરીથી સમગ્ર દેશમાં મુંબઈ રાજ્ય પ્રગતિશીલ મનાયું. બીજા રાજ્યોએ મુંબઈના કાયદાનું અનુકરણ કર્યું.
૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય થતાં તેમને ગુજરાતના ઔષધ નિયામક બનાવ્યા. તેમણે વડોદરામાં સરકારી લેબોરેટરી બનાવી તે દેશમાં નમૂનેદાર મનાવા લાગી. ૧૯૭૨માં ભુપેન્દ્રભાઈ નિવૃત્ત થયા અને ૧૯૭૪માં અવસાન થયું. તેમના ચાહકોએ બી.વી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સ્થાપ્યું. તે હાલ વિવિધ પ્રવૃત્તિ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter