ઘર દીવડા - ડાયનેમીક વુમન ફાઉન્ડેશનના પ્રણેતા  મયુરા પટેલ

-જ્યોત્સના શાહ Wednesday 24th March 2021 07:40 EDT
 
 

"Goodness is an act that blind can see and deaf can hear. - Mark Twain (ભલમનસાઇ આચરણમાં મૂકવાથી આંધળા પણ જોઇ શકે છે અને બહેરાં પણ સાંભળી શકે છે"). આ અવતરણને અમલમાં મૂકી સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકવા સાથે જ હિન્દુ ધર્મ, આદ્યાત્મ અને સંસ્કૃતિના સંવર્ધન તેમજ મહિલા સશક્તિકરણનું અભિયાન આદરનાર મહિલા મયુરાબેન પટેલના કાર્યક્ષેત્રની ઝલક જોઇએ.
પાંચ-પાંચ દિકરાઓના કરૂણ મોત બાદ સંતાનમાં એક  દિકરી જ જીવતી રહી હોવાથી મયુરા મા-બાપની લાડકી દિકરી હતી. સંસ્કાર નગરી વડોદરામાં ૧૯૬૩માં જન્મ, શિક્ષણ અને ઉછેર. પિતાશ્રી ઠાકોરભાઇ અને માતા મધુરિકાબહેને દિકરીના ઉછેરમાં જરાય કસર રાખી ન હતી. એમ. એસ.યુનિવર્સિટીમાં બી.એ. કર્યું અને ભારત નાટ્યમમાં માસ્ટર કર્યું.  લંડનના યુવક સાથે ૧૯૮૬માં લગ્નગ્રંથીથી જોડાયાં અને બે દિકરાના માતા બન્યાં. ૧૯૮૭માં શ્યામનો અને ૧૯૮૮માં સાગરનો જન્મ થયો. બન્ને દિકરાઓ રક્ષાબંધનના પર્વે જ્ન્મયાં. જીવનમાં ખુશીઓનો વાસ કાયમ નથી રહેતો. કશુંય શાશ્વત નથી!
સંજોગવશાત્  છૂટાછેડા લેવા પડ્યા.. એકલે હાથે બે દિકરાઓને સારી રીતે ઉછેર્યા, ભણાવ્યા અને પરણાવ્યા પણ ખરાં! ઓશીકાં પર કેટલાય આંસુ રેલાવ્યા. જ્યારે મન કે આત્મા ઢીલા પડે ત્યારે હનુમાનદાદાનો મંત્ર શક્તિ પ્રદાન કરતો. પ્રાર્થના અને મંત્રનું બળ જીવનમાં સ્વસ્થતા લાવવામાં ખૂબ કામયાબ નીવડે છે એ એમનો સ્વાનુભવ છે.
.મેરા જીવન કોરા કાગઝનું આ ગીત "દુ:ખકે અંદર સુખકી જ્યોતિ, દુ:ખ હી સુખકા જ્ઞાન.
દર્દેસે હી જન્મ લેતા હૈ, હર કોઇ ઇન્સાન.. “જેવું એમણે જીવનમાં અનુભવ્યું છે.
 "જીવન એક રોશની જેવું છે. બીજાના જીવનમાં એનો ઉજાસ રેલાવો"  મા-બાપની એ શીખને માથે ચડાવી સમાજસેવામાં મયુરાબહેન સક્રિય બન્યાં. " સ્ત્રી સશક્તિકરણ માટે ૨૦૧૯માં 'ડાયનેમીક વુમન ફાઉન્ડેશનની સ્થાપના હાઉસ ઓફ પાર્લામેન્ટમાં કરી જેથી બહેનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે.  
આ વર્ષે આંતર રાષ્ટ્રીય દિન અને માતૃદિનની ઝૂમ ઉજવણી ૧૦ માર્ચના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, એશિયન વુમન્સ એસોસિએશન, જાગૃતિ વીમેન્સ ગૃપ, સંસ્કૃતિ ગૃપ, આર્ય સમાજ કલ્ચરલ સોસાયટીના સંયુક્ત સહકારથી કરી જેમાં ૧૦૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. દરેક સંસ્થાઓના એક્ઝીક્યુટીવ કમિટીના સભ્યોએ સ્ત્રી સશક્તિકરણ માટે પ્રેરક પ્રવચનો કર્યાં. જેમાંના  વક્તાઓમાં  બ્રહ્મા કુમારીસના સિસ્ટર જયંતિ, "ગુજરાત સમાચાર"ના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબહેન શાહ વગેરે હતાં. રાગાસુધા વિન્જામરીએ ડાન્સ પ્રસ્તુત કર્યો, અરૂણીમા કુમારે ડાન્સ ડેમો સાથે વક્તવ્ય  રજુ કર્યું. સુજાતા મેનન અને એમની બે દિકરીઓએ ક્વોરોન્ટાઇનમાં જીવનની ઝાંખી કરાવતું રૂપક રજુ કર્યું જેનું દિગ્દર્શન મયુરા બહેને કરાવ્યું હતું.
 ક્રોયડન, સાઉથ લંડનમાં નિવાસ કરતાં મયુરાબહેન વીસેક વર્ષથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. સ્થાનિક હિન્દુ કાઉન્સિલમાં પૂર્વ ચેરમેન પદ શોભાવ્યું. ક્રોયડન ફેઇથ લીડર્સ ફોરમના હિન્દુ પ્રતિનિધિ તરીકે અનુદાન આપી રહ્યાં છે. ક્રોયડનમાં દર વર્ષે દિવાળી મેળાના આયોજન કમિટીમાં સક્રિય ફાળો નોંધાવે છે. ગાયત્રી પરિવાર યુ.કે.ના સક્રિય સભ્ય છે. બ્રહ્માકુમારીસ સાથે પણ સંકળાયેલ છે. પેનેડેમીકના કપરાં સમયમાં વ્યક્તિગત અને સંસ્થાકીય ધોરણે જરૂરી સેવા સાદર કરી રહ્યાં છે. તાજેતરમાં યુ.કે.ની વસ્તીગણત્રી માટે હિન્દુઓને ફોર્મ ભરવા વિષયક સમજ આપતા ગુજરાતી વીડીયો પ્રચારમાં એમની મુખ્ય ભૂમિકા છે.  
“Be the change you want to see in others’’- Mahatma Gandhi. ગાંધીજીના આ મંત્રને જીવનમંત્ર બનાવી સમાજમાં રોશની પ્રગટાવનાર આવા દીપકો ધન્યવાદને પાત્ર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter