વારાણસી અથવા બનારસના નામોથી પણ પ્રસિદ્ધ કાશી વિશ્વની સતત વસ્તી ધરાવતી પ્રાચીન નગરીઓમાં એક છે જે 2500 વર્ષ અગાઉના પ્રાચીન કાશી રાજ્ય સાથે સંકળાયેલી હોવાનું મનાય છે. આ રાજ્યમાં મોટા ભાગના વર્તમાન ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોનો સમાવેશ થતો હતો. અતિ પ્રાચીન ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરાયો છે જેનું નામ સંસ્કૃતની મૂળ ધાતુ ‘કાશ’માંથી ઉતરી આવ્યું છે જેનો અર્થ ‘પ્રકાશિત થવું’નો થાય છે. આમ, આ નગરી જ્ઞાનના તેજની નગરી અથવા પ્રકાશની નગરી છે.
દિલ્હીથી આશરે 690 કિલોમીટર પૂર્વમાં પવિત્ર ગંગા નદી પર સ્થિત વારાણસી હિન્દુઓના જીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, ભલે તે યાત્રા સંદર્ભે હોય કે મૃત્યુના સંદર્ભે હોય. આધ્યાત્મિક પુનર્જન્મ તરીકે ગણાતી ઉપનયન અથવા જનોઈની વિધિઓમાં એક દરમિયાન પણ ‘હું અભ્યાસાર્થે કાશી જઈ રહ્યો છું’ તેમ કહેવામાં આવે છે.
વર્ષ 2014માં કરાયેલા ઉત્ખનનો અને તે પછી વારાણસીની નજીક અખ્તાર અને રામનગર ખાતેના ઉત્ત્ખનન તેને અતિ પ્રાચીન હોવાનું પ્રમાણ આપે છે. અખ્તાર ખાતે મળી આવેલા હસ્તકલાની ચીજવસ્તુઓ 800 BCE જ્યારે, રામનગર ખાતે મળી આવેલી હસ્તકલાની કલાકૃતિઓ 1800 BCE જેટલી પુરાણી હોવાનું જણાવાય છે જે સૂચવે છે કે આટલા પ્રાચીન કાલખંડ પહેલા પણ આ વિસ્તારોમાં માનવવસ્તી હતી. મોટા ભાગના પ્રાચીન અવશેષો કે સ્થળો હવે શોધી શકાય તેમ નથી કારણકે વર્ષોના ગાળામાં કરાયેલાં શ્રેણીબદ્ધ આક્રમણોથી તેમનો નાશ થયો હતો.
ઘણી પરંપરાઓ પણ અદૃશ્ય થઈ ગઈ છે અથવા હવે આધુનિકતા સ્પર્શી ગઈ છે પરંતુ, હિન્દુઓના દિલોદિમાગમાં કાશીનું મહત્ત્વ અને સ્થાન શાશ્વત રહ્યું છે, કદાચ તેનું કારણ એ છે કે તે ભગવાન શિવ દ્વારા સ્થાપિત એટલે કે શિવની નગરી તરીકે ઓળખાય છે જ્યાં. કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવો ભગવાન શિવની આરાધના કરવા ગયા હતા.
પવિત્ર કાશી નગરીની યાત્રા કે મુલાકાત પ્રભુ શિવને સમર્પિત કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કે મુલાકાત વિના અધૂરી જ ગણાય. પવિત્ર ગંગા નદીના પશ્ચિમ તટ પર આવેલું આ સ્થળ બ્રહ્માંડના પરમાત્માને સમર્પિત 12 જ્યોતિ્ર્લિંગ (શિવમંદિરોમાં સૌથી પવિત્ર અને સ્વયંભૂ લિંગ)માંનું એક અને શૈવ સંસ્કૃતિમાં પૂજા-આરાધનાનું કેન્દ્રસ્થાન છે. આ મંદિરનો અનેક વખત વિનાશ કરાયો છે અને છેલ્લે તેનો નાશ ઔરંગઝેબ દ્વારા કરાયો હતો જેણે તેના સ્થળે જ્ઞાનવાપી મસ્જિદ બંધાવી હતી જેના પરિણામસ્વરૂપ સર્જાયેલો વિવાદ આજે પણ યથાવત છે. તેને અડીને આવેલા સ્થળ પર ઈન્દોરના મરાઠા શાસક અહલ્યાબાઈ હોલકર દ્વારા વર્ષ 1780માં મંદિરનું નિર્માણ કરાવાયું હતું. નજીકના તમામ મહત્ત્વના ઘાટોને સાંકળી લઈને શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરની રચનાનો પ્રોજેક્ટ 2014થી પાર્લામેન્ટમાં વારાણસી બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ- સૂચનાથી હાથ ધરાયો હતો.
એક બાળક તરીકે વારાણસીની લીધેલી મુલાકાતમાં મને ગંગા નદી પરનો જળમાર્ગ નાની લાકડાની હોડીમાં પસાર કર્યાનું યાદ છે. થોડા સમય પહેલાની મુલાકાતમાં અમે સાંજનો નૌકાવિહાર કર્યો હતો જેમાં અમને ગંગા નદી પરના કિનારાઓ સાથે સાંકળતા ‘ઘાટ’ અથવા નદીકિનારાના પગથિયાંને સારી રીતે જોઈ શક્યા હતા. વારાણસીમાં આવા 88 ઘાટ છે જેમાંના મોટા ભાગનો ઉપયોગ સ્નાન અને પૂજાવિધિ માટે કરવામાં આવે છે. જ્યારે મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ વિશેષતઃ અંતિમસંસ્કારના સ્થળ છે. મોટા ભાગના ઘાટનું પુનર્નિર્માણ 18માં સદીમાં મરાઠા શાસકોઃ શિંદે, હોલક, ભોંસલે, પેશવા અને બનારસના મહારાજાઓના આશ્રય હેઠળ કરવામાં આવ્યું હતું. જે રીતે સાંજની નૌકાસવારીની પરાકાષ્ઠા ગંગા આરતીમાં પરિણમે છે તેમ ઘાટ પાસેથી પસાર થઈ ગંગા નદીમાં સવારની નૌકાસવારી લોકપ્રિય પર્યટક આકર્ષણ છે.
વારાણસીનું મહત્ત્વ માત્ર હિન્દુઓ પૂરતું જ નથી. વારાણસીથી 10 કિલોમીટર નૈઋત્યમાં ગંગા અને વરુણા નદીઓના સંગમસ્થાન નજીક આવેલું સારનાથ બૌદ્ધો માટે પવિત્ર સ્થળ છે. સારનાથસ્થિત ધ ડિયર પાર્ક એ સ્થળ છે જ્યાં ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ વખત ‘ધર્મ’ શીખવ્યો હતો અને બૌદ્ધ સંઘ અસ્તિત્વમાં આવ્યો હતો અને જ્યાં ભગવાન બુદ્ધે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સૌપ્રથમ વખત પોતાનો ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશમાં બુદ્ધે ચાર ઉમદા સત્યને અને તેની સાથે સંકળાયેલા ઉપદેશોને સમજાવ્યા હતા. બૌદ્ધો માટે ધર્મયાત્રાના મુખ્ય ચાર સ્થળોમાં સારનાથ એક છે.
આશરે એક કિલોમીટરના અંતરે જ જૈન ધર્મના 11મા તીર્થંકરનું જન્મસ્થાન છે. તેમને સમર્પિત મંદિર જૈનો માટે મહત્ત્વનું અને પવિત્ર યાત્રાધામ છે. કાશીમાં જ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) છે જેની સ્થાપના પંડિત મદન મોહન માલવીયા, દરભંગાના મહારાજા રામેશ્વર સિંહ, બનારસના મહારાજા પ્રભુ નારાયણ સિંહ, સુંદર લાલ તથા બ્રિટિશ થિયોસોફિસ્ટ અને હોમ રૂલ લીગનાં સ્થાપક એની બિસન્ટ દ્વારા 1916માં સંયુક્તપણે કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કેમ્પસસ્થિત 80 હોસ્ટેલ્સમાં રહેતા 18,000 વિદ્યાર્થીઓ સહિત 30,000થી વધુ વિદ્યાર્થી ધરાવતી BHU સમગ્ર એશિયામાં સૌથી મોટી રેસિડેન્શિયલ યુનિવર્સિટી છે. તેની સંખ્યાબંધ સંસ્થાઓ, ડિપાર્ટમેન્ટ્સ અને અને વિદ્યાશાખાઓના વિદ્વાન શિક્ષકો પ્રાચીનતમથી અત્યાધુનિક શિક્ષણ આપે છે. યુનિવર્સિટીની ઈજનેરી સંસ્થાને જૂન 2012માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની ઓળખ મળી છે અને તે હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (BHU) છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની એક વિદ્યાશાખામાં મારા પતિ માટે વિદેશ મંત્રાલય દ્વારા પ્રાયોજિત જાહેર પ્રવચનના કાર્યક્રમ વેળાએ વારાણસીની મારી મુલાકાત થઈ હતી.
વારાણસી લાંબા સમયથી શિક્ષણ અને સંગીતનું કેન્દ્ર રહેલું છે. અનેક અગ્રણી ભારતીય તત્વચિંતકો-દાર્શનિકો, કવિઓ, લેખકો અને સંગીતકારો આ નગરમાં વસ્યા હતા અને વસે છે. આ એ સ્થળ છે જ્યાં હિન્દુસ્તાની શાશ્ત્રીય સંગીતના બનારસ ઘરાણાનો વિકાસ થયો હતો. બનારસમાં કળા અને હસ્તકૌશલ્ય સમૃદ્ધ થયાં છે; કોઈ પણ નવવધૂના ખજાના કે દાયજામાં માટે બનારસી રેશમી સાડીનો અમૂલ્ય હિસ્સો બની રહે છે. સંત તુલસીદાસે વારાણસીમાં જ અવધી ભાષામાં પવિત્ર રામાયણ મહાકાવ્યની રચના કરી હતી તો, સંત કબીર અને રવિદાસે તેમના પ્રબુદ્ધ સંસ્કાર અને સમર્પણથી આ નગરીને પ્રકાશિત કરી હતી. તાજેતરના ભૂતકાળમાં, પ્રેમચંદ અને બિસ્મિલ્લાહ ખાને સાહિત્ય અને સંગીતને બનારસના અગ્રસ્થાને લાવી દીધાં હતાં.
ખ્યાતનામ લેખક માર્ક ટ્વેઈને 1897માં વારાણસી વિશે જે અવતરણ ટાંક્યું હતુ તે મને ઈન્ટરનેટ પર મળી આવ્યું છે જે આ કટારના સમાપનમાં તદ્દન બંધબેસતું જણાય છે. તેમણે લખ્યું હતું કે,‘ બનારસ ઈતિહાસ કરતાં પણ પ્રાચીન છે, પરંપરા કરતાં પણ જૂનું છે, કોઈ દંતકથા કરતાં પણ પ્રાચીન છે...’
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


