ઘંટનાદ કહે છે, લેબર પાર્ટીને બચાવો

કપિલ દૂદકીઆ Wednesday 12th May 2021 06:59 EDT
 
 

યુકેમાં ચૂંટણીના દિવસ પહેલા એટલે કે પ મે સુધી, લગભગ તમામ મીડિયા આઉટલેટ્સ પોલ્સની અંદર કેવી રીતે ટોરીઝ નીચે સરકી રહ્યા છે અને લેબર પાર્ટી મોટી સફળતાના માર્ગે છે તેવી સ્ટોરીઝ પ્રકાશિત કરતા રહ્યા. જોકે, જમીન સાથે જોડાયેલા મારા જેવાનો અભિપ્રાય અને અનુભવ તદ્દન અલગ હતો. પરિણામો આવ્યા ત્યારે મીડિયાવાળાઓ અને લેબર રાજકારણીઓ ભારે આઘાતથી બેવડા વળી ગયા અને હું આરામથી સૂતા સૂતા વિચારતો હતો કે આવા સૌથી ખરાબ બીજા પરાજયથી લેબર પાર્ટીના વડા મથકે કોઈને કશો બોધપાઠ મળ્યો હશે ખરો?

આ પરિણામો નિર્દયીપણે આઘાતજનક છે. પાર્લામેન્ટરી સાયકલમાં આવા સમયે કોઈ વિશ્વસનીય વિપક્ષ શાસક પક્ષની બહુમતીમાં ભારે કે નોંધપાત્ર ગાબડું પાડી શકે તેવી ધારણા હોય છે. આનાથી વિપરીત, ખરેખર તો ટોરી પાર્ટીએ લેબર પાર્ટીના કહેવાતા મજબૂત કિલ્લાઓને ધ્વસ્ત કરી નાખ્યા છે.

લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મરે કહ્યુ છે કે,‘ લેબર પાર્ટીએ ઈંગ્લેન્ડમાં કામદાર લોકોનો ભરોસો ગુમાવી દીધો છે.’ જો લેબર પાર્ટી પોતાને બચાવવા આતુર હોય તો સ્ટાર્મરે આ નીચે લખેલું વાંચી જવાની જરુર છે.

૧. પાકિસ્તાની કોમ્યુનિટીના તરંગોનું તુષ્ટિકરણ કરવાનું બંધ કરો.

૨. એટલું સ્વીકારી લો કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.

૩. મિડલ ઈસ્ટના કટ્ટરવાદીઓને મનાવવા કે સંતુષ્ટ કરવાનું બંધ કરો.

૪. કોઈ પણ પ્રકારના યહુદીવિરોધવાદ (એન્ટિસેમેટિઝમ)ને અટકાવો.

૫. લેબર પાર્ટી દ્વારા ચલાવાતી ભારતવિરોધી, હિન્દુવિરોધી ઉશ્કેરણી પણ બંધ કરો.

૬. આપણા કાયદા અમલપાલન અને આર્મ્ડ ફોર્સીસને સમર્થન આપો.

૭. એક્સટિંક્શન રીબેલિયન, બ્લેક લાઈવ્ઝ મેટર તેમજ તેમનાં જેવાં અન્ય ચળવળિયા વોક જૂથોની ગુંડાગીરીને નકારી કાઢો.

૮. દેશ અને તેની જનતાની અવગણના-અવહેલના કરવાનું બંધ કરો.

૯. ઓળખનું રાજકારણ રમવાનું બંધ કરો.

૧૦. આ મૂલ્યોની અવહેલના કરતા લેબર રાજકારણીઓ અને સભ્યોની હકાલપટ્ટી કરો.

લેબર પાર્ટી બ્રિટિશ જીવનના કેન્દ્રથી એટલી દૂર થઈ ગઈ છે કે વાસ્તવમાં તે હવે રાષ્ટ્રવિરોધી પાર્ટી હોવાનો પર્યાય બની ગઈ છે. ચળવળિયા રાજકારણની વોટબેન્કને સંતોષમાં રાખવા જતા આ પાર્ટીએ પોતાના કેન્દ્રરુપ કામદાર વર્ગના મતદારોને નજરઅંદાજ કર્યા છે.

લેબર એવી પાર્ટી બની ગઈ છે જેણે એન્ટિ-સેમાઈટ્સ- યહુદીવિરોધીઓને ઉછરવા દીધા છે, હિન્દુવિરોધીઓને ધાકધમકી કરવા દીધી અને ભારતવિરોધી ટોળાંને દેશને રાક્ષસ તરીકે ચીતરવા દીધાં છે. આની સાથોસાથ પાર્ટીએ ખાલિસ્તાની કટ્ટરવાદીઓ અને હમાસના પાગલપનને પોતાનો અવાજ આપ્યો છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે ઘણા લોકો લેબર પાર્ટીને અસરગ્રસ્તો કે પીડિતોનાં નહિ પરંતુ, ગ્રૂમિંગ ગેંગ્સના રક્ષક કે તારણહાર તરીકે નિહાળે છે.

તમે જ્યારે આજની લેબર પાર્ટીને બનાવતાં વિવિધ ઘટકોને એક સાથે જોડો છો ત્યારે એક થીમ- વિચારને વિકસતો જોઈ શકો છો. એવું થીમ જે કટ્ટરવાદીઓ અને આ દેશને નુકસાન પહોંચાડનારાની તરફેણ કરી દેશ, તેની જનતા અને બ્રિટિશ સંસ્કૃતિને નકારે છે.

આ વૃતાન્તમાં જેરેમી કોર્બીનની નેતાગીરી હેઠળ ગતિશીલ બનેલા માર્ક્સવાદીઓનું પાગલપણું ઉમેરો તો શું થશે? નાદાર માર્ક્સવાદી વિચારધારાની કટ્ટરતાને જડતાથી વળગી રહેવાની તેમની માનસિકતા બ્રિટિશ જનતાનું માનસ સમજવામાં નિષ્ફળ રહી છે.

વર્તમાન લેબર પાર્ટી કેટલા બધા મુદ્દાઓ પર નિષ્ફળ રહી છે તેમાં કશું આશ્ચર્ય જણાય છે? જો સ્ટાર્મરને વિજેતા પાર્ટી જોઈતી હોય તો તેમના માટે મોટી સર્જરી કરવાનો સમય આવી ગયો છે. આનો અર્થ બ્રિટિશ માનસ માટે તદ્દન વિદેશી એવી વિચારધારાને ફગાવી દેવાનો, રંગભેદીઓની હકાલપટ્ટી કરવાનો, વોટબેન્કની રાજનીતિમાંથી પ્રગટતા આંતરરાષ્ટ્રીય રાજકારણથી અળગા થવાનો તેમજ ગ્રેટ બ્રિટન માટે લડનારી પાર્ટી બનવાનો છે.

આનો અર્થ એ પણ છે કે લેબર પાર્ટીએ વિભાજીત થવું પડશે. તે આગામી ચૂંટણી હારી જશે પરંતુ, બ્રિટિશ પ્રજાનો રણકાર દર્શાવે તેવી વધુ મજબૂત અને સુસંગત વિચારધારા સાથે પછીની ચૂંટણીઓ લડવા સજ્જ હશે.

માર્ક્સવાદીઓ, પાકિસ્તાનીઓ, ખાલિસ્તાની અને ઈસ્લામિસ્ટ્સ વાંધાવચકા કાઢશે પરંતુ, તેમને સંઘરનારું કોઈ નથી તે સમજાતા સમયાંતરે પાછાં આવી જશે. પ્રગતિશીલ જમણેરી લેબર પાર્ટી કદાચ જ્યુઈશ અને ભારતીય કોમ્યુનિટીના થોડાં વધુ મત પણ મેળવી શકશે.

તો મિ. કેર, તમારા સલાહકારોને રુખસદ આપવાનો સમય છે. તેમને કશી ખબર પડતી નથી. તમે મારી યોજનાને અનુસરો અને તમે લેબર પાર્ટીના ગ્રાસરુટ્સ સમર્થકોને પાછાં મેળવી શકશો. ઘંટનાદ થઈ રહ્યો છે, શું તમે લેબર પાર્ટીને બચાવવા ઈચ્છો છો?

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter