વ્યવસાય અને પરમાર્થનો સુભગ સમન્વય: મીતા રાજાણી

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Tuesday 19th January 2021 16:06 EST
 
 

કહેવાય છે કે આજના જમાનામાં સૌ પોતપોતાના જીવનમાં અતિ વ્યસ્ત હોય છે જેથી માતા-પિતા કે સ્વજનો માટે ય સમય ફાળવી શકતા નથી તો બીજા માટે સમય કાઢવાનો પ્રશ્ન તો દૂરની વાત! ખાસ કરીને બહેનોને તો વર-ઘર-છોકરાની જવાબદારી નિભાવવા સાથે જોબ કરવાની હોય તો બે ય પલ્લા વચ્ચે સમતોલપણું જાળવવું ભારે થઇ જાય. આવા સંજોગોમાં પરમાર્થ કરવાનો વિચાર પણ ના આવે. સ્વાર્થ વિના બીજાને મદદ કરનારા વિરલા જૂજ હોય છે. આ સપ્તાહના 'ઘર દીવડા"માં આપને આવી એક બહેનની વાત કરવી છે. ઘર-ઘરમાં આવી નાની નાની દિવડીઓથી સંસારની નાવ ચાલી રહી છે. આ દીવડીનું નામ છે મીતા રાજાણી. 

આશરે પચીસેક વર્ષ પહેલા ૨૫ વર્ષની મીતા પરણીને લંડન આવી ત્યારે માતા-પિતાના ચાર સંતાનોમાં સૌથી નાની અને લાડકવાયી હતી. લાડકવાયીની વિદાય અને એ પણ પરદેશમાં, એટલે વસમી તો લાગે જ. નાનપણથી જ સૌને ઉપયોગી બનવાની ટેક લીધી હોય એમ મીતા, નાના-મોટા સૌના કામ કરવા હંમેશા તત્ત્પર રહેતી.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી આર્કીટેક્ચરનો અભ્યાસ કરી અમદાવાદની વિખ્યાત CEPT યુનિવર્સિટી (સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી)માંથી ટાઉન પ્લાનીંગ પોસ્ટગ્રેજ્યુએટની ડીગ્રી મેળવી. ત્યારબાદ લગ્ન કરી લંડન આવેલી મીતા માટે લંડનની લોહચૂંબક જેવી ઇમારતોની બાંધણી એક નવું ચૂંબકત્વ બની રહી હતી. આ સ્વપ્નનીલ યુવતીએ લંડનમાં એક વિખ્યાત આર્કિટેક્ટ કન્સલ્ટીંગની ઓફિસમાં જોડાઇને કારકિર્દીની શરૂઆત કરી. લંડનના અનેક પ્રોજેક્ટોના બાંધકામ સાથે નવા "મેક ડોનાલ્ડ ચેઇન"ની આંતરિક ડીઝાઇન બનાવવામાં મીતાએ પોતાની આંતરસૂઝથી અનુદાન આપ્યું. ડીઝાઇન અને બાંધકામનો અનુભવ મેળવીને લંડનની કિંગ્સ્ટન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડીગ્રી મેળવી અનભવના ભાથામાં ઉમેરો કર્યો.
બે નાના બાળકો રોમા અને રાહુલની સારસંભાળ, ગૃહિણિની જવાબદારી સાથે પોતાનો અંગત વ્યસાય શરૂ કર્યો. આ નવા સાહસમાં પતિ નૈષેધ રાજાણીનો સહકાર મળ્યો. મીતાએ ઘરે ઓફિસ બનાવી કામ શરૂ કર્યું.
કોઇને મકાનમાં એક્સટેન્શન કરાવવું હોય કે લોફ્ટરૂમ બનાવવી હોય તો મીતા પોતાના નિજી લાભ માટે ટૂંકો માર્ગ અપનાવવાને બદલે વિસ્તૃત વાર્તાલાપ કરીને યોગ્ય માર્ગદર્શન આપે. અનેક વયોવૃધ્ધ દંપતિઓને, જેઓ ઇંગ્લેન્ડના કાયદાઓથી વાકેફ ન હોય તેઓને વિનામૂલ્યે માર્ગદર્શન આપે. ખાસ કરીને મહિલા સર્વેયરોને પ્રોત્સાહન આપવામાં તેમનું પ્રદાન ઘણું છે. પોતાના વ્યવસાય સાથે પરમાર્થને સુંદર રીતે વણીને મીતાએ સિધ્ધ કર્યું છે કે, “જ્ઞાન તો વહેંચવાથી જ વધે".
મીતાએ ભારતથી આવેલ પોતાની મોટીબહેનને લંડનમાં સેટલ થવામાં અને જ્યારે એના પતિ યુવાનીમાં કેન્સરનો ભોગ બન્યા ત્યારે પડખે રહી. બહેનના બે બાળકોની મા બની દેખભાળ રાખી અને હૂંફ આપી એક શ્રેષ્ઠ બહેન હોવાનું ય પુરવાર કર્યું.
સ્ત્રીઓ પોતાનું જીવન ઘડવા સક્ષમ હોય છે એનું આ ઉજળું ઉદાહરણ છે. ગમેતેવા સંજોગોનો સામનો કરી સિધ્ધિ મેળવવી એ પોતાના હાથમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter