મારા પ્રિય વાચકો
ટાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકા માટે ગત સપ્તાહ દિલ હલબલાવી નાખનારું રહ્યું, જ્યારે ખંડના સૌથી યુવાન બિલિયોનેર મોહમ્મદ દેવજીનું ૧૧ ઓક્ટોબરે અપહરણ કરાયું હતું. સારા નસીબે નવ દિવસમાં જ તેમને સહીસલામત મુક્ત કરાયા હતા. કોલોઝિયમ હોટેલની બહાર બુકાનીધારી લોકોએ ૪૩ વર્ષના મોહમ્મદના અપહરણના સમાચાર જાણી મને તો ભારે આઘાત લાગ્યો હતો. મુક્તિ પછી દેવજીએ કહેવા અનુસાર અપહરણકારોમાં શ્વેત સાઉથ આફ્રિકન્સના ઉચ્ચારોને તે ઓળખે છે. કોલોઝિયમથી માત્ર ૧૫ મિનિટના ડ્રાઈવિંગમાં આંખે પાટા બાંધવા સાથે તેને બંધનમાં રખાયો હતો.
આ ઘટનાએ દેશને ઝઝકોરી દીધો હતો અને તેને રાજકીય રંગ પણ અપાઈ ગયો હતો. દેવજીના પરિવારે અથવા ખુદ તેમણે સહન કરેલા ત્રાસને બાજુએ રાખીએ તો પણ અપહરણ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. લોકસમૂહે એટલું દબાણ સર્જ્યું કે ખુદ ટાન્ઝાનિયાના પ્રમુખે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી અને અપહરણકારોએ તેમના ૧.૫ બિલિયન પાઉન્ડનું ધરખમ મૂલ્ય ધરાવતા શિકારને ઉતાવળે મુક્ત કરવો પડ્યો. નચિંત અને વિનમ્ર મોહમ્મદના ધરતી અને જનતા સાથે જોડાઈ રહેવાના અભિગમ તેમજ આટલી ધનવાન વ્યક્તિ માટે સુરક્ષા વિના જ ગમે ત્યાં ઘૂમવાનું કેટલું જોખમી બની શકે તેવી સમજના અભાવે અપહરણકારોને કશું વિચિત્ર કરવા ઉશ્કેર્યા હતા. મધ્યમમાર્ગી મુસ્લિમ દેવજીના દિવસનો આરંભ કોલોઝિયમ હોટેલના જિમમાં વર્કઆઉટ સાથે થતો હતો, જ્યાં તેઓ બોડીગાર્ડ્સ વિના જ દરરોજ જાતે વાહન હંકારી જતા હતા. તેમના અપહરણકારો બે કારમાં તેમની અગાઉ જ આવી પહોંચ્યા હતા અને સાક્ષીઓએ કહ્યું તેમ દેવજીના આગમનનો સંકેત આપતી લાઈટ્સ પણ ફેંકી હતી. અપહરણ કરી નાસતી વેળાએ અપહરણકારોએ હવામાં ભડાકા પણ કર્યા હતા. એ કહેવાની જરુર નથી કે અપહરણનું આયોજન ઘણી સારી રીતે કરાયું હતું તો તેમની તત્કાળ મુક્તિ સમગ્ર ટાન્ઝાનિયામાં ફાટી નીકળેલા સામૂહિક આક્રોશનું પરિણામ હતી. આફ્રિકાના સપૂતોમાં એક દેવજી ત્રણ સંતાનના પિતા અને દેશના ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટા નોકરીદાતા છે.
મારું હૃદય ટાન્ઝાનિયા માટે દર્દ અનુભવે છે. મારે સ્વીકારવું જોઈએ કે મારો પોતાનો પણ આમાં રસ છે. યુકેમાં આગમન પહેલા મેં ટાન્ઝાનિયામાં સાડા છ વર્ષ સિવિલ સર્વિસીસ માટે ફરજ બજાવી હતી. મારી ૨૩થી ૩૦ વર્ષની વય સુધી આ મારા ઘડતરના સૌથી ફળદ્રૂપ વર્ષો હતા. દાર-એસ-સલામમાં કોલેજમાં વધુ શિક્ષણના વિવિધ વર્ગોથી મને ઘણો સારો લાભ મળ્યો હતો. હું આફ્રિકાની ગુલામીમાંથી મુક્તિના ધ્યેય સાથે કટિબદ્ધ બન્યો હતો અને મ્વાલિમુ (શિક્ષક) જ્યુલિઅસ ન્યેરેરે દ્વારા સ્થાપિત અને સંચાલિત TANU (Tanganyika African National Union)નો સભ્ય પણ બન્યો હતો. મારા માટે તો પ્રેસિડેન્ટ ન્યેરેરે અને પ્રેસિડેન્ટ કાઉન્ડા આફ્રિકાની આઝાદીની ચળવળના બે મહાન સ્તંભ હતા, જેમણે પોતાની મુદત પૂર્ણ થવા સાથે જ ગૌરવ અને સન્માન સાથે પદત્યાગ કર્યો હતો. મ્વાલિમુ ન્યેરેરેનું લંડનની હોસ્પિટલમાં લાંબા રોકાણ પછી નિધન થયું હતું. આ સમયગાળામાં હું તેમને નિયમિત મળવા જતો હતો અને તેમનું નિધન થયું ત્યારે મ્વાલિમુને યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પવાની મહાન તક પણ મને સાંપડી હતી.
મને યાદ છે કે યુકેસ્થિત ટાન્ઝાનિયાના હાઈ કમિશનરે તે સમયે મને ‘honorary Tanzanian’ના ઉલ્લેખ સાથે પત્ર લખ્યા હતા. હું પ્રેસિડેન્ટ કાઉન્ડાને પણ સારી રીતે જાણતો હતો. તેમણે અમારા ABPL ના કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેઓ સંપૂર્ણપણે શાકાહારી હતા.મારા કહેવાનું પ્રયોજન એટલું જ છે કે યુગાન્ડા, કેન્યા સહિત આફ્રિકન દેશોમાં, જ્યાં શાસકો સરમુખત્યાર બની ગયા અને વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચાર, સગાંવાદ અને હિંસા વકરેલાં હતાં ત્યારે ટાન્ઝાનિયા હજુ હમણાં સુધી લોકશાહીવાદી અને પ્રમાણમાં શાંતિપૂર્ણ રાજ્ય હતું. ’૬૦ના દાયકામાં ત્રણ પૂર્વ આફ્રિકન દેશો- કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયામાંથી ત્રીજો દેશ પ્રમાણમાં પછાત હતો પરંતુ હવે ઈસ્ટ આફ્રિકામાં વિકાસ સાધી અગ્રેસર બની રહ્યો છે.
ટાન્ઝાનિયા માટે સારું નસીબ એ પણ કહેવાય કે ત્યાંનો સમાજ સહિષ્ણુ અને સમજદાર છે અને કોમ્યુનિટી કે ટ્રાઈબલ યુદ્ધને કોઈ સ્થાન નથી. આ લક્ષણથી વહીવટ કરવો સરળ અને અપેક્ષારહિત છે. આથી જ, દેવજીના અપહરણમાં પ્રેસિડેન્ટ માગુફૂલીનો કોઈ હાથ છે કે તેમને રસ હતો તેવા રિપોર્ટ્સ સાચા હોય તો મારે કહેવું જ જોઈએ કે તે અરુચિકર બાબત કહેવાય.
દેવજીના વડદાદાઓ ભારતના ગુજરાતમાંથી આફ્રિકા ગયા હતા. અન્ય ભારતીયો અને પાકિસ્તાનીઓની માફક જ તેમની કોમ્યુનિટી ઈસ્માઈલી મુસ્લિમોએ ઈસ્ટ આફ્રિકાને જ તેમનું વતન બનાવ્યું છે. દેવજીની સાદગી હંમેશાં પ્રશંસનીય રહી છે. તેમના પરિવાર માટે આવા વિકટ અનુભવમાંથી પસાર થવું તે માત્ર આઘાતજનક જ નહિ, તણાવપૂર્ણ પણ હોય તેમાં શંકા નથી. આ ઘટનાએ મને આફ્રિકા ખંડના ભારતીય અથવા એશિયન મૂળના અન્ય ઉદ્યોગસાહસિકો માટે ચિંતા કરતો કરી દીધો છે. હું માનું છું કે પ્રેસિડેન્ટ માગુફૂલી આ ઘટનાને ચેતવણીરુપ ગણશે અને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના બનતી અટકાવવા માટે યોગ્ય પગલાં લેશે.
સી.બી. પટેલ


