ચાતુર્માસ પ્રારંભઃ ધર્મ-ધ્યાન-કથા-અનુષ્ઠાન- ભજન-કીર્તનનો સર્વોત્તમ સમય

Thursday 22nd July 2021 04:18 EDT
 
 

હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ વર્ષે તિથિ પ્રમાણે દેવશયની એકાદશી ૧૫ જુલાઈએ આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધિ પણ દર્શાવવામાં આવી છે.
દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજા દિવસે એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે. દેવશયની એકાદશીની કથા આ પ્રમાણે છેઃ
દેવશયની એકાદશીની વ્રતકથા
યુધિષ્ઠિરે કહ્યું, ‘હે કેશવ! હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રતવિધિ જાણવા ઉત્સુક છું તો આપ મને વ્રતવિધિ કહી સંભળાવો.’
શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે રાજન્! બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું... સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી.
પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારુણ દુકાળ પડયો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળીને મા-બાપનું હૃદય દ્રવી ઊઠતું. કેટલાય લોકો ક્ષુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક-એક દાણા માટે લોકો વલખાં મારતાં. અનાજનાં સાંસા પડવા માંડયા. રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણાદેવી જરૂર રુઠયાં હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ.
આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતા અષાઢ સુદ અગિયારશે દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું કે, ‘હે રાજન્! આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે, માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ. માંધાતાએ આ એકાદશીનું વ્રત કર્યું. મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની, પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઊઠયા! સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો. આથી ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.’
ચાતુર્માસ વ્રતનો પ્રારંભ
અષાઢ સુદ અગિયારશ એ ‘શયની’ એકાદશી (દેવશયની) કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુશયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યે આ દિવસે શયન-વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ.
દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું. મોં માગ્યા મેઘ વરસે અને અષાઢ સુધરે તો આખુંય વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યો પણ સુધરી જાય. આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો! ચાતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણાં, કારેલાં, કોળું વગેરે શાક વર્જ્ય ગણવાં જોઈએ. શ્રાવણ માસમાં શાક, ભાદરવામાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળવાળાં કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ.
ચાતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે વ્રતધારી ‘ઓમ નમો નારાયણ’ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે.

ચાર માસ માંગલિક કાર્યો વર્જિત
હિન્દુ ધર્મમાં આગવું ધાર્મિક મહત્ત્વ ધરાવતા ચાતુર્માસનો અષાઢ સુદ અગિયારસ (આ વર્ષે ૨૦ જુલાઇ) દેવપોઢી એકાદશીથી પ્રારંભ થયો છે. આ સાથે જ લગ્ન સહિતના શુભ માંગલિક કાર્યો પર ચાર મહિનાની બ્રેક લાગી છે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો વર્જિત ગણાય છે. કારતક સુદ અગિયારસ (૧૫ નવેમ્બરે)ના રોજ ચાતુર્માસ પૂરાં થશે. આમ હવે સીધા નવેમ્બર મહિનામાં લગ્ન સહિતનાં માંગલિક કાર્યોના મૂહૂર્તો આવશે.
ચાતુર્માસ ભજનકીર્તન, સત્સંગ કથા, ભાગવત અધ્યયન માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન પૂજાપાઠ, કથા, અનુષ્ઠાન કરવાથી સકારાત્મક ઊર્જા મળે છે. આમ તો ચાતુર્માસની સાથે સાથે તહેવારોની સિઝન પણ શરૂ થાય છે. ચાતુર્માસમાં હિંડોળાનાં દર્શનનો પણ મહિમા છે. અષાઢ વદ બીજ - ૨૫ જુલાઇએ ઠાકોરજીનાં હિંડોળાના દર્શનનો પ્રારંભ થશે, જે ૧૫ દિવસથી એક મહિના સુધી ચાલશે.
૨૦ જુલાઇથી નાની બાળકીઓના મોળાકત વ્રતનો પણ પ્રારંભ થયો છે. ૨૧ જુલાઇથી જયા પાર્વતી વ્રત શરૂ થશે, આ વ્રત પાંચ દિવસ રાખવાનું હોય છે. ૨૩ જુલાઇએ ગુરુનું ઋણ ચૂકવવાનો અવસર ગુરુપૂર્ણિમા પર્વ મનાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter