ગત થોડા દાયકાઓ કરતાં વધુ સમયથી કમજોર શ્વેત યુવા છોકરીઓ (અને અન્ય કોમ્યુનિટીઓની છોકરીઓ સહિત)નું યૌનશોષણ કરતી મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો સાથેની ગ્રૂમિંગ ગેંગ્સનું દુષણ વકરી રહ્યું છે. સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણીઓ સહિત દરેક જાહેર સંસ્થાઓ આ છોકરીઓને બચાવવામાં નિષ્ફળ રહ્યા છે.
હું આ કોલમ લખી રહ્યો છું ત્યારે વાચકોને ચોકસાઈ સાથે કહી શકું છું કે દેશના કોઈ પણ વિસ્તાર કે તમારી નજીકના ટાઉનમાં પણ આ પાગલપણું આજે પણ યથાવત્ છે. ગ્રેટર માન્ચેસ્ટરમાં બાળ યૌનશોષણ સંદર્ભે મલ્ટિ-એજન્સીના પ્રતિસાદોની અસરકારતા વિશે સ્વતંત્ર એસ્યોરન્સ રીવ્યૂનો રિપોર્ટ ગત સપ્તાહે પ્રસિદ્ધ થયો તેમાં ઘણી સંસ્થાગત નિષ્ફળતાઓ વિશે નિંદાપૂર્વક જણાવાયું તેનાથી મને જરા પણ આશ્ચર્ય થયું નથી. રોચડેલમાં તાજેતરના નહિ તેવા બાળ યૌનશોષણમાં તપાસ અને ‘ઓપરેશન સ્પાન’નો રીવ્યૂ માલ્કોમ ન્યૂસામ CBE અને ગેરી રિજવે દ્વારા હાથ ધરાયો હતો. ગ્રૂમિંગ ગેંગ્સનાં આતંક અને કમજોર છોકરીઓને રક્ષણ આપવામાં નિષ્ફળ આપણી એજન્સીઓને જોરદાર વખોડી નાખનારા રીવ્યૂઝમાં આ એક છે.
આવા અપરાધો થયા છે તે શહેરો અને ટાઉન્સની યાદી પર મેં ઝડપી નજર ફેરવી છે. આ યાદી સંપૂર્ણ નથી પરંતુ, તમને આઈડિયા જરૂર આવી જશેઃ એઈલ્સબરી, બર્મિંગહામ, બ્લેકબર્ન, બ્રેડફર્ડ, બ્રિસ્ટોલ, કાર્ડિફ, કોવેન્ટ્રી, ડર્બી, હેલિફેક્સ, હડર્સફિલ્ડ, ઈપ્સવિચ,કિથ્લી, માન્ચેસ્ટર, ન્યૂકેસલ, ઓલ્ધામ, ઓક્સફર્ડ, પીટરબરો, પ્રેસ્ટન, રોચડેલ, રોધરહામ અને ટેલ્ફર્ડ.
તમને આ યાદીના નામોમાં કોઈ વિશિષ્ટતા જણાય છે? હું તમને સમજાવું. આ બધી જ લેબરના અંકુશ હેઠળની કાઉન્સિલો છે. આ માત્ર સંયોગ છે? કે પછી, કશું વધુ ભયાવહ છે? આ ટાઉન્સ અને શહેરો પણ બેઠકોની લક્ષ્યાંક યાદીમાં આવે છે જ્યાં મુસ્લિમ કોમ્યુનિટી તેમનો ઉમેદવાર ચૂંટાઈ આવે તેની ચોકસાઈ રાખવા ઈચ્છે છે. ચોક્કસ, આ તેમનો અધિકાર છે. તેમણે ટાવર હેમ્લેટ્સમાં જમાવેલા પ્રભુત્વનું પુનરાવર્તન કરવાના માસ્ટર પ્લાન વિશે પણ મેં સાંભળ્યું છે પરંતુ, આ રાષ્ટ્રીય સ્તરે કરવાનું છે. બ્રિટિશ કાયદામાં શરીઆના લક્ષણો દાખલ કરવા અને પાર્લામેન્ટમાં સત્તાની દલાલી કરવાની સ્થિતિ સર્જવાની ઈસ્લામિક કટ્ટરવાદીઓની જાહેર નીતિ રહી છે. પોતાનું ધાર્યુ કરાવવા તેમના તીવ્ર હઠાગ્રહ મુદ્દે તમારે તેમને અભિનંદન આપવા પડે.
ઓલ્ધામ વેસ્ટ એન્ડ રોયટોનના સંભવિત પાર્લામેન્ટરી ઉમેદવાર અને પીપલ્સ એલાયન્સ ઓફ ઓલ્ધામના રાજા મિંયાએ ટ્વીટ જણાવ્યું છેઃ ‘ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામની આ ઢાંકપીછોડામાં સંડોવણી છે. મોટા પાયે શું થયું હતું અને તે પછીનો ઢાંકપીછોડો કેવો હતો તે બહાર લાવવા પબ્લિક ઈન્કવાયરી સિવાય કશું નહિ જોઈએ. હું તો એક જ કારણ દર્શાવી શકું છું કે કિંગ ઓફ નોર્થ શા માટે આવી પબ્લિક ઈન્કવાયરીને સપોર્ટ કરવાનું નકારે છે. યુકેના લેબર રાજકારણીઓ તેમણે જે કર્યું છે તેના માટે જેલમાં પહોંચી જશે.’ આ તો માન્ચેસ્ટરના લેબર મેયર એન્ડી બર્નહામ સામે સીધો અને ખુલ્લો આરોપ છે. કોઈને પણ નવાઈ લાગશે કે 20મી અને 21મી સદીના સૌથી મોટા સેક્સ્યુઅલ કૌભાંડોમાં એક માટે સંપૂર્ણ પબ્લિક ઈન્કવાયરી શા માટે કરાઈ નથી?
બ્રિટિશ મીડિયાએ હજુ પણ ‘એશિયન’ શબ્દપ્રયોગ ચાલુ રાખ્યો છે. મને જરા પણ ખબર પડતી નથી કે ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝના સંદર્ભમાં આ શબ્દનો શું અર્થ થાય છે. મને એટલી જાણ છે કે હિન્દુ, શીખ, જૈન, ચાઈનીઝ, જાપાનીઝ, સિંગાપોરી, હોંગ કોંગર્સ, નેપાળી, શ્રી લંકન્સ અને અન્ય ઘણા બધા આ ઘૃણાસ્પદ અપરાધો માટે જરા પણ જવાબદાર નથી. INSIGHT UK ના રિપોર્ટ (ડિસેમ્બર 2023માં પ્રકાશિત) ‘બ્રિટિશ મીડિયા એન્ડ – હાઉ ડઝ ધ બ્રિટિશ મીડિયા પોર્ટ્રે હિન્દુઝ એન્ડ ઈન્ડિયન્સ?’માં જણાવાયું છે કે 91 ટકા પાર્ટિસિપેન્ટ્સે મીડિયા દ્વારા તેમને ‘બ્રિટિશ ઈન્ડિયન્સ’ અથવા ‘બ્રિટિશ હિન્દુ’ અથવા તો માત્ર ‘ઈન્ડિયન’ તરીકે જ ઓળખવામાં આવે તેવી પસંદગી વ્યક્ત કરી હતી. આનાથી વિપરીત, માત્ર 5 ટકાથી પણ ઓછાએ તેમની વ્યક્તિગત ઓળખ તરીકે ‘એશિયન’ શબ્દ વપરાય તેની તરફેણ કરી હતી.
હા, હવે ‘કાણાને કાણા જ કહેવા’નો સમય આવી ગયો છે. જો આપણે એક દેશ તરીકે આ સમસ્યાને જાહેરમાં નહિ જણાવીએ અને જાહેર સંસ્થાઓમાં બેઠેલાઓને તેમની નિષ્ફળતા બદલ જવાબદાર ઠરાવીશું તો પછી, આપણી પોતાની રક્ષા કેવી રીતે કરી શકીશું?
મને યાદ છે કે 2017માં લેબર સાંસદ નાઝ શાહ (બ્રેડફર્ડ વેસ્ટ) દ્વારા ટ્વીટ કરાઈ હતી કે, રોધરહામ અને અન્યત્ર જે શોષિત છોકરીઓ છે તેમણે માત્ર મોંઢા બંધ રાખવાની જરૂર છે. વૈવિધ્યતાના ભલા ખાતર.’ હું તમને યાદ કરાવવા માગું છું કે કેર સ્ટાર્મરે તાજેતરમાં જ સાંસદ નાઝ શાહને જ તેમના શેડો મિનિસ્ટર ફોર ક્રાઈમ રિડક્શન તરીકે નિયુક્ત કર્યા હતા! શું તમે જાણો છો કે 2016માં આ જ નાઝ શાહને એન્ટિસેમેટિઝમના આક્ષેપો લગાવાયા પછી થોડા સમય માટે લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયાં હતાં?
કેર સ્ટાર્મરના વડપણ હેઠળ લેબર પાર્ટી ઈસ્લામિક કટ્ટરવાદીઓ માટે સુરક્ષિત સ્વર્ગ બની છે. જે લોકો યહુદીવિરોધી મંતવ્યો, હિન્દુવિરોધી લાગણીઓ, ભારતવિરોધી અને ઈઝરાયેલવિરોધી વાકપટુતા ધરાવે છે તેઓ લેબર પાર્ટીમાં પોતાને સુરક્ષિત ગણે છે. મેં દરેકને 2014માં ચેતવણી આપી હતી કે લેબર પાર્ટી નૈતિકતાની નાદારીના માર્ગે આગળ ધપી રહી છે.
કોઈ પણ હિસાબે જથ્થાબંધ મત હાંસલ કરવા તુષ્ટિકરણની નીતિ કદી સાચી હોઈ શકે નહિ. આપણે સ્પષ્ટ થઈએ, જે લોકો આ પાર્ટીના જૂઠ્ઠાણાઓથી દોરવાઈ જવાનું ચાલુ રાખે છે, તેઓ સમજીવિચારીને જ આમ કરે છે. તમે આ દેશના પોતનો નાશ કરવામાં મદદ કરશો અને સમયાંતરે તમારી જાતને જ અવળી અસર પહોંચાડશો. મને ભય છે કે આ સમય આવશે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હશે. તમને ચેતવી દેવાયા હતા, આ કોઈ ટોરીઝને પસંદ કરવાની કે ટોરીઝને મત આપવાની વાત નથી; આ તો લેબર પાર્ટીની સરકાર દેશ માટે કેટલી ખરાબ બની રહેશે તે જાણવાની વાત છે. તમારા જોખમે જ તમે એ મત આપજો, તમારા દ્વારા ચૂંટણીના દિવસે કરાયેલી ભૂલ આ દેશને સ્વનાશના ચકડોળમાં બેસાડી શકે છે.


