અંદર? બહાર? દૂરોગામી પરિણામઃ નાજુક સવાલ!

સી. બી. પટેલ Tuesday 31st May 2016 15:18 EDT
 
ડેવિડ કેમરન - ગલ્લાં તલ્લાં - પ્રીતિ પટેલનો પડકાર - થાય તેટલું કરી રહ્યાો છું
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આખું બ્રિટન આજે સોમવારે બેન્ક હોલિડે મનાવી રહ્યું છે, પરંતુ આ સંદેશાવાહક ફરી એક વખત આપની સેવામાં હાજર છે. ગયા સપ્તાહે કેટલાક તાજા અને મહત્ત્વના ઘટનાક્રમ અંગે વિગતવાર સમાચાર પીરસવાના હોવાથી આ લેખમાળામાં મુદત પાડી. પણ આ મુદત કેવી હતી?!

થોડાક વર્ષો પૂર્વેની - મને ૭૫ થયા ત્યારની - આ વાત છે. મારા પૃથ્વી પર અવતરણની ડાયમંડ જ્યુબિલી ઉજવવા માટે દીકરા-દીકરીએ મને લક્ઝુરિયસ ટ્રીટ આપી હતી. તેમણે એરેન્જ કર્યું હતું તે પ્રમાણે મને એક ભવ્ય લિમોઝિન લેવા આવી. મને સેન્ટ્રલ લંડનમાં આવેલ રિજન્ટ સ્ટ્રીટના પોશ (હેરકટીંગ) સલૂનમાં લઇ જવામાં આવ્યો. વેલટ્રેઇન્ડ હેરડ્રેસરે સોનામાં કારીગરી કરતો હોય તેટલી ચીવટથી મારા વાળ ટ્રીમ કર્યા. (તેની કેંચીમાં ફસાય એટલા વાળ પણ હોવા જોઇએને!) શેવિંગ કરી. માથે-મોઢે જાતભાતના તેલ-ક્રિમ લગાડીને મસાજ કર્યો. મને મઘમઘતો કરી દીધો. ચાંલ્લો મોટો હતો - મારે ક્યાં આપવાનો હતો?
મારા પર કેશકલાનું કામ પૂરું થયું તે સમયે બાજુની જ વિંગમાં એક વ્યક્તિ શેવિંગ કરાવી રહી હતી. કોણ જાણે કેમ પણ શોર્ટસરકીટ થયું. વીજળીના તણખા ઝર્યા કે સલૂનના કર્મચારીઓ સહિત પે’લા ભાઇ અડધી મૂંડાવેલી દાઢીએ હાંફળાફાંફળા બહાર દોડી ગયા. અડધી દાઢી પર શેવિંગ ફોમ ચોંટેલું હતું, પણ જાન બચી તો લાખો પાયેં... કેશકલાના કાર્યમાં મુદત પડી. અલબત્ત, આ મુદત ભારતીય કોર્ટમાં પડે છે તેવી નહોતી. લાંબીલચ્ચ નહીં, પણ કામચલાઉ. મારે પણ (જગ્યાની કટોકટીની) ઇમરજન્સીને ધ્યાને લઇને મુદત પાડવી પડી હતી, પરંતુ કામચલાઉ. ટૂંકા વિરામ સાથે ફરી આપની ખિદમતમાં બંદા હાજર થઇ ગયા છે.
અંકમાં જગ્યાનું આયોજન થઇ રહ્યું તે દરમિયાન ચર્ચા કરતાં તંત્રીમંડળમાંથી એક સાથીદારે એવો અભિપ્રાય પણ આપ્યો કે, તમારી કોલમ નહીં હોય તો વાચકોને પણ થોડોક ચેન્જ મળશે. (કદાચ કોઇના મનમાં શંકા ઉઠશે કે પ્રકાશક-તંત્રીને તે વળી થોડું કોઇ આવું કહે?! તો હું સ્પષ્ટતા કરી દઉં કે મારે ત્યાં સંપૂર્ણ વાણીસ્વાતંત્ર્ય છે - હું પ્રકાશક-તંત્રી હોઉં તો શું થઇ ગયું? સાથીદારો મોકળા મને તેમના અભિપ્રાય આપી શકે છે. અને આપતા જ હોય છે.)
તંત્રીમંડળના સાથીદારનો અભિપ્રાય - કોઇ પણ કટારલેખકને - ખૂંચે તેવો હોવા છતાં મારે સ્વીકારવું જ રહ્યું કે તેમની વાત તો સાચી જ હતી. જમવામાં રોજેરોજ એક જ વાનગી હોય તો અબખે જ પડી જાયને?! ખેર, ચાલો આ બધું છોડીએ, આગળ વધીએ...
આ સપ્તાહે પણ કંઇ કેટલાય વિષય પર ચર્ચા આવશ્યક છે. દેશ-દેશાવરમાં અવનવા સમાચારોની ઘટમાળ અવિરત ચાલતી રહે છે. અમારા વાચકો પ્રત્યે અમે ખૂબ સજાગ છીએ. તાજેતરમાં આપ સહુને એક પ્રશ્નોત્તરી પણ મોકલવામાં આવી છે. જેમાં આપને ક્યા પ્રકારનું વાચન વધુ પસંદ છે? તેવા પ્રશ્નોથી માંડીને અન્ય બાબતો આવરી લેવામાં આવી છે. આ બધું કરવાનો એકમાત્ર ઉદ્દેશ એટલો જ છે કે અમે આપની શ્રેષ્ઠતમ સેવા કરી શકીએ. આમ તો જોકે અમારી આ પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. હું દર સપ્તાહે કોઇને કોઇ કાર્યક્રમો-સમારંભોમાં હાજરી આપતો રહું છું. આમાં વાચકો સાથે મિલન-મુલાકાત, તેમની સાથે વિચાર-વિનિમય સહજ રીતે થતા રહે છે. આ વાતચીત દરમિયાન સાંપડતા પ્રતિભાવને અમલમાં મૂકવા અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. પરંતુ આ રીતે લોકોને મળવામાં સમય-સ્થળ-સંખ્યાની મર્યાદા તો નડેને? દરેકે દરેક વાચક સુધી પહોંચી શકાય તેવા ઉદ્દેશથી પ્રશ્નોત્તરીનો વિકલ્પ અપનાવ્યો છે.
અત્યારે આ દેશમાં, આપણા સમાજમાં આગામી ૨૩ જૂને યોજાઇ રહેલા ઇયુ અંગેના રેફરન્ડમ બાબત ખૂબ જિજ્ઞાસા પ્રવર્તે છે. બ્રિટન ઇયુ (યુરોપિયન યુનિયન)માં રહેશે કે નહીં તેના કરતાં પણ લોકોમાં એ મુદ્દે વધુ ઉત્સુક્તા પ્રવર્તે છે કે આ જનમતનો ચુકાદો વડા પ્રધાન ડેવિડ કેમરનને નીચાજોણું તો નહીં કરાવેને?
યુરોપિયન યુનિયનના ૨૮ દેશોના સમૂહમાં બ્રિટને રહેવું કે બહાર નીકળી જવું તે અંગે જનમત લેવાની કેમરન સાહેબને કોઇ જરૂર નહોતી - તેવું મારું સ્પષ્ટ માનવું છે. અને આ વાત હું એકથી વધુ વખત કહી ચૂક્યો છું. તેમણે જાતે કરીને આ કમઠાણ ઊભું કર્યું છે. ઇંગ્લીશમાં એક જાણીતી ઉક્તિ છેઃ Everything is fair in love and war. હું આમાં એક જ શબ્દ ઉમેરવા માગું છું - Election. પ્રેમ, યુદ્ધ અને ચૂંટણીમાં બધું જ ચાલે. સાચુ-ખોટું, સારું-ખરાબ, ન્યાય-અન્યાય જેવું કંઇ હોતું નથી. ચૂંટણીના નગારે ઘા પડે - પછી તે ચૂંટણી નાની-મોટી સંસ્થાની હોય કે કાઉન્સિલની હોય કે પાર્લામેન્ટની હોય - એટલે આક્ષેપબાજીનો જુવાળ ઉઠે, ઉઠે ને ઉઠે જ. કેમરન સાહેબ માટે આ કિસ્સામાં ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર જેવો તાલ સર્જાયો છે.
તમને જરા ઉદાહરણ આપીને સમજાવું. ગુજરાતમાં ગંજીપત્તાનો જુગાર રમાય છે તેમાં એક ખેલ ‘અંદર-બહાર’ નામે ઓળખાય છે. બે જુગારી સામસામા બેઠા હોય. એક પછી એક પત્તા ઉતરતા જાય. શરત હોય એવી હોય કે જેના હાથમાં કાળીની રાણી આવે તેને સામેવાળો જુગારી ૧૦૦, ૨૦૦, ૫૦૦ કે પછી જે કંઇ આંકડો નક્કી થયો હોય તે રકમ ચૂકવે. ઇસ પાર કે ઉસ પાર. હાર્યા કે જીત્યા. એક ઝાટકે ફેંસલો. કંઇક આવું જ ઇયુ રેફરન્ડમમાં છે. આ જનમતમાં પણ ‘હા’ કે ‘ના’ જેવો ઇસ પાર કે ઉસ પાર જેવો પ્રશ્ન હોવાથી ભારે ગૂંચવણ ઉભી થતી જોઇ શકાય છે.
કેમરન સરકારમાં વીસેક જેટલા કેબિનેટ મિનિસ્ટર્સ છે. આમાંથી પાંચેક વરિષ્ઠ સાથીદારોએ યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાની માગ સાથે ખૂલ્લેઆમ - પોતાની જ સરકારના વડા પ્રધાન સામે - મોરચો માંડ્યો છે. સમય વર્ત્યે સાવધાન બનેલા ડેવિડ કેમરને પણ પોતાની જ કેબિનેટના સભ્યો કે પોતાના જ પક્ષના સાથી નેતાઓ દ્વારા રજૂ થઇ રહેલી વિરોધી વિચારસરણીને ખુલ્લા દિલે સ્વીકારી છે - અલબત્ત, મજબૂરીથી. મને આ ઘટનાક્રમ નિહાળીને મને ‘જાગતે રહો...’ ફિલ્મનું બહુ જ જાણીતું એક ગીત યાદ આવે છેઃ
જિંદગી ખ્વાબ હૈ,
ખ્વાબ મેં જુઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા
અહીં કંઇક એવો જ ઘાટ થઇ રહ્યો છે. પણ... પણ... પણ... આ માહોલ વચ્ચે પણ મૂલ્યઆધારિત રાજકીય નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. જેમ કે, ઇયાન ડંકન સ્મીથ. કેમરન સરકારમાં એક સમયે સિનિયર કેબિનેટ મિનિસ્ટર તરીકે અતિ મહત્ત્વનું સ્થાન ધરાવતા સ્મીથે હોદ્દો છોડી દીધો છે. સત્તાની ખુરશી છોડવાનો નિર્ણય આસાન નથી - એક રાજકારણી માટે તો બિલ્કુલ નહીં જ! સરકાર અને સમાજમાં માનભર્યા મોભો મળે અને લટકામાં ઊંચા ભાડા-ભથ્થા મળે એ તો અલગ. તેમણે કહ્યું કે ડેવિડ કેમરનની વિચારસરણી સાથે અસંમત છું તેથી સરકારમાં રહેવા માગતો નથી. માઇકલ ગોવ, પ્રીતિ પટેલ કે લંડનના પૂર્વ મેયર બોરીસ જ્હોન્સન જેવા ટોચના નેતાઓ કેમરન સરકારમાં અને પક્ષમાં હોવા છતાં (ઇયુમાં રહેવાના) સરકારી પ્રસ્તાવનો સખ્ત વિરોધ કરી રહ્યા છે.
ગયા શનિવારે સ્ટ્રોન્ગર ઇન યુરોપિયન યુનિયન કેમ્પેઇન મતલબ કે ઇયુ સાથે રહેવામાં જ લાભ હોવાની ચળવળ ચલાવતા જૂથે ૬૦૦ અર્થશાસ્ત્રીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાથી બ્રિટનના અર્થતંત્રને આકરો ફટકો પડશે. પોતાની દલીલના સમર્થનમાં તેમણે આંકડાકીય વિશ્લેષણ પણ રજૂ કર્યું છે.
સામી બાજુ ‘બ્રેક્ઝિટ’ મતલબ કે બ્રિટને ઇયુ સાથે છેડો ફાડવો જ જોઇએ તેવો સ્પષ્ટ મત ધરાવતા જૂથના એક અગ્રગણ્ય નેતા એવા પ્રીતિ પટેલે ઇમિગ્રેશનનો મુદ્દો ઉઠાવીને એવો સવાલ ઉભો કર્યો છે કે મિડલ ઇસ્ટમાંથી લાખો લોકો યુરોપ તરફ ધસી રહ્યા છે. ગયા વર્ષે ૧૧ લાખ લોકોએ માઇગ્રેશન કર્યું હતું, જેમાંથી ૯૫ ટકા તો મુસ્લિમ હતા. આમાં પણ સીરિયા, ઇરાક અને લેબેનોનના લોકોની સંખ્યા સવિશેષ હતી. ઇયુની તરફેણના અને વિરુદ્ધના નિવેદનો વાંચતા પશુઓમાં પડી એક તકરાર ઉક્તિ યાદ આવે છે.
વાચક મિત્રો, આ તબક્કે હું બે મુદ્દા ખાસ આપની સમક્ષ રજૂ કરવા માગું છું. એક તો, પ્રીતિ પટેલે યુરોપિયન યુનિયનમાં રહેવાથી ઇમિગ્રન્ટ્સનો ધસારો થશે (કે થઇ રહ્યો છે) અને તેનાથી દેશમાં પ્રચંડ વસ્તીવિસ્ફોટ થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આનાથી સ્કૂલો-કોલેજોથી માંડીને હોસ્પિટલો પર અનહદ ભારણ વધશે. સરકારી તિજોરીને જંગી ફટકો પડશે. પ્રીતિબહેનની વાત સાથે આપણે સંમત થઇએ કે ન થઇએ, પણ એટલું તો સહુ કોઇએ ગૌરવભેર સ્વીકારવું રહ્યું કે તેમણે પોતાના વિચારોને સ્પષ્ટપણે, હિંમતભેર અને કુશળતાપૂર્વક રજૂ કર્યા છે. તેમણે આ મુદ્દે એટલી સ-રસ રજૂઆત કરી છે કે સહુ કોઇ બે ઘડી તેમની વાત અંગે વિચારતા થઇ જાય. બ્રિટનની લોકશાહીની આ જ તાકાત છે. અહીં સહુ કોઇ મોકળા મને વિચાર વહેતો મૂકી શકે છે. લોકતંત્રના જનક ગણાતા આ દેશમાં મત-ભેદને સ્થાન છે, મન-ભેદને નહીં. ડબલ ઢોલકી નહીં.

વસુધૈવ કુટુંબકમ્

કેટલાક વાચક મિત્રોએ મને સીધો જ પ્રશ્ન પૂછ્યો છે કે સી.બી., ઇમિગ્રન્ટ્સ મુદ્દે તમારો અંગત અભિપ્રાય શું છે?
જેટલો સીધો સવાલ છે એટલો જ સ્પષ્ટ મારો જવાબ છેઃ ઇમિગ્રન્ટ્સનો મુદ્દો જે પ્રકારે ઉઠાવાઇ રહ્યો છે તેની સાથે હું સંમત નથી. હું માનું છું કે યુરોપમાં આ જે ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે તેઓ ક્યા રંગના છે, કઇ નાત-જાતના છે કે ક્યા ધર્મના છે તે બધું ગૌણ છે. મુખ્ય વાત તો એ છે કે ગ્રીસ-તુર્કી વચ્ચે જે દરિયો છે એ જ પ્રકારે ઈટાલી-લીબીયા વચ્ચે જે દરિયો છે તેને લોકો જાન બચાવવાના એકમાત્ર ઇરાદે મરણિયા પ્રયાસો કરીને પણ ઓળંગી રહ્યા છે, હિજરત કરી રહ્યા છે. મારી દૃષ્ટિએ આ લોકો આર્થિક નિરાશ્રિત (ઇકોનોમિકલ ઇમિગ્રન્ટ્સ) છે. દેશમાં આંતરવિગ્રહ, ઇસ્લામિક સ્ટેટના આતંકીઓના જોરજુલમથી બચવા માટે પોતાનો દેશ છોડીને નાસી રહેલા આ નિરાશ્રિતો માટે દેશના દરવાજા બંધ કરવા તે વાજબી નથી. નૈતિક રીતે તે સ્વીકાર્ય નથી.
પ્રશ્નકર્તા મિત્રોને હું એમ પણ કહું છું કે ૧૯૬૮માં કેન્યા હિજરત વખતે બ્રિટિશ નેતા ઇનોક પોવેલ ઇસ્ટ આફ્રિકન એશિયન સમુદાયના કહેવાતા ધસારા બાબત ઝેર ઓકતા હતા. કે પછી યુગાન્ડાની હકાલપટ્ટી વખતે કેટલાય રંગદ્વેષીઓ આપણા સમુદાયના લોકોને આ દેશમાં આવતા અટકાવવા માટે અનેક પ્રવૃત્તિ કરતા હતા. આ તો ભલું થજો બ્રિટિશ સમાજનું અને તંત્રની સજાગતાનું કે તેમણે માનવતાભર્યો અભિગમ અપનાવ્યો અને ઇસ્ટ આફ્રિકાથી આવી રહેલા સમુદાયને અત્રે આશરો મળ્યો. આપણે પણ આ ‘મહેમાનગતિ’નો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે બદલો ચૂકવી રહ્યા છીએ. આપણે અને આપણા સંતાનો શિક્ષણ, વેપાર-વણજ, આરોગ્ય, સમાજસેવા સહિતના અનેકવિધ ક્ષેત્રે પ્રશંસનીય અનુદાન આપી રહ્યા છીએ કે નહીં?
સાથે સાથે જ આપણે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ-ગાન કરતાં સમગ્ર માનવજાત એક પરિવાર છે તેવો સંદેશ આપતા વસુધૈવ કુટુંબકમ્ સૂત્રને અનુસરી રહ્યા છીએ. આથી ઇમિગ્રન્ટ્સ પ્રત્યે આડેધડ સુગ કે અસહિષ્ણુતા દાખવવી મને બરાબર જણાતી નથી.
બ્રિટનમાં રાજકારણીઓ, ધર્મગુરુઓ, સમાજશાસ્ત્રીઓ સહિતનો એક વર્ગ ઇમિગ્રન્ટ્સના મુદ્દે ચાલી રહેલા વિચારોના આદાનપ્રદાનમાં પોતપોતાના દૃષ્ટિકોણથી અનુદાન આપી રહ્યો છે. પ્રેમ અને (ચૂંટણી) યુદ્ધમાં તો બધું ચાલેની નીતિમાં માનતા રાજકારણને બાજુએ રાખીએ. પરંતુ બ્રિટનના ધર્મગુરુઓના - પછી તે કેથલિક હોય, પ્રોટેસ્ટંટ હોય કે યહૂદી હોય - ઉદ્ગારો સાંભળીને માથું ઝૂકી જાય છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના આર્ચબિશપને ખબર છે કે મારા અનુયાયીઓ હવે ચર્ચમાં ઓછા આવે છે. દેશમાં બહારથી આવી રહેલા લોકોમાં મોટો હિસ્સો ઇસ્લામના ઉપાસકોનો છે. તેમના આગમનથી તેમની વસ્તી વધશે, સાથે સાથે જ તેમના ધર્મનો ફેલાવો પણ વધશે. ધર્મગુરુઓ કહે છે કે આવા લોકો પર પરોપકાર કરવો, પીડાગ્રસ્તને સહાય આપવી તે ધર્મ કહેવાય.
સમાજશાસ્ત્રીઓ વળી એક અન્ય બાબત ચર્ચી રહ્યા છે. આ દેશમાં ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે - પછી તે ભારતીય હોય, આફ્રિકન હોય કે મિડલ ઇસ્ટના નિરાશ્રિત હોય - તેમનામાં સમયના વહેવા સાથે જીવનશૈલી સહિતના અન્ય પરિવર્તન અવશ્ય આવે છે. જેમ કે, આફ્રિકામાં વસતાં એશિયન પરિવારોમાં ત્રણ, ચાર કે પાંચ સંતાનો સામાન્ય હતા. કેટલાક પરિવારોમાં છ, આઠ કે દસ સંતાનો પણ જોવા મળતા હતા. આ સમુદાય અહીં આવીને વસ્યો. આજે બ્રિટનમાં વસતા આ જ સમુદાયમાં સંતાનોની સંખ્યા એક કે બે જ જોવા મળે છે. આ જ પ્રમાણે ધાર્મિક ધિક્કાર, અસહિષ્ણુતા, અન્ય ધર્મ પ્રત્યે દુર્ભાવની લાગણી જેવા ગુણોમાં પણ સમય અને સ્થળ સાથે પરિવર્તન આવતું હોય છે. સીરિયામાં જે કંઇ બનતું હોય તેવું અહીં, આ ધરતી પર બનશે જ તેવું માની લેવાની કોઇ જરૂર નથી. પરિવર્તન એક એવું ચક્ર છે જેને - સમય અને સંજોગ સાથે - ફરતાં કોઇ અટકાવી શકતું નથી. કાળક્રમે ઇમિગ્રન્ટ્સ પણ બ્રિટિશ મૂલ્યોને અપનાવી રહ્યા છે.
ભલે તમામ ઇમિગ્રન્ટસને ‘અહીંની હવા’ ન લાગી હોય, પરંતુ બહુમતી વર્ગને - ઓછાવત્તા અંશે - અહીંની સંસ્કૃતિ સ્પર્શશે ને સ્પર્શશે જ. આપણા ગુજરાતીમાં કહેવત છે જ ને... સંગ તેવો રંગ. કંઇક એવી જ આ વાત છે. (આ ચર્ચા ચાલુ જ રહેશે. આપના સ્પષ્ટ વિચારો બેધડક લખી જણાવો)

ઇયુ રેફરન્ડમના અન્ય મુદ્દા

અર્થતંત્ર, ઇમિગ્રેશન ઉપરાંત સંરક્ષણ અને યુરોપિયન યુનિયનના વડા મથક બ્રસેલ્સની તુમારશાહીના પરિણામે મર્યાદિત લોકશાહીના મુદ્દા પણ પૂરબહાર ચર્ચામાં છે. વાચક મિત્રોને યાદ હશે કે સંરક્ષણ અંગે અગાઉ મેં આ કોલમમાં જ વિગતવાર રજૂઆત કરી હતી.
૧૮૭૦માં યુરોપની તળભૂમિ ઉપર મોટું યુદ્ધ ખેલાયું હતું. ક્રિમિયન વોર તરીકે ઓળખાતા આ લશ્કરી સંઘર્ષને મહાયુદ્ધ ગણી શકાય. લાખો મરાયા. ગંજાવર નુકસાન થયું. તે યુદ્ધના ૪૫ વર્ષ બાદ - અમુક અંશે ક્રિમિયન વોર સમયનો - ‘બાકી હિસાબ ચૂકતે કરવા’ પ્રથમ વિશ્વ યુદ્ધ થયું. ૧૯૧૪થી ૧૯૧૮ના તે અરસામાં યુરોપમાં બે કરોડ લોકો ભોગ બન્યા. વિનાશનો તો પાર નહીં. ભારત તે સમયે બ્રિટિશ તાજના નેજામાં હતું. ૧૨ લાખ સશસ્ત્ર બ્રિટિશ-ભારતીયોએ યુદ્ધમાં ભાગ લીધો. યુદ્ધ સિવાયની બીજી પ્રવૃત્તિઓમાં જોડાયેલા લાખો લોકો તો અલગ. ભારતથી યુરોપ આવેલા બે લાખ સૈનિકોને સારવાર માટે બ્રાઇટનની આજુબાજુના વિસ્તારોમાં આવેલા દવાખાનાઓ, મેડિકલ કેમ્પમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી જે હિન્દુ, જૈન, શીખ સૈનિકો મૃત્યુ પામ્યા અને જ્યાં તેમના અગ્નિસંસ્કાર કરાયા તે વિસ્તારને આજે બ્રાઇટનમાં છત્રી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે સેંકડો ભારતીયો આ સ્થળની યાત્રાધામ તરીકે મુલાકાત લે છે.
૧૯૧૮માં પ્રથમ વિશ્વ યુદ્ધ પૂરું થયું અને થોડાક વર્ષો માંડ વીત્યા કે ૧૯૩૯માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ વેળા તો અગાઉના તમામ યુદ્ધો કરતાં સૌથી વધુ જાનહાનિ થઇ. જાનમાલના નુકસાનનો તો કોઇ હિસાબ જ નહોતો. તે સમયે કેટલાક દૂરંદેશી ધરાવતા રાજકારણીઓએ ધરતીના પેટાળમાં ધરબાયેલા કોલસો, આયર્ન ઓર, લાઇમ સ્ટોનની ખાણો પર સહયોગનું આયોજન કર્યું. આ ખનિજ ભંડારનું સંચાલન કરવા ૧૯૪૯માં છ દેશોએ એકસંપ થઇને યુરોપમાં કોલ એન્ડ સ્ટીલ ઓથોરિટી (CSA)ની રચના કરી. આ છ દેશો હતાઃ બેલ્જિયમ, ફ્રાન્સ, વેસ્ટ જર્મની, ઇટાલી, નેધરલેન્ડ્સ અને લક્ઝમબર્ગ. આ દેશોએ સમજૂતી સાધીને અરસપરસ વેપાર-વણજ, આવન-જાવન પરના પ્રતિબંધો ઉઠાવી લીધા. સંગ સંગ મેરુ તો સર થાય મેરુ એ ન્યાયે આ દેશોનો વિકાસ ઝડપી બન્યો. જોતજોતામાં તો યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી (EEC)નો ઉદય થયો. CSAની રચના વેળા જ બ્રિટનને તેમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ બ્રિટને તેનો ઇન્કાર કર્યો હતો.
જોકે EECને પ્રગતિના પંથે હરણફાળ ભરતું નિહાળીને પાછળથી બ્રિટને તેમાં જોડાવા માટે અરજી કરી. તે વેળાના ફ્રાંસના પ્રમુખ ચાર્લ્સ દ ગોલે બ્રિટનની આ અરજીને ધરાર ફગાવી દીધી. બ્રિટનની અનેક આજીજીને પણ તેમણે કાને ન ધરી. EECમાં બ્રિટનને સામેલ કરવા ‘જગત જમાદાર’ અમેરિકાએ પણ ભારે દબાણ કર્યું. આખરે ૧૯૭૩માં બ્રિટનને EECમાં સભ્યપદ મળ્યું. જોકે આ પછી પણ શાંતિ તો નહોતી જ. બ્રિટનમાંથી જ એક વર્ગ દ્વારા EECમાં જોડાવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ થયો. આખરે ૧૯૭૫માં રેફરન્ડમ દ્વારા ફેંસલો કરવાનું નક્કી થયું. તે જનતાએ એવો ચુકાદો આપ્યો હતો કે EECમાં જોડાવાથી બ્રિટનને ફાયદો છે.
સ્વાભાવિક છે કે આર્થિક, વૈશ્વિક પ્રભાવ અંદરોઅંદર તાલમેલના કારણે યુરોપના ૨૮ દેશો યુદ્ધો નિવારી શક્યા છે, અને આ વાતનો બધા દેશોને લાભ થયો છે. અગાઉના ૭૫ વર્ષોમાં બ્રિટનમાં ભલે ત્રણ મહાસંગ્રામ ખેલાયા હોય, પરંતુ આ CSA કે EEC કે EUની રચના બાદ  ૭૧ વર્ષ યુરોપમાં એક પણ યુદ્ધ ખેલાયું નથી અને સર્વત્ર શાંતિ પ્રવર્તે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.

•••

નરેન્દ્ર મોદી સરકારના બે વર્ષ

ભારતભરમાં મોદી સરકારના બે વર્ષની ઉજવણીના ભાગરૂપે નાના-મોટા સંખ્યાબંધ કાર્યક્રમ યોજાયા છે, યોજાઇ રહ્યા છે. દૂરદર્શન ટીવી પર પ્રસારિત થયેલો પાંચ કલાકનો ટીવી કાર્યક્રમ તો આપનામાંથી ઘણા વાચકોએ નિહાળ્યો હશે. મોદી સરકારની સિદ્ધિ વિશે વધુ જાણવા-સમજવા મેં મારા કેટલાક મિત્રોને રવિવારે ફોન કર્યા હતા. અમદાવાદ સ્થિત વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઇ પારેખ, મીડિયા એનાલિસ્ટ પંકજ મુધોલકર, વર્ષોજૂના મિત્ર એવા જયસુખભાઇ મહેતા અને વરિષ્ઠ પત્રકાર તથા કોલમલેખક વિષ્ણુભાઇ પંડ્યા સાથે આ અંગે ઘણી બધી વાતો કરી.
વિષ્ણુભાઇ તો વડોદરામાં વીર સાવરકરના એક કાર્યક્રમમાં એક બીજા વિદ્વાન હુસૈન સાહેબ સાથે સભામાં હાજર હતા. સરકારે કંઇક તો કામ કર્યું છે. લોકોમાં પ્રચંડ આશાવાદ જોવા મળી રહ્યો છે. તેમણે લોકોમાં વિશ્વાસ જગાવ્યો છે. આ બધાના લેખાંજોખાં અનિવાર્ય છે. પંકજ મુધોલકરે મને બે-ત્રણ વિશેષ મુદ્દા કહ્યા. નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે રાજ્યના સંખ્યાબંધ સરકારી એકમોમાં કચાશ હતી. જેમ કે, વીજ ઉત્પાદન અને વિતરણની કામગીરી કરતું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ (જીઇબી) કરોડો રૂપિયાની ખોટ કરતું હતું. તોફાની તત્વો કે માથાભારે ખેડૂતો બેફામ વીજચોરી કરતા હતા. મોદીએ જડબેસલાક તંત્ર ગોઠવ્યું. કેટલાક માથાભારે તત્વોની ધરપકડ કરીને તેમને જેલભેગા કર્યા. ભાજપમાંથી અને સાથી સંગઠનોમાંથી તીવ્ર વિરોધ થયો, પણ તેઓ કોઇને ગાંઠ્યા નહીં. એક સમયે કરોડોની ખોટ કરતું જીઇબીનું તંત્ર આજે કામિયાબ તંત્ર બની ગયું છે.
આ જ પ્રકારે આરટીઓ (રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ)માં તો ભ્રષ્ટાચારની ગંગા નહીં, દરિયો ઉછાળા મારતો હતો એમ કહો તો પણ ચાલે. મોટી મોટી ઓક્ટ્રોય ચેકપોસ્ટ પર કરોડો રૂપિયાની ખાયકી થતી હતી. સરકારી તિજોરીના નાણા ભ્રષ્ટાચારીઓના ઘરમાં જતા હતા. એક અંદાજ પ્રમાણે સરકારને ઓક્ટ્રોય આવકનો વાર્ષિક આંકડો ૪૦૦ કરોડ રૂપિયાએ પહોંચતો હતો, પરંતુ તંત્રને ‘કામે લગાડ્યા’ના બીજા જ વર્ષે (વાર્ષિક) ૧૨૦૦ કરોડ રૂપિયા આવક નોંધાઇ.
જમીનની જંત્રીની આડેધડ આકારણી થતી હતી અને મનફાવે તેવી નીચી રકમના દસ્તાવેજ થતા હતા. આથી રાજ્યના મહેસૂલ વિભાગને કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું. સરકારે રાજ્યના વિવિધ વિસ્તારો પ્રમાણે જમીનની જંત્રીના ભાવ ફિક્સ કરી નાખ્યા. જમીનનો સોદો થાય એટલે ઓછામાં ઓછી નિયત રકમનો દસ્તાવેજ કરવો જ પડે. બધું ઓનલાઇન કરી નાંખ્યું. ઘાલમેલ બંધ થઇ ગઇ અને પારદર્શિતા વધી ગઇ. સરકારી તંત્ર ભલે સર્વ પ્રકારે સાંગોપાંગ ન થઇ ગયું હોય, પણ અનેક છીંડા પૂરીને તેમણે તંત્રને ચેતનવંતુ બનાવ્યું છે, સરકારી તિજોરીની આવક વધારી છે. અનેક સુધારાઓ અમલી બન્યા છે, અને અનેકને અમલી બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. આધુનિક અભિગમ, આધુનિક ટેક્નોલોજી અને દૂરંદેશીભર્યા અભિગમનો ત્રિવેણીસંગમ સાધ્યો.
નરેન્દ્રભાઇએ જે કામ ગુજરાતમાં કર્યું તે વડા પ્રધાન બન્યા બાદ રાષ્ટ્રીય સ્તરે શરૂ કર્યું. કોલ બ્લોકની ફાળવણીમાં પુરોગામી યુપીએ સરકારે મેન્યુઅલ ટેન્ડર દ્વારા લાખો કરોડો રૂપિયાની ઘાલમેલ કરી. મોદી સરકારે કોલ બ્લોકની ફાળવણી માટે ઇ-ટેન્ડરીંગની સિસ્ટમ અપનાવી. બધું ઓનલાઇન. આવું જ ટેલિકોમ સ્પેક્ટ્રમની ફાળવણીમાં કર્યું. યુપીએ સરકારના સંબંધિત પ્રધાનોએ કોલ બ્લોકની ફાળવણીથી માંડીને ટેલિકોમ સ્પેક્ટ્રમની ફાળવણીમાં રીતસર ખેરાત કરીને સરકારી તિજોરીને ચૂનો લગાડ્યો હતો. મોદી સરકારે આ જ કામ સંપૂર્ણ પારદર્શિતા સાથે કરીને સરકારી તિજોરીમાં કરોડો રૂપિયા જમા કર્યા છે.
આ બધું હું લખવા ખાતર નથી લખી રહ્યો. બહુ જવાબદારીપૂર્વક, સભાનતાપૂર્વક કહું છું કે બે વર્ષમાં પ્રગતિ થઇ છે. અને આ જ ઝડપે કામ થતું રહ્યું તો આગામી ત્રણ વર્ષમાં ભારત વિકાસના પંથે હરણફાળ ભરતું થઇ જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

•••

કુંદન વ્યાસ સાથેની મુલાકાત

શુક્રવારે અન્ય પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં ફેરબદલ કરીને મારે ઇલિંગ વિસ્તારમાં વાસ્ક્રોફ્ટ કન્સ્ટ્રક્શનના શશીભાઇ વેકરિયાને ત્યાં જવાનું થયું. કારણ શું? જન્મભૂમિ અખબાર ગ્રૂપના તંત્રી કુંદન વ્યાસ થોડાક દિવસની લંડન મુલાકાતે આવ્યા હતા અને તેમને મળવાનું આ સમય સિવાય શક્ય નહોતું. કુંદનભાઇને હું લગભગ પાંત્રીસેક વર્ષથી જાણું છું. તેમનો પરિચય કરાવ્યો હતો ગુજરાતી ભાષાના દિગ્ગજ પત્રકાર કાંતિ ભટ્ટે.
‘ચિત્રલેખા’ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં કાંતિ ભટ્ટે કહ્યું હતું તેમ પત્રકાર બનવા તેમને પ્રેરણા, તાલીમ, અવસર જન્મભૂમિ ગ્રૂપના કુંદનભાઇએ આપ્યા હતા. કુંદનભાઇને સાંકળતા અહેવાલ માટે સ્થળસંકોચના કારણે આ વખતે પૂરતી જગ્યા ફાળવી શકાઇ નથી, પણ એટલું અવશ્ય કહીશ કે તેમનો બ્રિટનનો માત્ર પાંચ દિવસનો ટૂંકો પ્રવાસ સંબંધની સરવાણીનો અદભૂત પ્રસંગ બની રહ્યો. લેસ્ટરમાં યોજાયેલા આ પ્રસંગના આયોજકથી માંડીને અતિથિ કુંદનભાઇ - સહુ કોઇ માટે આ અવસર ગૌરવરૂપ હતો. આ અંગે વિગતવાર વાત આવતા સપ્તાહે... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter