વાચક મિત્રો,
દશેક સપ્તાહના ભૂગર્ભવાસ બાદ ‘ઘર દીવડાં' કોલમને પુન: જીવંત કરીએ
આ સપ્તાહે આપને એક એવી હસ્તિનો પરિચય કરાવવો છે જે સમાન્ય રીતે અન્યોના ઇન્ટરવ્યુ કરતી હોય. આજે એમનો ઇન્ટરવ્યુ કરીએ. નાની વયની બે દિકરીઓની માતા બની એમનો ઉછેર કરવાની જવાબદારી એકલે હાથે ઝઝૂમી સંભાળી. એમને સારૂં શિક્ષણ આપ્યું. હાલ ચાર ગ્રાન્ડ ચિલ્ડ્રનના નાનીમા છે. એક સામાન્ય મહિલાએ જીવનને સાર્થક બનાવવા શું કર્યું? પોતાની ઉજ્જવળ કારકિર્દી કઇ રીતે બનાવી? એમણે જીવનનું એક લક્ષ્ય નિર્ધારિત કર્યું :"જીવનમાં બદલાવ લાવવો, વિશ્વમાં સૌને સમાન દરજ્જો મળે, સ્ત્રી-પુરૂષના ભેદભાવની રેખા ભૂંસાય, એકમેક વચ્ચે મૈત્રી ભાવ કેળવાય, સન્માન પેદા થાય અને કરૂણા ભાવ જાગ્રત થાય તો વિશ્વ એક રહેવા લાયક સારું સ્થળ બની શકે. સમાજનો કાયાકલ્પ થાય.” એ માટે એમણે શું કર્યું એ જાણીએ.
એમનું નામ છે નિર્મળાબેન ભોજાણી (૬૧). હાલ લેસ્ટરમાં રહે છે. ભારતના પાટનગર નવી દિલ્હીમાં સિંધી પરિવારમાં જન્મ. પિતા શ્રી નાનક અને માતાશ્રી ભગવતી. ‘ઓકસ્ફર્ડ ઓફ ઇસ્ટ' તરીકે સુવિખ્યાત શહેર પૂનામાં ઉછેર અને શિક્ષણ. બાળપણમાં જ ધાર્મિક સંતોના ચરિત્રોના સ્કુલમાં અભ્યાસને કારણે કેરેક્ટર બિલ્ડીંગમાં એનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો. પરદુ:ખભંજન અને માનવતાના ગુણોનં સિંચન બાળપણથી જ થયેલ જેણે કારણે સદ્કાર્યો કરવાની પ્રેરણા મળી. સાતેક ભાષાઓના જાણકાર. એમણે ઇંગ્લીશ લીટરેચરમાં ગ્રેજ્યુએટ થયા બાદ જર્નાલીઝમ અને માસ મીડીયામાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડીગ્રી મેળવી. પહેલેથી જ પત્રકાર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું જે સાકાર થયું. ૧૯૮૦માં યુવા પત્રકાર તરીકે પત્રકાર જગતમાં પ્રવેશ કર્યો. ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમજ મધર ટેરેસા જેવી વિભૂતિઓના ઇન્ટરવ્યુ લેવાનું સૌભાગ્ય સાંપડ્યું. એ સમયમાં આ બન્ને મહિલાઓની ગણના મહિલા જગતની પ્રેરણાદાયી મહિલાઓમાં થતી હતી.
૧૯૮૧માં રમેશ ભોજાણી સાથે લગ્ન કરી દામ્પત્ય જીવનમાં પ્રવેશ બાદ બ્લેન્ટાયર, મલાવીમાં પતિ સાથે સ્થળાંતર કર્યું. ત્યાંથી ૧૯૮૬માં યુ.કે. આવ્યાં. લંડનના સાઉથ હેરો વિસ્તારમાં એકાદ વર્ષ રહ્યા દરમિયાનમાં આપણા એ વખતના અંગ્રેજી સાપ્તાહિક "ન્યુ લાઇફ"ને એમની કલમનો લાભ મળ્યો હતો. ૧૯૮૮થી લેસ્ટર નગરીને કર્મભૂમિ બનાવી. ત્યાંના સ્થાનિક અખબાર "લેસ્ટર મરક્યુરી'’ને યુગાન્ડન એશિયનોની ફિચર સ્ટોરી માટે પત્રકારની જરૂર હતી એથી કોમ્યુનિટી સંવાદદાતા તરીકે એમની નિમણૂંક થઇ. એમની એ કારકિર્દી દરમિયાન અનેક રાજકારણીઓ, સંતોની મુલાકાત લેવાનો એમને અવસર મળ્યો જેમાં બ્રિટનના એ વખતના વડા પ્રધાન જ્હોન મેજર, કથાઓ દરમિયાન પૂ. મોરારીબાપુ,પૂ. રમેશભાઇ ઓઝા, આદી ધર્મગુરૂઓનો સમાવેશ થાય છે. એ વખતે યુરોપના આકર્ષણ સમા લેસ્ટરમાં જૈન દેરાસર બની રહ્યું હતું એનો તથા કથાઓના અહેવાલ સહિત અનેક કોમ્યુનિટી ઇવેન્ટ્સના અહેવાલ તૈયાર કરવાનો મોકો મળ્યો હતો. દિકરીઓ નાની હતી અને પતિનું અવસાન યુવાવયે થઇ ગયું હતું.
નિર્મળબહેને લોકલ ઓથોરિટીમાં કોમ્યુનિટી લાયબ્રેરીયન તરીકે, ખાસ કરીને હિન્દુ સમાજ માટે શહેરની ઘણી બધી લાયબ્રેરીઓ માટે ભારતીય ભાષાઓ અને એશિયન રાષ્ટ્રોની નોન ફીક્શન પુસ્તકો ખરીદવાની ફરજ પણ બજાવી હતી. લેસ્ટર મરક્યુરી અને લાયબ્રેરીમાં ફરજ બજાવવાને કારણે સ્થાનિક સમાજ સાથેની નિકટતા કેળવાઇ. પરિણામે કેટલીક ઝૂંબેશોમાં ય સક્રિય બન્યાં. દા.ત.બેલગ્રેવ કોમ્યુનિટી ચાઇલ્ડ કેર કેમ્પેઇન, એમ્પાવરીંગ વુમન ટુ વીન. માનવતાને જ ધર્મ માની અનેક ચેરિટીઓના સારા કામમાં અનુદાન આપે છે.
લેસ્ટરની ઘણીબધી સામાન્ય એશિયન મહિલાઓના સંપર્કમાં આવતાં એમના જીવનથી પ્રેરાઇ એમની અસામાન્ય જીવનની સિધ્ધિઓની કથાઓ વર્ણવતું પુસ્તક "ઓર્ડીનરી વુમન, એક્સ્ટ્રા ઓર્ડીનરી લાઇફ"નું સર્જન કર્યું. પહેલેથી જ મહિલાઓને સમાજમાં સમાન દરજ્જો તેમજ સ્વાયત્ત જીવન મળે એ માટે જરા હટકે કરવાની એમની તમન્ના હતી. મહિલા સશક્તિકરણ માટે ૨૦૧૭માં WOW (વુમન ઓફ ધ વલ્ડ એવોર્ડસ)ની સ્થાપના કરી. જે મહિલાઓએ સમાજમાં પરિવર્તન લાવવા નોંધપાત્ર અનુદાન આપ્યું હોય અને જુદા જુદા ક્ષેત્રમાં સિધ્ધિ મેળવી હોય એમની સરાહના કરવા સ્થપાયેલ આ વાર્ષિક એવોર્ડસ શ્રેણીમાં ૧૦ મહિલા અને એક પુરૂષનો પણ સમાવેશ કરાયો. લોકડાઉનમાં માનવતાના કાર્યમાં સક્રિય એવા ૧૧ મહાનુભાવોનું સન્માન આ વર્ષે "ઓન લાઇન" કરાયું. આ એવોર્ડસ દ્વારા ઉભું થયેલ ફંડ હીલીંગ લીટલ હાર્ટ ચેરિટી અને મીડલેન્ડ લંગર સેવામાં ફાળવાય છે. ઓરગન ડોનેશનની સરકારી ઝૂંબેશના ટેકેદારની રૂએ તાજેતરમાં JHOD જૈન હિન્દુ ઓરગન ડોનર્સ સંસ્થાએ લોકડાઉનમાં યોજેલ બાળકોની દિવાળી રંગોળી સ્પર્ધાના ૧૧ નિર્ણાયકો (કોમ્યુનિટીના પ્રતિનિધિઓ)માંના એક નિર્મળાબહેન પણ હતા. એમની સાથે હું પણ એક જજ હતી ત્યારે એમની સાથે મારો પરિચય થયો અને મને થયું કે, આવા પ્રતિભાશાળી મહિલા અન્યો માટે ય એક મિશાલ બની રહે એ ન્યાયે આ કોલમમાં એમને સ્થાન આપવું સુયોગ્ય લેખાશે. નિર્મળાબેનનો આ સંદેશ, “તમે તમારી જાતમાં શ્રધ્ધા રાખો અને તમારા નિર્ધારિત લક્ષ્યાંક તરફ આગળ વધો તો જરુર ધારી સફળતા મળશે.” હૈયે કોતરી લેજો.