વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સામાન્ય વેપારીમાંથી મારા પત્રકારપ્રવેશ બાબત આપ સહુ સુવિદિત છો. થોડુંક ચિંતન કર્યું હતું. ત્રણેક દિવસ થિયોસોફિકલ લોજમાં રહીને મનોમંથન કર્યું હતું, અને એકાદ વીક થોમસન ફાઉન્ડેશનના પત્રકારત્વના કોર્ષમાં તાલીમ પણ લીધી હતી. આ બધું કરવા પાછળનું કારણ એ હતું કે માનસપટલ પર વાડીલાલ ડગલીનું નામ તરવરતું હતું. 1950 પૂર્વે તેઓ અમેરિકન ફાઉન્ડેશનના વિદ્યાર્થી તરીકે મુંબઇથી અમેરિકા ગયા. બે’ક વર્ષ તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, પરંતુ આ દેશપ્રેમીને અમેરિકામાં સ્થાયી થવાનો મોહ નહોતો. મનમાં અલગ જ, પણ ઉત્તમ ઉદ્દેશ આકાર લઇ રહ્યો હતો.
ભારતમાં એક નવા પ્રકારનું વિચારદોહન થાય, જનમાનસ વધુ જ્ઞાનસમૃદ્ધ બને એ માટે તેમણે મુંબઇથી ‘પરિચય પુસ્તિકા’ નામની એક પ્રકાશન પ્રવૃતિ શરૂ કરી. નામ પ્રમાણે જ પુસ્તિકા નાનકડી પણ, રાઇના દાણા જેવી હતી. ભારત જેવા વૈવિધ્યપૂર્ણ અને સંખ્યાબંધ વિરોધાભાસોથી ભરેલા આ દેશના પાયાના પ્રાણપ્રશ્નો - પછી પાણીની સમસ્યા હોય કે અન્ય પ્રકારના કુદરતી કે માનવસર્જિક પ્રશ્નો હોય તેની તેઓ સંક્ષિપ્તમાં, પણ પ્રેરણાત્મક રીતે ચર્ચા કરતા હતા. આ પરિચય પુસ્તિકામાંથી મને એક દૃષ્ટિકોણ પ્રાપ્ત થયો કે એક યા બીજી રીતે સમાજને કંઇક વૈચારીક, નક્કર સાદર કરવું જોઇએ.
1976માં અમે ‘ગુજરાત સમાચાર’ની જવાબદારી સંભાળી. અપેક્ષાઓ ઘણી હતી. અભિલાષા પણ હતી. તો સાથેસાથે જ મનમાં અવઢવ પણ હતી. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા...’ વિચાર અવારનવાર મનમાં ઝબકારા મારતો હતો. આ સમયગાળા દરમિયાન જાણવા મળ્યું કે લંડનથી લગભગ 200 માઇલના અંતરે આવેલી એક સંસ્થા - હલ યુનિવર્સિટીમાં લેકચરર ડો. ભીખુભાઇ પારેખ વક્તવ્ય આપવાના છે. જિજ્ઞાસા કહો કે કુદરતનો સંકેત, પણ હું ત્યાં જઇ પહોંચ્યો. અને તેમણે પોણો કલાકમાં સાંપ્રત જીવનની ઓળખ, આપણા સમાજની પરખ, આપણી જરૂરિયાતો, આપણી સંભવિત પહોંચ... આ બધા મુદ્દાઓ તેમણે એકદમ સરળ ભાષામાં - શિયાળામાં ગરમ ગરમ શીરો ગળે ઉતરી જાય તેમ સમજાવ્યું. પારેખ સાહેબ સાથે મારી આ પહેલી મુલાકાત. મેં તેમને લંડન પધારવા નિમંત્રણ આપ્યું. આવ્યા. વાતચીતનો દોર શરૂ થયો અને જોતજોતામાં કંઇ કેટલાય સજ્જનો - સન્નારીઓ, કર્મયોગ હાઉસમાં કે મારા નિવાસસ્થાનમાં નિયમિત રીતે મળતા થયા.
સદાબહાર મુલાકાતીઓની વાત કરું તો... સર્વશ્રી શાંતુભાઇ રૂપારેલ, આઇ.કે. પટેલ, પ્રાણલાલ શેઠ, નવનીત ધોળકિયા, મેઘનાદ દેસાઇ, કાંતિભાઇ બી. પટેલ, બી.કે. જોષી, જશવંત જોશી, કાંતિ નાગડા, ડાહ્યાભાઇ કવિ, રતિલાલ જોબનપુત્રા, ટી.પી. સુચક, ભાનુશંકર ઓધવજી વ્યાસ, જયમંગલભાઇ, ગુલામ નૂન, જરબાનુ ગિફર્ડ, મોહમ્મદ ખાન, ટી.એ. ભટ્ટ, હીરાભાઈ શાહ, ડો. જગદીશ દવે, પંકજ વોરા, રતીલાલ ચંદરિયા, પ્રવિણભાઈ અમીન... યાદી બહુ લાં...બી છે. વિધવિધ ક્ષેત્રના આ મહાનુભાવો ઉપરાંત લેસ્ટર, પ્રેસ્ટન, બર્મિંગહામ, કાર્ડિફ, લુટનના મિત્રો જોડાયા. બધા આવે, વાતો કરે અને વિચારોનું આદાનપ્રદાન કરે. આ મનોમંથન, વિચારવલોણું બહુ રચનાત્મક રહ્યું.
આનાથી ‘ગુજરાત સમાચાર’ને એક દૃષ્ટિકોણ મળ્યો, સેવા કરવાનો હાઇવે મળ્યો અને સમાજે પણ ખોબલે ને ખોબલે અમને સહકાર આપ્યો. મધર ટંગ ટિચીંગથી લઇને નેશનલાલિટીના, ઇમિગ્રેશનના અનેક પ્રશ્નો વિશે, સાંપ્રત બ્રિટિશ સમસ્યાઓ વિશે કર્મયોગ હાઉસમાં અન્ય સ્થળોએ આપણે અનેક સભાઓ યોજી. આપણા અખબારમાં ચર્ચાઓ ચાલી અને તેના પરિપાક રૂપ લંડનના આંગણે વિશ્વની પહેલી આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદ યોજાઇ. યજમાન હતું ‘ગુજરાત સમાચાર’. સમયના વહેવા સાથે એનસીજીઓ (નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ), સરદાર પટેલ મેમેમોરિયલ સોસાયટી સહિત અનેક સંસ્થાઓનો પ્રારંભ થયો. આ જ પ્રકારે અનેક આંદોલનો થયા, ફિજીમાં ભારતીયોની કફોડી હાલત વિશે કે હરેકૃષ્ણ મંદિર, અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ વિશે કે નાનામોટા અનેક પ્રશ્નોમાં સમાજ ખૂબ ઓપપ્રોત થયો અને પ્રસંગોપાત લંડનની ગલીમાં હજારો વ્યક્તિઓએ એકત્ર થઇને પોતાની માગણી રજૂ કરી અને સમસ્યાના ઉકેલમાં મહદઅંશે સફળતા મેળવી.
આમ આપના પ્રિય સમાચાર પત્રને સમાજના દરેક વર્ગનો પૂરેપૂરો સાથસહકાર મળ્યો. આ બધી 30 - 35 – 40 -45 વર્ષ પહેલાંની વાત છે. સમય બદલાય છે, સંજોગો બદલાય છે, પેઢી પણ બદલાય છે. સાથે સાથે જ એક કે બીજી રીતે જૂના પ્રશ્નો કે સમસ્યાના ઉકેલ નીકળે છે તો સામે નવા નવા સવાલો પણ આવે છે. જીવનમાં કશું જ કાયમી નથી. પરિવર્તન એક સહજ પ્રક્રિયા છે. આ સંદર્ભે છેલ્લા લાંબા સમયથી મનમાં એક વિચાર રમ્યા કરતો હતો કે ફરી એક વખત પાયા સુધી પહોંચવું છે, અને મેં પ્રોફેસર ડો. ભીખુભાઇને વિનંતી કરી કે તમે મારે ઘરે રોકાવા આવો અને આપણે સાથે બેસીને વાતો અને વિચારોનું આદાનપ્રદાન કરીએ. તેમણે આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું અને બે’ક દિવસ અમારા ઘરે રોકાણ કર્યું. આ દરમિયાન અમે અલગ અલગ સમયે આઠ-દસ કલાક આપણો સમાજ, આપણું સ્થાન, બ્રિટનમાં ગુજરાતીઓ - ભારતીયોનું અનુદાન અને સિદ્ધિ, સમસ્યા ભારતની ધરખમ વિકાસયાત્રા અંગે ઘણી વાતો કરી. ચર્ચા દરમિયાન ભીખુભાઇએ જે પણ મુદ્દા કહ્યા તે અંગે ત્રણ દિવસ ઊંડુ મનોમંથન કર્યા બાદ તે અંગે વિસ્તૃત રજૂઆત કરવા માગું છું.
એક તો, આપણા સમાજના વિવિધ અંગો જેમ કે, વૃદ્ધો-વડીલો, માતૃશક્તિ, યુવાશક્તિ, વિદ્યાર્થીઓ, બિઝનેસમાં વ્યસ્ત કે નાનામોટા નોકરી-ધંધામાં જોડાયેલા આપણા સમાજના સભ્યોના અત્યારે કયા પ્રશ્નો કહો કે પીડા છે તે વિશે કંઇક ચિંતન, કંઇક પ્રવૃત્તિ કે એક્શન સમયની માગ છે. બીજું, ભારત અને વિદેશવાસી ભારતીયો વચ્ચે અતૂટ નાતો છે. તેમના પરસ્પર હિત એકબીજાના સહયોગ ઉપર નિર્ભર છે. ત્રીજું, ગુજરાતી - અન્ય ભારતીય અને બ્રિટીશ સમાજ વચ્ચે તાલમેલ કેવો છે. તેના સારાનરસા પાસાંની પણ અમે ચર્ચા કરી.
સોશિયલ મીડિયાના કારણે ગેરસમજ કે વિખવાદને ઉશ્કેરવામાં આવે છે તેનો સામનો કઇ રીતે કરી શકાય તે પણ વાતો ઘણી થઇ.
ચોથું, આપણા સમાજનું નેતૃત્વ કોણ કરે છે? સંસ્થાઓ તો ઘણી બની. છેલ્લા 60 વર્ષમાં લગભગ સેંકડો સંસ્થાઓ બની. કેટલીક સુંદર કામો કરે છે, તેમને આપણે શાબાશી આપવી જ પડે. કેટલીક માત્ર કાગળ પર ચાલે છે તો વળી કેટલીક કાગળ પરના વાઘ જેવી છે. અને કેટલીક સંસ્થાઓના કહેવાતા નેતાઓ માન-ચાંદ મેળવે પણ પછી શું? નક્કર શું મળ્યું? તે અંગે પણ ભીખુભાઇએ અમુક વેધક પ્રશ્નો રજૂ કર્યા. પાંચમું, આપણા સમાજમાં, ખાસ કરીને આપણા મહાનુભાવો, હાઉસ ઓફ લોર્ડ્સમાં, સંસદમાં, મોટી રાષ્ટ્રીય સંસ્થાઓમાં કે જેમને સેલિબ્રિટી કહેવાય તે વિશે ઉભય પક્ષને શું અનુદાન અપાય છે, શું લાભ-ગેરલાભ છે આ મુદ્દે પણ ચર્ચા થઇ.
પારેખસાહેબે એક વાત તરફ ખાસ ધ્યાન દોર્યું કે આપણો ભારતીય સમાજ અનેક વખત નાના-મોટા મુદ્દે અવઢવમાં કે વિખવાદમાં અટવાતો જોવા મળે છે. આવા મતભેદોને કોરાણે મૂકીને સહુકોઇએ સર્વજન હિતાય સર્વજન સુખાયનું સૂત્ર અપનાવવું રહ્યું. સહુકોઇએ અન્યોન્યના સહયોગથી એવું સીમાચિહ્નરૂપ કામ કરવું રહ્યું કે આપણે બધા વ્યક્તિગત અને સામાજિક સિદ્ધિના શિખરે પહોંચી બિરાજીએ.
આ બધાની સાથે સાથે ભીખુભાઇએ એમ પણ કહ્યું કે આજની ભાગદોડભરી જિંદગીમાં હવે પહેલાંની જેમ ફિઝિકલ મિટીંગ યોજવાનું આસાન નથી. સાથે સાથે જ એ પણ એટલું જરૂરી છે કે મહત્ત્વના મુદ્દે ડિબેટ થવી જોઇએ, ચર્ચાઓ થવી જોઇએ, અને સંમેલનો પણ થવા જોઇએ. આજના મોર્ડન ટેક્નોલોજીના યુગમાં ઝૂમ પર આવા વર્ચ્યુઅલ પ્રોગામ કરવા જોઇએ. અલબત્ત, આવા આયોજનો સામે લાલ બત્તી ધરતા ભીખુભાઇ એમ પણ કહે છે કે આવા કાર્યક્રમો માત્ર હાય - હેલો પૂરતા સીમિત ન રહી જવા જોઇએ, તેમાં પ્રાણપ્રશ્નોની તલસ્પર્શી ચર્ચા થવી જોઇએ. વ્યક્તિ કરતાં તેના વિચારોનું વિશેષ મહત્ત્વ હોવું જોઇએ. આ વિચારોના આધારે જે નિષ્કર્ષ નીકળે તે કાગળ પર રહી જવાના બદલે આચરણમાં મૂકાવો જોઇએ, અને સમાજ તેમાં સામેલ થવો જોઇએ. આવું થશે જ આપણે યહૂદીઓની જેમ વધુ સંગઠિત રહી શકશું, આપણે સર્વગ્રાહી - સર્વસમાવેશી પ્રગતિ કરી શકશું. આપણે આ પ્રકારે આપણી યુવાપેઢીને વેપાર-ધંધામાં પ્રોત્સાહિત કરી શકીએ કે તેમને ઉપકારક અન્ય કાર્યક્રમો પણ યોજી શકીએ. ભીખુભાઇના મતે આજના જમાનામાં વૈચારિક મિલન-મુલાકાતનો વર્ચ્યુઅલ મેળાવડો યોજવાનું મુશ્કેલ નથી.
ભીખુભાઇનું ભારપૂર્વક માનવું છે કે આપણે ઘણી વખત કન્ફ્યુઝનમાં હોઇએ છીએ. હકીકત તો એ છે કે આપણે સહુએ આસ્તિક - નાસ્તિક કે પરંપરાવાદ... આ બધાથી ઉપર ઉઠીને આપણી ભારતીયતા - યુગજૂની ભારતીય સંસ્કૃતિનું જતન-સંવર્ધન-પોષણ કરવું સમયની આ માગ છે.
વાચક મિત્રો, આ તો મેં આપણા ભારતીય સમાજના વિદ્વાન - વિચક્ષણ ડો. ભીખુભાઇ સાથેની વાતચીતનો વિચારસાર રજૂ કર્યો છે. આ સંદર્ભે મારી આપ સહુને ખાસ વિનંતી છે કે જો આ વિશે આપના સલાહ, સૂચન, વિચાર હોય તો અમને અવશ્ય લખી જણાવો. ગુજરાત સમાચાર અને Asian Voiceની ફરજ છે કે સમાજની લાગણીને વિશાળ જનસમૂહ સુધી પહોંચાડવી. ગુજરાત સમાચાર - Asian Voice એ માત્ર સમાચાર પત્ર નથી, પણ સમાજના છડીદાર છે, ચોકીદાર છે. (ક્રમશ)


