અગમચેતી.... જાણો અને જીવો જીંદાદિલીથી

સી. બી. પટેલ Tuesday 11th October 2016 13:52 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિશ્વભરમાં વસતાં સનાતનધર્મીઓ આજે નવલા નવરાત્ર મહોત્સવનો નવમો દિવસ ઉજવી રહ્યા છે. શક્તિ આરાધના અને સાધનાના આ પાવન અવસરનું આવતીકાલે વિજયાદશમીના પર્વ સાથે સમાપન થશે. બ્રિટનમાં જ્યાં જ્યાં આપણા પાંચ-પચીસ પરિવારો વસે છે ત્યાં ત્યાં પણ સેંકડોની સંખ્યામાં - બલ્કે હવે તો હજારોની વાત કરીએ તો પણ અતિશ્યોક્તિ નથી - નાનામોટા પ્રમાણમાં શક્તિઆરાધનાના પ્રસંગો - રાસ-ગરબા, સ્તુતિગાન વગેરે યોજાઇ રહ્યા છે.
૧૯૭૭-૭૮માં હું પ્રેસ્ટન, લેસ્ટર, બર્મિંગહામ તથા બૃહદ લંડનના ચારેય ખૂણે ઘુમી વળ્યો હતો અને ૪૮ સ્થળોએ ગરબાની રમઝટ જોઇ હતી, માણી હતી. જોકે આ વેળાએ માત્ર બે જ સ્થળોએ હું જઇ શક્યો છું. સમય સમય બલવાન. હું હોઉં કે તમે - સમય વર્ત્યે સાવધાન થવું જ રહ્યું. આયુષ્ય, આરોગ્ય, વાહનવ્યવહારની સીમિત સગવડ તે સહુને ‘સલામ’ તો કરવી જ રહીને?! આ બન્ને સ્થળોએ મને ૧૯૭૩ની નવરાત્રીની યાદ તાજી કરાવી દીધી.
૧૯૭૩માં ચિઝિકમાં ૪૪૬ હાઇ રોડ પર અમારો સ્ટોર હતો. તેના બેઝમેન્ટમાં જે બહેનો-દીકરીઓ ગરબે ઘૂમવા આવતાં હતા તેમાંના કેટલાક આજે દાદીમા કે નાનીમા બની ગયા છે. આમાંના કેટલાયને મેં આ સ્થળોએ તેમના સંતાનો કે ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે હોંશે હોંશે ગરબે ઘુમતા જોયાં.
વર્ષોપૂર્વે કંઇકેટલાય લોકો માનતા હતા કે આ રાસગરબા, નવરાત્રીની ઉજાણી કાળક્રમે નેસ્તનાબૂદ થઇ જશે - વિદેશની ધરતી પર તો ખાસ. પરંતુ આજે ઉલ્ટી ગંગા વહી રહી છે. સમાજમાં આસપાસ નજર ફેરવશો તો તમને જણાશે કે આ ધરતી પર જન્મેલા આપણા સંતાનો જ નહીં, તેમના સંતાનો પણ આપણી પરંપરા, સંસ્કાર વારસાના જતનમાં પૂરતો રસ લઇ રહ્યા છે. નવરાત્રી પર્વની ઉજવણીમાં તમને અનેખો ત્રિવેણીસંગમ જોવા મળશે - નવરાત્રીમાં શ્રદ્ધાનો સમાવેશ થાય છે, સંસ્કૃતિનો સમાવેશ થાય છે અને ગરબે ઘુમવાથી શરીર સૌષ્ઠવનું સંવર્ધન પણ થાય છે. મેદસ્વી હોય તેની કેલરી બળે ને જેઓ કદકાઠીએ ચુસ્તદુરસ્ત હોય તેમની ફિટનેસ જળવાય રહે. અને નવરાત્રી પર્વે ગરબે ઘૂમવા પહોંચીએ એટલે સગાંવ્હાલાં-સ્વજનો સાથે મિલન-મુલાકાતનો અવસર સાંપડે એ તો લટકામાં. આમ આ પર્વ અનેક રીતે લાભકારક છે.
વીતેલા વીકએન્ડ દરમિયાન બ્રિટિશ મોસમના મિજાજમાં પણ ત્રિવેણીસંગમ જોવા મળ્યો - વરસાદ પણ પડ્યો, ઠંડીનો ચમકારો પણ અનુભવાયો અને સૂર્યનારાયણદેવ ઉષ્મા પણ પ્રસરાવતા રહ્યા. સામાન્યતઃ ગુજરાતમાં નોરતાના દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે, પરંતુ આ વખતે મોસમ બેઇમાન બની હતી. શરૂઆતના પાંચેક નોરતા મેઘરાજાએ રાજ્યના લગભગ તમામ ભાગોમાં હાજરી નોંધાવી. સૌરાષ્ટ્રમાં લગભગ બધે જ ધોધમાર તો રાજ્યના બાકીના ભાગમાં છૂટકમૂટક. મેઘરાજાની અણધારી અને ક-સમયની એન્ટ્રીએ લોકોના ગરબે ઘૂમવાના ઉમંગ-ઉલ્લાસ પર કાદવ-કીચડ ફેરવી નાખ્યો હતો. આ અંગેનો અહેવાલ આપે ગુજરાત સમાચારના વીતેલા સપ્તાહના અંકમાં વાંચ્યો જ હશે. બ્રિટનની વાત કરીએ તો, આ દેશમાં હવે પાનખરની પધરામણી થઇ ગઇ છે. અહીં પાનખર અને શિયાળા વચ્ચે ખાસ ફરક જોવા મળતો નથી. જૂઓને... વીકએન્ડમાં ત્રણેય સિઝનની કોકટેઇલ જામી જ હતીને!
ઋતુમાન પરિવર્તન સાથે સાથે આપણા આરોગ્યને ગાઢ સંબંધ છે. આરોગ્ય ક્ષેત્રના મોવડીઓ તેમજ નિષ્ણાતોના કેટલાક ખૂબ જ મહત્ત્વના મંતવ્યો અત્રેના સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા છે, જે સહુકોઇને વધતાઓછા અંશે ઉપયોગી હોવાથી અત્રે સાદર કરી રહ્યો છું.
નેશનલ હેલ્થ સર્વીસ (NHS)ના એક ટોચના મોવડીએ જણાવ્યું છેઃ એક તરફ હોસ્પિટલમાં ખાટલાઓની ખેંચ પ્રવર્તે છે, બીજી તરફ દરેક જીપી પર કામગીરીનો બોજ વધી રહ્યો છે, અને ત્રીજી તરફ જરૂરતના પ્રમાણમાં નવા ડોક્ટરો તૈયાર નથી થઇ રહ્યા. આ બધા કારણસર શિયાળામાં આરોગ્ય ક્ષેત્રે હાલત કફોડી બનવાની શક્યતા છે. પેનાઇન એક્યુટ હોસ્પિટલ એનએચએસ ટ્રસ્ટના ડો. એલીસ લીનું કહેવું છે કે માંચેસ્ટર નજીકના સ્ટોકપોર્ટમાં ૪૭ બાળકોની સર્જરી બાબત તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ૧૩ ટકા બાળકોના તો અતિ આવશ્યક એવા ચાર ટેસ્ટ - ટેમ્પરેચર, હાર્ટરેટ, બ્રિધિંગ ટેસ્ટ કે બ્લડસર્ક્યુલેશન ટેસ્ટ થયા જ નહોતા. બાળકોના સ્વાસ્થ્યના જતન માટે ખૂબ જ જરૂરી એવા આ ટેસ્ટના અભાવે તેમના માટે આરોગ્યની ગંભીર સમસ્યા ઉભી થવાની શક્યતા છે.
આ જ પ્રમાણે, ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ચોંકાવનારા આંકડાઓ સૂચવે છે કે વીતેલા ૨૦૧૫ના વર્ષમાં ૮૬ ટીનેજર્સે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યા છે. છેલ્લા ૧૭ વર્ષમાં આ સૌથી વધુ સંખ્યા છે અને છેલ્લા છ વર્ષની સરખામણીએ જૂઓ તો આ આંકડો ૫૦ ટકા વધુ છે. હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે પણ ટીનેજર્સના આ આત્મઘાતી વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક તાત્વિક સલાહ એવી અપાઇ રહી છે કે પરિવારજનો પોતાના સંતાનો સાથેનો નાતો વધુ ઘનિષ્ટ બનાવે તો ઘણાખરા અંશે આ સ્થિતિ નિવારી શકાય તેમ છે.
આરોગ્ય સંબંધિત વિવિધ પાસાંઓની ચર્ચા ચાલી જ રહી છે ત્યારે બીજી પણ કેટલીક મહત્ત્વની વાતો સમજી લઇએ. સદાબહાર સ્વાસ્થ્ય જાળવવું મુશ્કેલ નથી, પરંતુ અમુક બાબતે આવશ્યક કાળજી લેવામાં આવે તો જ. જીવનશૈલી, આહારવિહાર, પારિવારિક માહોલ સહિતના અનેક પાસાં વ્યક્તિનાં સ્વાસ્થ્યનું ઘડતર કરતા હોય છે. અછતવાળા પરિવારોમાં નાનીમોટી કેટલીય બાબતો વિશે અજંપો, અસલામતી અનુભવાય છે. તેમાં પણ જ્યારે પરિવાર કે મિત્રોમાં ટકરાવ વધે છે ત્યારે તેના માઠા પરિણામ આવે છે.
સાયકોલોજીસ્ટ ડો. ટીમ લોમાસે આરોગ્ય અને પ્રકૃતિ વચ્ચે રહેલા સંબંધોનો અભ્યાસ કરીને એક પુસ્તક લખ્યું છે The Positive Power of Negative Emotions (ધ પોઝિટીવ પાવર ઓફ નેગેટિવ ઇમોશન્સ). મને - તમને - આપણને સહુ કોઇને કંઇકને કંઇક ઉપયોગી બને તેવી માહિતી આ પુસ્તકમાં વાંચવા મળે છે.
પુસ્તકમાં ચાર મુખ્ય બાબત ધ્યાન કેન્દ્રીત થયું છેઃ Anger (ગુસ્સો), Sadness (ઉદાસીનતા) Envy (ઇર્ષ્યા) અને Guilt (ગુનાહિતપણાની લાગણી). કોઇ પણ વ્યક્તિના સ્વભાવમાં આમાંનું એક પણ પાસું અનિચ્છનીય છે. આરોગ્ય માટે પણ તે હાનિકારક ગણાયું છે. જોકે ડો. લોમાસ દેખીતી નજરે નુકસાનકારક જણાતા આ પાસાંઓનાં કેટલાક લાભ ગણાવે છે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ અંગે પણ બહુ રસપ્રદ વાતો કરી છે, જેના અંશો પ્રસ્તુત કરી રહ્યો છું.
૧) ગુસ્સો... ભલે શારીરિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ગણાતો હોય, પરંતુ અમુક પ્રસંગે - અમુક સમયે મર્યાદિત પ્રમાણમાં તે જરૂરી પણ છે. ગુસ્સો પ્રેશર કૂકરની સીટી જેવું કામ કરે છે. પ્રેશર કૂકરમાંથી વરાળ બહાર જ ન નીકળે તો શું થાય? આવું જ ગુસ્સાનું છે. જો તે મનમાંને મનમાં જ ગોરંભાયા કરે તો તે હૃદય પર દબાણ વધારી શકે છે, માનસિક તણાવ વધારી શકે છે. આ દબાણ સરવાળે બ્લડપ્રેશર વધારે છે, અને ક્યારેક તેનું પરિણામ જીવલેણ આવી શકે છે.
૨) ઉદાસીનતા... ગુસ્સો શમ્યા પછી અમુક સમયે વ્યક્તિ સુનમૂન થઇ જાય છે. પરંતુ જો તે વેળા અંતરમન સાથે શાંતિપૂર્વક અનુસંધાન સાધવામાં આવે તો તેનાથી માનસિક રાહત પણ મળી શકે છે.
૩) ઇર્ષ્યા... આ વલણ ભલે અવગુણ ગણાતો હોય, પરંતુ તમે કહી શકો કે સ્પર્ધાનું બીજું નામ એટલે ઇર્ષ્યા. સ્પર્ધા વગર પ્રગતિ થઇ શકે નહીં તે જેટલું સાચું છે એટલું જ સાચું એ છે કે જો સ્પર્ધા નેગેટિવ હોય તો તે કોઇ પણ પ્રકારે અનિચ્છનીય છે.
૪) ગુનાહિતપણાની ભાવના... આવી લાગણી તીવ્રતાથી અનુભવતી વ્યક્તિને અંતરમન કોરી ખાતું હોય છે. શરીર પરની બાહ્ય ઇજાના ચિહનોને તો ઓળખીને તેની સારવાર કરી શકાય છે, પણ ‘અંદર’ પડેલા ઘાને ઓળખવા અને તેની ‘સારવાર’ કરવી મુશ્કેલ છે. જોકે ડો. લોમાસ કહે છે કે મર્યાદિત પ્રમાણમાં ગુનાહિતપણાની ભાવના વ્યક્તિના અચેતન મનને વધુ સક્રિય બનાવે છે. આ માનસિક ચેતના વ્યક્તિને ભવિષ્યમાં (ગુનાહિતપણાની લાગણી ઉદ્ભવે તેવું) ખોટું કામ કરતા અટકાવે છે. મોટા ભાગના કિસ્સામાં આવી ચેતના વ્યક્તિને સારું કામ કરવા પ્રેરે છે.
૫) કોઇ વ્યક્તિ ગુસ્સો કર્યા બાદ એકલવાયાપણાની લાગણી અનુભવે તો અમુક અંશે તેનો સ્વીકાર કરવો જ જોઇએ. વ્યક્તિ આ સમય દરમિયાન ખરા અર્થમાં માનસિક શાંતિ અનુભવતો હોય છે. આ શાંતિ તેને માનસિક બળ પૂરું પાડતી હોય છે. આ સમયમાં ઇશ્વરનું સ્મરણ થઇ શકે તો સમજો સોનામાં સુગંધ ભળે.
૬) જીવમાત્ર પોતાની આગવી સ્પેસ (અવકાશ) ઝંખતો હોય છે. દરેકની ઇચ્છા હોય છે કે રોજબરોજના કામમાંથી સહેજસાજ ફુરસદ મળે, તન-મનને રાહત મળે અને દિલોદિમાગને પ્રફુલ્લિત થવાની તક મળે. આ બધું સરવાળે તેની ‘બેટરી ચાર્જ’ કરતા હોય છે.
સાઇકોલોજિસ્ટ ડો. લોમાસે તેમના પુસ્તકમાં જે વાતો કરી છે તેનો અર્ક અહીં રજૂ કરવા પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત આપણા આરોગ્ય સંબંધિત એક બીજો પણ રિપોર્ટ વાંચવાનો અવસર સાંપડ્યો. આ રિપોર્ટ અનુસાર, ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, ઘોંઘાટનું પ્રદૂષણ (નોઇઝ પોલ્યુશન) ખૂબ જ વધી રહ્યું છે. આપણા ઋષિ-મુનિઓ તો સૈકાઓથી કહેતા રહ્યા છે કે પ્રાર્થના-ચિંતન કરો, અંદરથી ‘શાંતિ’ અનુભવતા હશો તો બહારનો ‘ઘોંઘાટ’ તમને કોઇ પણ પ્રકારે અસર નહીં કરે. વાચક મિત્રો, તમે જરા વિચાર તો કરો, આપણા ઋષિ-મુનિઓ કેટલા દીર્ઘદૃષ્ટા હશે... તેમને સેંકડો-હજારો વર્ષ પૂર્વે જ આપણી આજની સમસ્યાનો અંદાજ આવી ગયો હશે ને!
અહીં મને મુંબઇના સુપ્રસિદ્ધ નાટ્ય લેખક પ્રબોધભાઇ જોષીએ કહેલો એક પ્રસંગ યાદ આવે છે. આપને જાણીને નવાઇ લાગશે કે ગુજરાતી ભાષાને સુપરડુપર હીટ નાટકો આપનાર પ્રબોધભાઇએ તેમના મોટા ભાગના નાટકો મુંબઇના ગ્રાન્ટ રોડ પર સ્ટેશનની બાજુમાં આવેલા કોફી હાઉસમાં બેસીને કાગળ પર ઉતાર્યા છે. લોકોની ચહલપહલથી ધમધમતા ભીડભાડવાળા વિસ્તારમાં બેસીને તે વળી કઇ રીતે નાટ્યસર્જન થાય? મારા ઉત્સુક્તાભર્યા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું, ‘એક વખત લખવા બેસું એટલે બહારનો કોઇ ઘોંઘાટ અંદર સુધી પહોંચે જ નહીં. મગજમાં જેટલી ઝડપથી વિચાર દોડે એટલી જ ઝડપથી કાગળ પર બોલપેન દોડે... દિમાગ તેનું કામ કરે, આંગળી તેનું કામ. આપણે તો સર્જનને અક્ષરદેહ આપવામાં માત્ર માધ્યમ બનીએ...’ મોટા ગજાના માણસોનો સૌથી મોટો ગુણ હોય છે - નમ્રતા, સાલસતા. જરાય દેખાડો નહીં, ખોટી ફાંકાફોજદારી નહીં. જોકે આ પ્રસંગ પરથી આપણે એટલું જ સમજવાનું કે વ્યક્તિ અંદરથી શાંત હોય તો તેને દુન્યવી ઘોંઘાટની રતિભાર પણ અસર થતી નથી. આવી વ્યક્તિ પોતાની સજ્જતા, ક્ષમતાનો સહજ લાભ લઇ શકે છે. બહોળા સમાજને (કહો કે આપણને સૌને) તેનો લાભ આપી શકે છે.
ઓલિવિયા પાર્કર નામના એક નિષ્ણાતે અભ્યાસના આધારે તારવ્યું છે (અને આપણે સહુએ નજરે જોયું પણ છે) તે પ્રમાણે લંડનમાં દર દસ મિનિટે આવતા નાના-મોટા જાહેર ઉદ્યાનો વ્યક્તિને આહલાદક શાંતિનો અનુભવ કરાવે છે. આ બાગબગીચા લોકોને માનસિક શાંતિ પામવાનો અવસર પૂરો પાડે છે. વાચક મિત્રો, તમે જરા વિચાર તો કરો કે જો આ મહાનગરમાં આટલા બધા જાહેર ઉદ્યાનો ન હોત તો અવાજના પ્રદૂષણે આપણી શાંતિના ફૂરચા જ ઉડી ગયા હોત ને...
નેશનલ હેલ્થ સર્વીસનાં ટોચના મોવડી ડો. શ્રીમતી હેન્રીએટા હ્યુઝે એક મનનીય લેખમાં બહુ સુંદર વિચારો રજૂ કર્યા છે. NHSમાં નાનીમોટી તકલીફો, સમસ્યાઓ, ફરિયાદોનો સામનો કરી રહેલા ડોક્ટરોથી માંડીને નર્સિંગ સ્ટાફ, સપોર્ટિંગ સ્ટાફ તમામને ટકોર કરતાં કહે છે કે તમારી અમૂઝણ, પીડા સમજી શકાય તેવી છે, પરંતુ તેના રોદણાં રડ્યા કરવાનો શો ફાયદો? કાગનો વાઘ કરવાનું વલણ ટાળો. જો તમે જ ફરિયાદો કર્યા કરશો તો તમારી સારવાર મેળવતા દર્દીઓ પર કેવી અસર પડશે? જો તમે અંગત તકલીફોના કારણે દર્દીઓ સાથે તોછડું, ઉદ્ધત વર્તન કરશો તો તેમની સારવાર શું કરશો? તેમના દર્દ, તકલીફોનું નિવારણ કઇ રીતે થશે?
આ પછી તેઓ જ તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને, દર્દીઓને અને તેમના પરિવારજનોને સૂચન સોનેરી સૂચન કરતા કહે છે કે તમારી સમસ્યા ભલેને ગમેતેટલી મોટી હોય, પરંતુ તેને દિલોદિમાગ પર અડીંગો ન જમાવવા દો. મનમાં સુખની લાગણી અનુભવો. આવું કરવું મુશ્કેલ અવશ્ય છે, અશક્ય નથી. કોઇ વ્યક્તિ ચારેબાજુથી અસુખથી ઘેરાઇ ગઇ હોય તેવું તો સંભવ જ નથી. તમારા સારા સમયનો વિચાર કરો, તમે અચૂકપણે પ્રફૂલ્લિતતા અનુભવશો. આ માટે તમારી આસપાસ પ્રવર્તતા સંજોગોને કોરાણે મૂકીને સુખ પર ધ્યાન કેન્દ્રીત કરો. જેમ કે, આસપાસમાં કોઇ નાનું બાળક હસતું-રમતું હોય તો તેને નિહાળો, મનગમતું ગીત-સંગીત સાંભળો, બે મિત્રો મજાકમસ્તી કરતા હોય તો તેમાં સામેલ થાવ, અને આમાંનું કંઇ ન કરવું હોય તો તમારી મનગમતી પ્રવૃત્તિમાં જોતરાઇ જાવ. જે પ્રકારે રેંટિયાની તકલી સૂતરને વણતી હોય છે તેમ તમારા મનના રેંટિયાની તકલી પર જીવનને વણો.
વાચક મિત્રો, એક અભ્યાસના આંકડાઓ કહે છે તેમ દુનિયાની માનવવસ્તીમાં બાવન ટકા મહિલાઓ છે, અને ૪૮ ટકા પુરુષો. બ્રિટનમાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય વધી રહ્યું હોવાથી ૭૦, ૮૦ કે ૯૦ વર્ષની વય ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે. ૨૦ વર્ષ પહેલાં આ દેશમાં ૧૦૦ વર્ષની વય ધરાવતા લોકોની સંખ્યા સેંકડોમાં સીમિત હતી. આજે આ આંકડો ૩૮૦૦ને વળોટી ગયો છે. એક અભ્યાસના તારણ અનુસાર, જો વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષ હોય અને જો તે વ્યક્તિ કોઇ ગંભીર કે જીવલેણ બીમારીથી પીડાતી ન હોય તો તે બીજા ૨૫ વર્ષનું જીવન ભોગવવાની આશા સ્હેજેય રાખી શકે છે. NHS દ્વારા આ ફોર્મ્યુલાને નજરમાં રાખીને જ આરોગ્ય સંબંધિત ભાવિ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.
મનુષ્યનું આયુષ્ય વધવાની સાથોસાથ તેના આરોગ્યને પણ કઇ રીતે ટકોરાબંધ, સ્ફૂર્તિલું રાખી શકાય તે માટે અત્યારે બહુ અભ્યાસ ચાલી રહ્યા છે. અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલી મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલે ૬૦ વર્ષથી માંડીને ૮૦ વર્ષની કેટલીક વ્યક્તિઓની તીવ્ર યાદશક્તિનો અભ્યાસ કર્યો હતો. તેમને જાણવા મળ્યું હતું કે યુવાન વ્યક્તિના મગજમાં ચાવીરૂપ ભાગનું જેવું બંધારણ હોય છે કંઇક તેવી જ રચના આ લોકોના દિમાગમાં જોવા મળે છે. આ લોકો જીવન પ્રત્યે વધુ હકારાત્મક વલણ ધરાવતા જોવા મળ્યા છે.
અભ્યાસમાં એક બહુ રસપ્રદ તારણ એ જાણવા મળ્યું કે જે લોકો ૫૦ વર્ષની વયથી (ભલે મોડા તો મોડા) પણ આહારવિહારમાં કાળજી લેવાનું શરૂ કરે છે, કસરત કરવી, વોક લેવો વગેરે જેવી શારીરિક સક્રિયતા જાળવે છે તેમના ચહેરા પર ૭૦ વર્ષની વયે પણ ૫૦ વર્ષની વ્યક્તિના ચહેરા જેવું તેજ જોઇ શકાય છે.
વાચક મિત્રો, સદાબહાર સ્વાસ્થ્ય મેળવવું છે? અભ્યાસમાં સૂચવાયું છે - જાગ્યા ત્યાંથી સવારનો મંત્ર અપનાવો. તન-મનની ચુસ્તી-સ્ફુર્તિ વધારવા માટે કોઇ સમય મોડો હોતો જ નથી. તમારી ઉંમર ગમેતેટલી હોય, તંદુરસ્ત જીવનશૈલી
અપનાવો, પૌષ્ટિક ભોજન લો અને શારીરિક સક્રિયતા જાળવો. પછી જૂઓ... તમારું આરોગ્ય કેવું ટનાટન થઇ જાય છે.
૪૫-૫૦ વર્ષની આયુ પછી ભોજનમાં તાજા શાકભાજીનું પ્રમાણ વધારો. તબિયતને અનુકૂળ હોય તેવા ફળફળાદિ લો અને સવિશેષ તો ડ્રાયફ્રૂટ્સ (બદામ-પિસ્તા-અંજીર-સૂકી દ્રાક્ષ-અખરોટ) વગેરેનું સેવન કરો. એકાદ-બે મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સનું નિયમિત સેવન તમારા શરીર માટે બહુ ઉપકારક બની રહેશે. આનાથી શાકાહારીને ખાસ ફાયદો થાય છે. જ્યારે બિનશાકાહારીઓની વાત કરીએ તો તેઓ ભોજનમાં ફીશ લઇ શકે, પણ રેડ મીટ તો તેમણે બિલકુલ ટાળવું જોઇએ.
રિપોર્ટમાં બીજી પણ એક વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. ડાયાબિટીસ હોય કે ન હોય, ૭૦ વર્ષની આયુ વટાવ્યા પછી આહારવિહાર પ્રત્યે ખાસ કાળજી રાખવી. યુવાનીમાં ભલે સ્નાયુબદ્ધ શરીર હોય, વય વધવા સાથે તેની ફ્લેક્સિબિલીટી ઘટતી હોય છે. તે ઢીલા પડતા હોય છે. રબરબેન્ડને લાંબો સમય ખેંચીને રાખ્યા પછી કેવું ઢીલું પડી જાય છે કંઇક તેના જેવી જ આ વાત છે. રિપોર્ટમાં સૂચવાયું છે કે તમારી શારીરિક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ભોજન લો - બહુ વધુ પણ નહીં, અને ઓછું પણ નહીં. ઉંમર વધુ હોય તો ભોજનમાં પ્રોટીનનો હિસ્સો વધારો. (જો મેદસ્વી ના હોવ તો!)
બ્રિટનની બોર્નમથ યુનિવર્સિટીના પ્રો. સી. કેથરિન એપલ્ટને એક બહુ ઉપયોગી અભ્યાસના આધારે સૂચવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતપોતાની તાસીર સમજીને ભોજનમાં નિયમિત પ્રોટીન લેવું જોઇએ. પુરુષ હો તો દરરોજ ૫૫ ગ્રામ અને સ્ત્રી હો તો ૪૫ ગ્રામ પ્રોટીન લેવા તેઓ કહે છે. પરંતુ પ્રોટીન મળે ક્યા ભોજનમાંથી? નટ્સ, પલ્સીસ (વિવિધ પ્રકારની દાળ), ટોફુ, પનીર વગેરેમાંથી.
૬૫ વર્ષથી મોટી વયની કેટલીક વ્યક્તિઓ જાતે જ પોતાની ખાણીપીણી પર નિયંત્રણ મૂકી દેતી હોય છે. પોતાના શરીરની જરૂરત સમજ્યા વગર ભોજન પર અંકુશ લાદી દેવાનો આ નિર્ણય તમારા માટે હિતકારી નથી. મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના રિપોર્ટ માટે છેલ્લા ૩૦ વર્ષમાં ૧,૩૧,૩૫૨ વ્યક્તિનો ખાણીપીણી, જીવનશૈલી સહિત આરોગ્યના કંઇ કેટલાય પાસાંઓને ધ્યાનમાં રાખીને અભ્યાસ
હાથ ધરાયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે જો વ્યક્તિ પ્રોસેસ્ડ ફૂડનું સેવન બંધ કરીને તાજું રાંધેલું ભોજન આરોગે તો તેના પરથી મોતનો ભય ૩૨ ટકા ઘટે છે.

•••

કહો તો... તમારા ભોજનમાં ‘સફેદ ઝેર’ કેટલું છે?

આરોગ્ય સંદર્ભે એક બીજી પણ વાત વારંવાર કહેવામાં આવે છે કે ભોજનમાંથી ‘સફેદ ઝેર’ બાકાત કરો - પછી તે ખારું હોય કે ગળ્યું! લેઇડન યુનિવર્સિટી મેડિકલ સેન્ટર હોલેન્ડનું બહુ મોટું શિક્ષણ ધામ છે. યુનિવર્સિટીએ મલ્ટીનેશનલ કંપની યુનિલિવર સાથે મળીને એક અભ્યાસ હાથ ધર્યો હતો. ૫૦થી ૭૦ વર્ષની વયના ૬૦૨ પુરુષો અને મહિલાઓના બ્લડ સુગર લેવલ અને તેને સંકલિત શારીરિક રોગનો અભ્યાસ કરીને તારવ્યું છે કે ખોરાકમાં વધુ નમક લેવાની કોઇ જરૂર જ નથી કેમ કે શરીરને આવશ્યક નમક શાકભાજી, ફળફળાદી વગેરેમાંથી મળી જ રહે છે.
આ જ વાત ખાંડ (સુગર)ને લાગુ પડે છે. ફળફળાદીમાં અને વધતાઓછા અંશે શાકભાજીમાં પણ સુગર (ફ્રૂક્ટોઝ) હોય છે - જે શરીરની જરૂરત સંતોષવા માટે પૂરતું છે. આપણે ખાંડ સ્વરૂપે વધુ ગળપણ પેટમાં પધરાવીને એક યા બીજા પ્રકારે શરીર પર જુલમ ગુજારીએ છીએ એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. તમે એકબાજુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પેશાબની તકલીફ કે આર્થરાઇટિસની ગોળીઓ ગળતા હો અને બીજી તરફ પેટમાં નમક અને ખાંડ જ ઓર્યા કરો તો લાભ કરતાં નુકસાન જ વધુ થવાનું. આ એક વિષચક્ર છે. જેમ કે, ડોક્ટરે તમારું સુગર લેવલ ચેક કરીને તમને ટેબ્લેટ લખી આપી હોય કે ઇન્સ્યુલીનનો ડોઝ નક્કી કરી આપ્યો હોય છે. આ પછી ઘણા લોકો ધારી લેતા હોય છે કે બસ હવે આપણે શું ચિંતા છે, દવા તો ચાલુ જ છે ને? દવા કે ઇન્સ્યુલીનનો થોડોક ડોઝ વધુ લઇ લેશું... પરંતુ આવા વલણથી છેવટે તો શરીર માટે નુકસાનકારક જ સાબિત થાય છે.
આવતા સપ્તાહે આપણે આરોગ્ય સંબંધિત આવા જ બીજા કેટલાક પાસાંઓની ચર્ચા કરશું. આપણી હજારો વર્ષ પુરાણી આયુર્વેદ પરંપરામાં કહેવાયું છે કે ભોજનમાં ઋતુ અનુસાર શાકભાજી, ફળફળાદીનું સેવન કરવું જોઇએ. અન્ન તેવું મન એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. જોકે અતિ સર્વત્ર વર્જયેત્ એ પણ નહીં ભૂલતાં. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter