વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખના મથાળામાં લખેલા શબ્દ ફરી એક વખત ધ્યાનથી વાંચી લો તો... આ શબ્દો - પંક્તિનો જે ભાવ - મર્મ છે તેમાં સનાતન સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત સમાયેલો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી, પણ ખાટલે મોટી ખોડ એ છે કે કાળક્રમે તેના અર્થઘટનમાં અને વ્યવહારમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કે ઉલ્ટાસુલ્ટી જોવા મળે છે. આજના યુગમાં પશ્ચિમી જગતમાં ક્લાસ એટલે કે તમે ક્યા વર્ગના છો, આવક - શિક્ષણ - રહેઠાણ વગેરેની બોલબાલા છે. જ્યારે ભારતવર્ષની સમાજવ્યવસ્થામાં કાસ્ટ એટલે કે જ્ઞાતિ-જાતિનું (અનિચ્છનીય) મહત્ત્વ જોવા મળી રહ્યું છે. દેશમાં જ્ઞાતિ-જાતિના મામલે જે પ્રકારે વાદવિવાદ અને વિભાજન થાય છે, ઉશ્કેરાટ ફેલાવાય છે તેના વિપરિત પરિણામ આપણે જોઇ શકીએ છીએ. આ બાબતે સમય વર્ત્યે સાવધાન થઇ જવાની જરૂર છે. જો સમાજ જાતે, ખાસ કરીને યુવા પેઢીથી માંડીને વડીલો - માતાઓ સહુકોઇ, જો યોગ્ય અભિગમ નહીં કેળવે તો ભારે ખતરાજનક આંતરિક વિધ્વંસ થવાનો ભય છે.
ઈંગ્લેન્ડના મિડલ્સબરો નામના નગરમાં છેલ્લા પાંચ દિવસથી એક વિચિત્ર પ્રકારનું ધમસાણ થયું છે. મિડલ્સબરો એ નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં આવેલ એક પરગણું છે ત્યાંના પાંચ યુવકો બેફામ ગતિથી ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. ખોટા ઉંધા માર્ગે ધમધમાટ કાર ચલાવી ભીષણ એક્સિડન્ટ કર્યો. બે પોલીસવાળાના મોત થયા, કારમાં બેઠેલા પાંચેય યુવાનો પણ માર્યા ગયા. સાત જણાનો જીવ લેનાર આ દુર્ઘટના દુઃખદ છે, પરંતુ તેના પછી જે બની રહ્યું છે તે વધુ ત્રાસજનક અને ખતરાજનક છે. ગયા મંગળવારે એ વિસ્તારમાં યુવકોના ટોળાં એટલા બધા હિંસક બન્યા કે 200 સશસ્ત્ર પોલીસ ઉતારવી પડી. આ એક નાનો દાખલો છે.
અમેરિકા કે અન્ય દેશોમાં પણ આ કથિત વિભાજન ક્લાસના કારણે કે કાસ્ટના કારણે થઇ રહ્યું છે. ક્લાસના કારણે થતું હોય કે કાસ્ટના કારણે, વિભાજન એ આખરે તો વિભાજન જ હોય છે, અને તેની અસરો પણ ચોક્કસપણે વિધ્વંસક જ હોય છે. વર્કિંગ ક્લાસ, લેબર ક્લાસ, હાયર ક્લાસ, મીડલ ક્લાસ એટલે શું? સદ્ભાગ્યે ભારતવર્ષમાં તેમજ વિશ્વપટલ પર ફેલાયેલા ભારતીય સમુદાયમાં મહદ અંશે જ્ઞાતિ અંગે કંઇક સાચો ખ્યાલ પ્રવર્તતો જોવા મળે છે. પણ કેટલાક અંશે હજુ પણ એવી ઘટનાઓ બનતી રહે છે કે આ અટક - આ ઘટક - આ નામ કે આ ગામ, આ જ્ઞાતિ ને આ જાતિ, આ કહેવાતો ઊંચો અને આ કહેવાતો નીચો... કહેવાતી ઊંચી જ્ઞાતિવાળાને કોલર ઊંચા કરવાનું મન થાય, પણ આ કહેવાતી નીચી જ્ઞાતિવાળાની જે માનહાનિ થાય છે, તેમને જે આપત્તિજનક દુખ થાય છે તેનો કદી કોઇએ વિચાર કર્યો છે ખરો? કોણ કઇ જ્ઞાતિમાં જન્મ્યો તે પોતાની પસંદગીનો પ્રશ્ન નથી.
વાચક મિત્રો, સાચું કહું તો સમયના વહેવા સાથે આપણી જે જ્ઞાતિ વ્યવસ્થા ઉદભવી છે તેની આખી પ્રક્રિયા જ આપણે સમજી શક્યા નથી. ખેડૂત હોય તે ખેતી કરે, સુથાર, સોની, મોચી, કુંભાર, લુહાર એ અલગ અલગ પ્રકારનું કૌશલ્ય ધરાવે. જે ધાતુ કે લાકડાનું કામ કરે તે વિશ્વકર્મા કહેવાય, જે માટીના પીંડને આકાર આપવાનું કામ કરે તેને પ્રજાપતિ કહેવાય. વેપાર કરે તેને વૈશ્ય કહેવાય. રક્ષણ કહે તેને ક્ષત્રિય કહેવાય. અને શુદ્રની બાબતમાં તો ખરેખર આપણા સમાજમાં અંધાધૂંધી ચાલે છે. શુદ્ર એટલે ગંદકી એકત્ર કામ કરવાનું કરે તે નહીં, શુદ્ર એટલે એક યા બીજા કારણસર અશિક્ષિત હોય, વ્યાવસાયિક નિપુણતાના અભાવે જેને છૂટક કામ કરવાની ફરજ પડતી હોય. આને આપણે લેન્ડલેસ લેબર (જમીનવિહોણા મજૂર) પણ કહી શકીએ. શુદ્ર એટલે શ્રમીક, શ્રમજીવી.
આ સંદર્ભે જોઇએ તો અત્યારે સમય પાક્યો છે જરીપુરાણી અને અતાર્કિક માનસિકતા બદલવાનો. ખાસ કરીને ભારતીય સમાજમાં. દેશદેશાવરમાં આ જે ખોટી વ્યાખ્યા પ્રવર્તે છે, જે ખોટી સમજ મગજમાં છપાઇ ગઇ છે તેને ફગાવી દેવામાં જ સમજદારી છે. જો દૃષ્ટિ બદલાશે તો સૃષ્ટિ પણ બદલાશે, અને વંચિત - તરછોડાયેલો સમાજ પ્રત્યેનો આપણો અભિગમ પણ.
જો આમ નહીં થાય તો સનાતન સંસ્કૃતિની અનેકવિધ ઉપલબ્ધિઓ ઝંખવાઇ જશે. સર્વજન હિતાય, સર્વજન સુખાય... કંઇ ઠાલા શબ્દો માત્ર નથી. ઇશ્વરે - પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ આપ્યો તે વેળા કોઇ ભેદભાવ નથી દાખવ્યો તો જ્ઞાતિ-જાતિના નામે અલગ અલગ ચોકા ઉભા કરનારા આપણે કોણ? હા, અલગ અલગ પ્રદેશની અલગ અલગ આબોહવાના કારણે માણસના રંગરૂપ - કદકાઠીમાં ફરક હોઇ શકે છે, પણ આખરે તો માણસ એટલે માણસ. ઊંચ શું અને નીચ શું? પણ માણસ બનવું આવશક્ય છે.
લેખના મથાળામાં ટાંકેલી પંક્તિઓ ‘સત્યવાદી હરિશ્ચંદ્ર’ ફિલ્મની છે. 1948માં બનેલી ફિલ્મમાં કહેવાયેલી આ વાત આજે પણ આપણા સમાજને એટલી જ લાગુ પડે છે.
જગતપિતાની વિશ્વવાડી, આ માનવપુષ્પે ખીલી રહી,
માનવમાત્ર પ્રભુના બાળક, ઊંચ નહીં કોઇ નીચ નહીં.
મનુષ્યમાત્ર પ્રત્યે આ સાચી સમજ કેળવશું તો ભાઇચારો વધશે તેમાં બેમત નથી. છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં ફરી એક અનામતનો મુદ્દો ચર્ચામાં છે. એક વર્ગ તેનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યો તો બીજા વર્ગે અનામતની તરફેણમાં ઊંચા અવાજે પોતાનો તર્ક - દલીલો રજૂ કર્યા. સાચી વાત તો એ છે કે અનામતનો વિરોધ કે તરફેણ કરવાના બદલે અનામતના મુદ્દાને યોગ્ય દૃષ્ટિકોણ - વાજબી પરિપ્રેક્ષ્યમાં સમજવાની જરૂર છે. રાજકીય નેતાઓ શું કહે છે તે નહીં, આજે સમયની શું માંગ છે તે વિચારવાની જરૂર છે.
દેશના સામાજિક તાણાવાણાંના અભ્યાસુ સમાજશાસ્ત્રીઓથી લઇને દેશની આર્થિક ગતિવિધિઓ પર નજર રાખતા અર્થશાસ્ત્રીઓ પણ અનેક વખત કહી ચૂક્યા છે કે મહાત્મા ગાંધીજીએ જ્યારે સાબરમતી આશ્રમમાંથી અસ્પૃશ્યતા નિવારણ સામે જંગ છેડ્યો ત્યારે તેના મૂળમાં તો એક જ ઉદ્દેશ હતો - વંચિતોના સર્વાંગી વિકાસનો. તેઓ માનતા હતા કે સમાજના પાછળ પડી ગયેલા વર્ગને છે તેને કંઇક વિશેષ સવલત આપવી જોઇએ, નોકરીધંધામાં - શિક્ષણમાં તેમના માટે કંઇક અનામત વ્યવસ્થા હોવી જોઇએ જેથી તેમનું જીવનધોરણ સુધરે. જો સમાજ પાછળ પડી ગયેલાને સહારો નહીં આપે તો તેઓ વધુને વધુ પાછળ પડતા જશે.
ગાંધીજીનો ઉદ્દેશ ઉમદા હતો તેમાં શંકાને કોઇ સ્થાન નથી. વંચિતોના સર્વાંગી વિકાસ માટે સમાજે વિશેષ વ્યવસ્થા કરવી જ જોઇએ. પણ આપણા રાજકારણીઓએ શું કર્યું?! પોતપોતાની વોટબેન્કને જાળવવા કે મજબૂત બનાવવા માટે અનામતમાં અલગ અલગ અલગ જ્ઞાતિઓ ઉમેરતા ગયા. વર્ષોના વહેવા સાથે આજે સ્થિતિ એવી થઇ છે કે ભારતના મોટાભાગના રાજ્યોમાં સરેરાશ 60 ટકા વિવિધ જ્ઞાતિઓ માટે અનામત છે! અમુક રાજ્યોમાં તો આ ઉપરાંત પણ જુદી જુદી જોગવાઇ હેઠળ 5 - 10 ટકાનું અનામત છે. આ બધાના પરિણામે બીજી અમુક જ્ઞાતિઓ કે જે ‘સવર્ણ’ કહેવાય છે તેમને તો અન્યાય થઇ જ રહ્યો છે, પરંતુ અનામત લાભાર્થી જ્ઞાતિઓની લાંબીલચ્ચ યાદીના કારણે તેમને પણ પૂરતો લાભ મળતો નથી.
વંચિતોના - નબળા વર્ગના વિકાસ માટે અનામતની જોગવાઇ હોવી જોઇએ તેમાં કોઇ બેમત હોઇ શકે નહીં, પરંતુ તેનો પાયાનો માપદંડ જ્ઞાતિ-જાતિ નહીં, આર્થિક માપદંડ હોવો જોઇએ. જેમની આવક ઓછી છે, જેઓ એક યા બીજા કારણસર આર્થિક રીતે પાછળ પડી ગયા હોય તેમને આપણે - સમાજે ખભો આપવો જોઇએ. હું સ્પષ્ટપણે માનું છું કે આપણા સમાજે સમયસર જાગવાની જરૂર છે, અનામત મામલે અભિગમ બદલવાની જરૂર છે. અનામત વ્યવસ્થા માટે જ્ઞાતિને નહીં, વ્યક્તિની આવક - જીવનધોરણને મુખ્ય માપદંડ બનાવવાની જરૂર છે. દેશ આર્થિક મોરચે જરૂર હરણફાળ ભરી રહ્યો છે, પરંતુ આ વિકાસ - આગેકૂચ સર્વસમાવેશક હોવો જોઇએ, સમાજના દરેક વર્ગને આવરી લેતો હોવો જોઇએ. (ક્રમશ)


