ગત ગુરુવારે બેટલી એન્ડ સ્પેનના શાણા મતદારોએ કીમ લીડબેટરની તરફેણમાં મતદાન કરીને માત્ર ૩૨૩ મતની સરસાઈથી (૨૦૧૭ની સરસાઈમાં ૧૬,૪૫૮ મતનો ઘટાડો હતો) લેબર પાર્ટીને પોતાના સંસદીય પ્રતિનિધિ તરીકે જાળવી રાખી છે. જરા વિચારો તો ખરા, ૨૦૧૭ પછી લેબર પાર્ટીના મતોમાં આ ૫૫ ટકાનું ધોવાણ થયું છે.
લેબર પાર્ટી અને મુસ્લિમ કોમ્યુનિટીના અગ્રણીઓ દ્વારા જે પ્રકારનું વર્ણન અથવા જોરદાર પ્રચાર થઈ રહ્યો હતો કે મુસ્લિમ મતદારો મોટા પાયે લેબર પાર્ટીનો બહિષ્કાર કરવાના છે અને આ મત ચળકતા બખતર સાથેના તેમના પ્રસિદ્ધ સરદાર - સેન્ટ જ્યોર્જ ગેલોવેના કોથળામાં સમાઈ જશે. એક બાબત ચોક્કસ છે કે મેં આપ સહુને થોડા સપ્તાહ અગાઉ જ માહિતગાર કર્યા હતા કે આ ચૂંટણીમાં થોડાઘણાં મુસ્લિમો ગેલોવેની તરફેણ કરશે પરંતુ, આમ સાગમટે થશે નહિ, તેઓ લેબર પાર્ટીને છોડશે નહિ અને છોડી શકે તેમ પણ નથી કારણકે લેબર પાર્ટી તેમના માટે આખરી અને એકમાત્ર આશરો છે.
મુસ્લિમ કોમ્યુનિટીએ એક જ કાર્ડ રમવાનું હતું અને એ તે કે લેબર પાર્ટી જેની ઘૃણા કરતી હોય તેને ચૂંટી કાઢવાનું. તેમના ઉદ્ધારક- તારણહારને માત્ર ૮,૨૬૪ મત જ મળ્યા. હું સ્વીકારું છું કે આ ઘણી સારી સંખ્યામાં મત મળ્યા કહેવાય પરંતુ, આપણે એક બાબતે સ્પષ્ટ થઈ જઈએ કે ગેલોવેને મુસ્લિમ મતોની બહુમતી મેળવવાની હતી અને લેબર પાર્ટીથી અસંતુષ્ટ અન્ય મતદારો પણ તેમની તરફેણમાં આવવાના હતા. આ બે અસંતુષ્ટ વોટ બેન્ક્સ પણ લેબર પાર્ટીને હટાવી શકી નહિ.
આનાથી આપણને લેબર પાર્ટી અને મુસ્લિમ વોટ બેન્કની તાકાત વિશે શું જાણવા મળે છે? લેબર પાર્ટીની વાત કરીએ તો, આ સરળ વાત છે, તેઓ રક્તસ્રાવની માફક રાષ્ટ્રીય સ્તરે તમામ બાજુએથી લેબર પરિવારોના મત ગુમાવી રહ્યા છે. જો કોઈ ચમત્કાર નહિ થાય તો, સ્ટાર્મર (જો તેઓ લેબર પાર્ટીના નેતા રહ્યા હશે તો) આગામી જનરલ ઈલેક્શન ગુમાવશે. જો મુસ્લિમ મતબેન્કની વાત કરીએ તો, વોટબેન્કના રાજકારણ પર આધારિત તેમના બનાવટી આક્રોશનો પર્દાફાશ થઈ ગયો છે. તેમની પાસે હાથ પર રહેલી તમામ તાકાત, ગેલોવે પ્રચાર અભિયાનને જોરશોરથી આગળ વધારી રહ્યા હતા અને તેમની સમગ્ર કોમ્યુનિટી પર મીડિયાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત થયું હોવા છતાં, ખરો સમય આવ્યો ત્યારે ઘણા મુસ્લિમોએ લેબર પાર્ટીની તરફે જ મતદાન કર્યું.
તો હવે આગામી સામાન્ય ચૂંટણીમાં મુસ્લિમ કોમ્યુનિટી સૌથી સારો દેખાવ કેવી રીતે કરી શકશે?
ઉપરના કોષ્ટક પર નજર કરો જેમાં, મુસ્લિમ મતદારોની ગણનાપાત્ર બહુમતી છે તેવા યુકેના ૧૫ સંસદીય મતક્ષેત્રો દર્શાવાયા છે. લેબર પાર્ટી આ તમામ મતક્ષેત્રોમાં નોંધપાત્ર બહુમતી ધરાવે છે જેમ તેમની બેટલી એન્ડ સ્પેન મતક્ષેત્રમાં હતી. આથી, જો તેમની ધારણા કે અપેક્ષા મુજબ સારા દેખાવ સાથે બધું સમુસુતરું પાર ઉતરે તો આ બેઠકો પર લેબર પાર્ટીને અટકાવવાનું મુસ્લિમ વોટબેન્ક માટે શક્ય છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન તો એ રહે જ છે કે આ મત કોની પાસે જશે? જો તેઓ ગેરહાજર રહે તો તેમને કશું મેળવવાનું રહેતું જ નથી. જો તેઓ પોતાની ઈસ્લામિક પાર્ટીને સપોર્ટ કરવા માગે તો બ્રિટિશ મતદારો આવી પાર્ટીને સ્વીકારશે ખરાં? જો આ બેઠકો પર વિજય મળવાની તક ધરાવતો કોઈઅન્ય રાજકીય પક્ષ છે ખરો? હા, ટોરી પાર્ટી છે. આપણે બધા જાણીએ છીએ તેમ મુસ્લિમ વોટબેન્ક કદી સાગમટે ટોરી પાર્ટીની તરફે મતદાન કરશે નહિ.
આથી, જ્યારે આ બધાં બૂમબરાડા, ચીસાચીસ કે કાગારોળ, તદ્દન ખોટો આક્રોશ, ધમકીઓ અને ક્રોધાવેશ-ખીજ અટકે ત્યારે જો કેર સ્ટાર્મર મુસ્લિમ વોટ બેન્કના તુષ્ટિકરણ-મનામણાનો ઈનકાર કરી દેશે તો તેમના માટે કોઈ ચિંતા ઉભી થાય ખરી? આનો ઉત્તર તદ્દન સહેલો છે, જરા પણ નહિ. વાસ્તવમાં, તેમની પાસે લેબર પાર્ટીને બચાવવાનો એક માત્ર માર્ગ આ પ્રકારના તુષ્ટિકરણ-મનામણાને ફગાવી દેવાનો તેમજ એન્ટિસેમેટિઝમ-યુહુદીવાદવિરોધ અને હિન્દુવિરોધ/ભારતવિરોધના ઘૃણિત રાજકારણને નાબૂદ કરવાનો છે.
તમામ રાજકીય પક્ષો માટે એક સાદો-સરળ બોધપાઠ છે. જ્યારે તમે લોકો અને તેમના મત પોતાના ખિસ્સામાં જ હોવાનું માનતા થશો તો તે અંતનો આરંભ બની રહેશે. બ્રિટનને એક સારા વિપક્ષની જરુર છે જે દેશ માટે વિચારતો હોય, લેબર પાર્ટી જેવો નહિ જેને હાલ રાષ્ટ્રવિરોધી પાર્ટી તરીકે માનવામાં આવે છે. કેર સ્ટાર્મર, તમારે કઠોર નિર્ણયો લેવા પડશે, તમારી પાર્ટીને દેશના કલ્યાણ માટે બચાવો.
મુસ્લિમ મતનું ઊંચુ પ્રમાણ ધરાવતી સંસદીય બેઠકો
MEND (મુસ્લિમ એન્ગેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ યુકે)ના ૨૦૧૯ના મેનિફેસ્ટોની ગ્રાફિક માહિતી
ક્રમાંક સંસદીય બેઠક કુલ વસ્તી મુસ્લિમ વસ્તી મુસ્લિમ ટકાવારી
૧. બ્રેડફોર્ડ વેસ્ટ ૧૧૬,૫૩૬ ૫૮,૮૭૨ ૫૦.૫૧
૨. બર્મિંગહામ હોજ હિલ ૧૨૭,૭૫૧ ૬૩,૪૧૭ ૪૯.૬૪
૩. બર્મિંગહામ હોલ ગ્રીન ૧૧૮,૫૪૬ ૫૩,૯૯૦ ૪૫.૫૪
૪. બ્લેકબર્ન ૧૦૭,૨૨૧ ૩૮,૮૮૭ ૩૬.૨૭
૫. બ્રેડફોર્ડ ઈસ્ટ ૧૧૬,૯૪૩ ૪૨,૦૫૬ ૩૫.૯૬
૬. ઈસ્ટ હામ ૧૫૮,૨૮૩ ૫૬,૦૦૮ ૩૫.૩૮
૭. ઈલ્ફર્ડ સાઉથ ૧૪૧,૧૦૨ ૪૫,૭૫૭ ૩૨.૪૩
૮. બર્મિંગહામ લેડીવૂડ ૧૩૮,૦૨૫ ૪૪,૬૨૬ ૩૨.૩૩
૯. બેથનાલ ગ્રીન એન્ડ બાઉ ૧૪૧,૨૬૭ ૪૪,૪૦૯ ૩૧.૪૪
૧૦. પોપ્લાર એન્ડ લાઈમ હાઉસ ૧૫૩,૯૬૯ ૪૩,૨૮૭ ૨૮.૧૧
૧૧. માન્ચેસ્ટર ગોર્ટન ૧૧૬,૮૮૯ ૩૨,૦૧૦ ૨૭.૩૮
૧૨. લેસ્ટર સાઉથ ૧૨૨,૭૨૪ ૩૩,૧૫૨ ૨૭.૦૧
૧૩. વોલ્ધેમસ્ટો ૧૧૫,૮૪૯ ૨૮,૨૦૭ ૨૪.૩૫
૧૪. વેસ્ટ હામ ૧૭૪,૫૩૪ ૪૨,૪૪૮ ૨૪.૪૨
૧૫. ઓલ્ધામ વેસ્ટ એન્ડ રોયટોન ૧૦૫,૮૩૩ ૨૫,૨૨૦ ૨૩.૮૩
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)