પ્રાચીન દંતકથા અનુસાર મહાન ઋષિ કશ્યપ દ્વારા વિશાળ સરોવરને ખાલી કરાવાયું હતું જેને કશ્યપામર તરીકે પણ ઓળખાવાય છે. ઋષિ કશ્યપના નામ પરથી આ સ્થળ કાશ્મીર તરીકે સ્થાપિત થયું હતું. કાશ્મીરનો ઈતિહાસ ભારતીય ઉપખંડના ઈતિહાસ સાથે વણાયેલો છે. કાશ્મીરના પ્રારંભિક ઈતિહાસનું વર્ણન નીલમાતા પુરાણ (ઈ.સ.500–600માં સંપાદિત)માં જોવાં મળે છે. ભારતના સર્વપ્રથમ ઈતિહાસકાર ગણાવાયેલા કલ્હણે ‘રાજતરંગિણી’ (રાજાઓની નદી) ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથમાં 8000 સંસ્કૃત શ્લોકનો સમાવેશ થાય છે જેમાં અતિ પ્રાચીનકાળથી 12મી સદી સુધીના કાશ્મીરના રાજવંશોનો વિસ્તૃત ઈતિહાસ આલેખાયો છે. આ ઉપરાંત, 11મી અને 12મી સદીના ગાળાની ઘટનાઓનું તાર્કિક અને ટીકાપૂર્ણ વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે. તે મુખ્યત્વે નીલમાતા પુરાણ, શિલાલેખો, પ્રાચીન સિક્કાઓ, સ્મારકો સહિત પરંપરાગત સ્રોતો તેમજ તેમના પરિવારના રાજકીય અનુભવોમાંથી તારવેલા અંગત નીરિક્ષણો પર આધારિત છે.
કલ્હણના ‘રાજતરંગિણી’ ગ્રંથનો ઉપયોગ આ પછીના પર્શિયન સહિતના ઐતિહાસિક વૃતાન્તોમાં સ્રોત તરીકે કરવામાં આવ્યો છે. ઈસુ ખ્રિસ્ત પહેલાની ત્રીજી સદીમાં કાશ્મીર મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો બન્યું ત્યારે મૌર્ય સમ્રાટ અશોક મારફત કાશ્મીરમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર કરાયો હતો. સમ્રાટ કનિષ્ક દ્વારા કાસ્મીરમાં મહાયાન બૌદ્ધવાદનો પ્રચાર-પ્રસાર કરાયો હતો. આમ, કાશ્મીર ઈતિહાસના અલગ કાલખંડોમાં હિન્દુવાદ અને બૌદ્ધવાદનું અગ્ર કેન્દ્ર બન્યું હતું. 9મી સદીમાં કાશ્મીરમાં શૈવવાદનું પ્રભુત્વ સ્થપાયું હતું. મુસ્લિમોએ લગભગ પાંચ સદીઓ સુધી કાશ્મીર પર શાસન કર્યું હતું જેનો અંત 1819માં કાશ્મીરને પંજાબના શીખ રાજ્ય સાથે અને તે પછી 1846માં જમ્મુના ડોગરા રાજ્યમાં જોડી દેવા સાથે આવ્યો હતો. પ્રથમ શીખ યુદ્ધની સમાપ્તિ પછી જમ્મુના ડોગરા શાસક રાજા ગુલાબ સિંહ લાહોર અને અમૃતસર સંધિઓના પરિણામસ્વરૂપ વિસ્તૃત-વિશાળ હિમાલયન રાજ્યના મહારાજા તરીકે પ્રસ્થાપિત થયા હતા.
ખરેખર ‘કાશ્મીર મુદ્દો’ શું છે?
ભારતીય ઉપખંડમાં 1947માં બ્રિટિશ શાસનના અંત સાથે બ્રિટિશ ઈન્ડિયાના અનુગામી રાજ્યો-દેશ તરીકે ઈન્ડિયા અને પાકિસ્તાનની રચના કરાઈ હતી. ભારતના 562 રજવાડાંઓ પર બ્રિટિશ પ્રભુસત્તા- સર્વોચ્ચતાનો અંત આવ્યો હતો અને ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ 1947 અન્વયે ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવા અથવા સ્વતંત્ર રહેવાની પસંદગી રજવાડાંઓ પર છોડી દેવાઈ હતી.
જમ્મુ અને કાશ્મીરનું ભારત સાથે જોડાણ
હિન્દુ મહારાજા હરિ સિંહના શાસન હેઠળના જમ્મુ અને કાશ્મીર રાજ્યે શરૂઆતમાં સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો હતો. મહારાજાએ ભારત અને પાકિસ્તાન સાથે કરેલા Standstill Agreement - સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટનો ખુલ્લેઆમ ભંગ કરીને પશ્તુન કબીલા-જાતિઓએ પાકિસ્તાન સરકારના ઈશારાઓ પર ઓક્ટોબર 1947માં કાશ્મીર પર આક્રમણ કર્યું હતું. સી. ક્રિસ્ટિન ફેર દ્વારા એવી ટીપ્પણી કરાઈ હતી કે પાકિસ્તાન દ્વારા અનિયમિત દળો તેમજ જાહેર બુદ્ધિગમ્ય ઈનકાર કરી શકાય તેવી ચોકસાઈ સાથેના ‘એસેમેટ્રિક વોરફેર’ ના ઉપયોગની આ શરૂઆત હતી જે આજ દિન સુધી ચાલી રહી છે.
આક્રમણનો સામનો નહિ કરી શકાતા મહારાજાએ તાકીદની લશ્કરી સહાય માટે દિલ્હીને વિનંતી કરી હતી. ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય દળોને મદદે મોકલી શકાય તે પહેલા મહારાજાએ ભારત સાથે જોડાણ કરવું આવશ્યક છે. એમ્બ સી. દાસગુપ્તાએ પોતાના પુસ્તક ‘War and Diplomacy in Kashmir, 1947-48’માં આ ઘટનાક્રમો સમજાવવા ડીક્લાસીફાઈડ બ્રિટિશ આર્કાઈવલ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે. મહારાજાએ 26 ઓક્ટોબર 1947ના દિવસે જોડાણખત- instrument of accession પર હસ્તાક્ષર કર્યા અને બીજે દિવસે ગવર્નલ જનરલ દ્વારા તેનો સ્વીકાર પણ કરી લેવાયો હતો. 27 ઓક્ટોબરની વહેલી સવારે ભારતીય દળોને એરલિફ્ટ કરાયા હતા. તેમણે શ્રીનગર એરપોર્ટ પર કબજો જમાવી લીધો. શ્રીનગર શહેરમાં હિન્દુ, શીખ અને મુસ્લિમ સ્વયંસેવકોની સાથોસાથ શહેરનો કબજો મેળવવા ભારતીય દળો સાથે કામ કરનારા નેશનલ કોન્ફરન્સ કાર્યકર્તાઓ પણ પેટ્રોલિંગ કામગીરીમાં જોડાયા હતા. ભારત સરકારે જોડાણખતનો સ્વીકાર કરવા સાથે એમ ઉમેર્યું હતું કે રાજ્યમાંથી આક્રમણખોરોને હાંકી કઢાયા પછી જોડાણખત પર લોકમત મેળવવામાં આવશે.
કાશ્મીરમાં જનમતનો પ્રશ્ન કેવી રીતે ઉદ્ભવ્યો?
ભારતે જાન્યુઆરી 1948માં યુએનમાં જે અત્યારે ભારતીય પ્રદેશ હતો તેમાંથી પાકિસ્તાની આક્રમણને દૂર કરવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. યુનાઈટેડ નેશન્સ કમિશન ફોર ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન (UNCIP)ની રચના કર્યા પછી યુએન સિક્યુરિટી કાઉન્સિલે 21 એપ્રિલ 1948નું રેઝોલ્યુશન 47 પસાર કર્યું હતું. આ ઠરાવમાં પાકિસ્તાનને તત્કાળ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી આદિવાસી કબીલા તેમજ લડવાના હેતુસર રાજ્યમાં પ્રવેશેલા અને સામાન્યપણે રાજ્યમાં નહિ વસતા પાકિસ્તાની નાગરિકોને ખસેડી લેવા જણાવ્યું હતું જેથી રાજ્યના ભાવિનો નિર્ણય લેવા માટે મુક્ત અને નિષ્પક્ષ જનમત માટે સાનુકૂળ વાતાવર્ણ સર્જી શકાય. UNCIP દ્વારા 1948 અને 1949ના ગાળામાં ઉપખંડની ત્રણ મુલાકાત લેવાઈ હતી. તેણે ઓગસ્ટ1948માં સિક્યુરિટી કાઉન્સિલને રિપોર્ટ આપ્યો હતો કે કાશ્મીરમાં ‘પાકિસ્તાનના દળોની હાજરી’એ પરિસ્થિતિમાં સ્થૂળ- મહત્ત્વપૂર્ણ ફેરફાર ઉભો કર્યો છે. UNCIPએ દ્વિભાગી પ્રક્રિયાનો પ્રસ્તાવ મૂક્યો હતોઃ પ્રથમ હિસ્સામાં પાકિસ્તાને રાજ્યમાંથી તેના દળો તેમજ અન્ય પાકિસ્તાની નાગરિકોને ખસેડી લેવાં; બીજા ભાગમાં ‘જ્યારે કમિશન દ્વારા ભારત સરકારને નોટિફાય કરવામાં આવે’ કે પાકિસ્તાની દળોને ખસેડી લેવાની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે ભારતે તેના મોટા ભાગના દળોને ખસેડી લેવાના રહેશે. ભારતને થોડી સંખ્યામાં દળો જાળવી રાખવા પરવાનગી અપાઈ હતી. જ્યારે દળો પાછા ખસેડી લેવાય તે પછી જનમત હાથ ધરવામાં આવશે.
પાકિસ્તાન પોતાના દળોને પરત ખેંચવામાં નિષ્ફળ રહ્યાનું જણાયા પછી, શેખ અબ્દુલ્લાના વડપણ હેઠળ રાજ્યમાં સૌથી મોટા રાજકીય પક્ષ જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરન્સે 27 ઓક્ટોબર 1950માં પસાર કરેલા ઠરાવમાં બંધારણસભા- કન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી બોલાવવાની ભલામણ કરી હતી. 15 ફેબ્રુઆરી 1954ના દિવસે ઉપસ્થિત એસેમ્બલી સભ્યોએ સર્વાનુમતે ભારત સાથે રાજ્યના જોડાણને બહાલી આપી હતી. 26 જાન્યુઆરી 1957ના દિવસે અમલમાં આવેલા જમ્મુ અને કાશ્મીરના બંધારણના વિભાગ-૨માં જણાવાયું છે કે,‘ જમ્મુ અને કાશ્મીરનું રાજ્ય ભારતીય સંઘનો અભિન્ન હિસ્સો છે અને રહેશે અને ‘રાજ્યના પ્રદેશમાં પંદરમી ઓગસ્ટ 1947ના દિવસે જે વિસ્તારો હતા તે તમામ રાજ્યના શાસકના સાર્વભૌમત્વ અથવા સુઝરનિટી (આધિપત્ય)નો સમાવેશ થશે.’
પાકિસ્તાને કદી તેના દળો અને નાગરિકોને પાછા ખેંચી લીધા નથી તેમજ તે પછીના વર્ષોમાં રાજ્યની ડેમોગ્રાફી- વસ્તીશાસ્ત્રને બદલી નાખવા તમામ પ્રયાસો કર્યા છે. તે 1955માં સાઉથ એશિયા ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (SEATO)માં પશ્ચિમી રાષ્ટ્રોની સાથે જોડાયું હતું. ડીક્લાસિફાઈડ બ્રિટિશ દસ્તાવેજોમાં એમ દર્શાવાયાનું કહેવાય છે કે બ્રિટન અને યુએસની શીતયુદ્ધ ગણતરીઓએ યુએનમાં તેમની નીતિઓને પ્રભાવિત કરી હતી. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટાયેલી બંધારણસભાને બહાલી આપવા સાથે રાજ્યના ભારત સાથેના જોડાણ મુદ્દે લોકોનો મત મેળવવાના વચનને પરિપૂર્ણ કર્યું હતું.
ક્રમશઃ
(કાશ્મીરની વણકહેવાયેલી કથાનો આ પ્રથમ ભાગ છે. બીજા ભાગમાં અન્ય ઘટનાક્રમો પણ જાણીશું.)
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


