મિત્રો, આ કોલમમાં હું આપને એક એવા બહેનની ઓળખ આપીશ કે જેમણે પોતાના પતિના અવસાન બાદ વિષાદમાં ડૂબી જઇ જીવન જીવવાનો ઉત્સાહ ગુમાવી દીધો હતો એ પુન: જીવંત કરી "પરોપકારાય ફલન્તિ વૃક્ષા:..”ના શ્લોકને ચરિતાર્થ કર્યો. એ બહેનનું નામ છે ચંચળબહેન વારીયા. હાલ એઇલ્સબરીમાં સ્થાયી થયેલ છે. શક્તિ વુમન્સ ગૃપ, એઇલ્સબરીના તેઓ વાઇસ ચેર છે અને વર્ષોથી પોતાની સેવા સાદર કરી રહ્યાં છે. ભારતીય રસોઇકલાના ડેમોસ્ટ્રેશન દ્વારા સ્થાનિક અને દેશની ચેરિટીઓના ફંડફાળામાં નોંધપાત્ર અનુદાન આપી રહ્યાં છે.
૧૯૪૬માં મોમ્બાસામાં જન્મ. લગ્ન બાદ નૈરોબી અને મોમ્બાસા રહ્યા પછી ૧૯૬૮માં પતિ સાથે બે જોડિયા દિકરાઓ લઇ યુ.કે. આવ્યા. શરૂમાં ઇંગ્લેન્ડની અજાણી ભોમકા પર સ્થાયી થવાની વિટમ્બણા એમણે પણ ભોગવી.
દિકરાઓ સ્કુલે જતાં થયાં પછી અંગ્રેજ મિત્રોના આંગળી ચીંધામણથી એડલ્ટ કલાસમાં ગુજરાતી શાકાહારી વાનગીઓના વર્ગો શરૂ કર્યા. પતિએ પણ પત્નીના કામમાં સહકાર આપ્યો. આ સહિયારા પ્રયોગથી એઇલ્સબરીથી શરૂ થયેલ કુકરી વર્ગો બકિંગહામશાયરના પાડોશી ગામોમાં પણ વિસ્તર્યા. શિક્ષણ સાથે શાકાહારના પ્રચારનું પુણ્ય મેળવી રહ્યાં છે. પરિણામે એમનું મિત્ર વર્તુળ પણ વધ્યું.
જીવનની ગાડી પાટા પર ચાલી રહી હતી ત્યાં ૧૯૯૮માં એમના પતિશ્રીને કેન્સરની બિમારી થતાં અવસાન થયું. જીવનના આ કારમા આઘાતથી જીવન જીવવાનો ઉત્સાહ ગુમાવી દીધો. કામને તિલાંજલિ આપી દઇ ઘરમાં સૂનમૂન બની બેસી ગયાં. પતિના અસ્થિ વિસર્જનની ધાર્મિક ક્રિયા માટે ભારત ગયા. ત્યારબાદ વચલા દિકરાના લગ્ન માટે ગુજરાત ગયા. એમ ભારત પ્રવાસો વધતાં ગયા. દરમિયાનમાં એમના જોડીયા દિકરાઓ ભોપાલની દુર્ઘટનામાં આંખોની બિમારીનો ભોગ બનેલાઓની સેવા માટેના કેમ્પમાં આંખના નિષ્ણાત ડોક્ટર ઉપાધ્યાયની રાહબરી હેઠળ ભોપાલ ગયા. એમના આ અનુભવથી જીવનમાં પરિવર્તન યોગ થયો. એમણે એમના માતાને પણ ડોક્ટર સાથે મેડીકલ કેમ્પમાં જોડાઇ સેવા આપવા પ્રેર્યાં.
ત્યારબાદ જોધપુરગામની મુખ્યત્વે પોલીઓના કારણે શારીરિક વિકલાંગ બનેલ બાળકોની રેસિડેન્શીયલ શાળા SKSNના લાભાર્થે યોજાયેલ કેમ્પમાં હિન્દી ભાષા નહિવત્ જાણતાં બ્રિટિશ ઇન્ડીયન ડોકટર્સ ગૃપના દુભાષિયા તરીકે ચંચળબહેન એમની સાથે જોડાયાં. ત્યાં દરરોજ એમને બે ટંક ભોજન મળતું હતું પરંતુ શાળાના બાળકોને એક જ વખત ભોજન મળતું હોવાનું જાણવા એથી દુ:ખ થયું. એના કારણની ભીતરમાં જતા ખબર પડી કે શાળાના માથે દેવું હોવાથી ખર્ચમાં કાપ મૂકવા તેઓ બાળકોને એક ટંક જ ભોજન આપે છે. તત્કાળ એ ગૃપના ડોકટરોએ અને સ્વયંસેવકોએ મળી પોતાના તરફથી ફંડ એકત્ર કરી શાળાનું દેવું ભરપાઇ કર્યું. એ જ ક્ષણે ચંચળબહેને મનોમન નક્કી કર્યું, યુ.કે. પરત જઇ આ સ્કુલના બાળકો માટે ફઁડ ભેગું કરવાના કામમાં હું લાગી જઇશ.
એ માટે શું કરવું એ વિષે વિચારમંથન કરતાં મનમાં ઝબકારો થયો. "ઝાખુ વિચારવાની જરૂર જ નથી! મારે મારી કુકરી કલાનો ઉપયોગ આ સત્કાર્ય માટે કરવો જોઇએ. એના શ્રીગણેશ કર્યા ચેરિટી લંચીસ અને પાર્ટીઓ માટે કુકીંગ કરવાથી. એઇલ્સબરીના સમાજસેવિકા હીનાબહેન પંચોલીના ઘરે યોજાયેલ ચેરિટી લંચમાં ભોજન બનાવવાથી એની શરૂઆત કરી. મહેમાનોમાં મુખ્યત્વે અંગ્રેજોની હાજરી હતી. આ કાર્યક્રમથી પુષ્ટિ મળી અને વધુ ઇન્ક્વાયરી આવવા લાગી. આ સદ્કાર્યમાં પરગજુ દયાળુ મિત્રો અને પરિવારજનો સ્વયં સેવકો તરીકે જોડાયાં. સોનામાં સુગંધ ભળી. મારા કાર્યને વેગ મળ્યો. પરિણામે હું વીસેક વર્ષથી એ શાળાની દર વર્ષે મુલાકાત લઇ પ્રતિવર્ષ ભંડોળ એકત્ર કરી એમની જરૂરિયાત મુજબ અનુદાન આપું છું. જેમાં ગ્રોસરીસ, બેડીંગ્સ, બ્લેન્કેટ્સ, યુનિફોર્મ્સ અને સ્કુલ બિલ્ડીંગનું રીવાયરીંગ વગેરેમાં મદદરૂપ થવાય છે. હવે તો રણથંભોરની આવી ત્રણ "ચિલ્ડ્રન ઇન નીડ" શાળાઓ માટે ય ભંડોળ એકત્ર કરું છું.” એમ જણાવતાં ચંચળબહેને ઉમેર્યું કે, “ આ કાર્યથી મને જીવન જીવવામાં રસ જાગ્યો અને જીવતર સફળ કરવાની નવી દિશા સાંપડી.”
વાચકો જોગ સંદેશો પાઠવતાં ચંચળબહેન જણાવે છે કે, “મારા અનુભવથી હું આપને હાર્દિક અપીલ કરૂં છું કે, આપના જીવનસાથીની ચિર વિદાયથી ભાંગી પડવાને બદલે આપનામાં રહેલ કૌશલ્યનો સદુપયોગ કરી સમાજને ઉપયોગી થવાય એવી પ્રવૃત્તિમાં સક્રિય થશો તો જીવન સાર્થક થયાનો આનંદ અને સંતોષ મળશે.”


