ડોક્ટરી વ્યસાયના અભ્યાસક્રમનું એક અંગ સેવા છે. એમ માનતા દાક્તરી વ્યવસાયને છાજે એવા સત્કૃત્યો ટેકનોલોજીના માધ્યમથી કરનાર ડો. મુકુલ શાહ સેંકડો યુવાનોમાં કરૂણા અને મૈત્રીભાવ જગાડવામાં તેમજ ધર્મ પ્રત્યે રૂચિ કેળવવામાં સફળ થયા છે.
હાલના પડકારોનો સામનો કઇ રીતે કરવો? કોવીદ-૧૯ના કપરા સમયમાં તાણમુક્ત રહેવા તેમજ હકારાત્મક અભિગમની સમજ. કોવીદના લક્ષણો, યોગ્ય ખોરાક સાથે જ ધર્મ કઇ રીતે હિતકારી નીવડે?કોઇપણ જાતના ભેદભાવથી પર રહી વધુમાં વધુ લોકો સુધી એ સંદેશો પહોંચાડવાનો આજના ટેકનોલોજીમાં સરળ માર્ગ હોય તો તે છે "સોસીયલ મીડીયા". જે સમાજમાં ક્રાંતિ લાવવાનું ઉત્તમ સાધન છે; એ સાબિત કર્યું આ યુવા ડોક્ટરે.
તનના આરોગ્ય સાથે જ મનના આરોગ્ય માટેની જાગૃતતા બહુ જરૂરી છે એમ તેઓ દ્રઢપણે માને છે.
આજે જ્યાર આપણે બધા ફરિયાદ કરીએ છીએ કે, આજની યુવા પેઢી ધર્મ, મૂલ્યો અને પરંપરાથી વિમુખ થઇ રહી છે ત્યારે એમને આપણી પરંપરા સાથે જોડવાનું કામ આ યુવા ડોક્ટર કરી રહ્યા છે.
નૈરોબીથી ૧૯૮૨-૮૩માં યુ.કે. આવેલ ડો. અજીત શાહ અને સરલાબેનના પુત્ર મુકુલનો જન્મ લંડનમાં નવેમ્બર ૧૯૮૩માં થયો. બાળપણમાં માતા-પિતા અને બાના પ્રેમમાં ઉછરેલ મુકુલભાઇમાં ધર્મના સંસ્કારબીજ વવાયા હતા એને યોગ્ય વાતાવરણ મળતાં એ ફૂલ્યા-ફાલ્યા. એમના પિતાશ્રી અગ્રગણ્ય સમાજસેવક છે. જી.પી. તરીકે સમાજમાં સન્માનનીય હતા અને હાલ કેર હોમ્સમાં સેવા આપે છે. એમના ધાર્મિક લેખો પણ ઓશવાળ મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલ છે.
મુકુલભાઇએ ઓશવાળની શનિવારીય અને શિશુકુંજની રવિવારીય ગુજરાતી સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ ૧૬ વર્ષની વયથી શિશુકુંજમાં વોલંટીયર તરીકે થોડા વર્ષો સેવા આપી. તેઓ શિશુકુંજમાં નાના બાળકોને પ્રેરક બોધકથાઓ કહેતા ત્યારે મનમાં થતું કે, આપણા ધર્મમાં ખજાનો ભર્યો છે. આપણે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. ધર્મ, ભાષા, સંસ્કૃતિ પ્રત્યે નાનપણથી જ રુચિ-રસ હાવાને કારણે આધ્યાત્મિક દિશાનું પણ આકર્ષણ થયું. યંગ જૈન્સમાં સક્રિય બન્યા.
પર્યુષણ પર્વ દરમિયાન દ.ગુજરાતના તપોવનથી વીર સૈનિકો આવતા.એમના વ્યાખ્યાનો સાંભળી જૈન ધર્મના સિધ્ધાંતો અહિંસા, અપરિગ્રહ, ક્ષમા, કરૂણા, મૈત્રી વગેરે વિષયક જાગૃતતા આવી ને એ વિષે વધુ ઊંડાણપૂર્વક જાણવાની જિજ્ઞાસા વધી.
વેકેશનમાં ભારત જાય ત્યારે તીર્થયાત્રાના પ્રવાસો અને સાધુ-સંત સમાગમ કરતા. એમની પાસેથી જ્ઞાન મેળવતા. એમના તરફથી પુસ્તકોની ભેટ મળતી. એનો અભ્યાસ કરતા. ક્રમશ: જ્ઞાનનો આ વારસો અત્રની યુવા પેઢી સુધી પહોંચાડવા છેલ્લા ત્રણેક વર્ષથી દર મહિને યુ.ટ્યુબ પર વિવિધ જ્ઞાન વર્ધક વીડીયો બનાવી મૂકવાનું શરૂ કર્યું. સૌ કોઇને સ્પર્શે એવા વિષયો એમાં આવરી લે છે. દા.ત. મૈત્રી ભાવને વર્ણવતું " મૈત્રીભાવનું પવિત્ર ઝરણું" ગીતનો અંગ્રેજીમાં ભાવાનુવાદ કરી યુનિવર્સલ ક્રિસમસ કેરોલ તરીકે રજુ કર્યું. એમણે એમના ધર્મપત્ની ફેયાબહેનને ય ધર્મનો રંગ લગાડ્યો. બે મહિનાની દિકરી અદિતી પણ એમના પગલે ચાલે એવા પ્રયાસો જરુર કરશે!
કોવીદ-૧૯માં પણ પોતાના ડોક્ટર તરીકેના અનુભવોના આધારે એના લક્ષણો, કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું? શું ખાવું જેથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને વગેરેની રજુઆત કરી. કોવીદ -૧૯માં સેવાભાવની મહત્તા અને એ કરનાર તરફ અહોભાવ પ્રગટાવ્યો. એમની આ વાઇબ્રન્ટ સામજિક સેવા બદલ ૨૦૨૦ના "વન જૈન યંગ પર્સન એક્સેલન્ટ" એવોર્ડથી નવાજાયા આવા યુવાધનને અભિનંદન.


