હેરો લેઝર સેન્ટરમાં મેં શુક્રવારે રાત્રે કિર્તીદાન ગઢવીને સાંભળ્યા ત્યારે મારું મન ભૂતકાળમાં સરી ગયું. વર્ષો પહેલા ભૂજમાં સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન પ્રસંગે મેં લીધેલી ગુજરાતની મુલાકાત તાજી થઈ. તે પ્રસંગની ઉજવણીમાં લોકોનો જુસ્સો અને ઉત્સાહ અદભૂત હતા. હેરોના ગુજરાતનો મને જે અનુભવ છે તેવી જ પ્રતિબદ્ધતાનો મને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના સૌથી મહત્ત્વના રાજ્યનો છે.
૧લી મે ગુજરાત ડે - ૧૯૬૦માં આધુનિક ગુજરાત રાજ્યની રચના થઈ તેને તેમજ ગુજરાતીઓએ ભારત, બ્રિટન અને વિશ્વભરમાં આપેલા યોગદાનને યાદ કરવાનો દિવસ.
મારી અગાઉની મુલાકાતોમાં મને અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક અને સાબરમતીમાં મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાતનું સદભાગ્ય સાંપડ્યુ હતું. આઝાદીની લડાઈમાં આ બે અગ્રણીઓએ આપેલા યોગદાનથી સૌ કોઈ વાકેફ છે અને તેની વિશ્વભરમાં ઉજવણી થાય છે. તેનાથી થોડીક હળવી નોંધ લઈએ તો ગુજરાત હવે વિશ્વના શ્રેષ્ઠ બોલર રવિન્દ્ર જાડેજાને લીધે પણ ગૌરવ લઈ રહ્યું છે.
ગુજરાત એવું રાજ્ય છે જેણે ભારત અને યુકેમાં ઘણું પ્રદાન આપ્યું છે અને વૈશ્વિક ફલક પર તેનો પ્રભાવ પડી રહ્યો છે. ૨૦૧૫માં વેમ્બલી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના થયેલા શાનદાર અભિવાદન અને સ્વાગતથી મેં ફરીથી તેનો અનુભવ કર્યો હતો.
બ્રિટિશ સમાજમાં પણ ગુજરાતીઓનો વિશેષ ફાળો રહ્યો છે અને હવે યુકે અને ભારત વચ્ચેના સંબંધો કેવી રીતે વધુ ગાઢ બની શકે તે જોવા હું આતુર છું. તેના માટે ટ્રાન્સપોર્ટ લીંક વધે અને આપણે ગુજરાતી મૂલ્યો અને સંસ્કૃતિને વધુ આદર આપીએ તે ખૂબ આવશ્યક છે. તાજેતરમાં જ શરૂ થયેલી અમદાવાદ અને લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટના અભિયાનને મેં મજબૂત સમર્થન આપ્યું હતું. વધુમાં હેરોના મહેનતુ વિદ્યાર્થીઓને ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવવાની સારી તક મળે તે માટે હેરોની સ્કૂલ્સ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી વચ્ચે પાર્ટનરશીપ કરાવી હતી.
પરંતુ, ટોચના સ્તરે ચિંતા કરાવે તેવા સંકેતો છે, કારણ કે થેરેસા મેના નરેન્દ્ર મોદી સાથેના સંબંધોની શરૂઆત ખરાબ રહી હતી. ગયા નવેમ્બરમાં થેરેસા મેની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન બન્ને વચ્ચે ટકરાવ થયો હતો. થેરેસા મેનો આગ્રહ હતો કે ઈમિગ્રેશન વિશેની તેમની પસંદગી મુજબની મર્યાદામાં જ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાય, તેનાથી ઉલટું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસની મંજૂરી આપવાના મહત્ત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.
સૌથી તેજસ્વી અને શ્રેષ્ઠ માનવસ્રોતને બ્રિટન ભણી આકર્ષવાનું ચાલુ રાખીએ તે મહત્ત્વનું છે. બ્રેક્ઝિટ પછી આપણે નવા સંબંધો વિકસાવી રહ્યા હોવાથી ઉદાહરણ તરીકે ગુજરાતી વિદ્યાર્થીઓને યુકેની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભણવા માટે પ્રોત્સાહિત કરીએ તો તે બન્ને દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે.
વાટાઘાટોના ટેબલથી અલગ ઈયુના ૨૭ દેશો શું કરશે તેના પર થેરેસા મેનું કોઈ નિયંત્રણ નથી. પરંતુ, આપણા અર્થતંત્રનું રક્ષણ તેમની ટોચની પ્રાથમિકતા નથી તેવો સ્પષ્ટ સંકેત થેરેસા મેએ આપી દીધો છે. યુરોપ સાથેના વ્યાપારી સંબંધ ઓછાં કરવાની પ્રતિક્રિયા કોમનવેલ્થ દેશો અને ખાસ કરીને ભારત સાથેના આપણા સંબંધ વધુ ગાઢ બનાવવા માટેની હોય તો થેરેસા મેએ નબળી શરૂઆત કરી છે.
દુનિયાને ગુજરાતે જે અદભૂત આર્થિક, સાંસ્કૃતિક અને રમતગમત સંબંધી યોગદાન આપ્યું છે તેની ઉજવણી કરવાની તક ગુજરાત ડે પૂરી પાડે છે. મારા જેવા રાજકારણીઓ માટે હેરોની કોમ્યુનિટી જેવી આપણી કોમ્યુનિટીઝ અને ગુજરાતના સમુદાયો વચ્ચેના સંબંધો આપણે કેવી રીતે વધુ ગાઢ બનાવી શકીએ તે વિચારવા માટેનો આ સમય છે. ગાઢ સંબંધ જ પારસ્પરિક સમૃદ્ધિ જાળવવામાં અને તેને વધારવામાં મહત્ત્વના બની રહેશે.