આધુનિક યુગની વિકટ સમસ્યા માનસિક તણાવ

Tuesday 02nd October 2018 15:12 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, રવિવારે ધર્મજ સોસાયટીનો સુવર્ણ જયંતી મહોત્સવ દબદબાભેર ઉજવાઇ ગયો. આગામી અંકોમાં કે સંભવતઃ દીપોત્સવી અંકમાં આપ સહુ તેનો સવિસ્તર અહેવાલ માણશો અને રાજી થશો તેવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતથી સંસ્કૃતના વિદ્વાન, અનુભવી તથા માનવંતા પૂર્વ આઇએએસ અધિકારી તેમજ પ્રખર વક્તા શ્રી ભાગ્યેશ જ્હા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ બ્રિટન, અમેરિકા સહિતના વિવિધ દેશોમાં વ્યાખ્યાન શ્રેણી સંબોધી ચૂક્યા છે. તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે, જૈન સમુદાયમાં પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન કે ભાષા-સંસ્કાર વિશે ખૂબ સચોટ અને સત્વશીલ વિચારની સુંદર રજૂઆત કરવા માટે સુપ્રસિદ્ધ છે. તેઓ મંગળવારે જ અમેરિકા જવા નીકળી ગયા છે. મહોત્સવને સંબોધતા તેમણે અમેરિકા તેમજ વિશ્વના અન્ય વિકસિત દેશોને - તેમજ અમુક અંશે ભારતને પણ - સ્પર્શતા એક પ્રાણ પ્રશ્નનો સવિશેષ ઉલ્લેખ કર્યો. પ્રવચનના પ્રારંભે તેમણે હળવી શૈલીનું, પણ ચોટદાર ઉદાહરણ ટાંકીને લોકોની મનોસ્થિતિનો સચોટ ચિતાર રજૂ કર્યો હતો.
જ્હા સાહેબને તેમના એક પરિચિત કુટુંબના વડીલ મળી ગયા. ખબરઅંતર પૂછ્યછ્યછયા તો તેમણે બહુ વેદના સાથે કહ્યું કે, ‘પરિવારમાં બહુ ટેન્શન છે, બાબાનું બારમું છે...’ જ્હા સાહેબ આ પ્રસંગ ટાંકતા કહે છે કે આ સાંભળીને હું તો આંચકો ખાઇ ગયો અને તરત જ પુછ્યુછયું ‘બાબાનું બારમું?! શું થઇ ગયું?’ પેલા વડીલે એટલી જ ગંભીરતાથી હકારમાં ડોકું હલાવતા જવાબ આપ્યો કે હા, બાબો બારમા ધોરણમાં ભણે
છેને એટલે આખા પરિવાર તેના પરિણામ અંગે બહુ ચિંતિત છે.
લ્યો કરો વાત, ખરેખર તો બાબલાના બારમા ધોરણના ભણતરના ભારની વાત હતી, પણ વડીલે વાતનું વતેસર કરી નાંખ્યું હતું. આજે તો ભારત હોય કે ઈંગ્લેન્ડ બધે સંતાનોની સાથોસાથ મા-બાપ કે પરિવારજનોના મન પર પણ કેટલું ભારણ હોય છે? વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દીમાં આગળ ઉચ્ચ અભ્યાસ માટે બારમું ધોરણ વધુ મહત્ત્વ ધરાવે છે. પરિણામે દીકરા કે દીકરીની પરીક્ષાની ચિંતા એવી મનોસ્થિતિ સર્જે છે કે આ તણાવ ક્યારેક વ્યક્તિને વિષાદ કે ડિપ્રેશન સુધી દોરી જાય છે. જ્હા સાહેબે અમેરિકાનો દાખલો ટાંકતા કહ્યું કે પ્રવર્તમાન સંજોગોમાં પ્રજાની તંદુરસ્તી બાબત સૌથી મોટો ખતરો ડિપ્રેશનનો વર્તાઇ રહ્યો છે. વિષાદ કહો કે ડિપ્રેશન, આ સમસ્યાનું એક કારણ એકલતા પણ ગણી શકાય. નાના-મોટા સહુ કોઇ એક યા બીજા સમયે આ માનસિક અવસ્થામાંથી પસાર થતા જ હોય છે તે નિર્વિવાદ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અર્જુનના વિષાદ યોગનો અધ્યાય બહુ જાણીતો છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ-પાંડવની સેના આમનેસામને ઉભી છે. એક તરફ રણમેદાનમાં યુદ્ધારંભનો શંખ વાગવાની ઘડીઓ ગણાઇ રહી હતી તો બીજી તરફ અર્જુનના માનસપટ પર તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને અવઢવ એ વાતે હતી કે રણભૂમિમાં પોતાના જ ભાઇભાંડુ સામે શસ્ત્રો ઉઠાવવાના છે? આ સમયે તેના સારથિ બનેલા જગતનિયંતા ભગવાન શ્રીકૃષ્ણ તેને આ યુદ્ધ લડવાના કારણોનું મહત્ત્વ સમજાવે છે અને અર્જુનને ગાંડિવ (ધનુષ-બાણ) ઉઠાવવા હાકલ કરે છે.
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં આપેલા ઉપદેશને એક સાદા અને સરળ શબ્દોમાં રજૂ કરવો હોય તો કહી શકાયઃ વધુ પડતું વિચારો નહીં. આમ કરીને તમે એ સમસ્યાને ઉભી કરી રહ્યા છો, જેનું અસ્તિત્વ જ નથી.
વાચક મિત્રો, આજકાલ યેલ, હાર્વર્ડ સહિતની દુનિયાની ટોચની બિઝનેસ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના માધ્યમથી મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવે છે. આ બાબત દર્શાવે છે કે પૌરાણિક ગ્રંથો તેની રચનાના હજારો વર્ષ પછી પણ આપણા જીવનમાં આગવું મહત્ત્વ ધરાવે છે. આર્થર સી. ક્લાર્ક નામના નોબલ પુરસ્કાર વિજેતા લેખકે તો પોતાની જાતને કઇ રીતે નિયંત્રિત કરવી તે વિષય પર મહાનિબંધ લખીને દુનિયાભરમાં નામના મેળવી છે. વિશ્વના ટોચના કોર્પોરેટ હાઉસ તેના કર્મચારીઓને ટ્રેનિંગ આપવા માટે ક્લાર્કની થિયરીનો ઉપયોગ કરે છે. ક્લાર્કની થિયરીનો સાર શું છે? બહુ સંક્ષિપ્તમાં સમજાવુંઃ કોઇ વ્યક્તિને નિર્ધારિત લક્ષ્ય આપવામાં આવે છે ત્યારે તત્ક્ષણ બે પ્રતિક્રિયા હોય છેઃ એક તો આવું થઇ શકે જ નહીં. અને બીજું, આવું કદાચ થઇ જાય તો પણ આમ કરવાથી કોઇ લાભ નથી.
જો આ જ લોકો મુશ્કેલીઓ અને અવરોધો છતાં સતત પ્રયાસ ચાલુ રાખે છે અને નિર્ધારિત લક્ષ્ય હાંસલ કરવામાં સફળતા મેળવે છે ત્યારે તેઓ કહેતા હોય છે ‘હું જાણતો જ હતો કે આ એક ખરેખર સારો વિચાર હતો!’
આર્થક ક્લાર્ક આ વાતને વધુ વિસ્તારપૂર્વક સમજાવતા કહે છે કે નિષ્ફળતાનો ભય અને નિરર્થક્તાની ખોટી પૂર્વધારણા વ્યક્તિને નિષ્ફળતાના પંથે દોરી જાય છે. નિષ્ફળતા ખરાબ નથી, પ્રયાસ જ ન કરવો તે ખરાબ બાબત છે. ક્લાર્ક તેમના મહાનિબંધનો અર્ક આપતા કહે છેઃ લક્ષ્ય હાંસલ કરવાનું સ્વપ્ન જૂઓ, પ્રયાસનું સાહસ કરો અને આખરે તમે વિજેતા બનીને ઉભરશો.
વાચક મિત્રો, ખરેખર આર્થર ક્લાર્કે કેવી ચોટદાર રજૂઆત કરી છે. કેટલાક લોકોને નિર્ધારિત લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નનો પ્રારંભ કરતાં પૂર્વે જ નિષ્ફળતા દેખાવા લાગે છે કે અને તેઓ પ્રયાસનો, મહેનતનો આરંભ જ કરતા નથી. જો તમે પ્રયાસ જ નહીં કરો તો લક્ષ્ય હાંસલ કરવાનો નિર્ધાર મનમાં જ રહી જશે. લોકો કરવા જેવું કામ ન કરે, અને વિચારવા જેવું વિચારે નહીં ત્યારે આવી સ્થિતિ સર્જાતી હોય છે. અર્જુનનો વિષાદ યોગ માટે પણ કંઇક આવી જ મનોદશા જવાબદાર હતીને?

એકલતાઃ સમસ્યા એક, કારણ અનેક

કોઇ વ્યક્તિ એકલતા અનુભવતી હોય તો તે માટે એક નહીં, અનેક કારણો જવાબદાર હોય શકે છે. કેટલાક લોકો ભર્યોભાદર્યો પરિવાર હોવા છતાં, સંયુક્ત કુટુંબ હોવા છતાં બધાની વચ્ચે પણ એકલતા અનુભવતા હોય છે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ હોય છે જે એકલા રહેતા હોવા છતાં તેને અને એકલતાને બાર ગાઉનું છેટું હોય છે. કારણ? આવા લોકો ખોટા વિચારવાયુમાં ઘેરાતા નથી કે અટવાતા નથી.
આ લોકો તો બસ મસ્ત થઇને પોતાની દુનિયામાં જીવતા હોય છે. સામાન્યતઃ એકલી રહેતી વ્યક્તિ તન-મનથી માંદલી જોવા મળે છે, પણ આવા મોજીલા લોકો તન-મનથી એકદમ સ્વસ્થ હોય છે. પોતે ભલા અને પોતાની દુનિયા ભલી - એ જ તેમનો જીવનમંત્ર હોય છે. ઘણી વખત સમાજ આવા લોકોને અહંકારી કે તરંગી માની લેતી હોય છે, પરંતુ ખરેખર આવું હોતું નથી.
વાત સ્વજનોની વચ્ચે રહેવા છતાં એકલતા અનુભવતા લોકોની થઇ, વાત એકલા રહીને પણ એકલતા ન અનુભવતા લોકોની પણ થઇ તો એક વર્ગ એવો પણ હોય છે જે પોતાની અંતરંગ દુનિયામાં - આસપાસની દુનિયામાં માણસો હોય કે ન હોય - જીવી જાણે છે. આવા લોક બહુ જૂજ હોય છે, અને તેમની વિશેષતા એ હોય છે કે તેઓ ટોળામાં, ગમેતેવા હો-હલ્લામાં પણ એકાગ્રતા સાધવામાં નિપુણ હોય છે. સ્થિતપ્રજ્ઞ કહો કે જલકમલવત્... તેઓ જરૂર પડ્યે દુન્યવી ધાંધલધમાલથી અલિપ્ત થઇ શકતા હોય છે, અને જરૂર પડ્યે લોકોની ચિક્કાર હાજરી વચ્ચે પણ જીવી જાણતા હોય છે. આવું જ એક વ્યક્તિત્વ એટલે જાણીતા રંગકર્મી પ્રબોધ જોશી. ગુજરાતી નાટ્યજગતમાં મોખરાનું સ્થાન ધરાવતા પ્રબોધ જોશી આવા જ હતા - સહુની વચ્ચે રહીને પણ ‘એકલા’ રહી જાણનારા. જરા વિગતે વર્ષોજૂની વાત કરું તો...
વાચક મિત્રો, લંડન સ્થિત આપણા ભારતીય વિદ્યાભવનમાં ડ્રામા ડિપાર્ટમેન્ટ ધમધમતો હતો ત્યારની વાત છે. તેના ચેરમેન પદે હતા નટુભાઇ સી. પટેલ. સંસ્થાના નાટ્યકર્મીઓને અનુભવી કલાકારનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી નટુભાઇએ નાટ્યશાસ્ત્રના વિશારદ એવા પંકાયેલા લેખક પ્રબોધ જોશીને મુંબઇથી અહીં તેડાવ્યા હતા. લંડન રોકાણ દરમિયાન એક વખત તેઓ આપણા ચિઝિક કાર્યાલયે આવ્યા હતા. પ્રબોધભાઇની નિશ્રામાં બીજા કેટલાક નાટ્યરસિકો સાથે બેઠક જામી હતી. અલકમલકની વાતો ચાલી રહી હતી. આ દરમિયાન મેં તેમને પૂછ્યછયું કે પ્રબોધભાઇ, બીજું બધું તો ઠીક પરંતુ મુંબઇની આ ધાંધલધમાલભરી, દેકારાવાળી જિંદગીમાં લખવા માટે જરૂરી શાંતિ, એકાગ્રતા મેળવો છો કઇ રીતે?! શાંતિ, એકાગ્રતા વગર તે સર્જન કેમનું શક્ય બને?
પ્રબોધભાઇએ પ્રત્યુતરમાં બહુ સરસ વાત કરીઃ તમારી વાત તો સાચી કે શાંતિ, એકાગ્રતા વગર સર્જન શક્ય નથી, પરંતુ હું બધાની વચ્ચે રહીને પણ ‘એકલો’ પડી જાણું છું. કોફી હાઉસ મારું મનગમતું સ્થળ. કંઇ પણ લખવાનું થાય ત્યારે શક્ય હોય તો ત્યાં પહોંચી જઉં. એક વખત ત્યાં જઇને બેસું અને ટેબલ પર કાગળ મૂકીને હાથમાં પેન પકડું એટલે સરસરાટ ચાલવા જ લાગે - પેન અને મગજ બન્ને. જે કંઇ લખવું હોય તે કાગળ પર ઉતરતું જાય... નાટક લખવું હોય તો તે પણ લખાય જાય. ઘોંઘાટ મને ક્યારેય ડિસ્ટ્રેક્ટ (ધ્યાનભંગ) કરતો જ નથી. લોકોની વચ્ચે રહીને પણ હું મારી દુનિયામાં જીવી જાણું છું.
મિત્રો, પ્રબોધભાઇ જેવા વીરલા પણ હોય છે જેઓ ઘોંઘાટમાં પણ એકાગ્રતા, એકચિત જાળવી શકે છે. અને કેટલાક વળી એવા પણ હોય છે જેઓ પરિવાર વચ્ચે પણ એકલતા મહેસૂસ કરતા હોય છે.
આ બધી વાતો કરવાનું કારણ એટલું જ છે કે એકલતા, વિષાદ, એકાગ્રતા, ડિપ્રેશન વગેરે અલગ અલગ પ્રકારની પણ આખરે તો તે મન દ્વારા સર્જાયેલી સ્થિતિ છે. આથી જ તમે મનને જેટલું અંકુશમાં રાખશો એટલું તે તમને ઓછું ‘હેરાન’ કરશે. મનને મર્કટ જેવું અમસ્તું થોડું ગણવામાં આવે છે?! થોડોક હકારાત્મક અભિગમ તમને ઘણી માનસિક પરેશાનીથી બચાવી શકે છે.
અલબત્ત, ડિપ્રેશન માટે ક્યારેક શારીરિક આધિ-વ્યાધિ-ઉપાધિ તો ક્યારેક જીવનશૈલી કે ખાણીપીણી કારણભૂત હોય છે તેની ના નહીં, પરંતુ છેવટે તો ડિપ્રેશનનું મૂળ જે તે વ્યક્તિની મનોસ્થિતિ સુધી પહોંચવાનું જ. સતત અણગમતી, અનિચ્છનીય સ્થિતિનો માહોલ છવાયેલો રહે છે ત્યારે વ્યક્તિ અકળામણ અનુભવે છે, મન પર વિષાદ છવાય છે. આવી સ્થિતિ સતત અને લાંબો સમય ચાલુ રહે છે ત્યારે છેવટે વ્યક્તિ હતાશામાં સરી પડે છે અને આખરે ડિપ્રેશનનો ભોગ બને છે.
વાચક મિત્રો, હું કંઇ તબીબી નિષ્ણાત નથી કે મનોવૈજ્ઞાનિક નથી કે એ જણાવી શકું કે કોઇ વ્યક્તિ ચિંતા, વ્યગ્રતા, વિષાદ કે હતાશાનો ભોગ બને છે ત્યારે તેના મગજમાં કેવા કેમિકલ લોચા સર્જાતા હોય છે. હું તો અહીં મારા મંતવ્યો કે વિચારો રજૂ કરું છું. મારી કલમે જે કંઇ રજૂ થાય છે એ તો મારી આંખોએ જોયેલી દુનિયા છે. હું જે કંઇ સમજ્યો છું અથવા તો જે જોઇ શક્યો છું તેના આધારે આ બધી રજૂઆતો હોય છે. કોઇ સમસ્યાનો ચોક્કસ ઉપાય તો હું ન સૂચવી શકું (કેમ કે દરેક મનોસમસ્યાનું કારણ જે તે વ્યક્તિના સમય-સંજોગો-સ્થિતિ પર નિર્ભર હોય છે), પરંતુ અનુભવે એટલું આંગળી ચીંધામણ અવશ્ય કરી શકું કે કેવી આગોતરી કાળજી રાખીએ તો મુશ્કેલી ટાળી શકાય. અમુક મનઃસ્થિતિ એવી હોય છે કે જે ક્રમે ક્રમે આકાર લે છે અને પછી અચાનક જ એક સમય એવો આવે છે કે તે સ્થિતિ અસહ્ય બની જાય છે.

સોશ્યલ મીડિયા

અગાઉના જમાનામાં તણાવપૂર્ણ મનોસ્થિતિ માટે રોટી, કપડાં ઔર મકાન ઉપરાંત પરિવાર, તેનો નિભાવ, આર્થિક જરૂરત સહિતના ગણ્યાગાંઠ્યા કારણો જવાબદાર ગણાતા હતા. આ પછી સમયના વહેવા સાથે તેમાં નવા પરિમાણો ઉમેરાયાઃ અન્યોની દેખાદેખી, અસંતોષ, ગળાકાપ સ્પર્ધા, ઝડપથી ધનાઢય થઇ જવાની લાલસા, દોડધામભરી જિંદગી, એશોઆરામભરી જિંદગીની એષણા વગેરે. અને હવે તેમાં ઉમેરાયું આજના યુગનું પાસુંઃ સોશ્યલ મીડિયા.
અમેરિકા હોય કે ઇંડિયા, બ્રિટન હોય કે બર્મા... બધે સોશ્યલ મીડિયાએ દાટ વાળ્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. સોશ્યલ મીડિયાનું પૂંછડું પકડીને લોકોએ જાતે જ પગ પર કુહાડો માર્યો છે તેમ કહી શકાય. સોશ્યલ મીડિયાએ ખરેખર તો સોશ્યલ લાઇફનો અંત આણ્યો છે. મોબાઇલ ફોનના ઉપયોગ સંદર્ભે ઘણા બધા સંશોધન અભ્યાસ થયા છે અને બહુમતી તારણો દર્શાવે છે કે ૧૬થી ૨૪ વર્ષની વ્યક્તિ કલાકોના કલાકો મોબાઇલ પાછળ વેડફી નાખે છે. ટીનેજર્સથી માંડીને યંગસ્ટર્સ કલાકો સુધી અજાણ્યા સાથે ચેટિંગ, નેટસર્ફિંગ કરશે, પરંતુ બાજુમાં જ બેઠેલાં વડીલ કે ઘરમાં જ રહેલાં પરિવારજન સાથે વાતો કરવાનું પસંદ કરતા નથી. આજની યુવા પેઢી ગમેતેટલી ટેક્નોસેવી (ટેક્નોલોજીનો ઉપયોગ કરી જાણનારી) હોય, પરંતુ જો તે પરિવારજનો સાથે, સ્વજનો સાથે વાતચીત ન કરતી હોય, વિચારોનું આદાનપ્રદાન ન કરતી હોય કે કોઇક પ્રકારે સંવેદનાનું આદાનપ્રદાન ન કરી શકતી હોય તો તે સ્થિતિ કરુણાજનક જ ગણવી રહી.
બ્રિટનના આરોગ્ય ક્ષેત્રની લાઇફલાઇન ગણાતી NHSના એક અભ્યાસના તારણ અનુસાર ટીનેજર્સના ૨૫ ટકા વર્ગ માટે સોશ્યલ મીડિયાનો વ્યવહાર પીડાજનક બની રહ્યો છે. વ્યક્તિના આયુષ્યનો આ તબક્કો એવો હોય છે જેમાં એક યા બીજા ક્ષેત્રે કૌશલ્ય, પ્રાવીણ્ય, કુશળતા હાંસલ કરતી હોય છે. આ વયની વ્યક્તિ સમાજ સાથે તાલમેલ મિલાવવા પ્રયાસ કરતી હોય છે, પરંતુ સોશ્યલ મીડિયામાં વધેલી વ્યસ્તતાના કારણે ટીનેજર્સનું વ્યક્તિ એક કોચલામાં કેદ થઇ ગયું છે. તેઓ સમાજમાં રહેવા છતાં જાણે આ દુનિયાથી અલિપ્ત થઇ ગયા હોય તેવું લાગે છે.
વાચક મિત્રો, તાજેતરમાં આપ સહુએ ‘ગુજરાત સમાચાર’ સહિતના અખબારી અહેવાલોમાં વાંચ્યું હશે કે બે કલાકથી વધુ ટીવી જોવાથી વ્યક્તિના તન-મનના સ્વાસ્થ્ય પર કેવી વિપરિત અસર પડે છે. લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવામાં ટીવીએ પણ દાટ વાળ્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. માત્ર ભારતીય ટીવી શોમાં સીરીયલ જ નહીં, બ્રિટિશ ટીવી શોમાં પણ ફેમિલી સોપ ઓપેરાના નામે પારિવારિક કલહ, કંકાસ, વિશ્વાસઘાત, વેરઝેર, બદલાની ભાવના, ઇર્ષ્યા, ષડયંત્રની બોલબાલા જોવા મળે છે. સપ્તાહના ૧૨-૧૫ કાર્યક્રમો આવતા હોય, કહેવાતા ફેમિલી શોનું નામ રૂપકડું હોય, પણ તેમાં આવા બધા દૂષણો ઠાંસી ઠાંસીને ભર્યા હોય. આવા ટીવી કાર્યક્રમો દર્શકના મનમાં જાણ્યે-અજાણ્યે આ બધા દૂષણોના બીજ રોપતી હોય છે. સમય વીત્યે દર્શકનું મગજ પણ બગડે છે, અને આવી જ નકારાત્મક રીતે વિચારવા લાગે છે.
વાચક મિત્રો, આપને એ પંક્તિ તો યાદ હશે જ કે નીચી મતિ, નીચી ગતિ, નીચા વિચારો જ્યાં હશે.. ટીવી પરદે તમે જ્યારે હલ્કી મનોવૃત્તિને ઉત્તેજન આપતા કાર્યક્રમો નિહાળો છો ત્યારે તમારો અંતરાત્મા એક રીતે ગૂંગળામણ અનુભવતો હોય છે. મનમાં અજાણતાં જ વહેમ, આશંકા, અસહિષ્ણુતા જેવા દૂષણો પ્રવેશે છે. પરંતુ તન-મનને નુકસાનકર્તા એકલતા, વિષાદ, ડિપ્રેશન, સોશ્યલ મીડિયા, ટીવી વગેરેના દૂષણથી બચવું કઇ રીતે? વાંચો આગળ...

તન-મનને રાખો ટકોરાબંધ

તાજેતરમાં એક સેવાભાવી સંસ્થાએ તન-મનને ટકોરાબંધ સ્વસ્થ રાખવા માટે સહુ કોઇએ અમલમાં મૂકવા જેવા સુચનો જાહેર કર્યા છે. આ સુચનો મારો દૃષ્ટિકોણ ઉમેરીને - અત્રે રજૂ કરી રહ્યો છું. ભૂલચૂક લેવીદેવી...
• નિરંતર નવી નવી પ્રવૃત્તિ કરો. કંઇક નવું શીખવા હંમેશા પ્રયત્નશીલ રહો.
• જીવનમાં એક હોબી કે શોખ અવશ્ય હોવા જ જોઇએ.
• સ્વજનો-પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહો. મતલબ કે સંવાદ કરો.
• વાતચીતનું આદાનપ્રદાન હંમેશા સંબંધોને સુદૃઢ બનાવે છે તે ન ભૂલો.
• મિત્રો સાથે ટોળટપ્પા કરો, પણ વાણી-વર્તનમાં વિવેકભાન જાળવો.
• આહાર-વિહાર અને વિચારને સીધો સંબંધ હોય છે તે હંમેશા યાદ રાખો. જેવું અન્ન તેવું મન.
• જીવનમાં હંમેશા આશાવાદ જાળવો.
• નકારાત્મક્તા ટાળો, સકારાત્મક્તા અપનાવો.
• સ્વજન હોય કે મિત્ર - હંમેશા અરસપરસ પ્રેમ જાળવો. એકમેકને આદર આપો.
• પુસ્તકોને મિત્ર બનાવો, ક્યારેય એકલતા નહીં જ સાલે.
• જીવનનું એક લક્ષ્ય નિર્ધારિત કરો. તેને હાંસલ કરવા પ્રયત્ન કરો. લક્ષ્ય હાંસલ થયે, નવો ગોલ નક્કી કરો. તેને હાંસલ કરવા પ્રયાસ કરો.
વાચક મિત્રો, આટલી સામાન્ય વાતની કાળજી લેશો તો માનસિક તણાવ, વિષાદ, ડિપ્રેશન જેવી અનિચ્છનીય માનસિક અવસ્થા જોજનો દૂર રહેશે. સમાન વિચારસરણી ધરાવતા નવા મિત્રો બનાવો, સંબંધો કેળવો. આ સંબંધોને પ્રેમ અને વિશ્વસનીયતાથી સિંચો. આજનો જમાનો નેટવર્કિંગનો જમાનો છે એ ન ભૂલો. સંબંધ - સંપર્ક મજબૂત હશે તો સમય આવ્યે સુખદુઃખ વહેંચી શકશો અને ઘણી બધી ચિંતા ઊગતા પહેલાં જ દૂર થઇ જશે. સંપર્ક અને સમન્વય આપને ઉષ્માસભર લાગણીનો અનુભવ કરાવશે, અને છેવટે તે આપને માનસિક તણાવથી ઉગારશે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter