કાશ્મીર માટે 1947નો ઓક્ટોબર મહિનો લોહિયાળ બની રહ્યો હતો. વિવેચકો અને પત્રકારોએ 22 ઓક્ટોબર 1947ના દિવસે પાકિસ્તાનથી ઘૂસેલા અને રાવલપિંડી-મરી- મુઝફ્ફરાબાદ- બારામુલ્લા રોડ વિસ્તારોમાં નાગરિક વેશમાં રહેલા પાકિસ્તાની સૈનિકોની સહાય મેળવતા આક્રમણખોરો (કબાલીઓ અથવા આદિજાતિ લાશ્કર્સ)ની હિલચાલ વિશે લખેલું છે. આ લાશ્કર્સ 25 ઓક્ટોબરે બારામુલ્લા પહોંચ્યા હતા અને એ જ દિવસે તેનો કબજો મેળવાયો હતો. બારામુલ્લાથી શ્રીનગર વચ્ચે 54 કિલોમીટરનું અંતર છે આમ, શ્રીનગર પણ લાશ્કરો માટે હાથવેંતમાં જ હતું. 25 ઓક્ટોબર પછી શું થયું હતું? ભારતીય દળોના 27 ઓકટોબરના આગમન પહેલા જ લાશ્કર્સ શા માટે શ્રીનગર પહોંચી શક્યા નહિ?
ઓક્ટોબર 1947માં કાશ્મીરનો બળબજરીથી કબજો
લેવાનો પાકિસ્તાનનો પ્રયાસ શાથી નિષ્ફળ ગયો?
લાશ્કર્સ એક વખત બારામુલ્લા પહોંચી ગયા પછી તેમણે કાબુ ગુમાવી દીધો અને હત્યાકાંડ અને લૂંટફાટની નીચ અને અનિયંત્રિત પ્રવૃત્તિઓમાં લાગી ગયા. પશ્ચિમના પત્રકારો સહિત અને લેખકો અને પત્રકારોએ સેન્ટ જોસેફ‘સ કોલેજ સહિત બારામુલ્લામાં હત્યાકાંડો વિશે લખ્યું છે. સેન્ટ જોસેફ‘સ કોલેજ ખાતે હોસ્પિટલમાં પેશન્ટ્સ, સાધ્વીઓ, પાદરીઓ તેમજ ધર્મસભામાં ઉપસ્થિત ધાર્મિક નાગરિકો સહિત નિર્દોષોની કત્લેઆમ ચલાવાઈ હતી. લાશ્કર્સના હાથે મોતનો શિકાર બનેલા લોકોમાં ‘નાની સંખ્યામાં યુરોપિયનો’ પણ હતા.
ઈન્ટરનેટ પર પ્રાપ્ત માહિતી અનુસાર ચાર્લ્સ ચેવનિક્સ ટ્રેન્ચે ધ ફ્રન્ટિયર સ્કાઉટ (૧૯૮૫)માં લખ્યું હતું કે,‘ ઓક્ટોબર 1947માં....આદિજાતિ લાશ્કર્સ લોરીઓમાં ભરાઈને ઉતાવળે -- નિશ્ચિતપણે સત્તાવાર લોજિસ્ટિક સપોર્ટ સાથે – કાશ્મીરમાં આવ્યા હતા... એમ લાગતું હતું કે આદિવાસીઓના આ જંગી ટોળાંને શ્રીનગરનો તેના મહત્ત્વપૂર્ણ એરફિલ્ડ સાથે કબજો લેતા કોઈ અટકાવી શકશે નહિ. ખરેખર તો તેમને કોઈએ નહિ પરંતુ, પોતાની જ લાલચ કે લોભે અટકાવી દીધા હતા. ખાસ કરીને માહસુદ્સ તો લૂંટફાટ, બળાત્કારો અને હત્યાઓ કરવા જ રોકાઈ ગયા હતા.’
જમ્મુ અને કાશ્મીરનું ભારત સાથે જોડાણ થયા પછી 27 ઓકટોબરની સવારે ભારતીય દળો શ્રીનગર એરફિલ્ડ પહોંચ્યા ત્યારે આદિવાસી-કબાલી દળો હજુ લોકોમાં ત્રાસ ગુજારવા, લૂંટફાટ અને હત્યાઓ કરવા બારામુલ્લામાં જ હતા.
યુદ્ધો, સંઘર્ષો અને સિમલા કરાર
યુનાઈટેડ નેશન્સ કમિશન ફોર ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન (UNCIP)ની દેખરેખ હેઠળ કાશ્મીરમાં યુદ્ધવિરામ લાઈન પ્રસ્થાપિત કરતા 1949ના ધ કરાચી એગ્રીમેન્ટ પર ભારત અને પાકિસ્તાનના લશ્કરી પ્રતિનિધિઓ દ્વારા સહીઓ કરાઈ હતી. જોકે, આનાથી પાકિસ્તાન જરા પણ અટક્યું નહિ. જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય શાસન વિરુદ્ધ બંડખોરીનાં ષડયંત્રને ઉત્તેજન આપવાના સૈનિકોની ઘૂસણખોરીના પાકિસ્તાનના ‘ઓપરેશન જિબ્રાલ્ટર’ના પગલે 1965માં વધુ એક યુદ્ધની શરૂઆત કરાઈ હતી. 1965ના યુદ્ધને બીજા કાશ્મીર યુદ્ધ તરીકે પણ ઓળખાવાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધ પછી, ભારતના વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના પ્રેસિડેન્ટ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 2 જુલાઈ 1972ના દિવસે સિમલા કરાર પર સહીઓ કરી હતી. આ કરારથી બંને દેશો વચ્ચે લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પ્રસ્થાપિત થઈ હતી; બંને દેશોએ તેની પવિત્રતા જાળવવા અને દ્વિપક્ષીય વાટાઘાટો મારફત શાંતિમય માર્ગો-સાધનો થકી પોતાના મતભેદોનો ઉકેલ લાવવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
બંને દેશો ‘કોઈ પણ પક્ષ એકપક્ષી રીતે પરિસ્થિતિને બદલશે નહિ’ તે બાબતે સંમત થયા હોવાં છતાં, 1998માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વખત કારગિલમાં સશસ્ત્ર સંઘર્ષ થયો હતો જ્યારે, કાશ્મીરી આતંકવાદીઓના છદ્મવેશમાં પાકિસ્તાની દળોએ LoCની ભારતીય તરફે થાણાંઓ પર ઘૂસણખોરી કરી હતી. પાકિસ્તાને આ લડાઈ માટે ‘સ્વતંત્ર કાશ્મીરી બળવાખોરો’ પર દોષારોપણ કરવાનો રાગ આલાપ્યો હતો પરંતુ, પરિસ્થિતિને બદલવામાં તેને કોઈ સફળતા મળી ન હતી. જમ્મુ અને કાશ્મીરના લોકો ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સરહદ પારથી સ્પોન્સર કરાયેલા ત્રાસવાદ અને કટ્ટરવાદના હુમલાઓનો સામનો કરી રહ્યા છે.
1989–1990ની કાશ્મીરી પંડિતોની હિજરત
હિન્દુ પુરાણોની કથા અનુસાર, મારિચીના પુત્ર, બ્રહ્માના પુત્ર કશ્યપે બારામુલ્લા (વારાહ-મુલા)ની ટેકરીઓ વચ્ચે વિશાળ વિસ્તારમાં ફાટ કરી હતી અને સરોવરનું પાણી ખાલી થઈ ગયા પછી ત્યાં બ્રાહ્મણોને વસવાટ કરવા જણાવ્યું હતું. કાશ્મીરમાં પાંચમી સદીના બૌદ્ધવાદી સ્તૂપ પણ આવેલા છે; રાજા લલિતાદિત્યે માર્તંડ સૂર્ય મંદિર (અનંતનાગ શહેર નજીક) અને શ્રીનગરમાં શંકરાચાર્ય મંદિરના નિર્માણ કરાવ્યા હતા.
કાશ્મીરમાં કવિઓ અને વિદ્વાનો સારી રીતે પાંગર્યા હતા અને ઈસ્વી સન1586 માં બાદશાહ અકબરે કાશ્મીર પર વિજય હાંસલ કર્યા પછી, શ્રીનગર તેના પુત્ર બાદશાહ જહાંગીર દ્વારા નિર્મિત પ્રસિદ્ધ ઉદ્યાનો-બગીચાઓ માટે વધુ જાણીતું બન્યું હતું.
1990ના સમયગાળામાં, આશરે 300,000થી 600,000 કાશ્મીરી પંડિતો કાશ્મીર ખીણમાં રહેતા હતા. સાંપ્રદાયિક સુમેળ-સુસંવાદિતા અને ધાર્મિક વિચારધારાઓના સમન્વયની સંસ્કૃતિ, ‘કાશ્મીરિયત’ થકી હિન્દુ અને મુસ્લિમ કોમ્યુનિટીઓ ઉત્સવોની સંયુક્ત ઉજવણીઓ, ભાષા, વાનગીઓ અને કાશ્મીર પ્રત્યે અનોખા પ્રેમ દ્વારા પરસ્પર બંધાઈ-સંધાઈને રહેતી હતી.
કાશ્મીર ખીણમાં વધતી બંડખોરી અને ઈસ્લામિક ઉગ્રવાદના કારણે આ સુમેળપૂર્ણ વાતાવરણ નષ્ટ થઈ ગયું અને કાશ્મીરી પંડિતોને ખીણમાંથી નાસી છૂટવાની ફરજ પડી હતી. જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF), અલ ફરહાન, હરકતઉલ મુજાહિદ્દીન જેવા ઉગ્રવાદી જૂથોએ કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા હતા. સ્થાનિક વર્તમાનપત્ર અને મસ્જિદે પણ ભયપ્રેરક સંદેશાઓ જાહેર કર્યા હતા. અત્યાચારો, હત્યાઓ અને સ્ત્રીઓ વિરુદ્ધના અપરાધોનો સામનો કરી રહેલા કાશ્મીરી પંડિતો જાન્યુઆરી 1990માં પોતાના ઘરબાર છોડી નાસી છૂટ્યા હતા. તેમની સામૂહિક હિજરત 1 માર્ચ 1990 થી શરૂ થઈ હતી જ્યારે હજારો કાશ્મીરી પંડિતો રાજ્યને છોડી ગયા હતા. વર્ષ 2016માં માત્ર 2000થી 3000 કાશ્મીરી પંડિતો જ રાજ્યમાં હોવાનું કહેવાય છે.
પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરની હાલત
વર્ષ 1970માં ગિલગિટ એજન્સી અને બાલ્ટિસ્તાનને એક વહીવટી એકમ તરીકે ભેળવી દઈ તેને ‘નોર્ધર્ન એરિયાઝ- Northern Areas - NA’ નામ અપાયું હતું. પાકિસ્તાને 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી લડાખને અલગ કરાયા વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો જ્યારે તેણે ખુદ 1970માં પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીર (POK)માંથી NAને અલગ કર્યા હતા. પાકિસ્તાને 1963માં સિનો-પાકિસ્તાન એગ્રીમેન્ટ હેઠળ સાક્સગામ ટ્રેક્ટ હિસ્સો ચીનને સુપરત કરી દીધો હતો. આમ, પાકિસ્તાને POKમાં 5,180 ચોરસ મીટરનો ભારતીય પ્રદેશ ગેરકાયદે ચીનમાં ભેળવી દીધો હતો. પાકિસ્તાનની KANA મિનિસ્ટ્રીએ આ પ્રદેશના પ્રત્યક્ષ- વાસ્તવિક બંધારણ તરીકે કાર્યરત કરવા માટે 1994માં લીગલ ફ્રેમવર્ક ઓર્ડર (LFO)ની રચના કરી હતી.
પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓ જમીન ખરીદી શકે અને ત્યાં વસવાટ કરી શકે તે માટે 1974માં ગિલ્ગિટ-બાલ્ટિસ્તાનમાં, અગાઉનો ‘સ્ટેટ સબ્જેક્ટ’ કાદો નાબૂદ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં 1984માં વધુ બદલાવ આવ્યો હતો જ્યારે પાકિસ્તાને ગેરકાયદે પચાવી પાડેલા ભારતીય પ્રદેશમાં થઈ ચીન અને પાકિસ્તાનને સાંકળતા કારાકોરમ હાઈવેનું ચીનની મદદથી નિર્માણ કર્યું હતું.
1988 નો ગિલગિટ હત્યાકાંડ
સુન્ની સંપ્રદાયના એક હજાર જેટલા કટ્ટર આતંકીઓએ ગિલગિટ ડિસ્ટ્રિક્ટના શિયા મુસ્લિમો પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. મોટા ભાગના ઉગ્રવાદીઓને અફઘાનિસ્તાનમાં દખલ અને જમ્મુ અને કાશ્મીરમાં પ્રોક્સી યુદ્ધ માટે પાકિસ્તાની મિલિટરી/ ISI દ્વારા સહાય મળતી રહી છે. ગિલગિટ ડિસ્ટ્રિક્ટમાં રહેતી શિયા મહિલાઓ સ્થાનિક સુન્ની આદિજાતિઓ અને ઉગ્રવાદીઓના અપરાધોનો શિકાર બની હતી.
વિશ્લેષકો સેંકડો સ્થાનિક શિયા મુસ્લિમોની હત્યાઓ માટે પાકિસ્તાની આર્મીના શક્તિશાળી જનરલ્સ તરફ આંગળી ચીંધે છે. રાજકીય કર્મશીલોએ પાકિસ્તાન વિરુદ્ધ તેની પોતાની કમિટમેન્ટ્સની અવહેલના કરી ગિલ્ગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીર (PoK)ની ડેમોગ્રાફી-વસ્તીસ્થિતિને બદલવાનો આક્ષેપ લગાવ્યો છે. ઈસ્લામાબાદે ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારોમાં જમીનો અને સ્રોતોને હડપવાનું બહારના લોકો માટે સરળ બનાવવા ધીમે ધીમે તેના બંધારણને મંદ-નબળું બનાવી દીધું છે.
આ તમામ હકીકતોને ધ્યાનમાં લેતાં ભારતે જમ્મુ અને કાશ્મીરને સંબંધિત અનુચ્છેદ 370 સંદર્ભે જે બંધારણીય સુધારાઓ કર્યા છે તેની સામે પાકિસ્તાનનો કાગારોળ સમાન પ્રત્યાઘાત તદ્દન અર્થહીન અને પાયાવિહોણો જ ગણાવી શકાય.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


