જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે

કપિલ દૂદકીઆ Tuesday 12th December 2023 05:00 EST
 
 

ભારતની સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બર 2023ના દિવસે રાહુલ અને સોનિયા દ્વારા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) દ્વારા, જમ્મુ અને કાશ્મીરના રાષ્ટ્રવિરોધીઓ દ્વારા, ભારતના અન્ય વિસ્તારોના રાષ્ટ્રવિરોધીઓ દ્વારા, સમગ્ર વિશ્વમાં ભારતવિરોધી બ્રિગેડ દ્વારા તેમજ આજે પણ ભારતનું નીચાજોણું કરાવવામાં રાચતા નૈતિક દૃષ્ટિએ ભ્રષ્ટ સામ્રાજ્યવાદી શ્વેત માસ્ટર્સ દ્વારા કરાયેલા સૌથી વધુ ભારતવિરોધી આક્રમણોમાં એકને આખરે દફનાવી દીધું છે.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,‘આર્ટિકલ 370ને રદ કરાવા બાબતે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ 2019ના દિવસે ભારતની પાર્લામેન્ટે લીધેલા નિર્ણયને બંધારણીય દૃષ્ટિએ માન્ય ઠરાવે છે; આ જમ્મુ, કાશ્મીર અને લડાખની આપણી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની ગુંજાયમાન ઘોષણા છે. ન્યાયાલયે તેના ગહન ડહાપણ સાથે આપણે ભારતીયો જેની સૌથી વધુ માવજત કરીએ છીએ અને દિલની નજીક રાખીએ છીએ તે એકતાના સત્વને મજબૂત બનાવ્યું છે.’

આ ભારતની ‘અખંડતા’, ભાજપના પુરોગામી ભારતીય જનસંઘ (BJS)ના અદ્વિતીય સ્થાપક શ્રી શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાનને અપાયેલી અંજલિ છે જેમણે દેશને સૂત્ર આપ્યું હતું કે,‘એક દેશ મેં દો પ્રધાન, દો વિધાન ઔર દો નિશાન નહીં ચલેંગે’. જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારતથી રાજકીય, આધ્યાત્મિક, આર્થિક અને ભાવાત્મક વિચ્છેદ કરી દેનારા તુષ્ટિકરણના આ કૃત્ય આર્ટિકલ 370ને આખરે ઈતિહાસની કચરાટોપલીમાં દફનાવી દેવાયો છે.

જેઓ સ્મરણ રાખવાની ઈચ્છા રાખે છે તેમના સહિત આપણે એ કદી ભૂલવું ન જોઈએ કે જ્યારે કટ્ટર ઈસ્લામવાદીઓ અને બ્રિટિશને ખુશ રાખવા માટે આ રાષ્ટ્રવિરોધી આર્ટિકલ 370 ઘડવામાં આવ્યો ત્યારે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો. આંબેડકર, બંનેને હાંસિયામાં ધકેલી દેવાયા હતા. આખરે એક ગુજરાતીએ જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે આચરાયેલા ખોટા કૃત્યને બદલી સાચા કૃત્યમાં ફેરવ્યું છે. લોકો એ કદી ન ભૂલે કે જમ્મુ અને કાશ્મીરના મૂળ સંરક્ષકોને ન્યાય અપાવવા તરફનું આ પહેલું જ પગલું છે. હજુ તો ઘણું કરવાનું બાકી રહે છે.

વતન જમ્મુ અને કાશ્મીરની બહાર ભારતભરમાં ફેલાયેલા 500,000 કાશ્મીરી પંડિતોને તેમના ઘરમાં પરત ફરવાની જરૂર છે. તેમની સાથે જે દુર્વ્યવહાર કરાયો છે તે બદલ તેમને ન્યાયની જરૂર છે. પાકિસ્તાનના કબજા હેઠળના જ્મ્મુ અને કાશ્મીર (POJK) ફરી એક વખત ભારતનો અભિન્ન હિસ્સો બની રહે તેની જરૂર છે. સાર્વભૌમત્વની રેખા જ્યાં દોરાવાની હોય ત્યાંનો વહીવટ પાકિસ્તાનના આતંકવાદ હસ્તક રહે તે આપણ ચલાવી શકીએ નહિ.

ઈઝરાયેલે હવે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રસ્થાપિત કર્યા છે કે જે કોઈ દુશ્મન રાષ્ટ્રોના સાર્વભૌમત્વ પર હુમલા કરવાની હિંમત દાખવશે તેમને કોઈ પણ રીતે-યેન કેન પ્રકારેણ ફગાવી દેવાશે. ભારતને પણ આમ કરવા આગળ વધવા દો અને પાકિસ્તાની સરકાર દ્વારા અત્યાચાર અને દમનનો ભોગ બનાવાયેલી POJKની પ્રજાને મુક્ત કરાવવા દો. હવે તમામ લોકોની સલામતી માટે પાકિસ્તાનના ઉંદરડાંઓના ચેપ-સંક્રમણને નાબૂદ કરવાની આવશ્યકતા છે.

મારે રાજકીય ભ્રમના વિશ્વમાં રહેતા દરેક લોકોને એ જ યાદ કરાવવું છે કે યુનાઈટેડ કિંગ્ડમમાં આપણી એક નંબરની શત્રુ લેબર પાર્ટી હતી અને છે. મેં તાજેતરમાં જ નોંધ્યું છે કે આપણી કેટલીક સંસ્થાઓ અને સંગઠનોએ અચાનક જ કેર સ્ટાર્મર માટે લાલ જાજમ બિછાવવાની શરૂ કરી દીધી છે. આ એ જ પાર્ટી છે જેણે ગત થોડા દાયકામાં ઉશ્કેરણીપૂર્ણ ભારતવિરોધી અને હિન્દુવિરોધી વક્તવ્યોમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. હું તમારામાંથી પ્રત્યેકને એમ કહેવા માગું છું કે તમે તમારા ખભા પર કેર સ્ટાર્મર દ્વારા માત્ર શાબાશીની ટપલીઓ મેળવવા ઈચ્છતા હો કારણકે કેર સ્ટાર્મર આગામી વડા પ્રધાન બની જશે તેવી તમારી માન્યતા હોય તો તમે તમારો આત્મા શેતાનને જ વેચી રહ્યા છો. તમે બરાબર સમજી લેજો કે તમે તમારા સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક વારસાને એવા લોકોની વેશ્યાવૃત્તિમાં ધકેલી રહ્યા છો જેમણે તમારી સાથે ગુલામ જેવો જ વ્યવહાર કર્યો છે.

લેબર પાર્ટીની અંદર જ રહેલી પાકિસ્તાની લોબી હજુ નેરેટિવ્ઝ પર અંકુશ ધરાવે છે. અત્યાર સુધી, પ્રતિષ્ઠા ધરાવતા એક પણ લેબર રાજકારણીએ બહાર આવીને પાકિસ્તાને તેના કબજા હેઠળના જ્મ્મુ અને કાશ્મીર (POJK)માં જે કર્યું છે તે બદલ પાકિસ્તાનને વખોડી કાઢ્યું નથી. આમાંથી કોઈ પણ રાજકારણીએ જાહેર કર્યું નથી કે 1947ના જોડાણ ખતપત્ર અન્વયે POJK કાયદેસર રીતે ભારતનો જ અભિન્ન હિસ્સો છે. આમાંથી એક પણ રાજકારણીએ પાકિસ્તાની લેબર સભ્યોને ખુલ્લેઆમ તેમના ભારતવિરોધી નેરેટિવ્ઝ તેમજ વારંવાર તેમના હિન્દુવિરોધી વક્તવ્યોને જાહેર કરતા અટકાવ્યા નથી. આર્ટિકલ 370ને રદ્દ કરવા બાબતે ખુલ્લેઆમ અવાજ ઉઠાવનારા પણ લેબર રાજકારણીઓ જ હતા, જે કાર્ય બીબીસી સહિત બ્રિટિશ મીડિયામાં પણ ઘણાએ કર્યું હતું.

રાજકારણમાં મારું વલણ તદ્દન સ્પષ્ટ છે. હું કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો નથી. આપણી જરૂરિયાતોને સમગ્રપણે પહોંચી વળી શકે તેવો કોઈ એક પક્ષ હોય તેમ હું માનતો નથી. જોકે, કયો પક્ષ આપણી કોમ્યુનિટી માટે ખરાબ છે તે હું બરાબર જાણું છું અને હું માત્ર થોડી શાબાશી અથવા સન્માન મેળવવા કે હાઉસ ઓફ લોર્ડ્સ સુધી પહોંચવાની ચાવીરૂપે આવા રાજકારણીઓની તરફેણમાં કદી મતદાન નહિ કરું. જો તમે લેબર પાર્ટી માટે મતદાન કરી તમારી જાતને વેચી દેવા ઈચ્છતા હો તો તમે જે કરી રહ્યા છો તે ખોટું છે તે જાણવા સાથે જ આમ કરી રહ્યા છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter