વડીલો સહિત સહુ વાચક મિત્રો, ક્રિસમસ પર્વના આગમન સાથે જ નૂતન વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આનંદ-ઉમંગ-ઉલ્લાસના સપરમા દિવસોમાં આ કોલમ આકાર લઇ રહી છે તેનો સવિશેષ આનંદ છે. આપ સહુએ પણ સ્વજનો સાથે મોજમજા-ઉજવણી કરી હશે, અને હજુ પણ કરી રહ્યા હશો. ન્યૂ યર સેલિબ્રેશન એક દિવસમાં સમેટાઇ જાય એવું તે કેમનું બને?! સેલિબ્રેશનના આ સમયમાં સ્વજનોનો સાથ એટલે જાણે સોને પે સુહાગા... પણ જેઓ એકલા છે - વયસ્ક છે - વંચિત છે - જરૂરતમંદ છે તેમનું કોણ? આ લોકોની સંગાથે આપણા ‘હિન્દુસ્તાની’ સાન્તા ક્લોઝ પહોંચ્યા હતા!
ટ્વીકનહામમાં પટેલ દંપતી શશીભાઇ અને પલ્લુબહેને બે પુત્રો દીપેન - મીતેન સાથે મળીને મીત એન્ડ દીપ ન્યૂઝ નામની પોતાની ચાર દસકા જૂની શોપ પર એકલવાયા વડીલો-વૃદ્ધો સંગાથે ક્રિસમસ પર્વ ઉજવ્યું તો બર્મિંગહામમાં શીખ સંગઠનના સભ્યોએ એકસંપ થઇને આવા જ અન્ય જરૂરતમંદ - વંચિતોને જલસો કરાવ્યો હતો. શાકાહારના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત નીતિન મહેતાની યંગ વેજિટેરિયન પણ દર વર્ષે આ જ પ્રકારે નવા વર્ષની ઉજવણી કરે છે. આ તો આપણે જાણીએ છીએ એવા લોકોની વાત થઇ. મને વિશ્વાસ છે કે આ સિવાય પણ આપણા સમાજના અનેક લોકોએ - સંસ્થાઓએ તહેવારોના આ દિવસોમાં પોતાની સજ્જતા-ક્ષમતા અનુસાર સુખની વહેંચણી કરી હશે. આ જ તો આપણા સનાતન ધર્મની પરંપરા છે.
મિત્રો, આપ સહુને ગ્રેટેસ્ટ શો-મેન રાજ કપૂરની ‘શ્રી 420’નું સદાબહાર ગીત યાદ હશે જ...
મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઇંગ્લિસ્તાની,
સર પે લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની...
ગીતકાર શૈલેન્દ્રજીએ રચેલા અને મુકેશજીના કંઠે સ્વરબદ્ધ થયેલા આ શબ્દો જેવો જ જીવનઅભિગમ આપણા હિન્દુસ્તાનીઓમાં જોવા મળે છે. આપણે ગરવા ગુજરાતી તરીકે એમ પણ કહી શકીએ કે આ બધા કવિ મકરંદ દવેની કાવ્યપંક્તિ ‘ગમતાંનો કરીએ ગુલાલ...’ને સાર્થક કરી રહ્યા છે. મિત્રો, પારકી ભૂમિમાં પારકા લોકોને પોતીકા સમજીને તેમના જીવનમાં આનંદનો ઉજાસ ફેલાવવાનું કામ હિન્દુસ્તાની જ કરી શકે. અને આ કામ લગારેય આસાન નથી. એક નાનો વિચાર અને પ્રયાસ અનેકના જીવનમાં ચેતનાનો સંચાર કરી રહ્યો છે.
મિત્રો, વાત ફિલ્મી ગીતની નીકળી જ છે તો એક આડ વાત ફિલ્મી પરદાની પણ કરી લઇએ. એક જમાનો હતો જ્યારે ફિલ્મ એટલે સહુ કોઇ માટે મનોરંજનનું સસ્તુ અને સરળતાથી સુલભ સાધન. પણ હવે સમય બદલાયો છે. ટીવી અને ઇન્ટરનેટના આગમન સાથે મનોરંજનના વિકલ્પો વધ્યા છે, અને છતાં ફિલ્મ ઉદ્યોગનો દબદબો જળવાયો છે. આ જ કારણ છે કે ફિલ્મ ઉદ્યોગ કરોડોમાં રમી રહ્યો છે. આપણો હિન્દી ફિલ્મ ઉદ્યોગ નામે બોલિવૂડ દુનિયાભરમાં સૌથી વધુ ફિલ્મોના નિર્માણ જાણીતો છે તે સાચું, પણ ફિલ્મદીઠ કમાણીના મામલે હોલિવૂડની ફિલ્મો અબજોમાં આળોટે છે તેનો પણ કોઇ ઇનકાર કરી શકે તેમ નથી.
આ જ કારણ છે કે વિશ્વવિખ્યાત વોર્નર બ્રધર્સ સ્ટુડિયોને ખરીદવા ટોચની કંપનીઓએ હોડ બકી છે. અને વાત 200-400 કરોડની નથી, આંકડો સાંભળીને તમારી આંખ ચાર ચક્કરભમ્મર થઇ જશે. સ્ટ્રીમિંગ બિઝનેસમાં (કહો કે ઇન્ટરનેટ માધ્યમથી થતા પ્રસારણ ક્ષેત્રે) મોખરાનું સ્થાન ધરાવતા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ ખરીદવા થોડા દિવસ પૂર્વે 83 બિલિયન ડોલરની ઓફર કરી હતી. સહુને હતું કે ઓફર જોરદાર છે, સોદો થયો જ સમજો. પણ ના... હોલિવૂડની બીજી ફિલ્મ નિર્માણ કંપની પેરેમાઉન્ટ સ્કાયડાન્સે તેનાથી પણ તગડી ઓફર કરી. તેણે 108 બિલિયન ડોલરની ઓફર મૂકીને મનોરંજન ઉદ્યોગમાં સહુને ચોંકાવી દીધા છે.
વાચકમિત્રો, મનોરંજન ક્ષેત્રે અબજો-ખર્વોની આ ઉથલપાથલ દર્શાવે છે કે મનોરંજનના ક્ષેત્રે ગમેતેટલા વિકલ્પો ઉપલબ્ધ થઇ જાય ફિલ્મ ઉદ્યોગનું આગવું મહત્ત્વ હતું, છે અને રહેવાનું છે. ઇન્ટરનેટની પાંખે સવાર થઇને યુટ્યુબ ભલે મોબાઇલે
મોબાઇલે પહોંચ્યું, પણ ફિલ્મનો દબદબો જળવાયો છે. તેનું આગવું મહત્ત્વ છે.
મને આજેય યાદ છે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોનો એ જમાનો. હું સત્તરેક વર્ષની વયે યુનિવર્સિટીમાં ભણવા વડોદરા પહોંચ્યો હતો. મિત્રો પાસેથી વાતો સાંભળીને સિનેમા હોલમાં ફિલ્મ જોવાની ઇચ્છા તો થાય, પરંતુ ખિસ્સામાં ફદિયાં પણ હોવા જોઇએને... છેવટે બિનાકા ગીતમાલા - અને તે પણ રસ્તા પર ઉભા રહીને કો’કના - રેડિયો પર સાંભળીને સંતોષ દિલ ખુશ કરી લેતો હતો. કદાચ તે વેળા મનમાં વસી ગયેલા ‘મેરા જૂતા હૈ જાપાની...’ ગીતે વિદેશમાં વસવાટ સાથે (જાણ્યે-અજાણ્યે) દિલોદિમાગમાં
આગવું સ્થાન જમાવ્યું, અને વર્ષોના વહેવા સાથે વધુને વધુ મજબૂત બનતું ગયું.
કેટલાક મિત્રો કહે છે કે આજે નેટફ્લિક્સ જેવા સ્ટ્રિમીંગ પ્લેટફોર્મથી લઇને વોર્નર બ્રધર્સ ડિસ્કવરી કે પેરેમાઉન્ટ સ્કાયડાન્સ સહિતના ફિલ્મ સ્ટુડિયો માત્ર મનોરંજક ફિલ્મો જ નહીં, વિવિધ વિષયોની રસપ્રદ ડોક્યુમેન્ટ્રીસ, વિચારદોહન કરતી ફિલ્મી કથા, વેબસિરીઝ, ટીવી પ્રોગ્રામ્સ વગેરેના નિર્માણ માટે પણ આગવી નામના ધરાવે છે, અને કરોડો દર્શકો તેને રસપૂર્વક નિહાળે છે. જ્યારે હિન્દી ફિલ્મોમાં ઢીસૂમ ઢીસૂમ વધુ જોવા મળે છે.
સહુને પોતપોતાનો અભિપ્રાય મુબારક, પણ હું આ વાત સાથે સંપૂર્ણ સંમત નથી. આપણી કેટલીય ફિલ્મો એવી છે જેના કથાવસ્તુથી લઇને ગાયને લોકોના જીવનમાં ક્રાંતિની ચિનગારી પેટાવવાથી માંડીને આશાનું કિરણ સર્જવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. લોકોને જીવનરાહ પણ ચીંધ્યો છે. જ્યારે કોઇ ચોક્કસ સંદેશ દૃશ્ય-શ્રાવ્ય (ઓડિયો-વિઝ્યુઅલ) માધ્યમથી અસરકારક રીતે રજૂ થાય છે ત્યારે તે લોકોના માનસપટલ પર અમીટ છાપ છોડી જતો હોય છે. આપણી કેટલીય ફિલ્મો અને ગીતોનું પણ આવું જ છે.
લ્યો ને... ‘શ્રી 420’ના ‘મેરા જૂતા હૈ જાપાની...’ ગીતની જ વાત કરું. તાજેતરમાં લંડનમાં એક સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. સ્ટેજ પરથી આ ગીત ગવાતું હતું, અને વડીલોથી લઇને જુવાનિયા સુધીના લગભગ 500-700 જણા તેના તાલ પર ઝૂમી રહ્યા હતા. શું આ માત્ર સૂર - તાલ - સંગીતના ત્રિવેણીસંગમનો જાદુ હતો? ના...
‘શ્રી 420’ ફિલ્મ 1955માં રિલીઝ થઇ હતી. સાત દસકા જૂની ફિલ્મનું ગીત હોવા છતાં આજેય તે લોકોના દિલમાં સચવાયું હોવાનું કારણ છે તેના શબ્દોમાં રહેલો જીવનસંદેશ. ગીતના શબ્દો યાદ ન હોય તો આ સાથે આપેલા બોક્સ પર નજર ફેરવી લો... ગીતનો મર્મ સમજાઇ જશે...
ગીતનો સંદેશ એક જ વાક્યમાં કહું તો - માનવજીવન મળ્યું છે તો તેને માણતા શીખો. રાજ કપૂરે પણ ફિલ્મીપરદે મસ્તીભર્યા અંદાજ સાથે જ ગીત રજૂ કર્યું છેને?! જીવનપથ પર ખુલ્લી છાતીએ... હિંમતભેર આગળ વધતા રહો. અડચણ - અવરોધની શંકા-કુશંકા કરીને બેસી રહેવાની જરૂર નથી. સઘળી ચિંતા ઉપરવાળા પર છોડી દો. તે બધું જૂએ છે, જાણે છે અને સમય આવ્યે તમને સંભાળી પણ લેશે. તમારે તો એક યાત્રિકની જેમ નિયત પથ પર, તોફાની દરિયાના મોજાની જેમ પૂરજોશથી આગળ વધતા રહેવાનું છે.
આપણે સહુકોઇએ યાદ રાખવું રહ્યું કે જીવન છે તો સુખ પણ મળવાનું છે ને દુઃખ પણ આવશે. દુઃખમાં ડગી જવાની જરૂર નથી, ને સુખમાં છકી જવાની જરૂર નથી. ચઢતી પણ જોવા મળશે ને પડતી પણ... મુશ્કેલી-આપત્તિઓથી ડરી જઇને હામ હારીને બેસી જવું એ તો નાદાન લોકોની નિયતિ છે. લક્ષ્યની દિશામાં અવિરત આગળ વધતા રહો. ચરૈવતી... ચરૈવતી... ચાલતા રહો, બસ ચાલતા જ રહો. થાકી-હારીને બેસી પડવું એ તો મોતસમાન છે. જીવનનો અર્થ છે અવિરત આગેકૂચ... આગેકૂચ... અને આગેકૂચ... આ છે આપણા સૌ માટે સનાતન સંદેશ. નવા વર્ષમાં આપણા સહુનો જીવનમંત્ર આ જ હોવો જોઇએ. હેપ્પી ન્યૂ યર... (ક્રમશઃ)
•••
મેરા જૂતા હૈ જાપાની...
ફિલ્મઃ શ્રી 420
(• સંગીતકારઃ શંકર-જયકિશન • ગીતકારઃ શૈલેન્દ્ર • ગાયકઃ મુકેશ)
મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઇંગલિસ્તાની
સર પે લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની
મેરા જૂતા...
નિકલ પડે હૈં ખુલી સડક પર
અપના સીના તાને - (2)
મંઝિલ કહાં કહાં રુકના હૈ
ઊપર વાલા જાને - (2)
બઢતે જાયેં હમ સૈલાની, જૈસે એક દરિયા તૂફાની
સર પે લાલ...
ઊપર નીચે, નીચે ઊપર
લહર ચલે જીવન કી - (2)
નાદાં હૈં જો બૈઠ કિનારે
પૂછેં રાહ વતન કી - (2)
ચલના જીવન કી કહાની, રુકના મૌત કી નિશાની
સર પે લાલ...
હોંગે રાજે રાજકુંવર હમ
બિગડે દિલ શહઝાદે - (2)
હમ સિંહાસન પર જા બૈઠે
જબ જબ કરેં ઇરાદે - (2)
સૂરત હૈ જાની પહચાની, દુનિયા વાલોં કો હૈરાની
સર પે લાલ...
•


