વડીલો સહિત વાચક મિત્રો, આપ સહુ સુજ્ઞજનો, મારા સાથીદારો અને પરિવારજનોના સાથ-સહયોગ-આશીર્વાદ તેમજ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી મારા બ્રિટન આગમનને સુખરૂપ 60મું વર્ષ શરૂ થયું છે. 19 નવેમ્બરે 1966ની વહેલી સવારે બહુ થોડાક સામાન સાથે લંડનની ધરતી પર પગ મૂક્યો ત્યારે મનમાં થોડોક ડર-આશંકા જરૂર હતા, પણ હૈયે હામ હતી. દેશ નવો હતો, ધરતી નવી હતી, લોકો નવા હતા, પણ જુસ્સો જૂનો હતો. ગમેતેવા કપરા સમય-સંજોગ સામે ઝઝૂમી લેવાના સ્વભાવે જ મને ધબકતો રાખ્યો છે એમ કહું તો ખોટું નથી. 1972માં રિલીઝ થયેલી ‘શોર’ ફિલ્મનું બહુ જાણીતું ગીત છેઃ જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ... જાણ્યે-અજાણ્યે બસ, આ જ શબ્દોને જીવ્યો છું, અનુસર્યો છું.
છ દસકા... વાચક મિત્રો, બહુ લાં...બો સમયગાળો છે. જીવનસફર પર નજર કરું છું ત્યારે લાગે છે કે અપેક્ષા અને યોગ્યતા કરતાં પણ ઘણું વધુ પામ્યો છું, સ્વજનોના પ્રેમ-સહકાર અને ઇશ્વરકૃપા થકી જ શક્ય બન્યું છે
એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. આયુષ્યના આ પડાવે પણ Asian Voice - ગુજરાત સમાચારની પ્રકાશન યાત્રામાં પ્રત્યક્ષ યોગદાન આપી રહ્યો છું, સક્રિય જાહેરજીવન માણી રહ્યો છું તેનાથી વિશેષ શું જોઇએ?! આગામી જીવનસફર પણ આવી જ કર્મશીલ અને સેવામય બની રહે તેવી શુભકામના અને આશીર્વાદ આપ સહુ વડીલો - વાચકો - સમર્થકો પાસેથી વાંચ્છુ છું.
યોગાનુયોગ આ જ દિવસે મને પુસ્તક સ્વરૂપે ત્રણ ભેટ સાંપડી છે. આને હું જ્ઞાન-કૌશલ્યના દેવી માતા સરસ્વતીના આશીર્વાદ માની રહ્યો છું. સરસ્વતી માતાની આરાધના સુપેરે થઇ રહી હોવાનો વિશ્વાસ દૃઢ થયો છે અને આપણા સહુના જ્વલંત ભવિષ્ય માટે વધુ આશાવંત બન્યો છું.
ભેટસ્વરૂપ પુસ્તકોમાં પહેલું પુસ્તક એટલે Broken Mirror - તુટેલું દર્પણ. પ્રકાશન ક્ષેત્રે નવી જ ભાત પાડતું આ પુસ્તક દ્વિભાષી છે. ડાબા પાન પર ગુજરાતી તો જમણે ઇંગ્લીશ. અને ઇંગ્લીશ એટલે ગુજરાતીનો અનુવાદ નહીં, પરંતુ ફોનેટિક ઇંગ્લીશ. ગુજરાતીમાં જે ડાબે લખાયું છે તે જ યથાતથ ઇંગ્લીશમાં. જે લોકો ગુજરાતી બોલી જાણે છે, પરંતુ વાંચી શકતા નથી તેવી ગુજરાતી (યુવા) પેઢીને ધ્યાનમાં રાખીને આ પ્રકારે પ્રકાશન થયાનું મારું માનવું છે. પુસ્તકના લેખક દંપતી વસુબહેન અને તેમના પતિ બાબુલાલ ગાંધીને હું વર્ષોથી જાણું છું. રતિભારેય અતિશ્યોક્તિ વગર કહું તો સાહિત્યસેવા અને સમાજસેવા માટે સમર્પિત દંપતી. ગાંધી દંપતીને આ સ્તુત્ય પ્રયોગ માટે અભિનંદન. હાલ તો પુસ્તક પર સરસરતી નજર ફેરવી છે, પછી આરામથી વાંચીશ ત્યારે જરૂર વિગતે ચર્ચા કરશું.
બીજું પુસ્તક તે મુન્શી વિદ્યાધામના રજત જયંતી વર્ષનો વાર્ષિક અહેવાલ. મુન્શી વિદ્યાધામ એટલે ભરૂચ-અંકલેશ્વર પ્રદેશનું જાણીતું કેળવણીધામ. ભરૂચ નજીકથી પસાર થતાં દહેજ બાયપાસ પાસે આવેલું મુન્શી વિદ્યાધામ સવિશેષ મુસ્લિમ સમાજ માટે ખૂબ પાયાનું કામ કરી રહ્યું છે. અને આ વાત પુસ્તકના આધારે નથી કહેતો હોં... વર્ષોપૂર્વે હું આ વિદ્યાધામની મુલાકાત લઇ ચૂક્યો છું, તેમની કામગીરી નજરે નિહાળી ચૂક્યો છું. આ શિક્ષણધામમાં આશરે 5 હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. મુન્શી ટ્રસ્ટે છેલ્લા 25 વર્ષમાં કરેલા સખાવતી કાર્યોને આવરી લેતો આ વિશેષ અંક મને મોકલી આપવા માટે હું પૂર્વ લંડનમાં આવેલા ઇલ્ફર્ડના નિવાસી હનીફ પટેલનો આભારી છું.
ત્રીજું પુસ્તક આવ્યું છે નાઇરોબીની વાત લઇને. દિનેશકુમાર દેવચંદ પેથરાજ શાહે નાઇરોબીથી 270 પાનનો એક દળદાર ગ્રંથ મને મોકલી આપ્યો છે. In Quest of Knowledge - A Biographyમાં દિનેશકુમારના સદ્ગત પત્ની શ્રીમતી વિભાબહેનની જીવનકથા રજૂ થઇ છે. કૌશલ મહાત્રેની કલમે લખાયેલું આ પુસ્તક ખરેખર તો એક વિદૂષી નારીના જીવનકાર્યને સલામી પણ છે, અને સ્મરણાંજલિ પણ. પુસ્તક પેજ-બાય-પેજ વાંચવાનું બાકી છે, પરંતુ પહેલી નજરે વાંચવા મળેલી માહિતી પણ ઘણુંબધું કહી જાય છે.
વિભાબહેન ઓશવાલ જ્ઞાતિના સંતાન છે. (હતાં કહેવાનું મન થતું નથી) 1953માં નાઇરોબીમાં તેમનો જન્મ. અને 1978માં દિનેશકુમાર સાથે લગ્નબંધને બંધાયા. ભણવામાં ખૂબ જ તેજસ્વી વિભાબહેને શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય સિદ્ધિઓ મેળવી હતી. તેમણે એમ.ફાર્મ. કર્યું, એફસીસીએ (સીએ) કર્યું, અને એમ.બીએ. પણ કર્યું. આવાં પ્રતિભાવંત વિભાબહેને 2019માં ડોક્ટરેટની ડિગ્રી મેળવી. પરંતુ વિધિની વિચિત્રતા જૂઓ કે તે પછીના ગાળામાં અસાધ્ય બીમારી આવી, અને 2021માં તેઓ સ્વર્ગે સિધાવ્યા.
આ ગ્રંથમાં શાહ દંપતીના 42 વર્ષના લગ્નજીવનની સચિત્ર રજૂઆત કરવામાં આવી છે. પુસ્તકના પ્રારંભે વિભાબહેનના જ સુંદર અક્ષરોમાં તેમની વાતો-વિચારોની ઝાંખી રજૂ કરાઇ છે, જેમાં તેમની વિદ્વતાની સાથે સાથે - સહૃદયીપણું અને પરોપકારની ભાવના પણ ઝળકે છે.
વિભાબહેને ઉચ્ચ અભ્યાસના વિવિધ ક્ષેત્રે ખેડાણ કર્યું હતું તો દિનેશભાઇ પણ વિદ્વતાના મામલે ડગલુંય પાછળ નથી એમ કહી શકાય. નાઇરોબીમાં જન્મેલા દિનેશભાઇ ઇકોનોમિક્સ અને સ્ટેટેસ્ટિક્સમાં ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે.
વાચક મિત્રો, પુસ્તકો ખરેખર તો આપણા સમાજનો આયનો છે, મારા જીવનના સીમાચિહ્નરૂપ 19 નવેમ્બરના રોજ ત્રણ પુસ્તકો મને મળ્યા છે તેને મારું સદભાગ્ય સમજું છું.
ગ્રેટેસ્ટ શો-મેન રાજ કપુર અને નરગીસને ચમકાવતી ફિલ્મ ‘શ્રી 420’ના એક બહુ જ જાણીતા ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ...’ ગીતની એક પંક્તિમાં ઉલ્લેખ છેઃ ‘હમ ના રહેંગે, તુમ ના રહોગે, ફિર ભી રહેગી નિશાનિયાં...’ સ્મરણોને શબ્દદેહ આપતા આ પ્રકાશનો પણ બસ, આ જ સંદેશની યાદ અપાવે છે.
આપના પ્રિય સમાચાર સાપ્તાહિકો Asian Voice - ગુજરાત સમાચાર તાજેતરમાં જ્વલંત પ્રકાશન યાત્રાના 53 વર્ષ પૂરાં કરીને 54મા વર્ષમાં પ્રવેશ્યા તે પ્રસંગે પ્રકાશિત થયેલા ‘સોનેરી સ્મૃતિગ્રંથ’નો ઉદ્દેશ પણ સ્મરણોને શબ્દમાં સંકોરવાનો જ હતોને?! વીતેલા વર્ષોમાં આપ સહુએ આપ્યો છે તેવો જ સાથ-સહકાર-સમર્થન અમને આગામી વર્ષોમાં પણ મળતો રહેશે તેવી અમને આશા છે. (ક્રમશઃ)


