ગુરુ શ્રી રામકૃષ્ણ અને શિષ્ય વિવેકાનંદનો ધર્મ

છ મહિના ઈસ્લામનું અનુસરણઃ શ્રી રામકૃષ્ણ મિશન ભારતની સુપ્રીમ કોર્ટ સુધી

ડો. હરિ દેસાઈ Wednesday 08th February 2017 05:47 EST
 
 

પ્રાચીન અને અર્વાચીનનો સુમેળ સાધીને હિંદુ ધર્મના તમામ ફિરકાઓના એકીકરણના આગ્રહી એવા શ્રી રામકૃષ્ણ મિશન માટે બે આસ્થાસ્થાન છે. એક, ગુરુ શ્રી રામકૃષ્ણ અને બીજા મિશનના સંસ્થાપક એવા પશ્ચિમી વિશ્વને પૂર્વના સનાતન ધર્મ એટલે કે હિંદુ ધર્મનો છેક ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મ સંસદમાં પ્રભાવીપણે પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદ.
ગુરુ મૂળે ઉચ્ચ વર્ણીય ઈશ્વરપરાયણ બ્રાહ્મણ પરિવારમાં ૧૮ ફેબ્રુઆરી ૧૮૩૬ની પરોઢે જન્મેલ તેજસ્વી સંતાન નામે ગદાધર. શિષ્ય નરેન્દ્રનો કાયસ્થ પરિવારમાં જન્મ. બંગાળના બ્રાહ્મણ અને ક્ષત્રિયના સંગમ થકી આધ્યાત્મિક ક્ષેત્રે જે ક્રાંતિની કાંતિ જોવા મળી એ શ્રી રામકૃષ્ણ મિશનના સેવા, ધર્મ અને શિક્ષણના બહુમુખી આયામોમાં વ્યાપ્ત અને દેશદેશાવરમાં પ્રસ્થાપિત જીવંત ધર્મસંસ્કારનો મઘમઘાટ.

ધર્મભેદ નહીં, સૌનો સંગમ

શ્રી રામકૃષ્ણ મિશન પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદે સ્થાપીને એનું સંવર્ધન કર્યું. પૂર્વ અને પશ્ચિમના શિષ્યો-શિષ્યાઓ એમાં સામેલ થયાં. ભગિની નિવેદિતા પણ એનું બહુચર્ચિત નામ. સાધુઓનું સમર્પણ સમાજસેવામાં એટલે સ્તો વિભિન્ન ધર્મના અનુયાયી પણ એના સેવાપ્રકલ્પો સાથે પોતાને જોડતાં ગર્વ અનુભવે. શ્રી રામકૃષ્ણને ભગવાન લેખાવવાની પરંપરા પણ અહીં દૃઢ થઈ ગઈ અને આ મિશનના અનુયાયીઓના હિંદુથી નોખા ધર્મની પણ!
‘એ વખતે હું અલ્લાહનું નામ લેતો, મુસલમાની લુંગી ધારણ કરતો, અકીકની તસ્બી ફેરવતો અને નિયમિત રીતે પાંચ વખત નમાજ પઢતો. મથુરબાબુને કહીને ખાવાપીવાની વ્યવસ્થા મુસલમાની ઢબની કરાવી હતી. કાલીમંદિરમાં જતો જ નહીં. તમામ હિન્દુ વિચારો મેં મારા મનમાંથી બહાર કાઢી નાખ્યા હતા. હિન્દુ દેવતાઓને વંદન કરવાનું બંધ કર્યું એટલું જ નહીં પરંતુ એમનાં દર્શને જવાની વૃત્તિ જ મારામાં ઊઠતી નહીં. એ ભાવમાં ત્રણ દિવસ સુધી રહ્યા પછી મને ઈસ્લામની સાધનાના ફળરૂપ એક અદભૂત અનુભવ થયો. એક દેદીપ્યમાન અને ભવ્ય મુખમુદ્રા તથા લાંબી દાઢીવાળા તેજસ્વી મહાપુરુષનાં દર્શન થયાં, અને પછી મારું મન સગુણબ્રહ્મની અનુભૂતિમાંથી પસાર થઈને છેવટે નિર્ગુણ બ્રહ્મમાં લીન થઈ ગયું.’
આ શબ્દો શ્રી રામકૃષ્ણના છે. એમણે છ મહિના સુધી મુસ્લિમ તરીકે રહેવાનું પસંદ કર્યું હતું. આ શબ્દો કોઈ શ્રી રામકૃષ્ણના વિરોધી કે ઈસ્લામ ધર્મપ્રચારકના ગ્રંથમાંથી અમે લીધા નથી. ‘શ્રી રામકૃષ્ણદેવઃ જીવનચરિત્ર’ શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ દ્વારા પ્રકાશિત ગ્રંથમાંથી જ એ મૂક્યા છે. આ ગ્રંથની અત્યાર લગી હજારો નકલો પ્રકાશિત થઈ છે અને ઉપરોક્ત અવતરણ એની એપ્રિલ ૨૦૧૨માં પ્રકાશિત આઠમી આવૃત્તિમાંથી લેવાયું છે. ત્યાં લગી એની ૪૪,૬૦૦ નકલો છપાયેલી છે!
ગદાધર ક્યારેક સ્ત્રીના વેશમાં મા કાલીના મંદિરમાં ચામર ઢોળતો હોય, ક્યારેક આંસુ સાથે ‘હરિ હરિ’ બોલતો પાગલની પેઠે ફરતો હોય, ક્યારેક સંન્યાસીના ભગવાં પહેરતો હોય કે ક્યારેક વળી મુસલમાન બનીને અલ્લાહના નામની બાંગ પણ પોકારતો હોય. એના ગ્રામજનોને થતું કે આપણો ગદાધર શું એવો ચસકેલ ભેજાનો થઈ ગયો હશે? જોકે, ગદાધર જરાય ગાંડો નહોતો. બંગાળની સુધારાવાદી ચળવળના પ્રણેતાઓ જ નહીં. નાસ્તિકો પણ એનાથી પ્રભાવિત થતા રહ્યા.

શિષ્ય નરેન્દ્રનાથનું ઈશ્વર સામે બંડ

શ્રી રામકૃષ્ણ પોતાના શિષ્યોને પોતાની પૂરેપૂરી કસોટી કર્યા સિવાય નહીં સ્વીકારવાનો આગ્રહ રાખતા. શિષ્ય નરેન્દ્રનાથ પણ કાંચનત્યાગની પરીક્ષા કરી જોઈ હતી. જોકે આ જ નરેન્દ્રનાથે ગુરુની પરીક્ષા તો કરી લીધી હતી, પણ ઈશ્વર સામે બંડ પોકાર્યું હતું. એણે છડેચોક કહેવા માંડ્યું કે ઈશ્વર નથી જ, અને હોય તો એ બૂરો છે. એને પોકારવાથી કાંઈ વળતું નથી! પરિણામ એ આવ્યું કે એ લોકનિંદાને ચાકડે ચડ્યો. એના ઉપર શરાબી, ચારિત્ર્યહીન અને નાસ્તિક હોવાના આરોપો મુકાયા. વાત શ્રી રામકૃષ્ણ પાસે પહોંચી. એ ગુસ્સે થયા. નરેન્દ્ર વિશે ફરિયાદ કરનારને ચૂપ કરતાં કહ્યું કે એ એવો કદાપિ થઈ શકે નહીં. તું જો ફરી વાર મારી પાસે આવું બોલીશ તો હું તારું મોઢું પણ જોઈશ નહીં.
ગુરુ વિશે આગળ જતાં નરેન્દ્રનાથ કહેતાઃ ‘મને મળ્યા તે ઘડીથી જ શરૂઆત કરીને ઠેઠ સુધી જો કોઈએ મારામાં એકસરખો વિશ્વાસ મૂક્યો હોય તો તે એકલાં શ્રી રામકૃષ્ણ જ હતા. મારી માતા તથા ભાઈઓએ પણ મારામાં એવો વિશ્વાસ મૂક્યો ન હતો. મારા તરફ એમણે જે અખૂટ વિશ્વાસ અને પ્રેમ દર્શાવ્યાં તેનાથી જ હું સદાને માટે એમની પાસે બંધાઈ રહ્યો. બીજા માણસને કેમ ચાહવો એ તો એકલા એ જ જાણતા હતા. સંસારીઓ તો માત્ર સ્વાર્થ સાધી લેવા માટે પ્રેમનો ડોળ કરતા હોય છે.’
પોતાના આધ્યાત્મિક ગુરુ શ્રી રામકૃષ્ણ પરિણીત હોવા છતાં એમનાં પત્ની મા શારદા દેવી સાથેના એમના સંબંધ દૈહિક નહીં, પણ આધ્યાત્મિક હતા. કેશવચંદ્ર સેનથી લઈને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સુધીના બંગાળી સુધારકો શ્રી રામકૃષ્ણના સંપર્કમાં આવ્યા વિશે ધન્યતા અનુભવતા હતા. છેલ્લે શ્રી રામકૃષ્ણ ગળાના કેન્સરની વ્યાધિથી ગ્રસ્ત હતા અને એમણે મહાસમાધિ પહેલાં નરેન્દ્રનાથ એટલે કે સ્વામી વિવેકાનંદમાં પોતાનાં આધ્યાત્મિક તત્વોને આરોપિત કર્યાં હતાં.
શ્રી રામકૃષ્ણના ઉપદેશને વિશ્વમાં સર્વ દિશામાં અને સર્વ ભાષામાં પ્રસરાવવામાં સફળ સ્વામી વિવેકાનંદે પણ માત્ર ૩૯ વર્ષની યુવાવયે જ જીવનલીલા સંકેલી લીધી. છતાં એમણે બતાવેલા માર્ગે શ્રી રામકૃષ્ણ મિશન અને બેલૂર મઠની વિશ્વવ્યાપી શાખાઓમાં કાર્યરત ભણેલા-ગણેલા સાધુઓ થકી એ વૈશ્વિક સંદેશ આજેય પ્રસારિત થઈ રહ્યો છે. શિક્ષણ સંસ્થાઓના સંચાલન અને સેવા પ્રકલ્પોમાં પણ શ્રી રામકૃષ્ણ મિશનનો જોટો જડવો મુશ્કેલ છે.

શ્રી રામકૃષ્ણ મિશન અને હિંદુ હોવાનો નકાર

જોકે, ક્યારેક ‘હું હિંદુ હોવાનો ગર્વ અનુભવું છું.’ એવો શિકાગો વિશ્વ ધર્મ સંસદમાં ટંકાર કરનાર સ્વામી વિવેકાનંદે સ્થાપેલા શ્રી રામકૃષ્ણ મિશને એની શતાબ્દી પછીના સમયમાં પોતાના અનુયાયીઓનો ધર્મ હિંદુ નહીં હોવાનાં સોગંદનામાં છેક કોલકાતા વડી અદાલતથી લઈને ભારતની સર્વોચ્ચ અદાલત સુધી કર્યાં ત્યારે અનેકોને આઘાત લાગ્યો હતો! એ પહેલાં લઘુમતી કોમ તરીકેના લાભ મેળવવા માટે આર.કે. મિશનને કેટલાંક ભારતીય રાજ્યોમાં ધાર્મિક લઘુમતી જાહેર કરવામાં આવ્યાથી એણે અહિંદુ છબિ ઉપસાવવા કોશિશ કરી. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા આર.કે. મિશનના સોગંદનામા (એફિડેવિટ)માં મિશનના અનુયાયીઓ હિંદુ હોવાનું નકારાયું. તેમનો ધર્મ ‘શ્રી રામકૃષ્ણવાદ’ (રામકૃષ્ણઈઝમ) હોવાનું જણાવાયું. સદનસીબે એમના આવા વલણને ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ કુલદીપસિંહ એન. વેંકટચલા અને એસ. સગીર અહેમદે નકારી કાઢીને તેમને હિંદુ જ જાહેર કર્યાં. જોકે, થોડાંક વર્ષો પહેલાં મિશનના વડાએ આ લેખકને પાઠવેલા ઈ-મેઈલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં પોતે એફિડેવિટને વળગી રહેશે એવું લખ્યું હતું.
વધુ વિગત માટે વાંચોઃ Asian Voice 21st January 2017 અથવા ક્લિક કરો વેબલિંકઃ https://www.asian-voice.com/ News/India/Swami-Vivekananda-and-his-Religion


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter