ઘરઆંગણે આપણે સમુદ્રનો ભીષણ ચક્રવાત જોયો. દરિયાકાંઠે સોમનાથ, દ્વારિકા અને કચ્છમાં બેહાલી હાહાકાર મચાવી મૂકે તેવી છે. આ તો હતો કુદરતી પ્રકોપ. જોકે સમગ્ર રીતે વિચારવામાં આવે તો મનુષ્ય સમાજ જે રીતે માનસિક-સામાજિક-વ્યક્તિગત લાલસા, સ્વાર્થ અને અનૈતિક આચરણ તરફ ધસી રહ્યો છે તે પણ પ્રત્યેક આપત્તિમાં જવાબદાર હોય જ છે. જેને સંચિત કર્મ કહેવામાં આવે તેના પણ આ પરિણામો છે. બિહારમાં એક વાર ભૂકંપ આવ્યો ત્યારે તેને ગાંધીજીએ આપણાં પાપોનું પરિણામ ગણાવ્યું હતું. કેટલાકને તે હાસ્યાસ્પદ વિધાન લાગ્યું પણ ઊંડાણથી જુઓ તો આખા કોસ્મિક જગતમાં દરેકનો - કુદરતથી સમાજ સુધીનો - પરસ્પર સંબંધ હોય જ છે. અત્યારે વિકાસના નામે પર્યાવરણનું નિકંદન કરવામાં આવે, અણુ કચરો સમુદ્રમાં ઠલવાય કે નદીને કારખાનાના કેમિકલથી ગંદી અને રોગગ્રસ્ત કરાય કે બજારમાં શરીરને ખતમ કરી નાખતી ભેળસેળયુક્ત ચીજો પધરાવાય અને સામ્રાજ્યવાદી અહમ માટે એકબીજા દેશો પર કાતિલ યુદ્ધ થાય, બળાત્કારો-હત્યાઓ ચાલતી રહે તેની અસર થાય જ નહિ એવું માનો છો? જો આધુનિક ટેકનોલોજીથી દૂર સુધી આપણો અવાજ અને દ્રશ્ય પહોંચે છે તે જ રીતે ગંદી અને હિંસક ગતિવિધિની અસર પર દૂર સુધી પહોંચતી જ હોય છે. આમાંથી જન્મે છે અનિષ્ટ, આમાંથી પેદા થાય છે પ્રતિક્રિયા. અને તે પ્રતિક્રિયા માત્ર માણસ પૂરતી રહેતી નથી, કુદરતની દરેક ચીજ પર પડે છે. પહાડ, નદી, મેદાન, વૃક્ષ, સમુદ્ર બધે જ. વૈજ્ઞાનિકો બૂમ પાડીને કહે છે કે દુષ્કાળનો, કૃત્રિમ ગરમીનો, વિકૃતિનો સીધો સંબંધ આપણા કૃત્યો સાથે હોય જ છે. જેવુ કરશો તેવું લણશો એવું કહેવાય છે, જેવું વિચારશો તેવું જગત બનશે અને તેવું ભોગવશો. આ કઈ ધાર્મિક ઉપદેશ નથી, ક્રિયા, પ્રતિક્રિયા અને પરિણામોની સંયુક્ત સ્થિતિ છે. પરિણામ ભોગવવા જ પડે. આ ખોવાઈ રહેલી ચિંતા અને ચિંતન યોગ્ય રીતે થાય તો જ સમાજની તન્દુરસ્તી રહે. સીધુંસાદું ઉદાહરણ છે કે આપણે ઘણીવાર કુકર્મ અને લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર કરતા લોકોનો અનુભવ કરતા હોઈએ છીએ, પણ તેમના કુટુંબીજનોની અને તેમની હાલત જોઈ છે? તેના બાળકો વિક્ષિપ્ત જન્મે, સંતાનો બેફામ બને, અસંખ્ય રોગો રહે, કોર્ટકચેરીના ઝઘડા થતાં રહે.. આ બધું શું છે? આમાં એક કે એકથી વધારે ખલનાયક હોય છે પણ દુષ્કૃત્યના ભાગીદાર તો બધા જ બને છે. રશિયામાં એક વર્ગ એવો ઊભો થયો છે જે પુટીનના યુક્રેન આક્રમણને ધુતકારે છે. સેનામાં જોડાઓ અભિયાન સરકારે ચલાવ્યું તેની ખિલાફ મહિલાઓ પડી. સંતાનોને સૈન્યમાં જોડાવા ના પાડી દીધી. એક રશિયન ચિંતકે લખ્યું કે આ સારું થયું. પુટીન જે કરે છે તેને રશિયાના ગૌરવ સાથે જરીકે ય નિસ્બત નથી. સ્ટેલિન પણ રશિયા માટે લડે છે એવું કહેતો હતો. એક કરોડ લોકોને તેણે મારી નાખ્યા કે જેલમાં પૂરી દીધા, તેનું પહેલું પરિણામ ઘરમાં જ આવ્યું. દીકરી સ્વેતલાનાએ બળવો કર્યો, ભારત થઈને વિદેશોમાં ભાગી છૂટી અને રશિયામાં કેવા અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે તે દુનિયાને જણાવ્યુ. પેલા ચિંતકે લખ્યું છે કે એક વાસ્તવિક્તા સ્વીકારવી જોઈએ કે સ્ટેલિન અને પુટીનના કૃત્યોમાં આપણે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગીદાર છીએ. આ સૂક્ષ્મ પ્રક્રિયા છે. આપણાં વિચારનું વર્તુળ સાંકડું હોય છે, વ્યક્તિગત ગમા-અણગમા, સ્વાર્થથી આગળ જઇ શકતા નથી એટલે ધર્મગુરુઓ પર બધુ છોડી દઈએ છીએ. ધર્મ અને કર્મકાંડમાં સંતોષ મેળવવો સ્વભાવ બને છે. ચીની કહેવત છે કે અફીણનું ઝાડ વાવીને તેમાં દ્રાક્ષની આશા રાખીએ તે મૂર્ખતા છે. પણ હવે તો મૂર્ખ અને ડાહ્યા વચ્ચે ભેદરેખા ભૂંસાઈ રહી છે.
... પણ સામૂહિક અને વ્યક્તિગત રીતે વિચારવું તો પડશે જ.


