“ગમતું કે નાગમતું બધું જ સ્વીકારીને ચાલવું એનું નામ જીંદગી. પરંતુ આવી પડેલ કોઇપણ સ્થિતિમાં ચહેરા પર હાસ્ય ફરકતું રહે એ જ સાચી જીવન જીવવાની કળા છે". જેના હાથમાં એ ચાવી આવી જાય એનું જીવન સાર્થક થયેલ જોઇ શકાય છે. મિત્રો, આ સપ્તાહમાં આજે આવા જ એક બહેનની વાત કરવી છે જેણે બધા જ સંજોગોને સાનુકૂળ બનાવવાની કળા હસ્તગત કરી લીધી છે. એમનું નામ છે હીનાબહેન પંચોલી. તાજેતરમાં હું એક-બે અઠવાડિયા માટે એલ્સબરીમાં મારા નાના દિકરાના ઘરે રહેવા આવી હતી. દરમિયાનમાં આવા દીવડાંઓની શોધમાં મને એઇલ્સબરીના સમાજમાં જાણીતા શ્રીમતી જશુબહેન પટેલે (નાટકવાળા રશ્મિબહેન અમીનના માસી)અત્રેના સ્થાનિક સમાજમાં અનુદાન આપતાં હીનાબહેનની યાદ અપાવી. હીનાબહેનને હું જાણતી હતી પણ ઘણું બધું એમની સાથેની વાતચીતમાં જાણ્યું કે એક મહિલા કેટલા બધી સંસ્થાઓ સાથે સંકળાઇ સમાજમાં અનુદાન આપી શકે છે જે જરૂર માન ઉપજાવે એવું છે.
ગુજરાતના નાના ગામ વ્યારાથી ૨૧ વર્ષની વયે જગદીશચંદ્ર પંચોલી સાથે લગ્નના બંધનમાં બંધાઇ હીના બહેન યુ.કે. આવ્યાં. બાળપણથી જ દાદા વિઠ્ઠલદાસ, દાદી લલિતા બા, પિતાશ્રી પ્રશાંતભાઇ અને માતા પદ્માબહેને આપેલ "સેવા"ના સંસ્કારોની મહેંક તેઓ યુ.કે.માં રેલાવી રહ્યાં છે. ભારતીય હિંદુ પરંપરા મુજબ હીનાબહેન પિયરના સંસ્કાર દીવાથી બર્મિંગહામ સ્થિત સસરાજી મોહનભાઇ, સાસુજી શાંતાબહેનના પરિવારને પ્રજ્જવલિત કરી રહ્યાં છે.
૧૯૮૪થી પતિ અને બે દિકરાઓ રિશી અને જયદીપ સાથે એઇલ્સબરીને કર્મભૂમિ બનાવી છે. એમના દિકરાઓ નાના હતા ત્યારે વિચાર્યું કે, ઉગતી પેઢીને આપણા અદ્ભૂત વારસાની સમજ કઇ રીતે આપવી? અને પોતાની એ ઇચ્છાની પૂર્તિ માટે ઇન્ડીયન કલ્ચરલ સોસાયટી એઇલ્સબરીની કારોબારી સમિતિમાં જોડાઇ સમાજસેવા ક્ષેત્રે સક્રિય બન્યાં. ભારતીય સંગીત, નૃત્ય કલા, લોકકલા, માતૃભાષાના પ્રચાર-પ્રસાર માટે સ્થાનિક અને આસપાસના વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજી યુવાનોને એમાં ભાગ લેવા પ્રેરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. બકિંગહામશાયરની ઘણી શાળાઓમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહી સ્કુલ એસેમ્બલીમાં ભારતીય કલા અને તહેવારોની સમજ આપતા વાર્તાલાપ યોજી સેવા કરી છે.
હીનાબહેનના મંતવ્ય મુજબ આપણે મલ્ટી કલ્ચરલ સમાજમાં સૌ સાથે હળી-મળીને રહીએ, એકબીજાની રહેણી-કરણી સમજીએ અને બધા સમુદાયો સાથે સંબંધો વિકસાવીએ એ આપણી નવોદિત પેઢી માટે હિતકારી છે. એથી જ ભારતીય અસ્મિતાનો ઝંડો લહેરાવી રહ્યાં છે.
હીનાબહેનની સેવાની ઝલક: * ઇન્ડીયન કલ્ચરલ સોસાયટી એઇલ્સબરીમાં કમિટી સભ્ય, કલ્ચરલ કો-ઓર્ડીનેટર, ચેરમેન વગેરે હોદ્દાઓ શોભાવી પચીસેક વર્ષ સેવા આપી. * સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરાષ્ટ્રીય સ્તરની ચેરિટીઓ માટે ફંડફાળા એકત્ર કરવા અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું, કુદરતી આફત ગ્રસ્ત કે અન્ય મુશ્કેલીઓનો ભોગ બનેલાઓની સહાય કરવા અર્થે.
*શક્તિ વિમેન્સ યુ.કે. એઇલ્સબરીમાં વર્ષો સુધી કમિટી મેમ્બર, સેક્રેટરી અને ચેરમેન પદેથી સેવા સાદર કરી.
*મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, એઇલ્સબરી શાખાના સેક્રેટરી પદેથી વર્ષો સુધી સેવા આપી ગાંધીજીના સત્ય અને અહિંસાના સંદેશને જીવંત રાખવા સક્રિય ફાળો આપ્યો. * સહ શિક્ષકોની મદદથી ગુજરાતી ભાષાના વર્ગો શરૂ કરી કેટલાય બાળકોને માતૃભાષા વાંચતા, લખતાં, બોલવા માટે તૈયાર કર્યાં. *SACRE (સ્ટેન્ડીંગ એડવાઇઝરી કાઉન્સિલ ફોર રીલીજીયસ એજ્યુકેશન) ના સભ્ય તરીકે વર્ષો સુધી સેવા આપી. *Bucks Forum of Faiths અને Interfaith networkમાં હિન્દુ પ્રતિનિધિ તરીકે સેવા આપી. * એઇલ્સબરીના ક્વીન્સ પાર્ક આર્ટસ સેન્ટરના બોર્ડ મેમ્બર તરીકે સેવા આપી.
*છેલ્લા બાર વર્ષથી આર્ટ ઓફ લીવીંગના સ્થાપક ગુરૂ શ્રી શ્રી રવિશંકરની પ્રેરણાથી યોગ, ધ્યાનના વર્ગો દ્વારા માનવીની શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે અને તણાવયુક્ત જીવનમાંથી બહાર લાવી જીવન જીવવાની કલા શીખવે છે.
*હાલમાં કોરોના વાયરસને કારણે જે પ્રજાજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યાં છે એમને હિંમત આપી રોગપ્રતિકારક શક્તિ વધારવા વિના મૂલ્યે યોગાના વર્ગો સવાર, સાંજ શ્રી શ્રી સ્કુલ ઓફ યોગાના શિક્ષકો સાથે મળીને ચલાવી રહ્યાં છે.
હીનાબેને સમાજસેવા સાથે કૌટુંબિક જવાબદારી નિભાવવામાં ય કચાશ રાખી નથી. સાસુ-સસરાની સંભાળ માટે દર વીકેન્ડ બર્મિંગહામ જવાનો ક્રમ જાળવ્યો છે. સાસુજીનો ૨૦૧૯માં ૯૧ વર્ષની વયે દેહાંત થયો ત્યાં સુધી પ્રેમપૂર્વક સેવા કરી અને હવે સસરાજીની દેખરેખ માટે એમના પતિશ્રી જગદીશભાઇ બર્મિંગહામમાં રહી પિતાની સેવા કરે છે. સસરાની ૯૫મી વર્ષગાંઠ પણ સગાંસંબંધી, મિત્રો સહ ઓન લાઇન ઉજવી. દિકરા રિશી અને પુત્રવધૂ અદિતીને ત્યાં પુત્ર આરિનનું અવતરણ થયું હોવાથી દાદીમા બન્યાનો લ્હાવો હીનાબહેન લઇ રહ્યાં છે. પતિ-પત્ની અલગ રહી પોતાની જવાબદારી સહર્ષ નિભાવી રહ્યાં છે. ધન્ય છે આવા દંપતિને.


