ઈશ્વર દરેક સ્થળે પહોંચી શકતો નથી, આથી તેણે માતાનું સર્જન કર્યું છે...

સી. બી. પટેલ Wednesday 14th November 2018 06:07 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો,નવા વર્ષમાં પહેલી વખત મળી રહ્યા છીએ એટલે રામ રામ કર્યા વગર તો કેમનું ચાલે? આપ સહુને વંદન અને અંતઃકરણપૂર્વક નૂતન વર્ષાભિનંદન... પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને આપ સહુના આશીર્વાદથી મને પણ રજાના આ દિવસોમાં થોડોક પોરો ખાવાનો અવસર સાંપડ્યો. કેટલોક સમય સગાંસ્વજનો સાથે વીતાવ્યો અને થોડોક સમય દિપોત્સવી પર્વે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં પણ મ્હાલ્યો.
બ્રિટિશ ભારતીય સમાજ દ્વારા આયોજીત જે કોઇ કાર્યક્રમમાં મને આમંત્રણ મળે છે તેમાં ઉપસ્થિત રહેવાનો મારો પ્રયાસ હોય છે. પૂછો કેમ? આપણો સમાજ - પછી તે કોઇ પણ ભાષા, વર્ગ, જ્ઞાતિ-જાતિ કે સમુદાયનો હોય - અનેકવિધ સામાજિક-ધાર્મિક ઉત્સવો ઉજવે છે. અને તે દરેકમાં આપણી મૂલ્યવાન પરંપરા, પ્રણાલી, સંસ્કારવારસો ધબકતા જોવા મળે છે. આ પ્રસંગોએ આપણા (સમસ્ત ભારતીય) સમાજની પ્રગતિને નિહાળીને દિલ બાગબાગ થઇ જાય છે, મન પુલકિત થઇ જાય છે. આપણા ભાઇભાંડુઓએ દેશદુનિયામાં કાઠું કાઢ્યું છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
ભારતીય સમુદાયે અથાગ પરિશ્રમ, સૂઝબૂઝ અને સ્વબળ થકી સિદ્ધિના જે શીખરો હાંસલ કર્યા છે તે જોતાં કહી શકાય કે જીવનની કરવટ બદલવા માટે કરવત ચલાવવાની જરૂર નથી. આપણા સદીઓ પુરાણા શાસ્ત્રો પણ આ જ સંદેશ આપે છેને - પ્રેમ, સદભાવ, સકારાત્મક્તા, માણસાઇ... આ બધા ગુણોનું જતન-સંવર્ધન કરવાની શીખ આપવા ઉપરાંત શાસ્ત્રો આપણને જીવનશૈલીમાં ધાર્મિક પરંપરાને પ્રાધાન્ય આપવાનો બોધ આપે છે. મેં દિવાળી નીમિત્તે યોજાયેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપી. સમય અને સ્થળ જુદા જુદા હતા, પરંતુ એક બાબત સમાન હતી - મૂલ્યો આધારિત આચાર-વિચાર-વાણી-વર્તન. અબાલવૃદ્ધ, (પૈસેટકે) સબળા-નબળા સહુ કોઇમાં આપણા સંસ્કારવારસાના જતન માટેનો લગાવ ઝળકતો હતો. જોકે આ તમામ કાર્યક્રમોમાંથી બે કાર્યક્રમો એક યા બીજા કારણસર માનસપટ પર અમીટ છાપ છોડી ગયા છે.
રવિવારે, ચોથી નવેમ્બરે સાંજે બ્રહ્મા કુમારીસના લંડન સ્થિત વડા મથકે આગવો દીપોત્સવી મહોત્સવ યોજાયો હતો. ધ્યાન-ચિંતન-અધ્યાત્મનો ત્રિવેણી સંગમ રચીને આગવી ઓળખ ઉભી કરનાર બ્રહ્મા કુમારીસ સંસ્થા દેશવિદેશમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ ફરકાવી રહી છે. રાજસ્થાનના સુપ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મુખ્ય મથક ધરાવતી આ આધ્યાત્મિક સંસ્થાની સાઉથ આફ્રિકાથી માંડીને સાન ફ્રાન્સિસ્કો સુધી હાજરી ઊડીને આંખે વળગે છે. ચાંદનીને પણ ઝાંખા પાડે તેવા શ્વેત વસ્ત્રો પરિધાન કરનાર બ્રહ્મા કુમારી અને બ્રહ્મ કુમાર સહુની વચ્ચે નોખા તરી આવે છે. આમાં પણ વાતચીતના પ્રારંભે તેમના દ્વારા થતો ‘ૐ શાંતિ...’નો લયબદ્ધ ઉચ્ચાર તો જાણે આપણા મનોમસ્તિષ્કને ઝણઝણાવી દે છે. દરેકના મુખારવિંદ પર પરમ તત્વને પામી ગયા હોય તેવી પરમ શાંતિનો ભાવ જોવા મળે. આથી જ ઘણા લોકો હસતા હસતા કહે છે કે લ્યો બ્રહ્મા કુમારી (કે કુમાર) આવ્યા અને સાત્વિક, સત્વશીલ ભાવના લાવ્યા...
રવિવારે યોજાયેલા દિવાળી સમારંભના પ્રારંભે માઉન્ટ આબુ સ્થિત સંસ્થાના વડાં ૧૦૩ વર્ષના દાદી જાનકીનો રેકોર્ડેડ વીડિયો મેસેજ પ્રસારિત કરાયો હતો. દાદી જાનકીના પ્રેરણાદાયી સંદેશા બાદ સંસ્થાના યુરોપ એકમના વડા સિસ્ટર જયંતીએ સુંદર ઉદ્બોધન કર્યું. સમારંભના સમાપન વેળા કાર્યક્રમમાં ઉપસ્થિત અનુયાયીથી માંડીને દરેક અતિથિને પ્રસાદની સાથે એક નાનકડી પુસ્તિકાની ભેટ અપાઇ હતી. ભાવકના તન અને મન - બન્નેની ક્ષુધા તૃપ્ત કરવા માટે કેવું સરસ આયોજન?! જોકે મને સૌથી વધુ રસ પડ્યો હતો તેની સાથે રહેલા એક ટચુકડા કાર્ડમાં. બન્ને બાજુએ છપાયેલા આ કાર્ડમાં એક તરફ તાજા ફૂલોનું સરસ મજાનું ચિત્ર હતું તો બીજી તરફ તેનાથી વધુ સરસ વિચાર રજૂ થયો હતોઃ
My face becomes a reflection of my thoughts. When I think about positive qualities of myself and others, my face glows with acceptance. This attracts others. Let my face reflect the beauty of positive thoughts.
(અર્થાત્) મારો ચહેરો મારા વિચારોનું પ્રતિબિંબ છે. જ્યારે હું મારા પોતાના તેમજ અન્યોના હકારાત્મક ગુણો વિશે વિચારું છું ત્યારે મારો ચહેરો સ્વીકૃતિના ભાવ સાથે ઝળહળી ઉઠે છે. આ તેજ અન્યોને આકર્ષે છે. આથી મારા ચહેરા પર હકારાત્મક વિચારોને ઝળકવા દો.
કેટલો સુંદર વિચાર. જો દરેક વ્યક્તિ જીવન પ્રત્યે આવો હકારાત્મક અભિગમ અપનાવે તો સહુ કોઇનું જીવન વગર દિવાળીએ ઝળાંહળાં થઇ જાય...
ગુરુવારે - આઠમી નવેમ્બર એટલે વિક્રમ સંવત ૨૦૭૫નો પ્રારંભ. મારા માટે તો બેસતા વર્ષનો દિવસ જાણે સો ટચના સોના કરતાં પણ વધુ ઝળહળતા સૂરજ સાથે ઉગ્યો હતો. નૂતન વર્ષના પહેલા દિવસે બીએપીએસ નિસ્ડન સ્વામીનારાયણ મંદિરમાં છપ્પનભોગના અન્નકુટની આરતીનો મહામૂલો લ્હાવો મને સાંપડ્યો હતો. સંતવર્યોની નિશ્રામાં અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રીજીની આરતી ઉતારીને જીવન ધન્ય થઇ ગયું. બ્રિટનમાં વસતાં હિન્દુ સમુદાયની આસ્થાનું કેન્દ્ર બની ગયેલા આ નિસ્ડન મંદિરમાં દિવાળીના સપરમા દિવસો દરમિયાન ૪૦-૪૫ હજાર શ્રદ્ધાળુઓએ હરિભક્તિનો લાભ લીધો હોવાનો પ્રાથમિક અંદાજ છે. જોકે આટલી વિશાળ સંખ્યામાં હરિભક્તોની અવરજવર છતાં ક્યાંય અવ્યવસ્થા, અંધાધૂંધીનું નામોનિશાન નહોતું. સંકુલ બહાર પોલીસ હતા, પણ તેમને ભાગ્યે જ ક્યાંય હસ્તક્ષેપ કરવો પડ્યો. સ્વયંસેવકોના સુચારુ આયોજન અને શ્રદ્ધાળુઓની સ્વયંશિસ્તે પોલીસ તંત્રનું કામ સરળ કરી નાંખ્યું હતું.
મંદિરમાં તો મેં દેવને દીઠા જ, પરંતુ મારે તો ‘મંદિર બહાર’ દીઠેલા દેવની વાત કરવી છે... આ દેવને મેં માતૃસ્વરૂપે નિહાળ્યા. એક બહુ જ જાણીતી યહૂદી કહેવત છે કે ઈશ્વર દરેક સ્થળે પહોંચી શકતો નથી, આથી તેણે માતાનું સર્જન કર્યું છે. બસ, મેં આ કહેવતનું જીવતુંજાગતું, પ્રેમ-લાગણી-ચેતનાથી ધબકતું સ્વરૂપ નિહાળ્યું અને મારું જીવન ધન્ય થઇ ગયું. જોકે વાત થોડીક વિગતવાર બેકગ્રાઉન્ડ સાથે કરું કેમ કે મારા - તમારા સહિત સહુ કોઇ માટે પ્રેરણાદાયી બની રહે તેવી આ વાત છે.
મંદિરમાં શ્રીજીનું આરતી-પૂજન કર્યા બાદ સંતજનોના આશીર્વાદ લીધા. મનમંદિરમાં આધ્યાત્મિક પ્રસન્નતાના ઘંટારવ સાથે સહુની વિદાય લીધી. મારે દિવાળી પર્વની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા હિન્દુજા પરિવારને ત્યાં જવાનું હતું. પિકાડેલી સર્કસ ટ્યુબ સ્ટેશન પર મારા સાથીદારો રૂપાજંના, સુરેન્દ્રભાઇ પટેલ અને ભારતથી આવેલા જાણીતા ગાયિકા માયાબહેન દીપક મારી રાહ જોઇને ઉભા હતા.
ટ્યુબ સ્ટેશને પહોંચવા માટે બસ સ્ટેશને જઇને ઉભો રહ્યો. સેંકડો હરિભક્તોની અવરજવરની અસર ટ્રાફિક પર પણ વર્તાતી હતી. બસ સ્ટેશન પર લગભગ પંદરેક મિનિટ રાહ જોવી પડી. આ દરમિયાન મારી નજર વ્હીલચેર સાથે ઉભેલા એક બહેન પર પડી. આ લોકો પણ મંદિર સંકુલમાંથી જ બહાર નીકળ્યા હતા. વ્હીલચેરમાં એક દિવ્યાંગ યુવાન બેઠો હતો, પરંતુ જાતે કંઇ પણ કરી શકવા અક્ષમ. બસ આવી. અને વાચક મિત્રો, આપ સહુ જાણો છો તેમ આ દેશની બસ સુવિધા જેટલી બેસ્ટ છે એટલા જ તેના કર્મચારીઓ. ચાલકે એક બટન દબાવીને બસનું પ્લેટફોર્મ નીચું કર્યું જેથી વ્હીલચેર અંદર ચઢાવવામાં થોડીક સરળતા થાય. જોકે આમ છતાં મુશ્કેલી તો પડી જ, પરંતુ સાથી પ્રવાસીઓના ટેકાથી બહેને વ્હીલચેર સાથે યુવાનને બસમાં લીધો.
આ સમયે મને મંદિરમાં થોડીક વાર પહેલાં જ જોયેલું દૃશ્ય યાદ આવી ગયું. ઘણા પરિવારજનો તેમના અસ્વસ્થ, શારીરિક અશક્ત વડીલોને લઇને મંદિરમાં દર્શને આવ્યા હતા. કેટલાક વડીલો લાકડીના ટેકે ડગુમગુ થતાં થતાં સ્વજનો સંગાથે ચાલતા હતા તો કેટલાક આપબળે આગળ વધતા હતા. આ બધાને સહાયરૂપ થવા માટે સ્વયંસેવકો ખડા પગે હાજર હતા. આ સ્વયંસેવકો એટલા સેવાનિષ્ઠ હતા કે જરૂરિયાતવાળી કોઇ વ્યક્તિએ તેમને બોલાવવાની પણ જરૂર પડતી નહોતી. તેઓ જ બધા પર નજર રાખતા હતા, જ્યાં કોઇને મદદની જરૂર જણાય કે તરત - વગર બોલાવ્યે - પહોંચી જતા હતા. પોતાનાની સેવા તો સહુ કોઇ કરે, પણ પારકાની મદદ માટે નિઃસ્વાર્થ ભાવે, વગર કહ્યે હાજર થઇ જવું તે જ સાચી માનવતા એવું હું માનું છું. એ અર્થમાં અશક્ત વડીલોની, દિવ્યાંગોની સેવાચાકરી કરતા, શ્રમ ઉઠાવતા નામી-અનામી ભાઇબહેનો ખરા અર્થમાં મનુષ્યજીવનને સાર્થક કરી રહ્યા હતા. સેવા જ સર્વોપરી સદગુણ છે તે સહુ કોઇએ યાદ રાખવું રહ્યું.
ખેર, આપણે પેલા બહેન અને દિવ્યાંગ યુવાન તરફ પાછાં ફરીએ... વ્હીલચેર તો બસમાં ચઢાવી દીધી, પણ નિસ્ડન મંદિરથી વેમ્બલી પાર્ક તરફ જઇ રહેલી બસમાં ભારે ભીડ હોવાથી વ્હીલચેર ક્યાં ઉભી રાખવી તે બહેન માટે સમસ્યા હતી. જોકે સહુના સહયોગથી તે વ્યવસ્થા પણ થઇ ગઇ. આ દરમિયાન મેં એક વાતની ખાસ નોંધ કરી કે પેલા બહેન વ્હીલચેરમાં બેઠેલાં યુવાનની સતત કાળજી લઇ રહ્યા હતા.
તું કમ્ફર્ટેબલ છે? તને કોઇ તકલીફ તો નથી થતીને? થાક નથી લાગ્યોને? તેવું વારંવાર યુવાનને પૂછી રહ્યા હતા. બન્નેમાંથી કોઇના પણ ચહેરા પર કંટાળો કે હેરાનગતિ કે મુશ્કેલીનો જરા પણ ભાવ નહીં. તેમનો જુસ્સો જોઇને હું બહુ પ્રભાવિત થયો. થોડાંક બસ સ્ટોપ પસાર થયાં અને ભીડ હળવી થઇ. હું તેમની પાસે જઇ પહોંચ્યો. જય સ્વામિનારાયણ કહ્યું, નૂતન વર્ષાભિનંદન કર્યા, અને મારો પરિચય આપ્યો. વાતચીત કરતાં જાણવા મળ્યું કે દિવ્યાંગ યુવાનનું નામ ધ્રુવીન શાહ છે જ્યારે સાથેના બહેન હતા તેના માતા કિરણબહેન.
શાહ પરિવાર મૂળ રાજકોટનો વતની, પણ વર્ષોપૂર્વે એડનમાં, સમયાંતરે બધા લંડનમાં આવીને વસ્યા. પરિવારજનોનો ધર્માનુરાગ ધ્રુવીનમાં પણ ઉતર્યો છે. તે લંડનના છેક ઈશાન ખુણાએ આવેલા સર્બીટનથી વોટરલુ ટ્રેનમાં, વોટરલુથી વેમ્બલી પાર્ક ટ્યુબમાં અને વેમ્બલી પાર્કથી ૨૦૬ નંબરની બસમાં પ્રવાસ કરીને છેક વાયવ્ય લંડનના નિસ્ડન મંદિરે પહોંચે છે. (બે-ત્રણ કલાકનો આ કષ્ટદાયક પ્રવાસ) કિરણબહેન કહે છે કે આટલો લાંબો પ્રવાસ છતાં તેના ચહેરા પર થકાવટનો અણસાર નથી હોતો. આ ઉપરાંત દર ગુરુવારે સાઇબાબા મંદિરે નિયમિત જવાનું. સાથોસાથ પરિવારજનો સાથે અન્ય ધર્મસ્થાનોની મુલાકાત તો ખરી જ.
૨૨ વર્ષના ધ્રુવીનને ડ્યુશેન મસ્ક્યુલરની બીમારીનું નિદાન થયું છે. હું જાણું છું ત્યાં સુધી (કદાચ હું ખોટો હોઉં તો મને માફ કરશો...) આ બીમારીમાં માણસનું મન તો સક્ષમ રહે છે, પણ તન અક્ષમ થઇ જાય છે. ધ્રુવીન ૧૨ વર્ષનો હતો ત્યારે હૃદય અને શ્વાસોચ્છશ્વાસમાં મુશ્કેલીનું નિદાન થયું અને પડકારજનક જિંદગીનો પ્રારંભ થયો. આ પછી ૨૦૧૪માં કાર્ડિયાક એરેસ્ટની મુશ્કેલી થઇ, પરંતુ તેનો જુસ્સો અકબંધ છે. ૧૯૯૫માં જન્મેલા ધ્રુવીને પ્રાયમરી, સેકન્ડરી અને મેઇન હાઇસ્કૂલમાં અભ્યાસ બાદ રિચમંડ કોલેજમાં બી.ટેક.માં ગ્રાફિક શાખામાં એડમિશન મેળવ્યું, અને સફળતાપૂર્વક અભ્યાસ પૂરો પણ કર્યો. શારીરિક પડકારોનો તેણે જડબાતોડ પ્રતિકાર કર્યો છે એમ કહી શકાય. ધ્રુવીનને પ્રવાસ કરવો ગમે છે. અત્યાર સુધીમાં તે અમેરિકા, ભારત, કેનેડા અને યુરોપનો પ્રવાસ કરી ચૂક્યો છે. તેને ફિલ્મો જોવાનું, સામાજિક મેળાવડાઓમાં હાજરી આપવાનું અને મંદિરોમાં દેવદર્શને જવાનું પસંદ છે.
અને ધ્રુવીનની છેલ્લી વાત... તેને જાતે કમાણી કરવી છે! આર્થિક સ્વનિર્ભર થવું છે. માતા કિરણબહેનનું કહેવું છે કે તેણે બી.ટેક. (ગ્રાફિક્સ)નો અભ્યાસ કર્યો છે અને તે કોઇના પર આધારિત રહેવા માગતો નથી. કામ શોધે છે. આ જુસ્સાને આપણે શું કહીશું?!
વાચક મિત્રો, મેં એવા લોકો પણ જોયા છે કે જેમને માથામાં સામાન્ય દુઃખાવો થાય કે પગમાં જરાક અમસ્તો સ્નાયુ ખેંચાય જાય તો પણ આખું ઘર માથું લઇ લેતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ના તો ધ્રુવીનને પરવશ જિંદગી સામે કોઇ ફરિયાદ છે અને ના તો તેની ખડેપગે સેવાચાકરી કરતાં માતા કે પરિવારજનોને કોઇ ફરિયાદ છે. બધાએ બધું સહજભાવથી સ્વીકારી લીધું છે. ખરેખર મારું તો કિરણબહેન સામે મસ્તક નમી ગયું. હું એટલું જ બોલી શક્યો કે બહેન, ખરેખર તમારામાં ભગવાન વસે છે. તમે જે પ્રમાણે દીકરાની કાળજી લઇ રહ્યા છો તે પ્રશંસનીય છે... અને મેં બે હાથ જોડીને તેમને વંદન કર્યા. કિરણબહેન બહુ નમ્રતાપૂર્વક એટલું જ બોલ્યા કે એમાં શું? આ તો મારો દીકરો છે, અને તેની કાળજી લેવાની મારી ફરજ છે.
વાચકમિત્રો, આનું નામ મા તે મા. ગુજરાતી ભાષાની અમર કૃતિ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... કંઇ ઠાલા શબ્દો માત્ર નથી. સર્જકોએ કિરણબહેન જેવા માતૃપ્રેમને નજરમાં રાખીને જ કૃતિ કંડારી હશે ને...
માતાઓ તો સૈકાઓથી પોતાના સક્ષમ કે અક્ષમ સંતાન માટે પોતાનું જીવન ન્યોછાવર કરતી રહી છે, અને કરતી રહેશે તે નિઃશંક છે, પરંતુ આવા દિવ્યાંગજનો પ્રત્યે મારી, તમારી, આપણી ફરજ શું? આપણે દિવ્યાંગજનો માટે શું કરી શકીએ? વાચક મિત્રો, મારું અવલોકન કદાચ કોઇને ખૂંચશે, પરંતુ મેં આપણા સમાજમાં ઘણી જગ્યાએ દિવ્યાંગજનો માટે અનુકંપાનો અભાવ જોયો છે. દિવ્યાંગજનો આપણી દયાના મોહતાજ નથી, તેમને તો બસ થોડીક લાગણી, હૂંફ, ઉષ્માપૂર્ણ સંગાથની જરૂર હોય છે. આવી વ્યક્તિઓ પ્રત્યે અનુકંપાભર્યો, સમજદારીભર્યો અભિગમ ન દાખવી શકીએ તો આ માનવદેહ શા ખપનો? જીવનમાં શ્રેષ્ઠ યોગ હોય તો તે છે કલ્યાણયોગ. પારકા હોય કે પોતાના, સેવા પરમો ધર્મઃ આપણું જીવનસૂત્ર બની રહેવું જોઇએ. આપણે સહુ પોતાના માટે તો જીવીએ જ છીએ, થોડુંક બીજા માટે પણ જીવી શકાય તો આ મનુષ્યદેહ સાર્થક થઇ ગયો સમજવું. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter