“પુત્રના લક્ષણ પારણામાં...” ની જેમ બાળપણથી જ ધર્મના સંસ્કાર અને સમાજનો ચહેરો બદલવામાં પોતાની શક્તિ કામે લગાડવામાં પ્રવૃત્ત શ્રી સુનિલભાઇ મફતલાલ ગાંધીનો જન્મ ૧૯૬૩માં થયો. મૂળ કપડવંજના વતની સુનિલભાઇની જીવન સફર ૧૦૦ ફૂટના નાના ઘરમાંથી થઇ ત્યારથી માંડી લંડન આવી કરેલ વિકાસની ગાથા સૌ વાચકો માટે પ્રેરક અને રસપ્રદ બની રહેશે. માતા-પિતા તરફથી વારસામાં જૈન ધર્મના કરૂણાના સંસ્કાર અને સમાજસેવાના ગુણ સુનિલભાઇને મળ્યા જેના અનુદાને એમના જીવન વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો. નાનપણથી જ નેતાગીરીના ગુણને કારણે ૧૦ વર્ષની વયે જૈન બાલ મંડળની સ્થાપનામાં અગ્રગણ્ય ફાળો આપ્યો.
ઉચ્ચ અભ્યાસાર્થે અમદાવાદની એચ. એ. કોલેજ ઓફ કોમર્સમાંથી B.com., C A અને LLBનો અભ્યાસ હોસ્ટેલમાં રહી કર્યો. તે દરમિયાન સ્ટુડન્ટ યુનિયનની પ્રવૃત્તિમાં સક્રિય બની સેક્રેટરીનો હોદ્દો શોભાવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજનમાં પ્રવૃત્ત બન્યા. ૧૯૮૧ થી ૧૯૮૬ના ગાળામાં ‘સંસ્કાર શિબિરો’ નું આયોજન કર્યું હતું , જેમાં શેખાદમ આબુવાલા, ફાધર વાલેસ, ચીનુ મોદી, ચન્દ્રકાન્ત મહેતા, બકુલ ત્રિપાઠી, અશોક દવે જેવા શ્રેષ્ઠ સાહિત્યકારોને આમંત્રી સાહિત્ય અને સંસ્કાર સિંચનની પ્રશંસનીય પ્રવૃત્તિ કરી.
અભ્યાસ પૂર્ણ કરી પોતાનો વ્યવસાય શરૂ કર્યો સાથે સાથે જ વિવિધ સંસ્થાઓમાં જોડાઇ સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત બન્યા. રોટરેક્ટ ક્લબ, નડિયાદમાં સેક્રેટરી તરીકે સેવા આપી. રોટરી કલબ નડિયાદના પ્રમુખપદનો હોદ્દો શોભાવી અનેક પ્રતિષ્ઠિત એવોર્ડસ મેળવ્યા. ૨૦૦૫માં રોટરી ક્લબના શતાબ્દી વર્ષમાં આસી. ગવર્નર તરીકે અનન્ય સેવા આપવા બદલ રોટરી ઇન્ટરનેશનલ ક્લબે એમનું સન્માન કર્યું હતું. નડિયાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્ટડી સર્કલ અને એસોસિએશનની સ્થાપના તેમજ નડિયાદમાં જૈન સોસીયલ ગૃપની સ્થાપનામાં ય સિંહફાળો આપ્યો. આમ એમના કાર્યોની સૂચિ બહુ લાંબી છે.
૨૦૦૫માં અજાણી ભૂમિ લંડન સપરિવાર સાથે વસવાટ માટે આવ્યા. લંડનમાં ઓળખાણ-પીછાણ વિના નવેસરથી એકડો ઘૂંટવાનો હોવાથી શરૂના સમયમાં સેટલ થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આવો સંઘર્ષ ઘણાં બધાને વેઠવો પડતો હોય છે પરંતુ પોતાના અનુભવથી બીજાને મદદરૂપ થવાનો વિચાર જૂજ વિરલાઓને જ આવતો હોય છે. સુનિલભાઇને આવો વિચાર આવ્યો અને એને અમલી બનાવ્યો. નવાસવા કોઇ મિત્રો, પરિચિતો ભારતથી લંડન આવવાના હોય તો એમને એરપોર્ટ પર લેવા જવાથી માંડી પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાની વ્યવસ્થા કરી આપવાની સેવાથી લંડનમાં સામાજિક પ્રવૃત્તિના બીજ એમણે રોપ્યાં.
૨૦૦૯માં ભારતથી આવી લંડનમાં વસેલા જૈન યુવા પરિવારોને એકત્ર કરી "જૈન સોસીયલ ગૃપ"ની સ્થાપના કરી સ્થાપક પ્રમુખ તરીકે ત્રણ વર્ષ સેવા આપી સંસ્થાનો પાયો મજબૂત કર્યો. ઉપરાંત જૈન સોસીયલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓવરસીસ ચેરમેન તરીકે સેવા સાદર કરી. ૨૦૧૧માં લંડનમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું. લંડનના જૈન સમાજમાં સક્રિય બની મહાવીર ફાઉન્ડેશનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે સેવા આપી રહેલ છે. જૈન નેટવર્ક કોલીન્ડલના સેન્ટરમાં ય લાંબો સમય સુધી દર રવિવારે સ્નાત્ર પૂજાની સેવા આપી.
અત્રે વેમ્બલી હાઇ ટેકનોલોજી કોલેજમાં આસી. એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રગતિના સોપાન સર કરતા ગયા. ખોટમાં જતી આ કોલેજને અનુશાસનથી સધ્ધર બનાવી એટલું જ નહિ યુ.કે.ની એ શ્રેષ્ઠ એકેડેમી બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો. યુ.કે. ગવર્મેન્ટ એજ્યુકેશન ટ્રસ્ટના વર્કીંગ ગૃપમાં ૨૦૧૨થી વોલંટીયરી સેવા આપી રહ્યા છે. જે યુ.કે.ની એકેડેમીસને માર્ગદર્શન આપવાનું તેમજ ગર્વમેન્ટની પોલીસી નક્કી કરવાનું કામ કરે છે. હાલમાં વેમ્બલી મલ્ટી એકેડેમી ટ્રસ્ટના ફાયનાન્સ ડીરેક્ટર તરીકે કાર્યરત છે.
કોવીડ -૧૯ની મહામારીના કપરા સમયમાં એનો ભોગ બનેલ એમના મોટાભાઇ અને ટુંક સમયમાં નાના ભાઇ ગુમાવ્યાની વ્યથા સાથે બહેન પણ આ બિમારીનો ભોગ બની પીડા ભોગવી રહ્યા છે. ચારેક મહિનાથી એમના કુટુંબ પર આવી પડેલ આ આપત્તિના પીડાજનક સમય બાદ હવે વિચારી રહ્યા છે કે, કોઇપણ પરિવાર આવા કપરા સંજોગોમાં એકલતા ન અનુભવે અને એમને મદદરૂપ થઇ શકાય એ માટે વોલંટીયર ગૃપ ઉભુ કરવું જોઇએ.
"કોવીડ-૧૯નો અંત કાળચક્રના નિયમ મુજબ નજીક છે તેમ છતાં હવે પછીની દુનિયા વધુ સંગઠિત બને, જાગ્રત બને અને આશાનો સૂરજ ઉગશે એવું દ્રઢતાપૂર્વક માનું છું. આવનાર સમયની લાક્ષણિકતાઓ પીછાણી નવી તકો અને નવા વિચારો અમલમાં મૂકવાની તાતી જરૂર છે. વિશાળ જનસમૂહમાં વ્યાપેલ નિરાશા ખંખેરી એકબીજાનો સહારો બનવા યુવા વર્ગને વધુ સક્રિય બનવા મારી અપીલ છે. કોવીડ-૧૯ બાદ હવે કુટુંબ, પરિવાર, સ્વાસ્થ્ય, આર્થિક સલામતિની જોગવાઇ, માનવતાનો ધર્મ બજાવવા વધુ સજ્જ બનવું જોઇએ " એમ ભાર મૂકતાં સુનિલભાઇએ જણાવ્યું હતું. આવા સમાજદીવડાંઓ પ્રજ્જવલિત રહી સમાજને ઉજાળતા રહે એવી પ્રાર્થના.


