આકૃતિ અને આકાર

સી. બી. પટેલ Wednesday 07th December 2016 04:44 EST
 
(ડાબેથી) ભાઈલાલભાઈ ડાહ્યાાભાઈ પટેલ ‘ભાઈકાકા’, ડો. મોહનભાઈ પટેલ ‘શેરીફ’, ધીરુભાઈ અને ઉષાબહેન સાંગાણી
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, માનવસંસ્કૃતિના વિકાસ સાથે અનેક પ્રકારની ચીજોનો ઉદ્ભવ થયો. વેલણ-આડણીથી માંડીને મસમોટા મશીનો, વિશાળકાય પેઇન્ટીંગ, ભવ્યાતિભવ્ય શિલ્પો, મહાલય જેવા મંદીરો હોય કે પછી આધુનિક ટેક્નોલોજી યુગમાં આપણા જીવનનું અનિવાર્ય અંગ બની ગયેલા કમ્પ્યુટર્સ હોય કે મોબાઇલ ફોન... દરેકના ઉત્પાદનમાં આકૃતિ, ડિઝાઇનને પ્રથમ પગલું ગણી શકાય.
આજકાલ દરેકના ઘરમાં ટુથપેસ્ટ જોવા મળે છે. દાતણ ઘસીને દાંત ચમકાવવાનો જમાનો ગયો. આપણે સહુ પેસ્ટ વાપરીએ છીએ અને એક યા બીજા સમયે એવી મુશ્કેલીનો પણ સામનો કર્યો જ હશે કે ટુથપેસ્ટ ખલાસ થઇ જવા આવી હોય, અને નવી પેસ્ટ લાવવાનું ભૂલાઇ ગયું હોય. ટુથપેસ્ટમાં એકાદ દિવસ નીકળી જાય તેટલો જથ્થો હોવાનું લાગે ખરું, પણ તેને બહાર કાઢવાનું કામ આસાન ન હોય. આથી ટુથપેસ્ટ પર ‘જોરજુલમ’ શરૂ થાય. લગભગ ખાલી થઇ ગયેલી ટુથપેસ્ટને રોલ કરીને પેસ્ટ કાઢવા પ્રયાસ થાય, તેમાં મેળ ન પડે તો સાણસી કે અન્ય પ્રકારે તેનું ‘ગળું’ દબાવવાનો પ્રયાસ થાય. આમાં પણ મેળ ન પડે તો પેસ્ટ પર ભારપૂર્વક વેલણ ફેરવો કે પચ્ચ કરતી પેસ્ટ નીકળી પડે.
આપણા ઘરમાં ટુથપેસ્ટની જેમ જ ટોમેટો કેચ-અપની બોટલ પણ સાવ સામાન્ય વાત બની ગઇ છેને?! બોટલની કેપ પહેલી વખત ખોલીને તેને નમાવો કે સીધો કેચઅપ જ બહાર ન નીકળી પડે. બોટલને તળિયેથી જરાક ઠપકારો કે તરત કેચઅપ નીકળી પડે. ટુથપેસ્ટ કે કેચઅપની બોટલનું ઉદાહરણ ટાંકવાનું કારણ એટલું જ કે ચીજવસ્તુ નાની હોય કે મોટી દરેકમાં ડિઝાઇન સર્વસામાન્ય છે.
પણ અમેરિકામાં એમઆઇટી નામે જગવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (MIT)માં આપણા એક ભારતીય જણ ડો. ક્રિપા વારાણસી અને તેમની ટીમના વૈજ્ઞાનિકો, ટેક્નિશ્યનો વર્ષોથી આ પ્રક્રિયાનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છે. આ સપ્તાહનો લેખ તૈયાર કરવામાં હોમવર્ક જરા વધારે કરવું પડ્યું. વિષય અઘરો અને વિજ્ઞાન આધારિત છે. રવિવાર સુધી હોમવર્ક થયું. સોમવારે શબ્દદેહ અપાઇ રહ્યો છે, અને મંગળવારે તેના ઘાટઘડામણને આખરી ઓપ અપાશે. આપણું મરણોપર્યંત સમગ્ર જીવન વિજ્ઞાન આધારિત છે તેમાં હવે શંકા કરવાની જરૂર નથી.
રાંધવામાં વિજ્ઞાન, ભોજનમાં વિજ્ઞાન... જીવનના દરેક તબક્કે વિજ્ઞાન જ વિજ્ઞાન છે. આમ છતાં ગ્રહો જોવા, જંતરમંતર કરવા, કોઇ બીમારી વેળા ભૂવા-ધુતારાઓના આશરે જવું કે પછી નડતર-સમસ્યાના નિવારણ માટે કાલસર્પદોષનું નિવારણ કરવા જેવા ‘ઉપાયો’ અજમાવવાને આપણું ભોળપણ ગણો કે અજ્ઞાન ગણો કે પછી તે મૂર્ખતા પણ હોય શકે, પરંતુ ભારતીય સનાતન સંસ્કૃતિમાં ખગોળશાસ્ત્રનું અનેરું પ્રદાન છે. અંતરીક્ષમાં ગ્રહોની ગતિ, તેની સ્થિતિ, દશા અને દિશા વિશે - ટેલિસ્કોપ પણ નહોતા કે કેલ્ક્યુલેટરેય નહોતા તે વેળા પણ કાશ્મીરમાં વસતા લલિતા દેવી જેવા ખગોળશાસ્ત્રી ચોક્કસ ગણતરીના આધારે ગ્રહોની સ્થાન, દિશા, અંતર વિશે માહિતી આપી શકતા હતા. ગ્રહોની દશા-દિશાની આ જાણકારી આપણા જ્ઞાનમાં અભિવૃદ્ધિ માટે હતી, ખગોળશાસ્ત્રના અભ્યાસ માટે હતી. આ લોકો ક્યો ગ્રહ (આપની કુંડળીમાં) ક્યાં છે તેવું દર્શાવીને, નબળા મનનાને ગભરાવીને છેતરપિંડી કરનારા નહોતા.
ખેર, ચાલો ડો. ક્રિપા વારાણસીની વાત માંડતાં પહેલાં MITની વાત પર પાછો ફરું. આપણું મન ભલે માંકડા જેવા કૂદકા-ભૂસાકા મારવા માટે જાણીતું હોય, પરંતુ તે કોઇ વાતે કે મુદ્દે ચીટકી જાય એટલે પછી જળોની જેમ વળગી જાય છે. આ જૂઓને મારા મનની જ વાત કરું. મનમાંથી ટુથપેસ્ટ દૂર થતી જ નથી. જોકે તેનું એક કારણ પણ છે. ક્યુ? વાંચો આગળ...
બીજી બધી વાતો માંડતા પહેલાં મારે ટુથપેસ્ટ સાથે દસકાઓ પુરાણો નાતો ધરાવતા એક દિગ્ગજની વાત કરવી છે. ઉત્તરસંડામાં મોહનભાઇ ઇશ્વરભાઇ પટેલ નામનો યુવાન રહે. ભારતે સ્વાતંત્ર્ય મેળવ્યું તે જ અરસામાં લંડન આવ્યો. તેજસ્વી, આશાસ્પદ અને અત્યંત મહત્ત્વાકાંક્ષી મોહનભાઇએ ઇમ્પિરિયલ કોલેજમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. સંભવતઃ ઇલેક્ટ્રીકલ સાયન્સમાં તેમણે આ ઊંડો અભ્યાસ કર્યો હતો. મલ્ટીનેશનલ કંપનીમાં કામે લાગ્યા, પણ પોતીકું સાહસ શરૂ કરવાનું સ્વપ્ન હતું. ભારત પરત જઈને મુંબઇ જઇ પહોંચ્યા. એલ્યુમિનિયમ એસ્ટ્રુઝન લીમિટેડ કંપનીની સ્થાપના કરી. આજે જે ટુથપેસ્ટની ટ્યુબ વપરાય છે તે સંભવ છે કે મોહનભાઇની કંપનીએ બનાવી હતી. કંપનીમાં એટલા મોટા પાયે ઉત્પાદન થતું હતું કે તેની વિદેશોમાં પણ જંગી નિકાસ થતી હતી. ડો. મોહનભાઇ આ વ્યવસાયમાંથી અઢળક નાણાં કમાયા. નામ પણ કમાયા. મોટા પાયે દાન પણ કર્યું. મુંબઇમાં શેરીફ પદ પર પણ બેઠા. મિત્રો - સ્વજનો તેમને ડો. એમ. આઇ. પટેલના ટૂંકા નામે ઓળખે છે.
મોહનભાઇની એક બીજી પણ પ્રેરણાદાયી ઓળખ છે. ચરોતર પંથકમાં ચાંગા નજીક ચારુસેટ યુનિવર્સિટી નામે અદ્યતન સાધનસુવિધાથી સજ્જ શિક્ષણ સંકુલ ધમધમે છે. વિવિધ વિદ્યાશાખાઓમાં હજારો વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને કંડારી રહ્યા છે. આ નમૂનેદાર શિક્ષણ સંસ્થાન એક બીજમાંથી વટવૃક્ષ બન્યું છે તેમાં મોહનભાઇનું તેમજ તેમના સ્વ. પત્ની ચંદાબહેનની સ્મૃતિનું મૂલ્યવાન યોગદાન છે. તેઓ અત્યાર સુધીમાં આ સંસ્થાને લગભગ રૂ. ૨૦ કરોડ રૂપિયાનું તોતિંગ દાન આપી ચૂક્યા છે. મોહનભાઇને તમે પૂછો કે આ બધો પ્રતાપ કોનો?! તો કહે પે’લી ટૂથપેસ્ટનો...
વાચક મિત્રો, ટૂથપેસ્ટ તો સાધન છે, સાધ્ય નથી. સાધ્ય તો છે એમ. આઇ. પટેલ જેવા ઉચ્ચ કક્ષાના મનુષ્યની જીજીવિષા. કંઇક નવું પામવાની, કંઇક નવું મેળવવાની અને જીવનમાં લક્ષ્ય હાંસલ કર્યા પછી સમાજનું ઋણ પરત કરવાની.
આપણે અમેરિકાની MIT અને ભારતના MIP (અરે ભ’ઇ ડો. એમ. આઇ. પટેલ...)ની - એક શિક્ષણ સંસ્થાની અને એક વ્યક્તિવિશેષની - વાત કરી જ રહ્યા છીએ ત્યારે આવા જ બે જાણીતા નામોની વાત ટાંકવી જરૂરી સમજું છું.
ભારતની આઝાદીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હતું ત્યારની વાત છે. સરદાર વલ્લભભાઇ પટેલે સિંધ પ્રાંતમાં સાકાર થઇ થઇ રહેલા સક્કરબરાજ ડેમ પર એન્જિનિયર તરીકે સેવા આપી રહેલા ભાઇલાલ ડાહ્યાભાઇ પટેલને પત્ર લખી મોકલ્યો હતો. તેનો સાર કંઇક આવો હતોઃ
‘જૂઓ ભાઇલાલ, થોડાક સમયમાં ભારત આઝાદ થઇ રહ્યું છે. આપણે રાજકીય ગુલામીમાંથી તો મુક્ત થઇ રહ્યા છીએ, પરંતુ આનાથી પણ એક ડગલું આગળ વધીને આર્થિક, શિક્ષણ સહિત અન્ય ક્ષેત્રે પણ સ્વાતંત્ર્ય હાંસલ કરીએ તે પણ એટલું જ આવશ્યક છે. તમે છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં સિંચાઇ વિભાગમાં ઘણું કામ કરી ચૂક્યા છો. હવે આપણને વિવિધ ક્ષેત્રે મોટી સંખ્યામાં જુદી જુદી વિદ્યાશાખાના ઇજનેરોની જરૂર પડશે તેની તૈયારી કરવાની જરૂર છે.’ તે અરસામાં મુંબઇ પ્રેસિડેન્સી અસ્તિત્વમાં હતી, જેમાં મુંબઇ, મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને સિંધ પ્રાંતનો પણ સમાવેશ થતો હતો. તે સમયે આ વિશાળ પ્રાંતમાં બે જ એન્જિનિયરીંગ કોલેજ હતી - એક પૂનામાં અને બીજી સિંધના કરાચીમાં. સરકારશ્રીએ કરેલા વિવિધ સૂચનોમાં ભારતીય પદ્ધતિ અનુસારના શિક્ષણના પ્રચાર-પ્રસારનો પણ સમાવેશ થતો હતો.
શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા ચરોતર પ્રદેશની ડી. એન. હાઇસ્કૂલ (આણંદ) - દાદાભાઇ નવરોજી હાઇસ્કૂલ બહુ જાણીતી હતી. આ સ્કૂલ સાથે પ્રો. ઇશ્વરભાઇ પટેલ, તેમના ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ વગેરે જોડાયેલા હતા. આઝાદી આંદોલન કાળના આ અરસામાં ગાંધીજીએ પણ સૂચવ્યું કે બ્રિટીશ શાળા-કોલેજોના સ્થાને આપણી જરૂરત અનુસાર શિક્ષણ પદ્ધતિ વિકસાવો. તેનો અમલ કરીને આપણી જરૂરત અનુસાર યુવા પેઢી તૈયાર કરો. સરદારચિંધ્યા ભાઈકાકા ત્યાં કામે વળગ્યા.
૧૯૪૩થી ૪૫ના અરસામાં સરદારના માર્ગદર્શનમાં વિદ્યાનગર કોલેજની આકૃતિ કંડારાઇ. સૌપ્રથમ ત્યાં વી. પી. પટેલ સાયન્સ એન્ડ આર્ટસ કોલેજનું નિર્માણ થયું. આઝાદીના એકાદ-બે વર્ષમાં બીવીએમ એન્જીનિયરીંગ કોલેજનો પ્રારંભ થયો.
હમણાં રવિવારે વેસ્ટ લંડનમાં નૂતન જલારામ મંદિરનો શિલાન્યાસ થયો. સમારંભના મુખ્ય યજમાન હતા શ્રીમાન ધીરુભાઇ દેવજી મૂળજી સાંગાણી અને તેમના જીવનસાથી ઉષાબેન. મુખ્ય યજમાન વતી તેમના બે પુત્રો - અતુલભાઈ તથા દેવનભાઈ અને પૂત્રવધૂઓ નિલાબહેન તથા જૂનીબહેને હાજરી આપી હતી.
વાચક મિત્રો આપ સહુને એ જાણવામાં રસ પડશે કે ધીરુભાઇ ચાલીસેક વર્ષથી માધવાણી જૂથ સાથે સંકળાયેલા છે અને જૂથમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. મારે ધીરુભાઇ સાથે વર્ષોજૂનો સંબંધ હોવાથી જાણું કે ધીરુભાઇ અને ઉષાબહેન - બન્નેનો જન્મ અને ઉછેર આફ્રિકામાં થયો છે, પરંતુ શિક્ષણ વલ્લભ વિદ્યાનગરમાં મેળવ્યું છે.
વલ્લભ વિદ્યાનગર કંઇ આજકાલનું શિક્ષણધામ નથી. દસકાઓથી શિક્ષણનો ઉજાસ ફેલાવતા આ શિક્ષણધામમાં ૪૦ ટકાથી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ચરોતર બહારથી આવતા હતા. આમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર કે દક્ષિણ ગુજરાત જ નહીં, છેક આફ્રિકાથી અહીં ભણવા આવનારા પણ હતા. વલ્લભ વિદ્યાનગરમાં લાંબો સમય વસવાટ કરીને શિક્ષણક્ષેત્રે કાર્ય કરનારા આપણા કટારલેખક હરિ દેસાઇ જાણતા હશે કે આ વિદ્યાનગરીમાં અત્યારે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ હજાર જેટલી હશે.
હું માનું છું કે આઝાદી બાદ પંડિત જવાહરલાલ નેહરુને કાં તો વિક્રમ સારાભાઈએ કે હોમી ભાભાએ વાતવાતમાં અંગૂલિનિર્દેશ કર્યો હતો કે ભારતમાં પણ MIT જેવી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટ સ્થાપવી પડશે. અને આ સૂચનમાંથી જ ભારતમાં પહેલાં મુંબઇમાં, પછી દિલ્હીમાં અને ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં IIT (આઇઆઇટી - ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી)ના યુગનો પ્રારંભ થયો. આજે ટેક્નોલોજી શિક્ષણ ક્ષેત્રે આ સંસ્થાન આગવી નામના ધરાવે છે - માત્ર ભારતમાં નહીં, વિશ્વભરમાં. અમેરિકા હોય કે બ્રિટન કે પછી પશ્ચિમી જગતના અન્ય વિકસિત દેશો... ત્યાં ટેક્નોલોજી કે મેનેજમેન્ટ ક્ષેત્રે ટોચના હોદ્દા પર કાર્યરત ભારતીયોમાંથી મોટા ભાગના આ આઇઆઇટીમાં ભણી ચૂકેલા છે.
વાચક મિત્રો, તમે કદાચ પૂછશો કે સી.બી., તમે તો ડિઝાઇન, આકૃતિથી વાતની માંડણી કરી હતી ત્યાંથી MIT લઇ ગયા ને હવે IIT પહોંચાડ્યા. તો ડો. ક્રિપા વારાણસી ક્યાં ગયા? ધીરજ રાખો, બાપલ્યા. કોઇ પણ ડિઝાઇનનું પહેલું પગથિયું હોય છે રેખાંકન. સાદા શબ્દોમાં કહું તો કાચું ચિતરામણ. સમજો કે આજે અહીં જે વાત કરી છે તે આગામી સપ્તાહે લેખરૂપે રજૂ થનારી ડિઝાઇનનું રેખાંકન છે. આ રેખાંકનની ડિઝાઇન, આકૃતિ (વિગતવાર લેખ) આવતા સપ્તાહે... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter