ઘર દીવડાં - પરમાર્થી હંસાબહેન પાણખણીઆ: લેખિકા, કોચ અને કન્સલ્ટન્ટ

વર્તમાન સંજોગોનો સામનો કરવાનો કીમિયો દર્શાવતા હંસાબહેનના પુસ્તક ‘COPING IN CRISIS’નું વિના મૂલ્યે વિતરણ

જ્યોત્સના શાહ Tuesday 26th January 2021 13:28 EST
 
 

હાલ કોવીડ-૧૯ મહામારીએ અને નવા વાયરસે યુ.કે.ભરમાં કેર વર્તાવ્યો છે. રોજ રોજ મોટી સંખ્યામાં એનો ભોગ બની હજારો મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની માનસિક હાલત દયામય બની ગઇ છે. 

પેન્ડેમીકમાં તેઓ પોતાના સ્વજનનું મુખ પણ અંતિમ વિદાય વેળા જોઇ શકતા નથી. ન તો એમને રૂબરૂ મળી કોઇ આશ્વાસન આપવા જઇ શકતું નથી. આવા કટોકટી અને કરૂણ સંજોગોનો સામનો કઇ રીતે કરવો એ માટે આપણી ગુજ્જુબહેન હંસાબેન પાણખણીઆએ પુસ્તક લખ્યું છે, ‘COPING IN CRISIS’.
બર્મિંગહામ સ્થિત હંસાબહેન પાણખણીઆ લેખિકા, કોચ, વક્તા અને કન્સલ્ટન્ટ તરીકે સુવિખ્યાત છે.
માર્ચ ૨૦૨૦ના લોકડાઉન દરમિયાન આ પુસ્તક લખવાની એમને પ્રેરણા થઇ. વર્તમાનમાં જીવતા શીખવાની સમજ આપતાં ‘COPING IN CRISIS’ પુસ્તકની હજારો કોપીઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે અને "ગુજરાત સમાચાર"ના વાચકોને પણ એ ઓફર કરી છે. આવા સેવાભાવી બહેનનો પરિચય પ્રેરણાદાયી છે. હંસાબહેન ગાંધી બાપુના જન્મ સ્થળ પોરબંદર શહેરના મૂળ વતની પરંતુ જન્મ કેન્યામાં અને કર્મભૂમિ બ્રિટન. ત્રણ ત્રણ દેશોના મૂલ્યો, સ્વાનુભવો, સિધ્ધાંતોનો સમન્વય આ પુસ્તકમાં કર્યો છે. પોતાના જીવનમાં આવી પડેલ મુશ્કેલીઓનો સામનો કરી, માનસિક સમતુલા જાળવી વિકાસની દિશામાં ડગ માંડી સિધ્ધિ હાંસલ કરી એ જાત અનુભવની વહેંચણ કરવાનો ઉમદા વિચાર દાદ માગી લે એવો છે.
તેઓ પચીસેક વર્ષથી કોર્પોરેટ ક્ષેત્રે સલાહ પૂરી પાડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. બ્રિટનની ૨૫૦થી વધુ કંપનીઓના સંખ્યાબંધ સભ્યો અને કર્મચારીઓને કોચીંગ અને કન્સલ્ટન્સી સેવા આપી રહ્યા છે. એમનું પેશન અને મીશન છે કે તાણયુક્ત પરિસ્થિતિમાં તંદુરસ્તી જળવાય એવું વિશ્વાસપાત્ર વાતાવરણ સર્જાય જેથી કાર્યકર્તાઓ પોતાની માનસિક સમતુલા જાળવી શકે. ફલસ્વરૂપ કંપનીનો વિકાસ થાય અને નફો વધે. ‘Stress to Success’ વિષય પર એમના પાંચ પુસ્તકોનું પ્રકાશન થયેલ છે. એમનું તાજેતરનું પુસ્તક બાળકો માટે લખેલ છે: ‘Chakraji and Calm Callum’ કાલ્પનિક પાત્રો વાળું આ સચિત્ર પુસ્તક બાળકોને તનાવમાંથી બચવાનું શીખવે છે. હાલ બાળકો માટે બીજા બે પુસ્તકોનું સર્જન કાર્ય ચાલુ છે.
હંસાબહેન જણાવે છે કે, દરરોજ નીચે જણાવેલ પાંચ બાબતોનું પાલન કરો તો તમે માનસિક સમતોલપણું જાળવી શકશો.
* દરરોજ કસરત કરો. *હકારાત્મક વિચારો. *મેડીટેશન અથવા આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરો. *ટેલીફોન અથવા ઝૂમ કોલ દ્રારા સામાજિક સંપર્ક રાખો. *વિશ્વ એક કુટુંબની ભાવના રાખી બીજા પ્રત્યે કરૂણા દાખવો.
‘COPING IN CRISIS’ પુસ્તક વાંચવાથી હજારો વાચકોને ફાયદો થયો હોવાનું હંસાબહેન જણાવે છે. આપ પણ વિના મૂલ્યે આ પુસ્તક નીચેની લીંક પરથી વાંચી શકો છો.
Anyone can download the book from this link-
https://aumconsultancy.co.uk/


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter