ઘર દીવડાં - સેવા, સમર્પણમાં શારીરિક અસમર્થતા બાધારૂપ નથી બનતી...

-જ્યોત્સના શાહ Wednesday 05th May 2021 03:21 EDT
 
 

પોતાની શારીરિક પંગુતાની પીડા કરતા બીજાને વધુ મદદની જરૂર છે એવો ઉમદા વિચાર જેના હ્દયમાં અનુકંપા હોય એને જ આવી શકે!

 ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી અને જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ (યુ.કે.ની બધી જ જૈન સંસ્થાઓ)યોજીત ૨૫ એપ્રિલ ૨૦૨૧ના મહાવીર જયંતિના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કોમ્યુનિટી સર્વિસ આપી સમાજ જીવનમાં નોંધપાત્ર અનુદાન આપનાર ચાર મહાનુભાવોનું સન્માન કરાયું જેમાંના એક શ્રી જતિનકુમાર છે. વિપરિત સંજોગોને સાનુકૂળ બનાવી સેવામાં સક્રિય કઇ રીત થયા એ હકીકત માન ઉપજાવે એવી છે. એમની પ્રેરણામૂર્તિ હતા દાદીમા.

 જતીનકુમારનો જન્મ મ્બાલે-યુગાન્ડામાં. પિતાશ્રી અમૃતલાલ શાહ અને માતા જયાબાઇ નરસી માણેક. બાળપણથી વિકલાંગ એવા જતીનકુમાર ટીનેજર હતા ત્યારે ૧૯૭૩માં યુ.કે. આવ્યા. અત્રે ફેશન ડીઝાઇનરની તાલીમ મેળવી પોતાનો બીઝનેસ શરુ કર્યો. એમના આ કાર્યમાં ધર્મપત્ની ખુશ્મીનાબેનનો સાથ સહકાર અનન્ય છે.

૧૯૯૯માં એમણે વ્હીલચેરનો ઉપયોગ કરવો પડશે એવું મેડીકલ સૂચન મળતા જીવનમાં ભારે ધક્કો પહોંચ્યો. ૧૯૯૯ના અંતમાં એમના દાદીમાને ૯૨ વર્ષની વયે અલઝાઇમરની બિમારી સાથે ઇનફેક્શન અને ડીહાઇડ્રેશન થવાને કારણે નોર્થવીક હોસ્પીટલમાં દાખલ કરાયાં. બીજે દિવસે એમને વોર્ડ સિસ્ટરનો ફોન આવ્યો કે, એમના દાદીમા આખી રાત સૂઇ શક્યા નથી અને ઇન્ટ્રાવેનસ (IV) ડ્રીપને ખેંચી કાઢી નાંખવાનો પ્રયાસ કરી રડતાં રડતાં વોર્ડમાં ફરી રહ્યાં છે. આઘાતજનક પરિસ્થિતિમાં એમના પર કાબૂ મેળવવો અઘરો છે.

 . બસ, આ સમાચાર મળતા જ જતીનકુમાર તુરંત દાદીમા પાસે પહોંચી ગયા અને દાદીમાને શાંત કર્યા. વોર્ડ સિસ્ટર સાથે લાંબી ચર્ચા કર્યા પછી નક્કી થયું કે, તેઓ એમને હોસ્પીટલમાં સવારના ૭ થી રાતના ૧૦ વાગ્યા સુધી વોર્ડમાં એમની સાથે રહેવા દેશે. દાદીમા કોઇ નર્સને એમની પાસે આવવા દેતા ન હતા એટલે એમની દવા-ખાવા-પીવા-ન્હાવાથી માંડી શૌચાલય સુધીની બધીજ રોજીંદી જવાબદારી એમણે સ્વીકારી લીધી. ત્રણેક અઠવાડિયા બાદ એમને ઘરે જવાની રજા આપવામાં આવી.”

આ ત્રણ અઠવાડિયા દાદીમા સાથે રહ્યા બાદ તેઓએ જે મુશ્કેલીનો સામનો કર્યો તે જોઇને એમને ખ્યાલ આવ્યો કે, વાતચીત કરવાના મુશ્કેલીવાળાઓ અને કુટુંબના કોઇપણ સભ્યના સાથ વિના કેટલાય વૃધ્ધ દર્દીઓ આ જ પ્રકારની સ્થિતિમાં મૂકાતા કેટલી મૂંઝવણ અનુભવતા હશે? આ સંજોગોએ એમને સેવા તરફ વળવામાં મુખ્ય ભૂમિકા ભજવી. એમના દાદીમા તો થોડા મહિનાઓ બાદ દેવલોક પામ્યાં. પરંતુ દાદીમાના અંતિમ સંસ્કાર વખતે પ્રાર્થના કરતા એમની યાદમાં હોસ્પીટલના દર્દીઓને મદદ કરવાનું મનોમન વચન લીધું.

"મારી અસમર્થતા અને વ્હીલચેરમાં હોવા છતાં મને સમજાયું કે, મારી જરૂરિયાતો કરતા અન્ય લોકોની વધારે છે. મેં એપ્રિલ ૨૦૦૦માં દર મંગળ અને શુક્રવારે સવારે ૬ થી સાંજના ૫ વાગ્યા સુધી નોર્થવીક હોસ્પીટલમાં સેવા આપવાનું નક્કી કર્યું.”

લંડન નોર્થ વેસ્ટ યુનિવર્સિર્ટી હેલ્થકેર NHS ટ્રસ્ટની વોલઁટીયરી સર્વિસ મેનજમેન્ટ ટીમ તરફથી નોર્થવીક પાર્ક હોસ્પીટલમાં સેવાની કદર રૂપે ૨૦૧૩માં "વોલંટીયર ઓફ ધ યર"નો એવોર્ડ એનાયત થયો. ૨૦૨૦માં ૨૦ વર્ષના સ્વૈચ્છિક સેવાકીય કાર્ય માટે સતત વફાદારી અને સમર્પણને માન્યતા આપવા લંડન નોર્થ વેસ્ટ યુનિવર્સિર્ટી હેલ્થકેર NHS ટ્રસ્ટની વોલઁટીયરી સર્વિસ મેનજમેન્ટ ટીમની સ્વયંસેવિકા બહેનો એમના ઘરે આભાર માનવા પહોંચી ગયા.

એસ્પાયર રોયલ નેશનલ ઓર્થોપેડીક હોસ્પીટલના સ્પાઇનલમાં ઇજા થયેલ દર્દીઓની સેવા માટે ય એવોર્ડ મળ્યો. યુ.કે.ની જુદી જુદી ડીસેબલ ચેરિટીઓમાં પણ જતીનકુમાર સેવા આપે છે. આ ઉપરાંત યુ.કે.ની જૈન સંસ્થાઓમાં પણ નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. તેઓ આસપાસમાં રહેતા સૌ કોઇને પ્રેરણા આપવાનું કામ કરતા આધ્યાત્મિક દિશામાં પ્રગતિ કરી રહ્યા છે. એમણે વધુમાં જણાવ્યું કે, “જીવનમાં હકારાત્મક અભિગમ અપનાવવાથી કોઇપણ કાર્ય મારા માટે અસંભવ નથી". ઇશ્વર એમને સેવા કરવાની શક્તિ આપ્યા કરે એવી એમની પ્રાર્થનામાં આપણે પણ સામેલ થઇએ. ધન્ય છે આવા સેવાભાવને!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter