ઘણી બધી ગુજરાતી અને ભારતીય સંસ્થાઓની માફક મેં પણ થોમસ ગેરેથને પત્ર લખ્યો છે. કેટલાક પાયાના પ્રશ્નો ઉઠાવનારા આ ગુજરાતીને ગેરેથ પ્રત્યુત્તર પાઠવે તે માટે હું છેક 17 માર્ચથી રાહ જોઈ રહ્યો હતો પરંતુ, આજની તારીખ સુધી તેઓ શરમના કિલ્લામાં છુપાઈ રહ્યા પછી પાઠવેલા ઉત્તરમાં પોતાના નકામા બયાનનો પુનરુચ્ચાર જ કર્યો છે. પૂછાયેલા પાયાના પ્રશ્નોનો ઉત્તર વાળવાનો જરા પણ પ્રયાસ કર્યો નથી. હકીકત છે કે ગુજરાતીઓ માટે APPG રચવાના બહાના હેઠળ તેમણે જે કાંઈ કર્યું છે તેનો ઉત્તર વાળવાની તેમની હાલત જ નથી. તેમના આ કારનામાને 95 ટકાથી વધુ ગુજરાતીઓએ એક ઝાટકે ફગાવી દીધાનું જાણતા જ તેમને ભારે આંચકો લાગ્યો હશે. આ કૃપાદૃષ્ટિ રાખનારા રાજકારણીએ તો ગુજરાતી કોમ્યુનિટીની કેટલીક કઠપૂતળીઓથી ખુદને ઘેરી રાખ્યા છે.
મેં સાંભળ્યું છે તેમ તેમણે પોતાની APPGના લોન્ચિંગમાં હાજર રહેવા કેટલાક ગુજરાતી ચમચાઓની ભરતી કરી છે અને મને જરા પણ શંકા નથી કે આ વાંસળીવાદક પોતાના પીઆર કેમ્પેઈનને કામે લગાડી દઈ આ કાર્યક્રમને ભારે સફળતા મળ્યાના જોરશોરથી દાવાઓ કરશે. જો ગેરેથને વાસ્તવમાં સત્યમાં જ રસ હોય તો તેઓ અસત્યના અગ્રદૂત બન્યા ન હોત અને વણજોઈતી APPG માટે દુરાગ્રહ કરતા ન હોત તેમજ જે કોમ્યુનિટીના પ્રતિનિધિત્વનો દાવો કરી રહ્યા છે તેની ઈચ્છા વિરુદ્ધ આગળ વધ્યા ન હોત.
વધુ ગંભીર મુદ્દાઓ પણ છે. ગેરેથ થોમસ લેબર પાર્ટીના કેર સ્ટાર્મરની કેબિનેટમાં ઈન્ટરનેશનલ ટ્રેડના શેડો મિનિસ્ટર છે. જેનો અર્થ એવો પણ થાય કે ગેરેથ જે કરે છે તેને કેર અને લેબર પાર્ટીની બહાલી છે. ગેરેથ દ્વારા ઉપયોગમાં લેવાતી ભારત તોડો ટૂલ કિટ લેબર પાર્ટીની પોલિસી છે જે ભારત અને ભારતીયોને વિવિધ મુદ્દાઓ પર નીચાજોણું કરાવવા વ્યવસ્થિતપણે અમલી બનાવાય છે. આંતરરાષ્ટ્રીય બાબતો માટે આ ચિંતાજનક સમાચાર છે કારણકે જો લેબર પાર્ટી કદી પણ સત્તા પર આવશે તો તેની નીતિ ભારત તોડોની જ રહેશે. આપણે જ્યારે મોદીવિરોધી ઉશ્કેરાટ, ભારતવિરોધી વર્ણનો, કાશ્મીરના ઉલ્લેખ સાથે આતંકવાદી દેશ પાકિસ્તાનને સપોર્ટ, ખાલિસ્તાની ગુંડાગીરીને સમર્થન, આર્ટિકલ 370, ખેડૂતોનો વિરોધ અને હિન્દુફોબિક કટ્ટરતા અને અન્ય ઘણા મુદ્દાઓ પર ભારતને હાનિ પહોંચાડવા મુદ્દે વિચારીએ ત્યારે આ સમજાય છે. લેબર પાર્ટી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) સાથે મળીને કામ કરતી હોવાનું જણાય છે. તેઓ બંને ડગલે અને પગલે ભારતને હાનિ પહોંચાડવા આ જ ટૂલ કિટનો ઉપયોગ કરતા જણાય છે. રાહુલ ગાંધીને તાજેતરની મુલાકાતમાં લેબર પાર્ટીમાં મિત્રોના દર્શન થયા તેમાં કોઈ આશ્ચર્ય નથી.
હું કેર અને ગેરેથને યાદ કરાવું કે હજારો ગુજરાતીઓ (ભારતીયો)ના નેતાઓએ આ વિભાજક APPG વિશે શું કહેવાનું છેઃ
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ મિસિસ તૃપ્તિબહેન પટેલે કહ્યું છે કે,‘ આ તો અકલ્પનીય છે કે આપણી સમક્ષ એક બ્રિટિશ રાજકારણી છે જેઓ યુકેમાં ગુજરાતી અને ભારતીય કોમ્યુનિટીની બહુમતીની ઉપેક્ષા કરી રહ્યા છે અને ગુજરાતી APPG મુદ્દે આગળ વધી રહ્યા છે. એ પણ નિરાશાજનક છે કે આપણા કેટલાક રાજકારણીઓ કોમ્યુનિટીની ઈચ્છા પર ખુલ્લેઆમ ખીલા ઠોકી રહ્યા છે. આપણે આશા રાખીએ કે તેમને સદ્બુદ્ધિ સાંપડશે.’
આશરે 40,000 સભ્ય ધરાવતા અને લેસ્ટરસ્થિત હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ ગ્રૂપ (HCOG)ના વિનોદભાઈ પોપટનું સચોટ નીરિક્ષણ છે કે,‘ગેરેથ થોમસે શરમજનક વર્તણૂકથી પોતાની અપ્રામાણિકતા દર્શાવી છે. હેરો વેસ્ટમાં કોઈ પણ ભારતીય કેવી રીતે તેમના જેવા રાજકારણીનો કદી ભરોસો કરી શકે જેઓ કોમ્યુનિટીના અવાજને અવગણી રહ્યા છે?’
તેમને ટેકો આપતા બ્રિટિશ હિન્દુ વોઈસના મુકેશ નાકેર ઉમેરે છે કે,‘ ગેરેથે જે રીતે આ વણજોઈતી APPG સ્થાપી છે તે સૂચવે છે કે તેઓ ગુજરાતી કોમ્યુનિટીના કલ્યાણ નહિ પરંતુ, પોતાની અંગત મહત્ત્વાકાંક્ષાથી પ્રેરિત છે. બધા ભારતીયો તેમના વલણથી જાણી શકે છે કે તેમના જેવા રાજકારણી કોમ્યુનિટી માટે નહિ પરંતુ, માત્ર ખુદના રાજકીય ઉદ્દેશોની જ કાળજી રાખે છે.’
શ્રી પ્રજાપતિ એસોસિયેશન (યુકે)ના પ્રમુખ કમલેશ મિસ્ત્રીએ જણાવ્યું છે કે,‘ગુજરાતી સભ્યો સાથેની અમારી સંસ્થાને આ ગ્રૂપની રચના, તેના ઉદ્દેશ સંબંધિત કોઈ પ્રકારનો પત્રવ્યવહાર મળ્યો નથી. અમે માનીએ છીએ કે યુકેમાં અમારી તેમજ અન્ય હિન્દુ અને ગુજરાતી સંસ્થાઓ સાથે યોગ્ય પરામર્શ કરાયો નથી.’
પ્રોફેસર સુનિલ પોશાકવાલે (MBA, PhD, ક્રેનફિલ્ડ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સના પ્રોફેસર)એ ટ્વીટ કરી છે કે,‘ગેરેથ થોમસMP આ APPG ને સપોર્ટ કરી કોઈનું ભલુ કરી રહ્યા નથી તે મુદ્દે સહમત છું. બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટી એકસંપ છે અને અલગ @APPGBGujaratisની કોઈ જરૂર નથી.’
NCGO ના પૂર્વ સેક્રેટરી જનરલ પ્રવીણ પટેલે પણ ટ્વીટ કરી છે કે,‘ગુજરાતીઓને ચેતવું છું કે લેબર પાર્ટી અથવા તેના સાંસદોનો કોઈ વિશ્વાસ કરશો નહિ, તેઓ તમારો અને દેશનો વિનાશ કરશે. લેબર પાર્ટી ભારતવિરોધી અને હિન્દુવિરોધી માનસિકતાના તત્વોથી ભરચક છે. તેમનું લક્ષ્ય આપણને વિભાજિત કરવાનું છે. બહિષ્કાર કરો, તેમના મધભરેલા શબ્દો અને વચનોનો ભરોસો ન કરશો.’
આ સપ્તાહે મને નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ (NCHT)નો પત્ર મળ્યો છે જેમાં તેમના પ્રમુખ અરૂણ ઠાકુર સ્પષ્ટ લખે છે કે APPG ની કોઈ જ જરૂર નથી. તેઓ કહે છે,‘NCHT ગુજરાતી ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) રચવાના વિચાર મુદ્દે ગંભીર ચિંતા ધરાવે છે. ઘણા ભારતીય સંગઠનોએ તમારો સંપર્ક કર્યો ત્યારે તમારે તત્કાળ અટકી વિચાર પાછો ખેંચી લેવો જોઈએ. આ સાહસ ભારત, યુકે, કોમ્યુનિટી તેમજ લેબર પાર્ટી અને ખુદ તમારા માટે લાભકારક નથી.’
આ જ રીતે, નૈનેશ પટેલ (છ ગામ નાગરિક મંડળ, યુકેના જનરલ સેક્રેટરી) લખે છે કે,‘ ગુજરાતીઓની તમામ જરૂરિયાતોનું નિરાકરણ ભારતીયો, હિન્દુઓ અને અન્ય ધાર્મિક જૂથોની વર્તમાન APPG મારફત લવાય છે ત્યારે નવા ગ્રૂપની રચનામાં કોઈ લાભ નથી.’ જોકે, આપણી કોમ્યુનિટીમાં કેટલાક લોકો એવા પણ છે જેમણે મૌન સાધીને પોતાના અને તેમની સંસ્થાઓને સંકટમાં મૂકી દીધા છે. ગેરેથે તેમના પર કેવો જાદુ ચલાવ્યો છે કે તેઓ પોતાનાનો જ દ્રોહ કરવા તૈયાર થયા છે? તમારી કોમ્યુનિટી, તમારી સંસ્કૃતિ અને તમારી આસ્થાને છેહ આપી દ્રોહી બનવું તે અસ્તિત્વનું સૌથી નિમ્ન સ્તર ગણાય. મને એવી માહિતી પણ મળી છે કે ગેરેથ અને લેબર સાથે ગાઢ નાતો ધરાવતા આપણા કેટલાક જાણીતા સંગઠનોના થોડા ટ્રસ્ટીઓએ તેમના પદ, તેમના ગુરુઓ અને તેમની કોમ્યુનિટીને જોખમમાં મૂક્યા છે. મને ખાતરી છે કે તેમનો પણ ક્યારેક પર્દાફાશ થઈ જશે.
મને એવા સમાચાર પણ મળી રહ્યા છે કે APPGનો હિસ્સો બનવા સહી કરનારા કેટલાક સાંસદોને હવે ગંભીર શંકા ઉપજી છે. જોકે, ગેરેથને નહિ. તેણે તો લાંબો લેખ લખી આવી APPGની તરફેણમાં અનેક બહાના રજૂ કર્યા છે. જોકે, તેના નિવેદન પર જરા નજર ફેરવતા જ સમજાય છે કે તેમણે જે કહ્યું છે તેનું નિરાકરણ તો અન્ય ગ્રૂપ્સ અને સંગઠનોએ લાવી જ રહ્યાં છે. વાસ્તવમાં તેમની આવી APPGની કોઈ જરૂર નથી કે તે જોઈતી નથી તેમ કહેવામાં કોમ્યુનિટી તદ્દન સાચી છે.
રસપ્રદ બીના એ છે કે આ જ ગેરેથ હજુ ગુજરાતીનો ઉચ્ચાર કરવાનું શીખી રહ્યા છે. તેઓ ગુજરાતીને ‘Guajarati’ લખે છે. સાચુ કહીએ તો, એક શ્વેત બ્રિટિશ રાજકારણી, જે સરખો ઉચ્ચાર પણ કરી શકતા નથી તે આપણી અવગણના કરીને, આપણા ગુજરાતીઓને કહે છે કે આપણા માટે શું સારું છે. બ્રિટિશ રાજ તો ખતમ થઈ ગયું પરંતુ, લાગે છે કે કેટલાક લોકોમાં તે આજે પણ જીવંત છે.
ભારતીય કોમ્યુનિટી આગામી સામાન્ય ચૂંટણીમાં તેમના આ દ્વોહની તેમને યાદ અપાવશે. અને જે લોકો ગેરેથની સોડમાં ઘૂસી ગયા છે તેમને મારે આટલું જ કહેવાનું છે, તમે તમારી કોમ્યુનિટીના દ્રોહી-વિશ્વાસઘાતી છો.
બેન્જામિન ફ્રેન્કલિનના શબ્દોમાં કહું તો,‘ કાવાદાવા અને કપટ તો મૂર્ખાઓની રીતભાત છે જેમની પાસે પ્રામાણિક થવા જેટલું મગજ હોતું નથી.’
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


