ચૂંટણીનો રોમાંચ તો સમાપ્ત થયો... હવે શું?

Wednesday 18th December 2019 08:34 EST
 
 

વડીલો સહિત સર્વે વાચકમિત્રો,
લગભગ ૧૦૦ વર્ષ પછી યુકેમાં હાઉસ ઓફ કોમન્સ માટે સામાન્ય ચૂંટણીઓ ઠંડા, વાદળભર્યા અને વરસાદ સાથેના શિયાળા મધ્યે યોજાઈ હતી. યોગ્ય પ્રચાર થશે કે કેમ અને મતદારો પણ ઉલટભેર મતદાન કરવા જઈ શકશે કે નહિ તેનો અજંપો અને ઉચાટ પણ હતા. ૧૨ ડિસેમ્બર, રાત્રિના ૯.૫૯ કલાકે તો મોટા ભાગના બ્રિટિશરો તેમના ટેલિવિઝન સેટ્સ સામે જાણે ચોંટી ગયા હતા. સામાન્ય લાગણી એવી હતી કે લેબરનેતા જેરેમી કોર્બીન ટોરી પાર્ટીને સત્તાસ્થાનેથી ઉખાડી ફેંકશે અને ડાઉનિંગ સ્ટ્રીટમાં પહોંચી જશે.
બરાબર ૧૦.૦૦ના ટકોરે બીબીસીએ એક્ઝિટ પોલ્સની આગાહીઓ જાહેર કરી અને બોરિસ જ્હોન્સન (બોજો)ની કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૬૮ બેઠકની ઉદાર હાથે લહાણી કરી નાખી. ગણતરીના કલાકોમાં પાઉન્ડ સ્ટર્લિંગ મજબૂત બની ગયો. એમ મનાય છે કે યુકે અને પરદેશના રોકાણકારોને બ્રિટિશ કંપનીઓ, પ્રોપર્ટીઝ તેમજ અન્ય ઉદ્યોગોમાં રોકાણો કરવા પ્રોત્સાહિત થયા છે. સામાન્યપણે ઝીણું કાંતનારા ફાઈનાન્સિયલ ટાઈમ્સે પણ શનિવારે આગાહી કરી કે આર્થિક પ્રવૃત્તિઓ અને પરિણામ સ્વરુપ રોજગાર અને વિશેષ તો પ્રોપર્ટીના ભાવ ટુંક સમયમાં ઊંચે જવા લાગશે.
હવે ચાન્સેલર સાજિદ જાવિદ ફેબ્રુઆરી ૨૦૨૦માં નવુ બજેટ રજૂ કરશે. પરંતુ આપણે સ્વીકારવું જોઈએ કે બ્રિટનમાં તેમજ બ્રસેલ્સમાં યુરોપિયન કમિશન અને વિદેશમાં પણ રાજકારણ તેમજ આર્થિક વાતાવરણમાં ભારે પરિવર્તન જોવા મળશે. આ કેવી રીતે આવશે તે કેટલાક ગંભીર મંથન અને ભવિષ્યના અભ્યાસ ગ્રંથોનો વિષય બની રહેશે.
કોઈ પણ ઘટનાક્રમ અથવા પ્રયાસમાં નેતાનું વ્યક્તિત્વ અને ચારિત્ર અતિ મહત્ત્વપૂર્ણ બની રહે છે. હું ચારિત્રની વાત કરું ત્યારે તેનો અર્થ અંગત બાબતો સંદર્ભે નથી. આપણે અહીં બોરિસની જ વાત કરીએ. તેમનો ઉછેર બ્રસેલ્સમાં થયો છે, તેમના પિતા યુરોપિયન કમિશનમાં વરિષ્ઠ સભ્ય હતા. બોરિસે ‘ઈંગ્લેન્ડના સદ્ગૃહસ્થોની નર્સરી’ ગણાતી ઈટન સ્કૂલ પછી ઓક્સફર્ડમાં અભ્યાસ કર્યો છે. અહીં જ તેમણે મક્કમ નિર્ધાર જાહેર કર્યો હતો કે તેઓ એક દિવસ યુકેના પ્રાઈમ મિનિસ્ટર બનશે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તેમની પાસે મહત્ત્વાકાંક્ષા, નિર્ધાર હોવાની સાથોસાથ પોતાની આસપાસ સમાન વિચાર ધરાવનારાઓનું જૂથ એકત્ર કરવાનું કૌશલ્ય પણ હતું.
ચૂંટણીપ્રચાર દરમિયાન, બોજોને અનેક વિશેષણોથી નવાજાયા હતા. તેમના માટે તકવાદી, વિશ્વાસઘાતી, સ્ત્રીઓની સમસ્યા ધરાવતો પુરુષ તેમજ અનેક રંગીન વિશેષણોનો ઉપયોગ કરાયો, જેનો ઉલ્લેખ મારી કોલમ માટે યોગ્ય નથી. જોકે, બોજો અર્જુનની માફક એકલક્ષી હતા. તેમના માટે એક માત્ર બ્રેક્ઝિટનું લક્ષ્ય નથી પરંતુ, પોતાના દેશના ઈતિહાસમાં સિક્કો લગાવવાનું છે. તેમણે લંડનના મેયર તરીકેની બે ટર્મમાં ઘણી સારી કામગીરી બજાવી હતી. તેમણે લંડનને વિશ્વની ઈન્વેસ્ટમેન્ટ રાજધાનીમાં ફેરવી નાખ્યું હતું. ગત થોડાં વર્ષોમાં પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટમાં જે ઉછાળો આવ્યો છે તે બોરિસ જ્હોન્સનના પ્રયાસોને જ આભારી છે.
એમ કહેવાય કે યુદ્ધ અને પ્રેમ (અહીં રાજકારણ)માં બધું જ વાજબી છે. સત્તા અથવા તો દેશ પર શાસન કરવા માટે બોજો અને તેમની ટીમનો પ્રચાર તદ્દન કઠોર બની રહ્યો. ડોમિનિક કમીંગ્સ અને ઈસાક લેવિડોના સંચાલન હેઠળ વિવિધ કુશળતા, આક્રમકતા અને ચોટદાર સૂત્રો (સ્લોગન્સ) ઉપયોગમાં લેવાયાં. આખરે જે અશક્ય જણાતું હતું તે બોજો અને તેમના સમર્થકોએ વાસ્તવમાં સાકાર કર્યું.
બ્રેક્ઝિટ તો થઈને જ રહેશે. વડા પ્રધાનના સંકેત કે વચન અથવા કોઈની અપેક્ષા મુજબ તે કદાચ ઝડપથી ના પણ થાય. ટ્રાન્ઝિશન સમયમર્યાદા કદાચ લંબાઈ શકે છે. ઈયુના બાકી રહેલા વર્તમાન ૨૭ સભ્ય દેશ સાથે જ નહિ, વિશ્વના અનેક દેશો સાથે વેપાર કરારો કરવાની અતિ જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું છે. બ્રિટિશરો અચલ અડગતા ધરાવે છે. કોઈના પર કેવી રીતે પ્રભાવ પાથરવો અને વિરોધીઓને કેવી રીતે મિત્રો બનાવી લેવા, તે બરાબર જાણે છે.
આજે સમગ્ર બ્રિટનમાં આશાવાદ, ઉમ્મીદ અને આત્મવિશ્વાસ છવાયેલાં છે. દાયકાઓ સુધી લેબર પાર્ટીના વફાદાર સમર્થકો રહેલા અથવા કહીએ તો કન્ઝર્વેટિવ પાર્ટીને નફરત કરનારાઓએ પણ તેમને ખોબલા ભરીને મત આપ્યા છે. હવે તો ૮૦ વર્ષથી લેબર પાર્ટીનો કિલ્લો રહેલી કેટલીક બેઠકો ટોરી પાર્ટી હસ્તક આવી છે. આ ચૂંટણીમાં લેબર પાર્ટીનો પરાજય ૧૯૩૫ પછીનો સૌથી ખરાબ પરાજય છે. હોશિયાર કહો કે કુટિલ, ચાલબાજ કહો કે પ્રતિબદ્ધ, તમે ગમે તે કહી શકો છો, બોજો કન્ઝર્વેટિવ્ઝને મત આપનારા પરંપરાગત લેબર સમર્થકોનો આભાર માનવા શનિવારે નોર્થ ઈંગ્લેન્ડના સેજફિલ્ડ (ટોની બ્લેરની અગાઉની બેઠક) પણ પહોંચી ગયા. તેમણે લોકોને ખાતરી આપી કે તેમના વિશ્વાસનો ચોક્કસ બદલો વાળશે.
વાચકમિત્રો, હવે આપણે રાષ્ટ્રીય રાજકારણના વિહંગાવલોકન પછી મહત્ત્વની ચિંતાના વિષય તરફ પાછા વળીએ. લેબર પાર્ટીને જોરદાર ધક્કો વાગ્યો તેનું કારણ તેમની નેતાગીરીના યહુદીવિરોધી અને ભારતવિરોધી વલણો પણ છે. આ ઉપરાંત, ૪૦૦ બિલિયન પાઉન્ડ જેવો ગંજાવર ખર્ચ કરવાના કટ્ટર ડાબેરી પાંખના ‘ખર્ચો ખર્ચો અને બસ ખર્ચો જ’ના એજન્ડાએ ઘણા મતદારોને લેબર પાર્ટીની આર્થિક રણનીતિ બાબતે શંકાશીલ બનાવ્યા અથવા અવિશ્વાસ જાગવાથી તેમનાથી દૂર ભગાવ્યા.
એશિયન કોમ્યુનિટીની જ વાત કરીએ તો સમગ્ર દૃશ્ય ખુદ સ્પષ્ટ છે. હાઉસ ઓફ કોમન્સમાં ૨૦થી વધુ મુસ્લિમ સાંસદ છે. હું રાજકારણમાં ધર્મને લાવી રહ્યો નથી પરંતુ, તમામ ફિરકાઓના બ્રિટિશ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતી માન્ય સંસ્થા મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન દ્વારા ગત સોમવારે કહેવાયું હતું કે મોટા ભાગના લેબર પાર્ટીમાંથી અને અન્ય પક્ષો સાથે થઈને ૨૪ મુસ્લિમ સાંસદો ચૂંટાવાની તેમની ધારણા છે.
મને કહેવાયું છે કે ૨૦ જેટલા મુસ્લિમ સાંસદ મુખ્યત્વે પાકિસ્તાની પશ્ચાદભૂ સાથે અને કેટલાક બાંગલાદેશ અને કેટલાક મિડલ ઈસ્ટની પશ્ચાદભૂ સાથેના છે. મારી જાણ અનુસાર તેમાં ભારતીય મૂળના કોઈ મુસ્લિમ નથી. જો હું ખોટો હોઉં તો મને જણાવવા વિનંતી.
ભારતીય મૂળના ૧૫ જેટલા સાંસદ ચૂંટાયા છે, ૧-૨ શીખ છે, ચારેક ક્રિશ્ચિયન છે અને આશરે ૬ અથવા ૭ હિન્દુ પશ્ચાદભૂ સાથેના છે. સત્તાની બ્રિટિશ કુંજગલીઓમાં ભારતીયોનું પ્રમાણ ઘટતું જતું હોવાની વાતો ચાલતી રહી છે. કેટલાક લોકો વર્ષમાં બે વખત જાહેર કરાતા ક્વીન્સ ઓનર્સ લિસ્ટમાં પણ બ્રિટિશ ભારતીયોની સંખ્યા ઘટતી હોવા વિશે પણ આમ જ કહે છે. આ મુદ્દો કોમ્યુનિટી વિશે ચિંતા રાખતા લોકોને યોગ્યપણે વિચારવા અને આયોજન કરવાની પ્રેરણા આપી શકે છે.
જ્યુઈશ કોમ્યુનિટીનું સારું પ્રતિનિધિત્વ ૧૫૦ કરતા વધુ વર્ષથી બ્રિટિશ બોર્ડ ઓફ જ્યુઅરી દ્વારા કરવામાં આવે છે. મુસ્લિમો પાસે પણ મજબૂત, સારું ભંડોળ ધરાવતી અને કાર્યક્ષમ સંસ્થા મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન છે. તેને માત્ર મુસ્લિમો દ્વારા જ સહાય મળતી નથી, વર્ષો દરમિયાન બ્રિટિશ સરકારો પાસેથી પણ તેને કરોડો પાઉન્ડની ફાળવણી કરાતી રહે છે.
તમામ બ્રિટિશ હિન્દુઓ અથવા બ્રિટિશ શીખો માટે અવાજ ઉઠાવે તેવી કોઈ એક સંસ્થા કે સંગઠન નથી. આવી સંસ્થાની ગેરહાજરી વિશે ખરેખર વિચારવા જેવું છે.
ગમે તે હોય, આખરે તો આ દેશ, આપણા વતન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા, આજે અને આપણા વંશજો માટે પણ છે તેની સરખામણીએ આપણી જાતિ, ધર્મનું મહત્ત્વ ઓછું છે. આપણે જાહેર જીવન અને ખાસ કરીને રાજકારણમાં સક્રિય, નોંધપાત્ર અને પ્રભાવશાળી ભૂમિકા ભજવવી પડશે. જો આપણે આમ નહિ કરીએ તો, ફિજી, ગયાના, યુગાન્ડા તેમજ અન્ય દેશોમાં સફળ ભારતીય ડાયસ્પોરાની શું હાલત થઈ તે મારે યાદ અપાવવાની જરૂર લાગતી નથી. ઈતિહાસની ઘડિયાળના કાંટા ફરતા જ રહેવાના છે. ટિક ટિક કરતી ઘડિયાળ સામે જોઈને બેસી રહેવાનો કોઈ અર્થ નથી. કશું તો કરવું જ રહ્યું. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter