એક અદ્વિતીય આત્મા સાથે અહોભાગ્ય સ્વરૂપ આત્મીયતા

સી. બી. પટેલ Tuesday 16th August 2016 16:16 EDT
 
નિસ્ડન મંદિરે યોજાયેલી સ્વાગત સભામાં હરિભક્તોની વિશાળ હાજરીમાં ‘ગુજરાત સમાચાર - એશિયન વોઈસ’ના તંત્રી-પ્રકાશક સી. બી. પટેલને સન્માનતા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવારે બપોરે સ્વામીબાપા ધામમાં ગયા એમ જાણ્યું. કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી એટલે આ ખબરને સાવ આશ્ચર્ય તો ન કહી શકાય, છતાં પણ હૃદય સોંસરવો આઘાત જરૂર અનુભવ્યો. વિશ્વસમસ્તમાં સનાતન ધર્મનો ધ્વજ ઊંચા આસમાનમાં લહેરાવનાર ધર્મપ્રવર્તકની વિદાયના સમાચાર જાણીને ભાગ્યે જ કોઇ એવું હશે જેણે આંચકો નહીં અનુભવ્યો હોય.
અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી નિહાળવાના મને અસંખ્ય અમોલા અવસર પણ સાંપડ્યા છે. પરિણામે આઘાતજનક સમાચાર સાંભળ્યાની ક્ષણે જ - કોઇ મંદિરમાં જઇને પ્રાર્થના કે ધૂન કરવાના બદલે - મનમાં પ્રાર્થનાનું રટણ શરૂ થઇ ગયું. થોડી વાર બાદ અમે પરિવારજનોએ સાથે મળીને મંત્રોચ્ચાર અને ધૂન કર્યા. સોમવારે કાર્યાલયમાં સહુ સાથીઓ સાથે ઇશ્વરસ્મરણ થયું. ત્યારબાદ ભાઇશ્રી કિશોરભાઇ, કમલભાઇ અને હરીશભાઇ સાથે પણ ધુન કરી. આ દરેક સમયે મારા માનસપટલ પર જાતજાતના પ્રસંગોની વણઝાર ચાલતી રહી. બાપા સાથે વીતાવેલી સુમધુર પળોના બે-ચાર પ્રસંગ હોય તો સમજ્યા, અહીં અનેક પ્રસંગો હતા. ૧૯૪૯માં સ્વામીબાપા સાથે પ્રથમ સંપર્ક થયો ત્યારથી માંડીને અત્યાર સુધીના અનેક પ્રસંગોમાંથી કેટલાક પ્રસંગો મેં મારા સાથીઓ સમક્ષ તાજા કર્યા.
સ્વામીબાપા, યોગીબાપા અને શાસ્ત્રી મહારાજના સૌપ્રથમ દર્શન મને બોચાસણમાં ૧૯૪૯માં થયા હતા. મારા દાદા - મણિભાઇ - સાથે શાસ્ત્રી મહારાજને ૧૮૯૫ની સાલથી ખૂબ નિકટનો સંબંધ. વિવેકસાગર સ્વામી અને ઇશ્વરચરણ સ્વામીએ શાસ્ત્રી મહારાજના પત્રોનું સંકલન કરીને એક દળદાર પુસ્તક તૈયાર કર્યું છે તેમાં અનેક સ્થળે દાદાજીનો નામોલ્લેખ છે. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનનું પહેલું મંદિર બોચાસણમાં બન્યું. તે સમયે ૧૯૦૬માં મારા દાદા સેવામાં હતા. તેમની સાથેની યાદોને ખુદ સ્વામીબાપાએ નિસ્ડન સ્વામિનારાયણ મંદિરમાં એક પ્રવચન દરમિયાન તાજી કરી હતી તેને હું મારું સર્વોચ્ચ સદભાગ્ય સમજું છું. આમ તો સ્વામીબાપાનું આ પ્રવચન ગુજરાત સમાચારના ૬ ઓક્ટોબર, ૨૦૦૭ના અંકમાં શબ્દશઃ પ્રકાશિત થયું છે. આપ સહુમાંથી ઘણાએ તે વાંચ્યું પણ હશે. પરંતુ આજે સ્વામીબાપાના સાંનિધ્યની વાત ચાલી રહી છે ત્યારે પુનરોક્તિનો ભય હોવા છતાં તેનો એક હિસ્સો ટૂંકાવીને અહીં રજૂ કરી રહ્યો છું.

•••

‘શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં મંદિર કર્યું સૌથી પહેલું. એ મંદિરની પ્રતિષ્ઠા વખતનો એક પ્રસંગ છે. અત્યારે સ્વાગતમાં આપણા સી. બી. પટેલ - ગુજરાત સમાચારના તંત્રી પધાર્યા. આપ બધા જાણો છો ને ઓળખો છો. તે સમયે યજ્ઞ કરવામાં આવેલો. પછી યજ્ઞસ્થળેથી મૂર્તિ ઠાકોરજી જ્યાં બેસે એ ખંડમાં લઈ જવા માટે અક્ષર ને પુરુષોત્તમ એમ બે ધાતુની મૂર્તિઓ હતી. બીજી મૂર્તિઓ પણ હતી. તે વખતે મૂર્તિઓને સ્થાપન માટે ઠાકોરજી પાસે લઈ જવા જે ચાર-પાંચ હરિભક્તો હતા તેમાં આ જે આપણા સી. બી. પટેલ છે એમનાં દાદા પણ હતા. મણિભાઈ એમનું નામ. મને બહુ સારો પરિચય છે કેમ કે હું ત્યાં રહેલો છું. ભાદરણમાં ભણેલો છું અને મારી એમને બહુ ખબર. અમે નાના સંતો હતા એટલે અમારી ખબર બહુ રાખે. દરરોજ નવ વાગ્યે એ મંદિરે આવે. લાલ પાઘડી, લાંબો કોટ, ધોતીયું ને ખભે ખેસ. હાથમાં ચાંદીની લાકડી. કથા સાંભળે, માળા ફેરવે અને પછી જાય. પણ દરરોજ પૂછે કેમ છે? શું છે બધું? અમે નાના સંતો ખરાને એટલે. અને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા કે સાધુ રહ્યા છે તેમની ખબર રાખવી. વળી ગામના આગેવાનોમાં મુખ્ય હતા. તુલસીભાઈ બકોરભાઈ અમીન, વરજભાઈ વાઘજીભાઈ એવા બધા આગળ પડતા નામમાં એમની ગણતરી હતી. આપણું બોચાસણનું મંદિર ખૂબ સારી રીતે શરૂ થયું ત્યારથી એમની આ નિષ્ઠા હતી. શાસ્ત્રીજી મહારાજને વિશે અપરંપાર ભાવ અને તેમની આજ્ઞામાં રહીને બધું કાર્ય કરે. તો એ વખતે મૂર્તિને ઉપાડવા માટે એમના દાદાશ્રી પણ હતા. મૂર્તિ ઉપાડવાની થઈ ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિ સહેજે સ્વાભાવિક રીતે ઉપડી અને નિયત જગ્યાએ બેસી ગઈ. પણ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉપડે નહીં. આ બે-ચાર જણાએ ઘણા પ્રયત્ન કર્યા પણ મૂર્તિ ઉપડે જ નહીં. ખૂબ પ્રયત્ન કર્યો પછી બધા શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા. પ્રાર્થના કરી, ‘સ્વામી! એક મૂર્તિ તો અમે બેસાડી દીધી પણ બીજી મૂર્તિ ઉપડતી નથી.’ સ્વામી ત્યાં આવ્યા અને હાથ જોડીને ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરી, ‘અમે જે વડતાલથી નીકળ્યા છીએ તે તમારા માટે જ. ભક્ત સહિત ભગવાન અક્ષર ને પુરુષોત્તમની જે વાત છે એટલા માટે આ કર્યું છે. અહીં પહેલું જ મંદિર છે અને પહેલું જ સ્થાપન આપનું થાય છે તો આપ પધારો ને દયા કરો.’ પ્રાર્થના કરી અને પછી કહે ઉપાડો તો આમના દાદા સહિત અન્યોએ મૂર્તિ ઉપાડી તો ઉપડી ગઈ અને હેમખેમ બેસી ગઈ. કહેવાનું શું છે? આવો પ્રસંગ એમના દાદાને મળેલો. એમના દાદાએ આવી સેવા કરેલી. આવો સંબંધ છે આપણો સી. બી. પટેલ સાથેનો. અને એ સંબંધ રાખે છે એ પણ આનંદની વાત છે. આજે શતાબ્દી સ્વાગત સભામાં પધાર્યા એ ખૂબ આનંદની વસ્તુ છે...
એમના પિતાશ્રીની પણ વાત કરું. એમના દાદા પછી પિતાશ્રી બાબુભાઈ હતા. એ પણ સત્સંગી એટલે અમે ભણતા ત્યારે આવતાં. એક વખત બોરસદ કોર્ટમાં કેસ ચાલ્યો. વડતાલવાળાએ આપણા ઉપર કેસ કરેલો. અમે બે-ત્રણ સંતો હતા. ભણતા હતા અને અંબાલાલ ભગત સાથે રહેતા હતા. બહુ સારા ભગત હતા એટલે હરિભક્તોને અંબાલાલ ભગત વિશે ખૂબ પ્રેમ. અમે સંતો એટલે આવે. તે ઘડીએ વડતાલથી ત્રણ-ચાર સાધુઓ અને એક ભગત આવ્યા. ત્યારે અમે ઉપર ભણતા હતા. એ આવ્યા એટલે ઉપર એમનો ઉતારો થયો. નીચે અમારો ઉતારો. પણ એમાં સંતોને જરા આમ પે’લો દ્વેષ તો હોય ને... સવારે કશીભાઈ નામના એક સત્સંગી આવ્યા. વચનામૃતની અંદર વાત નીકળી એમાં તેમણે કશીભાઈનું અપમાન કર્યું. અમે કશીભાઈને કહ્યું આપણે વધુ કંઈ બોલવું નથી એટલે એ ચાલ્યા. કશીભાઈનું અપમાન થયું.
વાત એવી ચાલી કે કશીભાઇએ વડતાલના સાધુનું અપમાન કર્યું છે. વડતાલના સમર્થક એવા વગદાર પરિવારના એક સભ્યે કશીભાઇને દબડાવ્યા.
કશીભાઈ તો કંઈ બોલ્યા વગર સ્વામિનારાયણ કરતા ચાલ્યા ગયા.
હવે આ વાતની બાબુભાઈને ખબર પડી કે આજે મંદિરમાં આવું થયું. તરત જ સામેવાળાને સારી ભાષામાં સમજાવી આવ્યા. કોઈનાથી ડરે એવા નહોતા અને કોઈ કહી જાય તે સહી શકે એવા નહોતા. એ પછી બાબુભાઈ મંદિરમાં આવ્યા. અમને કહે શું છે? તમારે જે કંઈ વાત હોય તે કરજો. મેં કહ્યું, ‘કશું અમારે થયું નથી. આ તો સાધુ છે તે બોલ્યા કરે.’ પછી પે’લા સાધુને એમના પિતાશ્રીએ વાત કરી, ‘જો આ મંદિર છે, એમાં આવ્યા છો તો રહો. સારી રીતે રહો. તમે રમો, જમો, કથા-વાર્તા બધું જ કરો. તમારે જોઈશે તો સીધુ દરરોજ મારે ઘરેથી આપી જઈશ. દરરોજ મારા તરફથી તમારે સીધુ જમવાનું અને તમારે જે કથાવાર્તા- ભજન કરવાના હોય તે કરવાના, પણ આ જે અમારા નાના સાધુ છે તે ભગત છે એને કોઈ પણ અડપલું કર્યું તો આ મંદિર તમારે છોડી દેવું પડશે. અહીં રહી શકશો નહીં, અને એમાં તમારું કંઈ ચાલશે નહીં.’ એ લોકોનો વિચાર હતો કે મૂર્તિઓ કાઢી નાંખવી, એટલે એ પણ કહી દીધું કે આ મૂર્તિઓ બેસાડી છે એમાં પણ કંઈ ફેરફાર નહીં થાય. આમાંથી કંઈ પણ થશે તો તમારે કોઈને અહીં રહેવાશે નહીં. આથી જેટલું તમારે રહેવું હોય એટલું રહો. જ્યારે જે કંઈ વસ્તુ જોઇતી હોય તે મને કહેજો. હું તમને લાવી દઈશ. પણ આ વસ્તુ બનશે તો પછી મારે તમારે બનશે નહીં. આમ બહુ જોરદાર પક્ષ રાખીને વાત કરેલી. કહેવાનું કે બાબુભાઇ આવા શૂરવીર હતા. જેમ દાદા શૂરવીર હતા એમ બાબુભાઈ શૂરવીર હતા...’

•••

સ્વામીબાપાના શબ્દોમાં આ વાત સાંભળ્યા પછી મૂળ વાત પર પરત ફરીએ. ૧૯૪૯માં પ્રમુખસ્વામીના મેં પહેલા દર્શન કર્યા. તે વખતે સ્વામીબાપા સારંગપુર મંદિરના કોઠારી સ્વામી હતા. કોઇ કામસર બોચાસણ પધારેલા હતા. આ પછી ટૂંક સમયમાં જ તેઓ બીએપીએસના પ્રમુખ બન્યા અને પ્રમુખ સ્વામી તરીકે જાણીતા બન્યા.
લંડનમાં બીએપીએસનું પહેલું મંદિર બન્યું ’૭૦માં. આ પહેલું નિર્માણ એટલે ઇઝલિંગ્ટન મંદિર. ડોલિસ હિલ વિસ્તારમાં રહેતા અરવિંદ ગુરુના નિવાસસ્થાને યોગીબાપા સહિતના સંતોનો ઉતારો હતો. તે સમયે મારા થોડાક મહિનાના પુત્રને મેં આશીર્વચન માટે યોગીબાપાના ચરણોમાં મૂક્યો હતો. ૧૯૭૭માં સ્વામીબાપા અહીં આવ્યા હતા. તે સમયે જુદા જુદા વિસ્તારમાં વસતાં હરિભક્તોએ સ્વામીબાપાને પોતાને ત્યાં પધરામણી માટે આમંત્રણ આપ્યું હતું. આ સમયે સ્વામીબાપાને મારી ગાડીમાં જુદા જુદા સ્થળે લઇ જવાની સેવા કરવાનો સોનેરી અવસર મને સાંપડ્યો હતો. હું ગાડી ડ્રાઇવ કરીને તેમને આર્ચવે, હાઈગેટ ફિન્ચલી સહિતના વિવિધ વિસ્તારોમાં પધરામણી માટે લઇ ગયો હતો. આ મુસાફરી દરમિયાન ઘણી વાતે તેમની સાથે સત્સંગ કરવાનો મોકો મળ્યો હતો.
સ્વામીબાપાએ જે ઘરોમાં પધરામણી કરી હતી તેમાનાં મોટા ભાગના આફ્રિકાથી તાજેતરમાં અહીં આવી વસેલા દુકાનદારો હતા. મને આજે પણ યાદ છે કે સ્વામીબાપાએ સાતેક ઘરોમાં પધરામણી કરી હતી તેમાંથી ત્રણ ઘર તો એક સમયે ટરોરોમાં વસતા લોકોના હતા.
સ્વામીબાપા સાથેના વર્ષોજૂના સંપર્કના આધારે હું એટલું અવશ્ય કહી શકું કે નાના-મોટા સહુ કોઇ તેમના વિવિધ પ્રશ્નો, મૂંઝવણોના નિરાકરણ બાબત તેમનું માર્ગદર્શન મેળવવા, આશીર્વચન મેળવવા ઝંખતા રહ્યા છે. અને તેમના ચરણોમાં રૂબરૂ ન પહોંચી શકાય તો શું થઇ ગયું? પત્ર પાઠવીને માર્ગદર્શન મેળવતા હતા. સ્વામીબાપાના અઢળક પ્રેમના પ્રતીક સમાન લાગણીસભર ધબ્બો તો જાણે જીવનનો અમૂલ્ય લ્હાવો હતો. રાજા (નેતા) હોય કે રંક (પ્રજા) તેમનો ધબ્બો ખાવાની ભાવના સહુ કોઇના મનમાં રમતી રહી છે એ વાત તો ક્યાં કોઇથી અજાણી છે?!
૧૯૪૯થી અત્યાર સુધીના... ૬૭ વર્ષના સમયપટલ પર ફેલાયેલો આ સંબંધ જીવનભરનું ભાથું બની રહ્યો છે તેમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. ભારતમાં, પૂર્વ આફ્રિકામાં અને બ્રિટનમાં તેમનું ખૂબ સાંનિધ્ય માણવા મળ્યું. આ સત્પુરુષ સાથે સત્સંગનો અવસર સાંપડ્યો. સ્વામીબાપામાં કંઇક એવું દૈવત હતું જેણે સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા શાંતિલાલને મૂલ્યો, આદર્શ, ધર્મ, સંસ્કૃતિ, પરંપરાના શિખરે બિરાજમાન કર્યા હતા. ૧૯૪૯માં બીએપીએસને નિહાળનાર કોઇએ આજના - વ્યાપક સ્તરે પ્રસરેલા - બીએપીએસની કલ્પના પણ નહીં કરી હોયને! શાસ્ત્રી મહારાજની શીખ, યોગીબાપાની સાધના અને પ્રમુખસ્વામી મહારાજનું નેતૃત્વ જેવા ત્રીવેણીસંગમના સથવારે બીએપીએસને વૈશ્વિક સ્તરે વિસ્તરતું નિહાળીને સત્સંગીઓ સહિત દરેક ભારતવાસી સહજપણે ગૌરવ અનુભવતા હશે.
આજે બીએપીએસની ઓળખ માત્ર એક ધાર્મિક સંસ્થા પૂરતી મર્યાદિત રહી નથી. સનાતન ધર્મના એક વટવૃક્ષ સમાન આ સંસ્થા સમાજસેવાના દરેક અંગને આવરી લે છે. ખાસ કરીને બાળકો, કિશોર-કિશોરીઓ, યુવક-યુવતીઓ... સહુ કોઇને હકારાત્મક જીવનદૃષ્ટિ આપવામાં, પોતીકા સંસ્કારવારસા પ્રત્યે વિશ્વાસ-શ્રદ્ધા પ્રગટાવવામાં, અમુક અંશે જીવનને સ્થિરતા બક્ષવામાં સુંદર સેવા આપી રહી છે.
૧૯૪૯માં તો બીએપીએસ પાસે બહુ મર્યાદિત મંદિર હતા. યોગીબાપાએ તેવા સમયે દેશમાં તો ધર્મપ્રસારનું અદભૂત કામ કર્યું જ, પણ - મારી દૃષ્ટિએ - તેમનું સૌથી મોટું યોગદાન તો પૂર્વ આફ્રિકામાં બીએપીએસના પ્રસાર-પ્રસારનું ગણી શકાય. પૂર્વ આફ્રિકામાં ૪૦ના દાયકામાં હરમાનકાકા અને મગનકાકા જેવા સત્સંગી સ્થાયી થયા હતા. તેમણે આફ્રિકા ખંડમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું બીજ રોપ્યું. ખાસ તો બીએપીએસના ૫૦ના દસકામાં યોગીબાપા, પ્રમુખસ્વામી મહારાજ અને અન્ય સંતો પૂર્વ આફ્રિકા ગયા. કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયામાં વ્યાપક વિચરણ કર્યું. ખબર નહીં ક્યા કારણસર, પરંતુ યુગાન્ડાનું ટરોરો નગર બીએપીએસ સત્સંગ માટે પાવરહાઉસ બની ગયું.
લંડનમાં પણ બીએપીએસના આગમનના પ્રારંભના વર્ષો પર નજર ફેરવું છું તો - આજે સાત દસકા કરતાં વધુ સમયના વ્હાણા વીતી જવા છતાં - અનેક સત્સંગીઓના ચહેરા નજર સામે તરવરે છે. તેમાં જશભાઇ એસ. પટેલ, સી.એમ. કાકા, ભાનુભાઇ, આઇ. કે. પટેલ, અરવિંદ ગુરુ, ભાનુભાઈ મોરઝરિયા સાહેબ, ડાળીયાસાહેબ, ભટ્ટેસા પરિવાર, ડોલરભાઈ પોપટ વગેરે મુખ્ય છે. આમાં પણ ટરોરોથી અહીં આવી વસેલા પરિવારો બીએપીએસ માટે મોટી સંખ્યામાં સમર્પિત હોવાનું હું અનુભવતો રહ્યો છું. (ખૂબ નામ યાદ આવી રહ્યા છે પણ સ્થળસંકોચ બાપલા!)
સોમવારે કાર્યાલયમાં મંત્રોચ્ચાર-ધૂનના પ્રારંભ પૂર્વે અમે બધા વાતો કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજની બેનમૂન સિદ્ધિઓના પાયામાં પરિબળો ક્યા? કારણો શું?
સંક્ષિપ્તમાં કહું તો, અતિ સરળતા, નિખાલસતા, તેમની નજરમાંથી સતત નીતરતો પ્રેમ, દિવ્ય પ્રતિભા, અને ખાસ તો સહૃદયતા. કોઇ પણ નાનું બાળક હોય કે મોટેરા વડીલ બધાની સાથે વાતચીત કરે. તેમનું નામ-ગામ-કામ-સગાંવ્હાલાં બધી વિગતો પૂછે, અને હંમેશા બધું હોઠે રાખે. અત્યારે વાત કરીને થોડીક વારમાં વીસરી ગયા એવું નહીં. સહજ દેખાતી આ વાત એટલી સરળ નથી. તમે જ્યારે સામેની વ્યક્તિ સાથે દિલનો નાતો જોડી શકો છો ત્યારે જ આ શક્ય બનતું હોય છે. સ્વામીબાપાની ખૂબી કહો તો ખૂબી, અને વિશેષતા કહો તે એમ, તેઓ હંમેશા સામેવાળી વ્યક્તિના ગુણ જ યાદ રાખતા. સામેવાળાના અવગુણને જોવાના જ નહીં. કોઇના વિશે ક્યારેય રતિભાર પણ ઘસાતું બોલવાનું નહીં. કોઇની પીઠ પાછળ કુથલી નહીં. પ્રમુખસ્વામી મહારાજ ભલે ઊંચા ગજાના ધર્મગુરુ હતા, પરંતુ તેમનેય જીવનમાં સારામાઠા અનુભવો તો હશે જને?! પરંતુ બધું તેમણે બધું મનમાં જ ધરબી રાખ્યું. જે વ્યક્તિ સામેવાળાનો અવગુણ જ ન જૂએ કે કોઇના પ્રત્યે નારાજગી જ ન રાખે તો સામેની વ્યક્તિ પ્રત્યે પોતાના મનમાં દુર્ભાવનો તો સવાલ જ નથી આવતો. સ્વામીબાપાની આંખોમાંથી હંમેશા પ્રેમ નીતરતો રહ્યો છે તેનું એક કારણ કદાચ આ પણ હોય શકે.
સ્વામીબાપાએ હંમેશા લોકોને સતત સારી વાતો, રચનાત્મક વાતો કરી, પ્રેરણા-પ્રોત્સાહન, વ્યસનમુક્તિ માટે અને વ્યકિતગત જીવનમાં પ્રગતિ માટે પ્રેર્યા છે. તેઓ સમજતા હતા કે એક-એક વ્યક્તિની સુ-માર્ગે પ્રગતિ આખરે તો એક થઇને તન-મનથી સશક્ત સમાજનું નિર્માણ કરશે. અને આ સ્વસ્થ સમાજ સરવાળે શક્તિશાળી દેશનું નિર્માણ કરશે.
અમારા કાર્યાલયના સાથીદાર શ્રી કિશોરભાઇ કહે છે કે સ્વામીબાપાના અગણિત હરિભક્તો, તેમાં પણ ખાસ કરીને જુવાનિયાઓ, અમદાવાદની થોકબંધ એર ટિકિટ બુક કરાવી રહ્યા છે. તેઓ બાપાના અંતિમ દર્શન માટે સારંગપુર પહોંચવા ઇચ્છે છે.
ગુજરાત જઇ રહેલી મોટા ભાગની ફ્લાઇટ ફુલ થઇ ગઇ છે. આથી જ એક ટ્રાવેલ એજન્ટ તો - આજે સોમવારે સવારે - લંડનના હરિભક્તોને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ લઇ જવાનું આયોજન કરી રહ્યા છે.
વાચક મિત્રો, નાના-મોટા લગભગ તમામ સાધુ-સંતો-મહાત્માઓને મળવાનો, તેમની સાથે સત્સંગ કરવાનો, તેમના આશીર્વાદ પામવાનો અવસર મને સાંપડ્યો છે, પરંતુ સ્વામીબાપાની વિદાયે દિલમાં કદી પૂરી ન શકાય તેવો ખાલીપો સર્જી દીધો છે. દરેક દર્દનું ઓસડ સમય હોવાનું ભલે કહેવાતું હોય, પરંતુ સ્વામીબાપાના ખાલીપાથી ઉભું થયેલું દર્દ ક્યારેય શમવાનું નથી એ નક્કી છે. સ્વામીબાપાના ચરણોમાં નતમસ્તક વંદન સહ, સૌને જય સ્વામિનારાયણ...
ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન।
ઉર્વારૂકમિવ બંધનાત મૃર્ત્યુમોક્ષિય મામૃતાત।।
ઓમ શાંતિ... શાંતિ... શાંતિ. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter