વડીલો સહિત સહુ વાચક મિત્રો, આદિ માનવનો ક્યાં ઉદ્ભવ થયો તે મુદ્દો ભલે વિવાદનો વિષય નથી. પરંતુ આ જ આદિમાનવ - સદીઓના વ્હાણા વીતવા સાથે - ‘આધુનિક’ બન્યા પછી ક્યાંથી ક્યાં પહોંચી રહ્યો છે તે વિવાદનો નહીં તો પણ ચર્ચાનો વિષય તો જરૂર બનતો રહ્યો છે.
આજથી હજારો વર્ષ પહેલાં આદિ માનવનો જન્મ થયો. ગુફા-કંદરાઓમાંથી બહાર નીકળ્યો. વધુ સારા ખોરાક-પાણી અને સુરક્ષાની તલાશમાં તેણે ધીરે ધીરે ગાઢ જંગલમાંથી સ્થળાંતર કર્યું. સમયાંતરે ખેતી કરતો થયો. અને વિધવિધ ક્ષેત્રે સફળતા સાથે તે પ્રગતિની પાંખે ઉડતો થયો. તેની આ જીવન રફતારે ધીરે ધીરે વેગ પકડ્યો, અને સમયના વહેવા સાથે આ રફતાર વધુને વધુ વ્યાપક બની રહી. આ વિકાસયાત્રાએ કાળા માથાના માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડ્યો છે? મિત્રો, જરા અતીતમાં ડોકિયું કરો તો...
આજથી સો વર્ષ પહેલાં વ્યક્તિ જન્મી હોય ત્યાં જ કે આજુબાજુના વિસ્તારમાં જ આખું આયખું પસાર કરી નાંખતી હતી. જનમભોમકાની આસપાસ જ કામધંધો કરે કે ખેતીવાડી કરે, ત્યાં જ પરણે ને સંસાર પણ ત્યાં જ માંડે. હિસાબ માંડો તો બધું મળીને પાંચપંદર માઇલમાં જ જીવન સમેટાઇ જતું હોય. (અને અત્યારે?! આટલા અંતરમાં વ્યક્તિનું કામકાજનું સ્થળ હોય તો તે નસીબવંતો ગણાય!)
તે જમાનામાં એવું પણ કહેવાતું કે વ્યક્તિ જ્યાં જન્મે ત્યાં જ તેનું મૃત્યુ થાય. આજે તેથી તદ્દન ઉલટું છે. આજે માણસ જન્મે છે કે એક દેશ-પ્રદેશમાં અને અંતિમ શ્વાસ ક્યાં લેશે એ તેનાં સપનાં નક્કી કરે છે! કારણ કે આજે નોકરી-ધંધા કે અભ્યાસ માટે જન્મભૂમિથી હજારો માઇલ દૂર જઇને વસવામાં ના તો કોઇ અડચણ છે (વિઝા સિવાય...) અને ના તો કોઇ મુશ્કેલી છે. લ્યોને બ્રિટનમાં વસતાં ગુજરાતીઓની જ વાત કરીએ... આ દેશમાં સૌરાષ્ટ્ર-કચ્છથી લઇને ઉત્તર-દક્ષિણ-મધ્ય એમ ગુજરાતની ચારેદિશાએથી આવીને લોકો ઠરીઠામ થયા છે. ગુજરાતીઓનો એક વર્ગ તો વળી વાયા એડન કે ફિજી કે પૂર્વ આફ્રિકાથી આવીને આ દેશમાં વસ્યો છે. મૂળ વાત એ છે કે ગુજરાતમાં ઊંડા મૂળિયા ધરાવતાં આ લોકો હજારો માઇલના અંતરે આવેલા આ દેશમાં આવ્યાં - વસ્યાં ને આકરી મહેનત કરી બે પાંદડે થયાં. હવે તેમના સંતાનો વધુ ઉજ્જવળ ભવિષ્યની આશા-અપેક્ષા લઇને અહીંથી હજારો માઇલ દૂર બીજા દેશમાં જઇ રહ્યા છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે આજના યુગમાં સ્થળાંતર સહજ બન્યું છે - પછી બ્રિટન હોય, ભારત હોય કે અન્ય કોઇ દેશ-પ્રદેશ. સંતાન - પછી તે દીકરો હોય કે દીકરી - સ્કૂલ પૂરી કર્યા પછી યુનિવર્સિટીમાં ભણે એટલે આંખોમાં સપનાનાં વાવેતર થાય. ‘પંખી’ની પાંખો ફફડાટ કરવા લાગે. ને ‘પંખી’ માબાપનો માળો છોડીને કારકિર્દીના આકાશમાં ઊંચેરી ઉડાન ભરે. જ્યાં સારી કારકિર્દીના ‘દાણાપાણી’ નજરે પડે ત્યાં મુકામ કરે ને નવો સંસાર માંડે.
વાચક મિત્રો, આપણી અંદર એવું તે ક્યું તત્વ ધરબાયેલું છે જે આપણને સતત આગળ વધવા - દેશ-પ્રદેશના સીમાડા ઓળંગવા પ્રેરતું રહે છે? મને લાગે છે કે આના મૂળ આપણા ઉપનિષદના બહુખ્યાત શ્લોક ચરેવૈતિ ચરેવૈતિમાં છૂપાયેલા છે. ‘ચરેવૈતિ ચરેવૈતિ’ એ વાસ્તવમાં ઋગ્વેદનો જ એક ભાગ એવા ‘ઐતરેય બ્રાહ્મણ’માંથી લેવાયેલો એક અત્યંત પ્રેરણાદાયી શ્લોક છે. ઘણીવાર તેને ઉપનિષદોના સાર તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તેનો સરળ અર્થ થાય છે: ‘આગળ વધતા રહો, આગળ વધતા રહો’. આ શ્લોક જીવનમાં ક્યારેય ન અટકવા, આળસ-સુસ્તી છોડવા અને સતત કર્મ કરતાં રહેવાની પ્રેરણા આપે છે. મૂળ સંસ્કૃત શ્લોક છેઃ
ચરન્વૈ મધુ વિન્દતિ ચરન્સ્વાદુમુદુમ્બરમ્ ।
સૂર્યસ્ય પશ્ય શ્રેમાણં યો ન તન્દ્રયતે ચરંશ્ચરેવૈતિ ॥
શ્લોકનો ગુજરાતી સાર-સૂર કંઇક આવો છે. જરા થોભો... આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે બાપલ્યા, હું સંસ્કૃતનો પંડિત નથી, થોડાઘણા અભ્યાસના આધારે આ ભાવાનુવાદ રજૂ કર્યો છે એટલે ભૂલચૂક લેવીદેવી... ચરન્વૈ મધુ વિન્દતિ એટલે કે ચાલતા રહેવાવાળા (સતત પ્રયત્ન કરનાર) વ્યક્તિને જ જીવનનું મધ (સફળતા અને આનંદ) મળે છે. સતત આગળ વધનાર વ્યક્તિ જ મીઠા ફળોનો સ્વાદ માણી શકે છે. સૂર્યની શ્રેષ્ઠતા અને તેનો પરિશ્રમ જુઓ. જે ક્યારેય થાકતો નથી, આળસ કરતો નથી અને સતત ચાલતો રહે છે. તેથી જ, હે મનુષ્ય! તું પણ સતત આગળ વધતો રહે, આગળ વધતો રહે.
આ શ્લોકમાં - ઉપનિષદમાં સાચું કહું તો મારા-તમારા કે આપણા માટે જ નહીં, દુનિયાની હર કોઇ વ્યક્તિ માટે જીવનસંદેશ સમાયેલો છે. આ જ અધ્યાયમાં આગળ કહેવાયું છે કે બેસી રહેનારનું ભાગ્ય બેસી જાય છે, ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સુતેલાનું ભાગ્ય સુઈ જાય છે અને જે ચાલતો રહે છે તેનું ભાગ્ય આગળ વધે છે. આ શ્લોક આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ ગમેતેવી હોય, પણ ક્યારેય નિરાશ થઈને અટકવું જોઈએ નહીં. સ્વામી વિવેકાનંદે પણ આ વાત કરી છે.
1989માં ગુજરાત સમાચારે ‘એશિયન બિઝનેસ’ મેગેઝિન લોન્ચ કર્યું હતું ત્યારે હું પ્રાઇમ મિનિસ્ટર મિસીસ માર્ગારેટ થેચરને મળવા ગયો હતો. તેમની સાથેની વાતચીત દરમિયાન મિસીસ થેચરે એક બહુ રસપ્રદ કોમેન્ટ કરી હતી. તેમણે કહ્યું કે તાજેતરમાં હું વેલ્સ પાસે એક નાનકડા ગામની મુલાકાતે ગઇ હતી તો ત્યાં મેં જોયું કે પાંચ શોપ્સ હતી, જેમાં એક ન્યૂઝએજન્ટ, એક ફાર્માસિસ્ટ, એક ઓફલાયસન્સ, એક સબ પોસ્ટ ઓફિસ અને એક પેટ્રોલ સ્ટેશન હતું. આ પાંચેપાંચ શોપ્સના કર્તાહર્તા ઓવરસીઝ ઇંડિયન્સ હતા. વાત અહીં પૂરી નથી થતી. મિસીસ થેચરનું ઝીણી નજરનું નિરીક્ષણ જૂઓ. તેમણે કહ્યું કે બ્રિટનમાં જે ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે તેમાં ઇસ્ટ આફ્રિકાથી આવનારા સવિશેષ યુગાન્ડાવાળા પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યા છે.
વાચક મિત્રો, આવું શા માટે? કેમ કે આપણા ભારતીયોને, સવિશેષ તો ગુજરાતીઓને કોઇ કામનો છોછ નથી. આ કામ નાનું કે આ મોટું, આ કરાય ને પેલું ના કરાય તેવો કોઇ સંકોચ નથી. આ વાત જ તેમને દરિયાના સીમાડા ઓળંગવા પ્રેરી રહી છે. આપણામાં બહુ જાણીતી ઉક્તિ છે - જ્યાં રોટલો ત્યાં ઓટલો. જ્યાં કામ ત્યાં મુકામ. એટલું જ નહીં, જે દેશ કે પ્રદેશમાં જઇને વસવું ત્યાંના થઇને રહેવું. ત્યાંની સભ્યતા-સંસ્કાર-સંસ્કૃતિ-પરંપરા (શક્ય તેટલા) આત્મસાત કરવા. આ જ કારણ છે કે આપણા ભારતીયો જે કોઇ દેશમાં જઇ વસ્યા છીએ ત્યાં કાયદાના સંઘર્ષમાં બહુ ઓછા આવ્યા છે. આપણને ગળથૂંથીમાં જ આ સંસ્કાર મળ્યા છે.
સંભવતઃ આ જ કારણ છે કે એકનો એક દીકરો કે દીકરી આઠ-દસ હજાર માઇલ દૂર જઇ વસ્યા હોવા છતાં માતાપિતાના પેટનું પાણી પણ હલતું નથી. આજે યુકેની વાત કરીએ તો અહીં કેટલાય પરિવારો એવા છે જેમનું એકનું એક સંતાન - દીકરો કે દીકરી - લંડન, લેસ્ટર, માંચેસ્ટર કે ક્રોલીમાં ઉછર્યા હોય, ભણ્યા હોય અને અત્યારે પોતાની પ્રગતિ માટે ઓસ્ટ્રેલિયા - કેનેડા, અમેરિકા ક્યાંના ક્યાં જઇ પહોંચ્યા હોય.
માબાપ એટલું જ વિચારે છે કે સંતાનના સપનાંને પાંખો આવી છે..? તેની પ્રગતિ થાય છે..? છોને ઉડી જાય... અને તેઓ સંતાનનું સપનું સાકાર કરવામાં રાજીખુશી સાથ આપે છે. સમયની સાથે માતાપિતાની વિચારસરણી પણ બદલાઇ છે, અને ટેક્નોલોજી પણ. આજે ઇન્ટરનેટ - સોશિયલ મીડિયા - લેપટોપ - ટેબ્લેટ - સ્માર્ટફોન સહિત એવી એવી સેવા-સુવિધાઓ હાથવગી છે જે દૂર દેશાવર વસતાં માતાપિતા - સંતાનોને પળભરમાં જોડી આપે છે.
મિત્રો, હું એવા પરિવારને જાણું છું કે જેમનો દીકરો જઇ વસ્યો હોય છેક કેલિફોર્નિયામાં, પણ દરરોજ સવારે તેના માતા કે પિતાને વીડિયો કોલ થકી હાય-હેલો કરી લે છે - તેમના ખબરઅંતર જાણી લે છે. માતાપિતાએ સંતાનને આપેલા સંસ્કારનું આ ફળ છે.
સંતાનને પરિવારમાં જેટલો પ્રેમ મળ્યો હશે, ઉષ્માપૂર્ણ ઉછેર થયો હશે તેટલો જ હૂંફાળો પ્રતિસાદ સંતાન તરફથી મળશે. સંતાન-માતાપિતાના લાગણીભર્યા નેહનાતાનો આવો જ બીજો કિસ્સો કહું તો મેં એવો પરિવાર પણ જોયો છે જેમાં માતા કે પિતા અંતિમ વિસામા તરફ આગળ વધી રહ્યા હોય, હજારો માઇલ દૂર વસેલાં દીકરો કે દીકરી પરત આવવા તત્પર હોય, પણ માતા કે પિતા જ તેમને આગ્રહપૂર્વક પરત આવતા અટકાવે. બિલકુલ પથારીવશ હોય, પણ સંતાન સાથે વીડિયો કોલિંગમાં વાત કરીને રાજીપો માણી લેતા હોય.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે આજના માતાપિતા આજના સમયની - અને સંતાનની - જરૂરતને સમજ્યા છે. તેઓ માને છે કે ચરેવૈતિ ચરેવૈતિ... સનાતન સંસ્કૃતિનો જય જયકાર. (ક્રમશઃ)


