અતિ સર્વત્ર વર્જયેત્ (અતિરેક એ નુકશાનકારી)

સી. બી. પટેલ (સહયોગઃ કોકિલા પટેલ) Tuesday 08th December 2020 04:23 EST
 
 

વડીલો સહિત સૌ વાચકમિત્રો, વિક્રમ સંવત ૨૦૭૭ના સૌને નૂતન વર્ષાભિનંદન, ચાલો આપણે મનોમન (આ કોરોનાને કારણે જ સ્તો) રાજકોટ જઇએ. ખાસ કરીને ત્યાંની સિઝન્સ હોટેલમાં મારો મુકામ હોય છે. આ સમગ્ર સંકુલના સર્વેસર્વા વેજાભાઇ રાવલીઆ સાથે એક વખત હોટેલના ઉદ્યાનમાં બેઠો હતો. ત્યાં એક લોહાણા મિત્ર મળવા આવ્યા. જેઓ પ્રોપર્ટીનો બિઝનેસ ધરાવે છે. આવતા વેંત તેમણે કહ્યું, ‘સી.બી., આજે તો ભૂક્કા કાઢી નાખ્યા! મોટી પ્રોપર્ટી હતી! વાત ના પૂછો...’ હું ચમક્યો.
મોટી પ્રોપર્ટીના ભૂક્કા?!! એટલે શું? પછી ખબર પડી કે એમનો મોટી પ્રપોર્ટીનો સોદો હેમખેમ પૂરો થયો. એ મિત્રએ વાતને વધારતાં પાછું ઉમેર્યું કે, ‘ગધનો ગાંઠતો જ નહોતો'! ભાઇ... ચરોતરવાળાને ‘ગધનો’ અને ‘પ્રોપર્ટીના ભૂક્કા’ની ખબર ના પડે પણ અત્યારે મારા મિત્ર લંડન હોત તો રિશી સુનાકના છેલ્લા મહિનાઓના અર્થતંત્ર વિશે કંઇક આવું જ કહેતા હોત.
આપણા ચાન્સેલર ઓફ એકસચેકર રિશી સુનાક વિષે એક આડવાત કરીએ. આપણને સૌને રિશીનો અર્થ તો ખબર છે પણ સુનાકનો અર્થ શું? સુશીલ, સુમતિ, સામંત કે સુમંત એવી કેટલીય અટકોના નામ જાણીએ છીએ પણ સુનાક કેવી અટક! આપણને સવાલ થાય કે શું એમના દાદા-પરદાદાનું નાક સપ્રમાણ, સારું, ઘાટીલું હશે! એટલે એમના નામ સાથે સુનાક લખાતું હશે?!

આપણા આ ચાન્સેલરે કોરોનાને પગલે આવેલી મંદી અને બેરોજગારી આદિ પ્રશ્નોના ઉકેલ માટે અધધધ... ૪૦૦ બિલિયન પાઉન્ડ વાપરી નાખ્યા છે. કન્ઝર્વેટિવ પક્ષ હંમેશાં બજેટમાં કંટ્રોલ, ફુગાવા ઉપર નિયંત્રણમાં માનતો હોય છે. એના આ બધા જ વિચારો અને પરંપરાના પેલા રાજકોટવાળા મારા મિત્રની ભાષામાં કહું તો રિશી સુનાકે ‘ભૂક્કા કાઢી’ નાંખ્યા છે. મતલબ કે જનતાના જાન બચાવવા કે ઉજળા ભવિષ્યના આયોજન માટે સરકારની તિજોરી ખોલી નાખી છે અને દેશદેશાવરમાં પણ લગભગ આ જ પ્રકારે વલણ લેવામાં આવે છે. અત્યારે બ્રિટનના રાજકારણમાં સંભવિત વડા પ્રધાન તરીકે રિશી સુનાકનું નામ ખૂબ ગાજતું થયું છે.
વાચકમિત્રો, આજની મારી રજૂઆતનો મુખ્ય આશય છે ધનપ્રાપ્તિ, ધનસંચય અને તેનો સદઉપયોગ. ચીલાચાલુ, માન્યતાઓ કે પરંપરાઓને આવા કટોકટીના કાળમાં અભરાઇ પર ચઢાઇ દેવામાં આવે છે. ૪૦૦ બિલિયન પાઉન્ડ કે સંભવિત ૫૦૦ બિલિયન પાઉન્ડ એ સરકારી તિજોરીમાં જન્મતા નથી, ઉત્પન્ન થતા નથી. અંતે તો ‘કન્યાને કેડે જ ભાર છે’. આવતા વર્ષોમાં કરવેરા દ્વારા સરકારે જે આ રકમ ઉધાર લીધી છે એને વ્યાજ સાથે ચૂકવવા માટે જાતજાતનાં આયોજનો કરવા પડશે. સામાન્ય નોકરિયાતો - જેને અંગ્રેજીમાં કહે છે લોઅર મિડલ કલાસ - તેમને પોતીકા પ્રશ્નો છે. તો બીજી તરફ, વધુ આવક કે વધુ ધનરાશિ ધરાવતા અપર મિડલ કલાસ અને અપર કલાસને પણ ઓછી ઉપાધિ તો નથી જ...! એમને અત્યારથી કેપિટલ ગેઇન ટેક્સ, ઇનહેરિટન્સ ટેક્સ (વારસા વેરો - કેટલાક લોકો તેને ડેથ ડ્યુટી કહે છે) આ બધા પ્રશ્નો મારા - તમારા જેવા સામાન્ય માનવીઓ કરતાં જે લોકો ધનના ઢગલા પર બેઠા છે એમની ઉંઘ હરામ કરી નાંખે તો નવાઇ નહીં પામતા.
આ વિષે આગળ વધુ એ પહેલાં દેશદેશાવરના કેટલાય ધનપતિઓના આંકડા જોઇએ તો... વિશ્વબેંકે કરેલા અભ્યાસ મુજબ વિકસિત કે વિકાસશીલ દેશોમાં ૧ ટકા પ્રજાજનો, ૭૦ ટકા માલમિલકત અને રોકડ રકમના અધિપતિ હોવાનું જણાયું. દુનિયાભરમાં બિલિયોનેરની સંખ્યા વધી રહી છે. ભારત અને બ્રિટનના જ આંકડા આપણે જરા જોઇ લઇએ.
બ્રિટનમાં ૫૦ મિલિયન ડોલરથી વધુ અસ્કયામતો ધરાવનારની સંખ્યા છે ૩,૯૦૧. આ બધા આંકડાઓ ગયા વર્ષના અંતના છે. અમેરિકામાં આ સંખ્યા ૮૯,૫૦૯, ચીનમાં આ સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, એની સંખ્યા અત્યારે છે ૨૧,૦૮૭. ભારતમાં આવા ધનપતિઓની સંખ્યા અંદાજે ૧૯૦૦ની ગણવામાં આવે છે કારણ કે ત્યાં નાગરિકો કે કંપનીઓની ઓફિશ્યલ (ચોખ્ખી) કે અનઓફિશ્યલ (બ્લેક) વેલ્થ (અસ્કયામતો) વિષે હજુ સ્પષ્ટ જણાતું નથી.
એક બીજું પણ તારણ આવી રહ્યું છે જેને આપણી ગુજરાતી ભાષામાં કહેવાય છે: ‘અતિલક્ષ્મી તે પાપનું મૂળ’. બ્રિટનમાં અર્થશાસ્ત્રીઓના મતે પગાર કે નફો, ડિવિડન્ટ કે પેન્શન એ બધું મળીને જો વાર્ષિક એક લાખ પાઉન્ડની આવક હોય તો તે પરિવાર (કુલ વસ્તીના પાંચ ટકા) આરામથી રહી શકે છે. થોડી સમજપૂર્વક અર્થવ્યવસ્થા આવશ્યક છે. પાંચ મિલિયન પાઉન્ડથી જો પરિવારની કુલ અસ્કયામત વધુ હોય તો તે અમુક રીતે ભવિષ્યમાં સમસ્યા સર્જી શકે છે.
 વર્ષો પહેલાં અમદાવાદમાં કસ્તુરભાઇ લાલભાઇ શેઠે એક શિક્ષણ સંબંધિત રિસર્ચ સેન્ટર બનાવવા માટે દોઢ કરોડ રૂપિયા હતા, જે આજના જમાનાના ૨૦-૨૫ કરોડ રૂપિયા થાય એવી સખાવત કરી હતી. મહાકવિ ઉમાશંકર જોશીએ તેના ઉદઘાટન સમારોહ વેળાએ કહ્યું હતું કે, ‘અમદાવાદમાં કસ્તુરભાઇ લાલભાઇ, અંબાલાલ સારાભાઇ જેવા નગરશેઠોની સખાવતને કારણે શિક્ષણ, આરોગ્ય અને જનસેવાની કેટલીય સંસ્થાઓને આપણે જોઇ શકીએ છીએ.’
‘ગુજરાત સમાચાર’ના તાજેતરના અંકોમાં આપે ભારતમાં તવંગરોની સખાવતો વિશેના આંકડા વાંચ્યા હશે. જેણે જે કંઇ પરમાર્થ કાજે આપ્યું હોય એ સૌને પ્રણામ. ઉમાશંકરભાઇના સંદેશને હું મારી રીતે કહું તો ‘ત્રીજી પેઢીએ પાવડો’ નિવારવાની જવાબદારી પેઢી - દર પેઢીના મોવડીઓની ગણી શકાય. જરાક સ્પષ્ટ - સરળ ભાષામાં કહું તો પૂર્વ આફ્રિકાથી અહીં કેટલા બધા આવ્યા?!, લગભગ બધા જ ખાલી હાથે આવ્યા હતા ને? ૧૦, ૧૫ કે ૨૦ હજાર પાઉન્ડમાં ખરીદેલું મકાન આજે દોઢ બે મિલિયનની કિંમતે પણ બોલાય છે. પહેલી પેઢીવાળાએ તનતોડ મહેનત કરી, બાળકોના શિક્ષણ માટે ભોગ આપ્યો, કરકસર કરી ને ધનસંચય કર્યો. જરૂર પડ્યે તેને સારી રીતે વાપર્યો પણ બીજી પેઢી એને અનુરૂપ મનોવૃત્તિ ધરાવશે જ એમ માની લેવું વધારે પડતું છે.
મગનભાઇ અને સરલાબેન કંપાલાથી ખાલી હાથે આવ્યાં. બે પાંદડે થયાં. ધનોર્પાજન કરવાની જે પ્રબળ તમન્ના હોય, દૃઢ નિશ્ચય હોય એ બીજી પેઢીમાં ના હોય એ સહજ છે. તાજેતરનો એક અભ્યાસ સૂચવે છે કે બીજી પેઢીમાં પહેલી પેઢી કરતાં ધનદોલત, શિક્ષણ કે સિદ્ધિ માટેના મનોરથો ઓછા હોઇ શકે. અઢળક બાપીકી મિલકત કે વારસો સ્વાશ્રય કે પ્રચંડ મહત્વાકાંક્ષાને પ્રેરક નથી એમ એક અભ્યાસમાં જણાવાય છે. ૯૦થી ૯૨ ટકા કિસ્સાઓમાં ત્રીજી પેઢીનો જીવન વ્યવહાર જુદા પ્રકારનો હોય છે. ઉમાશંકરભાઇની ભાષામાં વાત કરીએ તો જો પોતાના સંતાનોમાં અને એમના સંતાનોમાં અમુક મૂલ્યો અને સંસ્કારો સિંચ્યા ના હોય તો ત્રીજી પેઢીએ લક્ષ્મી પલાયન થઇ જવાનું મુનાસીબ માને છે.

પરિવારની અને સમાજની કેટલીક ફરજો હોય છે. ઉમાશંકર જોષીએ કહ્યું છે કે, ‘સૌથી પહેલું ચલણ સિક્કા હતા. એ પછી નોટો, ચેક બુક આવી. (હવે ક્રેડિટ કાર્ડ અને ઓનલાઇન ટ્રાન્સફરનો યુગ આવ્યો છે). પરંતુ પહેલાંના ચલણી સિક્કા કેવા હતા?! ચપટા (પાતળા) અને ગોળ હતા. એનું કારણ તમને ખબર નહિ હોય પણ પરિણામ આપણે જોઇ શકીએ છીએ. અત્યારના બે પાઉન્ડના સિક્કાને એકબીજા પર થપ્પી મારીને મૂકવા જાવ તો કેટલા મૂકી શકાય? ૧૦-૧૫ પછી એ થપ્પી ઉભી રહી ના શકે, સિક્કા ગબડી જાય. એ ઘનદાર, ગોળ હોવાથી એ સહેલાઇથી ગબડીને વેરણછેરણ થઇ જાય. મતલબ એ કે ત્રીજી પેઢીના આપણા વારસદારો સ્વમાન સાથે વિવેકપૂર્ણ સુખ ભોગવે એ માટેની તાલીમ, વિચારશક્તિ, દિશાસૂચન આપવાની જવાબદારી આપણી છે. સંતાનને લખલૂટ ધન આપવામાં તેનું હિત કરતાં વધુ અહિત થઇ શકે છે. હાથે તે સાથે કહેવત અનુસાર આપણે માનવસેવાની સુયોગ્ય પ્રવૃત્તિમાં આપણે જાતે જ કંઇક ફાળવીએ તો તે વધુ આવકાર્ય છે.
૧૦૪૫ના ગાળાના સુપ્રસિદ્ધ કથાકાર કલોલના શંકર બારોટ ભજન ગાતા હતાઃ ‘મધમાખીએ મધ પીધું, ખાધું ના ખાવા દીધું, લૂંટારે લૂંટી લીધું, ઓ મૂઢ મતિના માનવી’. વહાલા વાચકો, આપણે કયાંથી કયાં નીકળી ગયા. ‘આ તો પાણી પહેલાંની પાળ બાંધવાની’ તાકીદ છે. કોઇએ બંધબેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી. અસ્તુ. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter