એક વર્ષ અગાઉ પ્રગતિશીલ ગુજરાત રાજ્યના પ્રથમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે અમદાવાદમાં મારું આગમન થયું હતું. યુકે ગુજરાતમાં ડિપ્લોમેટિક મિશન ખોલનારો સર્વ પ્રથમ દેશ છે. અમે એટલા માટે આમ કર્યું કે ગુજરાત અમારા માટે મહત્ત્વનું છે. તેનું રાજકીય મહત્ત્વ તો છે જ, સાથોસાથ આર્થિક દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે. આ ઉપરાંત, યુકેમાં ગુજરાતી મૂળના ૬૦૦,૦૦૦થી વધુ લોકો વસે છે ત્યારે તેનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ પણ વધી જાય છે.
ગુજરાતી લોકો ૧૯મી સદીથી યુકેમાં આવતાં રહ્યાં છે. આ કાળથી જ રાજકારણ, અર્થતંત્ર અને ખાસ કરીને રીટેઈલ સેક્ટર, સંસ્કૃતિ અને ચોક્કસપણે ખાદ્યક્ષેત્રોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર અને રચનાત્મક રહ્યું છે. લંડન, બર્મિંગહામ, લેસ્ટર અને સમરસેટમાં નાની ગ્રામીણ કોમ્યુનિટીમાં પણ ગુજરાતી ડાયસ્પોરા દ્વારા સતત રચનાત્મક પ્રદાનને જાતે જ નિહાળવાનો આનંદ પણ મને ગત સપ્તાહે મળ્યો છે.
ભારતમાં યુકે સરકારનું નેટવર્ક વિશ્વમાં કોઈ પણ દેશમાં- યુએસ અને ચીન કરતા પણ મોટુ- અમારા નેટવર્ક્સમાં સૌથી વિશાળ છે. આપણા ઐતિહાસિક સંબંધો, સામાન્ય ભાષા (અંગ્રેજી) તેમજ લોકશાહીના મૂલ્યો, કાયદાના શાસનને સન્માન, સહિષ્ણુતા અને અનેકતાના આપણા સહભાગી મૂલ્યોને જોતાં તે સર્વથા યોગ્ય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત નવેમ્બરમાં યુકેની મુલાકાત દરમિયાન ભારત અને યુકેનું વર્ણન ‘અજેય સંયોજન’ તરીકે કર્યું હતું. આ મુલાકાત દરમિયાન, ૯ બિલિયન પાઉન્ડથી વધુ કિંમતના વાણિજ્ય સોદાઓ પર સમજૂતી થઈ હતી. યુકે ભારતમાં સૌથી મોટા જી-૨૦ ઈન્વેસ્ટરનું સ્થાન ધરાવે છે, જ્યારે ભારત યુકેમાં રોકાણ અર્થે સૌથી મોટુ ત્રીજું રોકાણકાર છે. તાજેતરમાં અમદાવાદમાં નવા બ્રિટિશ કાઉન્સિલ કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન થયું તે પણ ગુજરાતની પ્રજા સાથે સંબંધો વિકસાવવા અને વિસ્તૃત કરવાની યુકેની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ છે.
ગુજરાતમાં રહેવા વિશે મારી પ્રાથમિક છબી દરેક રીતે હકારાત્મક રહી છે. ગુજરાતમાં ‘અતિથિ દેવો ભવ’ વાસ્તવમાં એક સૂત્રથી પણ વધુ છે. મેં ભૂજથી વાપી, જામનગરથી હિંમતનગરનો પ્રવાસ ખેડ્યો છે અને મને દરેક સ્થળે ઉદાર, સાચા અને ભવ્ય આતિથ્ય સાથે આવકાર સાંપડ્યો છે. પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગસાહસિકતાની ભાવનાને કાર્યશીલ થતી જોવાનો આનંદ પણ મને મળ્યો છે. હું આગામી ત્રણ વર્ષના વસવાટમાં ગુજરાતને વધુ નજીકથી નિહાળવા અને આપણી બન્ને કોમ્યુનિટીઓને લાભપ્રદ ગાઢ સંબંધો વિકસાવવા આતુર રહીશ.
જ્યોફ વેઈનનો પરિચય
ગુજરાતસ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઈન કેરિયર ડિપ્લોમેટ છે. તેઓ ૧૯૮૩માં ડિપ્લોમેટિક સર્વિસમાં જોડાયા હતા અને પાકિસ્તાન, કેમેરુન, લીસોથો, તુર્કી, ફિલિપ્પાઈન્સ, જર્મની અને મોન્ટેનેગ્રોમાં ઓવરસીઝ પોસ્ટિંગમાં સેવા આપી છે. આ કામગીરી ઉપરાંત, તેમણે લંડનમાં પૂર્વ સોવિયેત સંઘ સાથેના સંબંધો, પરંપરાગત શસ્ત્રોના અપ્રસાર, માનવીય અને નાણાકીય સ્રોતોના સંચાલન અને અફઘાન ઓપરેશન્સ સહિત વ્યાપક મુદ્દાઓ પર કામ કર્યું છે. તેમણે જાન્યુઆરી ૨૦૧૫માં અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય માટે પ્રથમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે કામગીરી સંભાળી હતી. યુકે ગુજરાતમાં રાજદ્વારી પ્રતિનિધિત્વ ધરાવનાર પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્ર છે, જ્યાં તેની પ્રાથમિકતાઓમાં દ્વિપક્ષી વાણિજ્ય અને રોકાણ તકોને ઉત્તેજન, ગુજરાતી રાજકારણ અને અર્થકારણ વિશે વિશદ સમજ કેળવવી તેમજ સંસ્કૃતિ, મીડિયા અને સ્પોર્ટ્સના ક્ષેત્રોમાં સંપર્કો ઉભાં કરવાનો સમાવેશ થાય છે. જ્યોફના લગ્ન પૂર્વ ડિપ્લોમેટ કેથલીન સાથે થયેલા છે અને તેમની પુત્રી સાયકોલોજી વિષયનો અભ્યાસ કરે છે.


