જીવંત પંથ કે જીવંત પથ

જીવંત પંથ-2 (ક્રમાંક-8)

સી.બી. પટેલ Wednesday 10th August 2022 05:31 EDT
 

વડીલો સહિત સૌ વાચક મિત્રો, આજે આપણા એકપક્ષી સંવાદની શરૂઆત લેખમાળાના શિર્ષક બાબતની યોગ્ય ગણાય. સજ્જન અને વર્ષોજૂના જાગ્રત વાચકે મને પૂછ્યછયું કે તમે કોલમનું નામ જીવંત પંથ કેમ રાખ્યું? જીવંત પથ કેમ નહીં? જરાક ફોડ પાડોને?! કોઇ નવો પંથ-બંથ શરૂ કરવાનો વિચાર હતો કે શું? જરાક મલકાટ સાથે મારા મોંમાંથી શબ્દો સરી પડ્યાઃ ભલા માણસ, આટલા વર્ષથી આ અખબાર વાંચો છો, આ કોલમ વાંચો છો ને કંઇ નહીં આજે કેમ તમારા મનમાં આ પ્રશ્ન ઉઠ્યો. સામો તેમનો જવાબ આપ્યો હતોઃ આ તો જરીક એમ જ, મનમાં પ્રશ્ન ઉઠી ગયો...
વાચક મિત્રો, તેમના મનમાં ભલે ‘એમ જ’ પ્રશ્ન ઉઠી ગયો, પણ મને આ મામલે જરીક ફોડ પાડવા દો. વાત એમ છે કે મારું શબ્દભંડોળ માત્ર અને માત્ર સાક્ષરી નથી. મેં ગુજરાતી મુખ્ય વિષય સાથે ભલે બીએ કે એમએ કર્યું નથી, પણ મારી માતૃભાષા ગુજરાતી છે. હાઇસ્કૂલ સુધી ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો. બાદમાં વડોદરા યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં પણ ફર્સ્ટ યરમાં ગુજરાતી વિષય (સબ્જેક્ટ) ભણ્યો છું. 1954ની આ વાત છે. સદભાગ્યે તે વેળા મોટા ગજાના કવિ-લેખક-ચિંતક શ્રી સુરેશ જોષી અમારા લેક્ચરર હતા. તેમણે અમને જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા હાસ્યનવલ ‘અમે બધા’નો અભ્યાસ કરાવ્યો હતો. તેમાં ઉલ્લેખિત સમાજજીવન પાછળનો દૃષ્ટિકોણ સમજાવ્યો હતો. આ મારો ગુજરાતી ભાષાનો પાયો.
વળી, મને ગુજરાતી ગીત-સંગીત, ભજનો, દુહા વગેરેમાં પણ નાનપણથી જ વિશેષ રસ-રુચિ, ખાસ લગાવ. ત્રીસેક વર્ષ પૂર્વે મેં ભગવદ્ ગોમંડળના નવ ગ્રંથોનો પૂરો સેટ વસાવ્યો હતો. આ ગ્રંથ માટે એટલું જ કહી શકાય કે ભગવદ્ ગોમંડળ એટલે ગોંડલનરેશ ભગવતસિંહજીએ માતૃભાષા ગુજરાતીની કરેલી ઉત્તમ સેવાનું પ્રતીક. આજે પણ અવસર મળ્યે આ ગ્રંથ પર નજર ફેરવી લઉં છું. આ બધી વાતો થઇ મારા ગુજરાતી ભાષા માટેના લગાવની. હવે વાત કરીએ જીવંત પંથ શબ્દની...
મેં વર્ષોપૂર્વે એક ભજન સાંભળ્યું હતું. ના તો તેના રચયિતાનું નામ જાણું છું, અને ના તો આખું ભજન જાણું છું, પણ ભજન સાંભળ્યું તે સાથે જ તેની એક પંક્તિ મારા હૃદયમાં કોતરાઇ ગઇ હતી. તે શબ્દો હતાઃ જીવન પંથ ખૂટે ના મારા... અને કોલમનું નામ નક્કી કરતા સમયે મેં જીવન શબ્દને ‘જીવંત’ કર્યો. કારણ માત્ર એટલું જ હતું કે આપણો આ સંવાદ ભલે એકપક્ષી હોય, પરંતુ જીવંત તો ખરો જને?! નજરે જોયેલું, કાને સાંભળેલું, અને અંતરાત્માએ અનુભવેલું... બધેબધું આ કોલમમાં વ્યક્ત થાય છે. આપ સહુ જાણો છો એમ કોલમમાં રોજબરોજની વાતોની ગોઠડી હું માંડુ છું. કોઇ વિષય છેડું છું. કોલમ શરૂ થઇ અને પહેલા ‘ગણપતિ’ બન્યાં આદરણીય કોકિલાબહેન. રહી વાત ‘પંથ’ની, તો એટલું જ કહેવું રહ્યું કે ધાર્મિક વિચારસરણી સાથે આને કોઇ નાતો નથી. મેં લખવાનું શરૂ કર્યું, અને આપ સહુએ પ્રેમથી વધાવ્યું... મારું તો જીવન ધન્ય થઇ ગયું.
ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, વધુ ચોક્સાઈ સાથે
આ કોરોના કાળના બે વર્ષ દરમિયાન આપણે સહુ પોતપોતાના આરોગ્ય અને જીવનશૈલી માટે વધુ જાગ્રત થયા છીએ તેમ કહી શકાય. સુખાકારી એટલે તન - મન (અને ધનનો પણ) સોનેરી સંગમ. તન અને મન એક તાંતણે બંધાય તો જ જીવનમાં સુખશાંતિ વર્તાય. આથી જ લોકો તન-દુરસ્તી માટે કસરત કરતા થયા છે અને મન-દુરસ્તી માટે યોગ કરતા થયા છે. આ આવકાર્ય અભિગમ છે. હમણાં એક સ્વજને બહુ લાગણીપૂર્વક કહ્યુંઃ સી.બી., આજકાલ જાહેર કાર્યક્રમો - સમારંભો કે સારા-માઠા પ્રસંગે ઓછા જોવા મળો છો. આશા છે કે તબિયત સારી જ હશે.
વાચક મિત્રો, બંદાની તબિયત ટનાટન છે, પણ સારા-માઠા પ્રસંગે ઓછી હાજરી આપી રહ્યો છું તે વાત સાચી.
આના માટે એક કરતાં વધુ કારણો જવાબદાર છે. અમારું નવું નિવાસસ્થાન સેન્ટ્રલ લંડનથી સહેજ દૂર છે. સેન્ટ્રલ લંડન પહોંચવા ઓછામાં ઓછો કલાકેકનો પ્રવાસ ટ્રેનમાં કરવો પડે. વળી, ડ્રાઇવિંગ તો વર્ષોથી છોડી દીધું છે. અને ઉંમર ભલે બહુ મોટી ન થઇ હોય, પરંતુ નાની તો નથી જ! 86મું ચાલે છે, અને તે પણ ‘કાયમી મિત્ર’ (ડાયાબિટીસ)ની સંગાથે. આથી થોડીક કાળજી રાખવી જરૂરી છે. સારા-માઠા પ્રસંગે જવાનું જરૂરી હોય છે તો પણ જઇ શકતો નથી તેનો હંમેશા અફસોસ રહે છે.
વ્યક્તિની વય ભલે ગમેતેટલી કેમ ન હોય, પરંતુ આરોગ્ય અને જીવનશૈલી વિશે સભાનતા જરૂરી છે. નિરામય જીવન તો જ શક્ય છે. આજે આ ઉંમરે પણ દરરોજ આઠ-દસ કલાક આપણા અખબારનું, જનહિતનું, વાંચનલેખનનું કામ કરી શકું છું તેને હું પરમ કૃપાળુ પરમાત્માની કૃપા સમજું છું. સાથે સાથે જ હું મારા પરિવારજનો અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હરહંમેશ મદદરૂપ થતા સાથીદારોનો આભારી છું. મારા સારા આરોગ્ય માટે તેઓ જશના અધિકારી છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
વીતેલા 40 વર્ષમાં મેં જીવનશૈલીમાં ઘટિત ફેરફાર કરવાનું આવશ્યક માન્યું છે, અને તેને અનુસરી રહ્યો પણ છું. 1966માં કાયદાશાસ્ત્રી બનવાની મહેચ્છા સાથે બ્રિટનમાં આવ્યો. સરસ્વતીની આરાધના કરતા કરતા લક્ષ્મીજીની કૃપાની અગત્યતા સમજાઇ. ઇરાદો નેક હતો અને હૈયે હામ હતી તો વિકલ્પો પણ અનેક મળ્યા. એકંદરે ઠરીઠામ થયો. તે ગાળામાં મારી ઉંમર 30વર્ષની હતી. દેખાદેખી કહો તો તેમ અને માનસિક નબળાઇ ગણો તો તેમ, કેટલાક વ્યસનો વળગ્યા. આથી પણ એક ડગલું આગળ વધીને કહું તો હું વ્યસનોને વળગી પડ્યો.

સોશ્યલ ડ્રિન્કના નામે આલ્કોહોલનું સેવન શરૂ થયું. સપ્તાહમાં ચાર - પાંચ કે છ ડ્રીંક્સ પણ થઇ જાય. આજે પીધા વગર ચાલે એમ જ નથી, આજે તો જરૂરી છે.., ડ્રિન્કસ નહીં લઉં તો સામેવાળાને ખોટું લાગી જશે... વ્યસનીને કારણની ક્યાં ક્યારેય કમી હોય છે! નિયમિત ‘પીતો’ થયો. પ્રમાણભાન ભૂલ્યો.
પહેલા અવારનવાર ધ્રુમપાન કરતો હતો પણ પછી તો બલા વળગી. 1968માં સ્ટમક અલ્સરનું નિદાન થયું. ભારે હેરાન થયો. 1969માં ‘કાયમી મિત્ર’નું આગમન થયું. ડોક્ટરે સમજાવ્યું કે અલ્સર હોય કે ડાયાબિટીસ, તેને નાથવા માટે જીવનશૈલી સુધારવી પડશે, પણ સાંભળે કોણ? દસ-બાર વર્ષ જાતભાતની દવાઓના આધારે પસાર કર્યા. મેં અગાઉ ઉલ્લેખ્યું તેમ ગુજરાતી ગીત-સંગીત, ભજન સાંભળવાનો શોખ જૈસે થે હતો. એક ભજન છે ‘મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો...’. આમાં એક પંક્તિ કહે છેઃ પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું... આ ભજન તો ઘણી વખત સાંભળ્યું હતું, પણ તે ‘સબળી ઘડી’એ તેનો અર્થ સમજાઇ ગયો, અને જીવન બદલાયું.
મારગ ભૂલેલા વટેમાર્ગુને કોઇ સાચો રસ્તો ચીંધે અને તે સાચા પથ પર આવી પહોંચે એવું મારી સાથે થયું. તંદુરસ્તીને પ્રાધાન્ય આપ્યું. ખાણીપીણી નિયંત્રિત કરી, શારીરિક સક્રિયતા વધારી અને જીવન શિસ્તબદ્ધ કર્યું. આ ત્રિવેણીસંગમે મારું આરોગ્ય સુધાર્યું. આજે હું ગૌરવભેર કહી શકું છું કે ઉંમરના પ્રમાણમાં મારું આરોગ્ય ઘણું સારું છે. મારા આત્મિયજનો, આ ઉંમરે હું મારી મનગમતી પ્રવૃત્તિમાં 10-12 કલાક આપી શકું છું તે નાનીસૂની વાત નથી. નસીબદાર છું. આપ સૌના આશીર્વાદ છે.
છેલ્લા 15 વર્ષથી, એટલે કે સીત્તેર વર્ષ થયા ત્યારથી હું જીવન પ્રત્યે શિસ્તબદ્ધ બન્યો છું. ભોજનમાં સ્વાદના ચટાકા કરતાં પોષણને વિશેષ પ્રાધાન્ય, રેગ્યુલર વોકિંગ અને જરૂર પૂરતો આરામ... આ વણલખ્યા નિયમો મેં બોજો કે બંધન તરીકે નહીં, રાજીખુશીથી અપનાવ્યા છે. અંતમાં હું એટલું જ કહીશ કે આપણું આરોગ્ય આપણા હાથમાં... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter