છત્રપતિ શિવાજીની જન્મતારીખ ૧૯ ફેબ્રુઆરી કે અન્ય કોઈ?

હિંદવી સ્વરાજના પ્રણેતાના અનુયાયી અલગ અલગ જન્મજયંતી મનાવે છે અને વૈજ્ઞાનિકો વળી ત્રીજી દર્શાવે છે

ડો. હરિ દેસાઈ Wednesday 15th February 2017 06:50 EST
 
 

ભારતમાં આજકાલ ઈતિહાસ પુનર્લેખનનો યુગ ચાલી રહ્યો છે. બ્રિટિશ શાસનમાં લખાતો-ભણાવાતો ઈતિહાસ ખોટ્ટાડો હતો અથવા તો મુસ્લિમશાસકો ભણી દ્વેષપ્રેરિત હતો એવું જણાવીને સાચો અને હિંદુદૃષ્ટિનો કે ઈન્ડિયનાઈઝ્ડ ઈતિહાસ લખાવવા અને ભણાવવાનો આગ્રહ કરાવાઈ રહ્યો છે. ઈતિહાસકારોમાં તડાં પડી ગયાં છે. ડાબેરી ઈતિહાસકારો અને જમણેરી ઈતિહાસકારોનાં દૃષ્ટિબિંદુ મુજબ ઈતિહાસને નિહાળવાની કોશિશ થઈ રહી છે એટલું જ નહીં, યુનિવર્સિટીઓ અને શાળાસ્તરે પણ સત્તાધીશોની અનુકૂળતા મુજબનો ઈતિહાસ ભણાવવાની દરખાસ્તો બેપાંદડે છે. અગાઉ લખાયેલો અથવા ભણાવાતો ઈતિહાસ સાચો હતો કે કેમ એ વિશે પ્રશ્નો ઊઠાવવામાં આવતા હોય તો એ ઈતિહાસને સુધારવા અને ભણાવવાની ઝુંબેશોના નવયુગના ઈતિહાસને ભવિષ્યમાં કેવો ગણાશે એ મહાપ્રશ્ન બની રહે છે.
ભારતમાં નાયક તરીકેની છબિ ધરાવતા છત્રપતિ શિવાજી મહારાજના ઈતિહાસની બાબતમાં પણ ઘણાબધા વિરોધાભાસો અત્યારના શાસકોમાં અને મહારાષ્ટ્રના ઈતિહાસકારોમાં જોવા મળે છે. સૌથી પહેલી વાત તો એ છે કે શિવાજી મહારાજના ‘હિંદવી સ્વરાજ’ને આદર્શ માનીને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં શાસન કરતા રહેલા કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ કે ભારતીય જનતા પક્ષ અને શિવસેના જેવા રાજકીય પક્ષના નેતાઓ છત્રપતિની જન્મતારીખ વિશે આજ દિવસ સુધી એકમતિ સાધી શક્યા નથી. પછી શિવાજી મહારાજના સમગ્ર વ્યક્તિત્વની બાબતમાં એમની વચ્ચે સર્વાનુમત હોવાની શક્યતા તો જણાય જ ક્યાંથી?

હિંદવી સ્વરાજ એટલે હિંદુ સ્વરાજ નહીં

છત્રપતિ શિવાજી મહારાજને માત્ર હિંદુ શાસક ગણાવવા એ ભૂલભરેલું છે. એમનો આદર્શ હિંદવી સ્વરાજનો હતો, હિંદુ સ્વરાજનો નહીં. એ કોઈ ધર્મવિશેષ પ્રત્યે વિશેષ અનુરાગ કે દ્વેષ સાથે નહીં, પણ પ્રજાના ધાર્મિક ભેદ કર્યા વિના સમગ્ર પ્રજાને ન્યાયી રીતે શાસન કરનાર રાજવી હતા. હકીકતમાં એમનું શાસન માત્ર છ વર્ષ જેટલા ટૂંકા સમયગાળાનું એટલે કે ઈ.સ. ૧૬૭૪થી ૧૬૮૦ લગીનું જ રહ્યું. પેલેસ વોરને કારણે એમની આઠ પત્નીઓમાંથી બીજા ક્રમનાં સોયરાબાઈ થકી ઝેર અપાતાં લોહીની ઊલ્ટીઓ કરનાર છત્રપતિએ ૧૬૮૦માં જીવ ત્યાગ્યો હતો. તે સમયગાળામાં ચોફેર મુઘલ કે મુસ્લિમ શાસકોની બોલબાલા હતી ત્યારે શિવાજીએ પોતાના વિશ્વાસુ હિંદુ અને મુસ્લિમ સરદારોના સાથસહકારથી શિવશાહીની સ્થાપના કરી હતી.
શિવાજીના પિતા પણ બિજાપુર-કર્ણાટકના મુસ્લિમ શાસકના સરદાર હતા. શિવાજીએ ઉત્તરે સુરત વારંવાર લૂટ્યું, હિંદુ તથા મુસ્લિમ વેપારીઓ કનેથી લાખોની લૂંટ ચલાવી, પરંતુ અંગ્રેજોના આશ્રમને હાથ નહીં લગાડ્યાનું સુરત મહાનગરપાલિકાએ પ્રકાશિત કરેલા ઈતિહાસમાં નોંધાયું છે. ‘સુરત ઈતિહાસદર્શન’ના પ્રથમ ખંડમાં શિવાજીની સુરતની લૂંટની લાવણીમાં ‘સત્તર વાર સુરતને લૂંટ્યું છત્રપતિ છાપો મારી’ના ઉલ્લેખ સાથે હાહાકાર મચાવાયાનું નોંધ્યું છે.
સુરત મુઘલ બાદશાહની હકૂમતમાં હતું અને બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ હતું. શિવાજીને રાજાનું બિરુદ બાદશાહ ઔરંગઝેબે આપ્યું હતું. એના સરસેનાપતિ જયસિંહે મુઘલ બાદશાહ સામે સમજૂતી કરી લેવા ખૂબ સમજાવ્યા છતાં છત્રપતિ શિવાજીએ સ્વતંત્ર રાજ સ્થાપવાની જીદ જાળવીને આજના મહારાષ્ટ્ર અને તમિળનાડુના તાંજોર લગી પોતાના રાજની આણ વર્તાવી હતી.

મહારાષ્ટ્રના શાસકો નોખો જન્મદિન મનાવે છે

બળૂકા રાષ્ટ્રપુરુષ છત્રપતિ શિવાજીએ પોતાને મેવાડના સિસોદિયા રાજપૂતોના વંશજ ગણાવ્યા હતા. રાજ્યના બ્રાહ્મણોએ એમને ક્ષત્રિય ગણવાનો નન્નો ભણ્યો ત્યારે કાશી-બનારસથી ગાગા ભટ્ટને તેડાવીને રાજ્યાભિષેકનું આયોજન કરાવ્યું હતું. ગોવંશના સંરક્ષક જ નહીં, પોતાની પ્રજાના પણ રક્ષક, હિંદુ-મુસ્લિમ ભેદ નહીં કરનાર શિવાજીની આદર્શ શાસન વ્યવસ્થા માટે એમનું અષ્ટ પ્રધાનમંડળ હતું. પ્રજાવત્સલ રાજવી તરીકે આજે પણ દુનિયાભરની હિંદુ પ્રજાના દિલમાં વસી ગયેલા શિવાજી મુઘલ સરદાર અફઝલખાનને મળવા ગયા ત્યારે પોતાના અત્યંત વિશ્વાસુ એવા મુસ્લિમ સરદારની સલાહથી જ વાઘનખ પહેરીને ગયા હતા. અફઝલખાને એમને એકલા તેડાવીને વધેરી નાંખવાનું કાવતરું વિચાર્યું હતું, પણ શિવાજીના દીર્ઘદૃષ્ટા મુસ્લિમ સરદારની સલાહને પ્રતાપે એમણે જ અફઝલખાનને વધેરી નાંખ્યો હતો.
આવા શિવાજી આજે મહારાષ્ટ્રની સરકાર અને પ્રજા માટે હિંદુ-મુસ્લિમના ભેદ વિના જ નાયક (હીરો) છે. રાજ્ય સરકાર એમના જન્મદિવસની ઊજવણી કરે છે એ દિવસે જાહેર રજા રાખે છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકાર થકી ૧૯ ફેબ્રુઆરીએ જાહેર રજા રાખવામાં આવી હતી કારણ છત્રપતિનો જન્મદિવસ ૧૯ ફેબ્રુઆરી ૧૬૩૦ મનાતો રહ્યો છે. રાજ્યમાં ભાજપ અને શિવસેનાની સરકાર આવી ત્યારે પણ ભાજપ થકી ૧૯ ફેબ્રુઆરીને જ છત્રપતિનો જન્મદિવસ ગણાવીને સરકારી રજા જાહેર કરવાની પરંપરા જળવાઈ. જોકે, શિવસેના સરકારમાં સાથીપક્ષ હોવા છતાં હિંદુ કેલેન્ડર મુજબ, ૮ માર્ચને જ શિવાજીનો જન્મદિવસ ગણે છે અને એ જ દિવસે શિવાજીના જન્મદિવસની ઊજવણી કરે છે.

વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ જન્મદિન ૧ માર્ચ

મુંબઈની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર)ના વૈજ્ઞાનિકોએ છત્રપતિ શિવાજીના જીવનને લગતી તારીખોના સંશોધનને અંતે એવું તારવ્યું છે કે છત્રપતિ શિવાજીની સાચી જન્મતારીખ ૧ માર્ચ ૧૬૩૦ જ ગણાય. શિવાજી મહારાજનો જન્મ ફાગણ વદ ત્રીજે થયો હતો. એ વેળા પ્રચલિત જુલિયન કેલેન્ડર મુજબ, શિવાજીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૬૩૦ના રોજ થયાનું નોંધાયા છતાં પાછળથી ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવાયાથી એમાં ૧૦ દિવસનો ફરક પડે. એટલે તે ૧ માર્ચ ૧૬૩૦ જ નક્કી જન્મતારીખ લેખાય.
ટીઆઈએફઆરના ગુજરાતી વૈજ્ઞાનિક ડો. મયંક વહીયા અને સાથી વૈજ્ઞાનિકોએ ‘કરંટ સાયન્સ’ના જાન્યુઆરી ૨૦૦૩ના અંકમાં આ સંદર્ભમાં છત્રપતિ શિવાજીના જીવનના ઘટનાક્રમને લગતી સાચી તારીખો તારવી છે. વહીયા સાથે મોહન આપ્ટે અને પરાગ મહાજનીએ પણ આ સંશોધન કાર્યમાં યોગદાન કર્યું છે. તેમની ગણતરી મુજબ, છત્રપતિ શિવાજીની જન્મતારીખ જેમ ૧ માર્ચ ૧૬૩૦ આવે છે, તેમ પ્રતાપગઢ યુદ્ધની તારીખ ૨૦ નવેમ્બર ૧૬૫૯, આગ્રામાંથી ભાગી છૂટવાની ઘટનાની તારીખ ૨૭ ઓગસ્ટ ૧૬૬૬, રાજ્યાભિષેકની તારીખ ૧૬ જૂન ૧૬૭૪ અને રાયગઢ કિલ્લામાં નિધનની તારીખ ૧૩ એપ્રિલ ૧૬૮૦ આવે છે. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં જુલિયન કેલેન્ડરમાંથી ગ્રેગોરિયન કેલેન્ડરમાં પરિવર્તિત થવાને કારણે ઐતિહાસિક તારીખોમાં ભૂલ આવે છે. કેલેન્ડર પરિવર્તન લગીના સમયગાળામાં વિશ્વના મોટા ભાગના દેશો પર પ્રોટેસ્ટન્ટ રાજ કરતા હતા અને તેઓ જુલિયન કેલેન્ડરને અનુસરતા હતા. ભારતનો ઈતિહાસ પણ ૧૭૫૨ લગી જુલિયન કેલેન્ડર મુજબ બ્રિટિશ ઈતિહાસકારોએ લખ્યો હતો. ગ્રેગોરિયન કેલેન્ડર અમલમાં આવતાં એને ઈતિહાસ અને વૈજ્ઞાનિક આધાર લઈને સુધારવામાં આવ્યા પછી પણ મહારાષ્ટ્રના રાજકીય શાસકો હજુ એને સ્વીકારે એની પ્રતીક્ષા છે.
વધુ વિગતો માટે વાંચોઃ Asian Voice 24 September 2016 અથવા ક્લિક કરો વેબલિંકઃ http://www.asian-voice.com/Volumes/2016/24-September-2016/Chhatrapati-Shivaji-for-Hindavi-Swaraj


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter