ઘર દીવડાં - “વર્લ્ડ થીયેટર ડે" : અભિનયના અજવાળા પાથરતા નાટ્ય નિપુણ કિરણ પુરોહિત

-જ્યોત્સના શાહ Tuesday 30th March 2021 16:21 EDT
 
 

સુજ્ઞ વાચક મિત્રો,

(૨૭ માર્ચના રોજ દેશવિદેશમાં "વર્લ્ડ થીયેટર ડે "ની ઉજવણી થઇ. એ નિમિત્તે હું આપને લંડન સ્થિત ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકારની વાત કરૂં એ પહેલા "વર્લ્ડ થીયેટર ડે " ની ભૂમિકાની ભીતરમાં એક ડોકિયું કરીએ!

૧૯૪૮માં વિશ્વના સૌથી મોટા પર્ફોમીંગ આર્ટ્સ સેન્ટરની સ્થાપના થીયેટર, નૃત્ય નિષ્ણાતો અને યુનેસ્કોના સંયુક્ત પ્રયાસથી પ્રાગમાં થઇ. કલા દ્વારા દુનિયાના દેશો વચ્ચે કોઇપણ જાત કે જાતિ, વય કે રાષ્ટ્રના ભેદભાવ વિના અરસ-પરસ સમજ કેળવાય, શાંતિ સ્થપાય અને સાંસ્કૃતિક હાવભાવનું રક્ષણ તથા પ્રમોશન થાય એ હેતુથી એનું માળખું રચાયું. આ ઇન્ટરનેશનલ થીયેટર ઇન્સ્ટીટ્યુટ (ITI)એ ૧૯૬૧માં ૨૭ માર્ચના રોજ "વર્લ્ડ થીયેટર ડે "ની ઉજવણીનો શુભારંભ પેરિસ-ફ્રાન્સમાં કર્યો. પ્રતિવર્ષે હવે એ દિન ઉજવાય છે.)

નાટક જોવાનો શોખ હોય પણ સમયની ખેંચ, નાણાં અછત જેવા અનેક પરિબળો લંડનના ગુજરાતીઓને પજવતાં હોય ત્યારે મર્મ અને મનોરંજનનો મેળ ખાય તેવાં નાટકો લખી, ભજવી લંડનમાં નાટ્ય રસિક વર્ગ ઉભો કરવાનું શ્રેય અમુક અંશે કિરણ પુરોહિતને નામે મૂકી શકાય! માત્ર યુ.કે. ના શહેરો જ નહીં, અમેરિકા, કેન્યા, એન્ટવર્પ, પોર્તુગલ વગેરે સ્થળોએ એમના નાટકોએ લોકપ્રિયતાના શિખરો સર કર્યા છે.

કિરણ પોતે દિગ્દર્શક છે. નાટ્ય કલાકાર છે અને વધારામાં નર્મદની જેમ "કલમને ખોળે શિર મૂકીને" જીવનનો જંગ આદર્યો હોય તેમ પોતાની આજીવિકાનો આધાર નાટકોને સોંપ્યો છે. પત્ની અમિતાએ પતિના રસમાં રસ ભેળવ્યો. અમિતા પોતેય નાટક નિર્માત્રી અને અભિનેત્રી છે. અમિતા અને કિરણ જાણે કે એકબીજા માટે સર્જાયાં હોય અને નાટક માટે જ જન્મ્યાં હોય

તેવા નાટકઘેલાં છે. અને એમણે નાટક માટે, નાટકો વડે, નાટકોમાં લંડનના ગુજરાતીઓને ઘેલાં કર્યાં છે.

મુંબઇગરા કિરણે મુંબઇના પૃથ્વી થિયેટરમાં પરેશ રાવલ અને દર્શન જરીવાલા સાથે ખેલૈયા નાટક કર્યું જેના ૨૫૦ શો થયા હતા. “હથેળી પર બાદબાકી" નાટકમાં અભિનેતા બનેલા કિરણ પુરોહિતના આ નાટકના ૨૫૦ શો થયા હતા. કેટલીકવાર તો એક દિવસના ચાર ચાર શો થયા! “રમત શૂન ચોકડી" એમનું બીજું સફળ નાટક છે.

કિરણની કથની ગજબની છે. દ્વારકાદાસ અને મણિબેનના ત્રણ દીકરા અને બે દિકરી. એ સૌમાં નાનો કિરણ. પિતા શિક્ષક. કિરણ ચાર વર્ષનો થયો ત્યારે પિતા દ્વારકાદાસનું અવસાન થયું. પાંચ સંતાનોની જવાબદારીથી મણીબેન આર્થિક સંકડામણમાં અટવાતાં એથી અછત અને ઉણપમાં જીવવાની સમજ કિરણમાં નાની વયથી જ આવી ગઇ હતી. નાની વયમાં ગાવાનો શોખ પરંતુ ન કોઇ માર્ગદર્શન કે ન કોઇનું પ્રોત્સાહન એથી એ શોખનું બાળ મરણ થયું.

એ જ્યાં રહેતા હતા ત્યાં બાબુલનાથ મંદિરના હોલમાં આઇ.એન.ટી.ના નાટકોની પ્રેક્ટીસ થાય. ત્યાં નાટક માટે સેટ રચાય. પ્રયોગ થાય. નાનકડો કિરણ નવરાશે તક મળે એ જોયા કરે. આ વખતે વનલતાબેને કિરણનો બાળનાટકોમાં હાથવગુ પાત્ર માનીને ઉપયોગ કર્યો. એ એમના ગુરૂ બન્યાં.

સોળ વર્ષની વયે અલાદીનના જાદુઇ ચિરાગમાં કિરણે અલાદીનના સાથીદાર તરીકે ભૂમિકા ભજવી. દિવસે દિવસે નાટ્ય પ્રત્યેની રુચિ - રસ વધતા ગયા. આઇ.એન.ટી.ની નાટ્યશાળામાં કિરણે નાટકોમાં કામ કરી આવક મેળવી જેનો ઉપયોગ ફી ભરવામાં અને હાથ ખર્ચીમાં કર્યો. પ્રથમ નાટક "મીન પિયાસી"માં માત્ર પંદર રૂપિયા મળ્યા હતા.. “હથેળી પર બાદબાકી" નાટકના ૨૫૦ શો થયા અને દરેક શોમાં ૨૫૦ રૂપિયા મળ્યા એથી જીવનની ગાડી ચાલી.

ભારતમાં જુદા જુદા ૧૦૦ નાટકોમાં કામ કર્યું, જેમાં માત્ર અભિનય જ નહીં, મ્યુઝિક ઓપરેટર, લાઇટ ડીઝાઇનર, આસીસ્ટન્ટ ડાયરેક્ટર કે ડીરેક્ટર કે અભિનયકાર વગેરેની ભૂમિકા ભજવી. એમણે ગુજરાતી નાટ્ય જગતના પ્રથમ હરોળના કલાકારો જેવા કે, પરેશ રાવલ, શૈલેષ દવે, સરિતાબેન જોષી, હોમી વાડિયા, અશોક ઠક્કર, રાજેન્દ્ર બુટાલા, અમ્રીત પટેલ વગેરે સાથે કામ કર્યું છે. ડીપ્લોમા ઇન આર્ટસ એન્ડ ક્રાફ્ટ્સમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા હતા.

૧૯૭૯માં અભ્યાસ પૂર્ણ કરી નોકરી સાથે તક મળે ત્યારે નાટકમાં કામ કરે. ભારતીય વિધ્યા ભવનમાં રેસિડેન્ટ ડાયરેક્ટર તરીકે ૧૯૮૬માં નિમણૂંક થઇ અને પાંચ વર્ષ કામ કર્યું.

દરમિયાનમાં અમિતા ગઢવી સાથે પ્રેમ થતાં ૧૯૮૮માં લગ્ન કર્યાં. લંડનને કર્મભૂમિ બનાવી. લગ્ન પહેલા અમીતાને ગીત, ગરબા વગેરેમાં રસ હતો જે નાટકવાળા કિરણને પરણતાં નાટક તરફ ઢળ્યો. અમિતાએ કરેલા કેટલાક નાટકોના નામ : “એક ભૂલ ડબ્બા ગુલ", મોસમનું છેલ્લું ગુલાબ, લગ્નની વ્યાધિ, ડિવોર્સની ઉપાધિ,પટરાણી, પપ્પા પરણ્યા ત્રીજી વાર, કુંડળી..વગેરે છે.

કિરણ પુરોહિતનું નાટક "કાજલ ઢોળાયું કંકુમાં" લંડન અને કેન્યામાં નાટ્ય રસિકોના દિલ ડોલાવી ગયું હતું. અલ્પ વિરામ, સૂરદાસ, દ્રૌપદી, તક્ષક, બાવીસ કરોડ છપ્પન લાખ...વગેરે ત્રીસેક નાટકો લંડનમાં ૨૭ વર્ષ દરમિયાન કર્યા છે.

૧૯૯૨માં ભવન્સ છોડીને કિરણ પુરોહિતે પુત્રના નામથી પોતાની નાટક કંપની "શિવમ્ થિયેટર" સ્થાપી. પછી જે નાટકો કર્યા એમાં કિરણની સૂઝ, પાત્રોની પરખ, દિગ્દર્શનની કલા અને સાથીઓને એક જૂથ રાખીને કામ કરવાની કલા જણાઇ આવે છે. માત્ર પુખ્ત વયના જ નહિ બાળ નાટકોના ક્ષેત્રે કરેલું કામ નોંધપાત્ર છે. છકોમકો. તોફાની ટપુડો, નાથિયો નાક કટ્ટો, ટારઝન વગેરે જાણીતા બાળ નાટકો છે. વિદેશની ધરતીને અનુરૂપ લખેલા નાટકોમાં પપ્પા પરણ્યા ત્રીજી વાર, લોટરી લોટરી અને લગ્નની વ્યાધિ, ડીવોર્સની ઉપાધિ જે ખૂબ સફળ થયેલ છે. ટી.વી.ચેનલો, સિનેમા, થિયેટર એ બધાની હોડમાં સાચી લગન વિના ટકવું લગભગ કપરૂં છે. નાટકો માટે લીધેલ ભેખ મિશનરીઓના સેવાભાવ જેવો આદરભાવ પેદા કરે તેવો છે.

"વર્લ્ડ થીયેટર ડે" વિષે કિરણભાઇનો અભિપ્રાય : “મારી ૫૦ વર્ષની કારકિર્દીમાં મેં રંગભૂમિનું આટલું લાંબુ બ્લેકઆઉટ ક્યારેય જોયું નથી. તખ્તા પર નાટકો હજી ક્યારે ભજવાશે એ નક્કી નથી. કપરો સમય આપણને શીખ આપ્યા વિના જતો નથી. કોરોના કાળે આપણને જીવનના મૂલ્યો ફરી એકવાર તપાસી લેવાની ફરજ પાડી છે. આપણે ફરી પાછી આપણી સ્વતંત્રતા પાછી મેળવી બહાર આવીશું ત્યારે જીવન પ્રત્યે આપણા વિચારો અમુક બદલાઇ ગયા હશે એ નક્કી છે. જો હું આવતા વર્ષે નાટક કરીશ તો એ આખા વિશ્વના સમાજને અર્પણ હશે. જેમણે આ કોરોના કાળને નાથવામાં પોતાનું સર્વસ્વ હોમી દીધું અને સ્વજનો આપણી વચ્ચે રહ્યાં નથી. Our lives will not be same, because many of us without our love ones. World Theatre Dayના દિવસે એક કલાકાર તરીકે મેં પ્રણ લીધું છે કે, દરેક પ્રેક્ષકના મુખ પર હાસ્ય અને આનંદની એ પળો ફરી સ્થાપિત કરવા સતત પ્રયાસ કરીશ"


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter