જીવનમાં પલટો આવે છે, જીવનમાં પલટો આવે છે... ... ...

સી. બી. પટેલ Tuesday 22nd September 2015 14:42 EDT
 
સ્કોટલેન્ડમાં તાજેતરમાં એક અજબ નજારો જોવા મળ્યો. મોટી માછલી નાની માછલીને ઓહયા કરી જતી હોય છે એ તો સહુ કોઇ જાણે છે... પણ તમે ક્યાંય એવું જોયું છે કે નાની માછલી ખુદ કૂદકો મારીને મોટી માછલીના મોંમાં જઇ પડે?! આવું તો નહીં જ જોયું હોય, અને આથી જ અહીં આ ફોટોગ્રાફ મૂક્યો છે. જીવમાત્રને પોતાનું અસ્તિત્વ ટકાવવાની, વધુમાં વધુ લાંબો સમય જીવવાની અબળખા હોય છે.  સાલમન જેવી માછલીઓ પાણીના પ્રવાહની વિરુદ્ધમાં છલાંગ મારી (વખત આવે તો નાના ધોધ જેવા ધસમસતા પ્રવાહ સામે પણ) પોતાની આગવી જીવનશૈલી અપનાવતા હોય છે. આદત પ્રમાણે મારવા ગઈ કૂદકો અને જઈ પહોંચી મોતના મ્હોંમાં)
આલ્પ્સ પર્વતમાળાના સૌથી લાંબા ગ્લેશિયરના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ રહ્યો છે
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૧૨ વર્ષની વયે હું ભાદરણ હાઇસ્કૂલમાં હું ચોથા ધોરણમાં પ્રવેશ્યો. ૧૭ વર્ષની વયે વડોદરામાં કોલેજમાં જતો થયો. તે પહેલાં ભાદરણ, કરનાળી, ચાણોદ, નડિયાદમાં પ્રાથમિક-માધ્યમિક શાળામાં પણ ભણ્યો. આ તમામ વર્ષો દરમિયાન મારા માટે, સમય મળ્યે, ભજનમંડળીમાં જવું, ગાવું સહજ હતું. અરે... કૂદવાનો પણ લ્હાવો લેતો હતો. (કદાચ તે સમયની કૂદાકૂદના કારણે જ અત્યારે મારા પગમાં જોર જણાય છે!)
આ લેખના મથાળે મુખ્ય શિર્ષકમાં જે પંક્તિઓ ટાંકી છે તે ખરેખર તો તળપદી ભાષામાં સાંભળેલા ભજનની છે. મીઠી હલકે સાંભળેલું આ ભજન આજે પણ અંતરમાં આંટાફેરા કરે છે. તમે આને શબ્દરચનાની શક્તિ ગણો, તેના સૂરની તાકાત ગણો કે પછી તે જે સ્વરમાં રજૂ થયું છે તેનો પ્રભાવ ગણો... કારણ કંઇ પણ હોય, આખેઆખું ભજન યાદ ન હોવા છતાં દિલમાં આજેય રમે છે તેમાં મીનમેખ નથી. આ ભજન સાંભળ્યું હતું ભાદરણના મહાકાલેશ્વર મંદિરમાં, પંચમહાલના એક આદિવાસી યુવક નામે ભીમજીભાઇના અવાજમાં.
‘જીવનમાં પલટો આવે છે...’ આ ચાર શબ્દોમાં જાણે આપણા સમગ્ર જીવનનો અર્ક રજૂ થયો છે. આ ભજન મને ગમે છે બહુ, પરંતુ આખું યાદ આવતું નથી. ગૂગલિયા સમંદરમાં ખાંખાંખોળાં કર્યા છતાં નથી મળતું. (ગૂગલ પર ‘સર્ચ’ કરો તો મા-બાપ સિવાય બદ્ધેબધું મળી રહે છે તેવી માન્યતા ફેરવિચારણા કરવા જેવી તો ખરી હોં...)
આજે સોમવારે, મારા વિચારોને શબ્દદેહ અપાઇ રહ્યો છે. તારીખ છે ૨૧ સપ્ટેમ્બર. આમ તો દર મહિને ૨૧ તારીખ આવતી જ હોય છે, પણ સપ્ટેમ્બર અને માર્ચની ૨૧ તારીખ અનોખી હોય છે. આ બન્ને દિવસે રાત અને સમાન હોય છે. કોણ કોની ઘડિયાળ મેળવે છે?
પાનખરે ઘઉં પેદા થાય...
વાચક મિત્રો, તમને સહુને યાદ હશે કે ઋતુઓનું જ્ઞાન આપણને સહુને શાળાકીય જીવનમાં જ મળી જતું હતું. કઇ ઋતુમાં શું પાકે, શું કરાય અને શું ખવાય એવી બધી વાતો જોડકણાંના સ્વરૂપ સમજાવી દેવામાં આવતી હતી, કંઠસ્થ કરાવી દેવામાં આવતી હતી. જેમ કે,
‘શિયાળે શિતળ વા વાય, પાન ખરે ઘઉં પેદા થાય,
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ;
ધરે શરીરે ડગલી શાલ,
ફાટે ગરીબ તણા પગ - ગાલ,
ઘટે દિવસ ઘણી મોટી રાત,
તનમાં જોર મળે ભલી ભાત.’
આ પાનખરે ઘઉં પેદા થાય વાળી વાત મજાની છે ખરુંને... પરંતુ આજે ઋતુની, મોસમની વાત કેમ માંડી છે? વાત એમ છે કે બ્રિટનમાં પણ ધીમા પગલે પાનખરની પધરામણી શરૂ થઇ ગઇ છે. જગતનિયંતા, પરમ તત્વ, પરમેશ્વર... એ કોની દેણ છે તે તો ખબર નથી, પણ કેટલાક સનાતન નિયમો આ સૃષ્ટિને, સમગ્ર માનવજીવનને સ્પર્શે છે, તેનું સંચાલન કરે છે. બ્રિટિશ વૈજ્ઞાનિકો કહે છે કે સર આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ‘શોધ્યો’ હતો. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના આવા જ કેટલાય નિયમો અલગ અલગ વૈજ્ઞાનિકોના નામે નોંધાયેલા હોવાનું પણ આપણે સહુ જાણીએ છીએ.
ભારતવર્ષમાં સૈકાઓ અગાઉ રચાયેલ ખગોળશાસ્ત્ર, આયુર્વેદશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર તેમ જ અન્ય પ્રકારના શાસ્ત્રો પરત્વે એક સમયે જગતઆખું શંકાની સોય તાકતું હતું, આજે તેની પ્રમાણભૂતતાને આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારતું થયું છે. તન-મનની તંદુરસ્તીનો પણ આગવો નિયમ તો ખરોને? તે અર્થમાં નરસિંહ મહેતાની એક સુંદર રચના આપણે માણી લઇએ.
•••
સુખ દુઃખ મનમાં ન આણીએ રે...
- નરસિંહ મહેતા
સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં... સુખ દુઃખ મનમાં...
હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી,
વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી...
સુખ દુઃખ મનમાં...
નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી,
અડધા વસ્ત્રે વન ભોગવ્યાં, ના મળે અન્ન કે પાણી... સુખ દુઃખ મનમાં...
પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રો૫દી રાણી,
બાર રે વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ના આણી... સુખ દુઃખ મનમાં...
સીતા રે સરખી સતી નહી, જેના રામજી સ્વામી,
તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી... સુખ દુઃખ મનમાં...
રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી,
દશ મસ્તક તો છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી... સુખ દુઃખ મનમાં...
શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી,
ભિલડીએ તેમને ભોળવીયા, ત૫માં ખામી કહેવાણી... સુખ દુઃખ મનમાં...
સર્વે દેવોને જ્યારે ભીડ ૫ડી, સમર્યા અંતર્યામી,
ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસિંહના સ્વામી... સુખ દુઃખ મનમાં...
•••
દરેક મનુષ્યના જીવનમાં સુખદુઃખ, આધિ-વ્યાધિ-ઉપાધિ એ બધું અમુક રીતે સહજ છે. અમુક અંશે સ્વસર્જીત છે એમ પણ કહી શકાય. આપણી સૂઝબૂઝ અનુસાર, કદાચ સમય, સ્થળ, ઘટના કે સ્થિતિના સંદર્ભમાં ફેરફાર ઉદ્ભવી શકે. અરે, મનુષ્યોની વાત છોડો, પરમેશ્વર પણ સુખ દુઃખની આ ઘટમાળમાંથી ક્યાં બાકાત રહી રહ્યા છે? દષ્ટાંતરૂપ જાણકારી જોઇતી હોય તો નરસૈયાંનું ભજન જ એક વખત ફરી વાંચી લો ને...
તાજેતરમાં એક સામાજિક મેળાવડામાં હાજરી આપવાનો સોનેરી અવસર મને સાંપડ્યો. બાય ધ વે, આવો અવસર મને વારંવાર સાંપડતો રહે છે, અને આવો દરેક અવસર મારા માટે ‘સોનેરી’ જ હોય છે. લોકો સાથે હળવું-મળવું, વાતો કરવી, માહિતી અને વિચારોનું આદાનપ્રદાન કરવું... આ બધું આપણને કંઇકને કંઇક શીખવતું રહે છે, જીવનના અમૂલ્ય પાઠ ભણાવતું રહે છે, બોધપાઠ આપતું રહે છે.
મેળાવડામાં આપણા દેશના એક ગામ અને તેની આસપાસના ગામનાં ૫૦૦-૭૦૦ જેટલાં સગાંસ્વજનો ઉપસ્થિત હતા. વાર્ષિક સ્નેહમિલન સમારંભ હતો એટલે લગભગ સહુ કોઇ પૂરા કુટુંબકબિલા સાથે આવ્યા હતા. કોઇ ડ્રીન્ક્સની મજા માણતું હતું, કોઇ નાસ્તાપાણીની લિજ્જત ઉઠાવતા હતા, ક્યાંક વળી વતનની વાતોના ગામગપાટા ચાલતા હતા તો ક્યાંક વળી ઠઠ્ઠા-મશ્કરીનો દૌર જામ્યો હતો. ક્યાંક ખૂણેખાંચરે થોડીક કુથલી પણ કાને પડતી હતી. જીવન છે, માનવસ્વભાવ છે, આ બધું તો ચાલતું જ રહેવાનું. પસંદ અપની અપની. મિત્રો, મને સહજપણે જ વિચાર આવી ગયો - સમારંભ એક જ હતો, પણ તેને માણવાનો સહુ કોઇનો અભિગમ અલગ હતો.
ક્યાંક ફુલણજી પોતાની ‘પીપુડી’ વગાડતાં જોવા મળ્યાં તો ક્યાંક કાયમના ‘ફરિયાદી’ પણ જોવા મળ્યા. જીવનના દરેક ક્ષેત્રે - પછી તે પારિવારિક બાબત હોય, આર્થિક હાલત હોય કે પછી પોતાના આરોગ્યની વાત હોય... દરેકેદરેક મોરચે સંતોષજનક સ્થિતિ હોવા છતાં - આ લોકોના મોંમાંથી સતત અસંતોષ છલકાતો હતો. ક્યાંક ક્યાંક વળી જાતે જ પોતાનો વાંસો થાબડીને ભ્રમણામાં રાચનારા (આળસુ, એદી, અક્કલના આંધળા કહેવાતા) લોકો પણ નિહાળ્યા. બધું જ પામવા છતાં જીવન પ્રત્યે અસંતોષ વ્યક્ત કરનારા પણ નિહાળ્યા, અને જીવનમાં અધૂરપ છતાં બધી વાતે સંતોષ માણનારા પણ મળ્યા.
સહુ કોઇને પોતપોતાની રીતે જીવનને માણવાનો, વિચારવાનો, અધિકાર છે. તેમાં લગારેય વાંધો ન લઇ શકાય. પરંતુ આમાંથી આપણા માટે જાણવા જેવું શું છે? તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ... આમાંથી આપણે કેવા બનવું તે આપણે નક્કી કરવાનું છે.
ગ્લોબલ વોર્મિંગ સામે પહાડ જેવડો સંઘર્ષ
ગ્લોબલ વોર્મિંગ નામનો દૈત્ય આળસ મરડી રહ્યો છે. સમગ્ર વિશ્વ માટે ગ્લોબલ વોર્મિંગ નામની સમસ્યા માથાના દુખાવારૂપ બની રહી છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. કહેવાય છે કે આજે સહરાના રણ તરીકે જાણીતો લાખો ચોરસ માઇલમાં ફેલાયેલો રેતાળ પ્રદેશ એક સમયે લીલીછમ હરિયાળીથી હર્યોભર્યો હતો. ત્યાં જળચર અને ભૂચર જીવસૃષ્ટિ ધબકતી હતી. કુદરતના ખોળે લાખો પશુપંખીઓ રમતાભમતા હતા. કુદરતની કોઇ કરામતે અહીં આકાર લીધો અને લીલોછમ પ્રદેશ સૂકોભઠ્ઠ બની ગયો. સૂકોભઠ્ઠ એટલે કેવો સૂકો? સેંકડો માઇલ સુધી પાણીનું ટીપું પણ ન મળે. દિવસે અંગદઝાડતી બળબળતી ગરમી અને રાત્રે હાડ ગાળી નાખે તેવી કડકડતી ઠંડી.
કુદરતના બદલાયેલા મિજાજે સહરાના રણમાં આણેલા બદલાવનું શું આલ્પ્સ પર્વતમાળામાં પુનરાવર્તન થઇ રહ્યું છે? પર્યાવરણવિદો અને હવામાનશાસ્ત્રીઓને તો કંઇક આવી જ ચિંતા કોરી રહી છે. જગવિખ્યાત હિમશીખરોની યાદી તૈયાર કરવામાં આવે તો તેમાં આલ્પ્સ પર્વતમાળાનું નામ સૌથી મોખરે મૂકવું પડે. જોકે અત્યારે તો પર્યાવરણવિદોની નજર આલ્પ્સના જ ૧૪ માઇલ લાંબા એક ગ્લેશિયર પર મંડાયેલી છે. દર વર્ષે સમરનું આગમન થતાં જ સૂર્યદેવતાના કિરણો આ હિમશીખરને ઓગાળીને લગભગ જળપ્રલય જેવી સ્થિતિ સર્જતા હતા. થોડાક વર્ષો પૂર્વે નિષ્ણાતોએ અનોખો તુક્કો અજમાવ્યો. ઉનાળાનું આગમન થતાં જ વિરાટકાય હિમશીખર પર બ્લેન્કેટ જેવું એક સફેદ આવરણ પાથરવાનું શરૂ કર્યું જેથી સૂર્યકિરણોની ગરમી પરાવર્તીત થઇ જાય. બરફ ઓગળે નહીં એટલે જળપ્રલયનો ખતરો પણ ટળે ને ગ્લેશિયર પણ સચવાઇ રહે.
ઊંટ કાઢે ઢેકાં તો માણસ કાઢે કાઠા... ઉક્તિ તો તમે સાંભળી છેને?! પર્યાવરણવિદોએ પણ કંઇક આવું જ વિચારીને પર્વત પર આવરણનો આઇડિયા અમલમાં મૂક્યો હશે. પરંતુ કાળા માથાના આ માનવીઓને કોણ સમજાવે કે આ કુદરત છે... તેના શક્તિને, તેના કોપને બ્લેન્કેટના આવરણથી નાથી શકાય નહીં. વર્ષોના વીતવા સાથે હવે આ પર્યાવરણવિદોને વાસ્તવિક્તાનું ભાન થયું છે કે આવરણ ઓઢાડી દેવાથી ગ્લેશિયરના વિનાશને અટકાવી શકાય તેમ નથી. કુદરતની શક્તિને નાથવાનું એટલું આસાન નથી. છેલ્લા અહેવાલો કહે છે કે આલ્પ્સ પર્વતમાળાના આ સૌથી લાંબા ગ્લેશિયરને જો આ જ ઝડપે હવામાનનો ઘસારો લાગતો રહ્યો તો ૨૦૫૦ સુધીમાં તો તે નામશેષ થઇ જશે.
તો શું આનો મતલબ એવો કરવો રહ્યો કે પર્યાવરણવિદો કે હવામાન નિષ્ણાતો હાથ જોડીને બેસી જશે અને શરણાગતિ સ્વીકારી લેશે? ના! તેઓ તો ઝઝૂમતા જ રહેશે, પછી તે કુદરત હોય, સમય હોય કે અન્ય કોઇ પણ ક્ષેત્ર. નિષ્ણાતો, વિદ્વાનો, વિજ્ઞાનીઓનું કામ જ છે અશક્યને શક્ય કરી દેખાડવા માટે ઝઝૂમતા રહેવાનું. જિંદગીભર ઝઝૂમ્યા પછી પણ ઇચ્છિત પરિણામ હાંસલ થશે જ તેની કોઇ ગેરન્ટી ન હોવા છતાં. આપણે સહુ કાળા માથાના માનવીઓ છીએ, પરંતુ આપણામાં અને તેમનામાં બસ એક જ ફરક છે - દૃષ્ટિકોણનો. એક જ વસ્તુસ્થિતિને અલગ અભિગમથી નિહાળવાની ક્ષમતાનો. 

કોલમ આ સપ્તાહના અંત ભણી પ્રસ્થાન કરી રહી છે, પરંતુ આખરી પૂર્ણવિરામ પૂર્વે હું કેટલાક પ્રસંગો, ટાંકવા ઇચ્છુ છું. જ્યોર્જ બર્નાર્ડ શો જન્મે આઇરીશ, પણ શબ્દસાધના આપણા લંડનમાં કરી. તેઓ સંપૂર્ણ શાકાહારી હતા અને રાષ્ટ્રપિતા ગાંધીજીના મિત્ર પણ ખરા. તેમણે એક બહુ સરસ વાત કરી હતીઃ No 

question is so difficult to
answer as that to which the
answer is obvious. મતલબ કે જે સવાલનો જવાબ સરળ જણાતો હોય છે તેનો જવાબ જ ખરેખર મુશ્કેલ હોય છે.
એક બીજો પણ પ્રસંગ હું ટાંક્યા વગર રહી શકતો નથી. વાચક મિત્રો, નાઇજેલા લોશનનું નામ યાદ છે? થોડાક સપ્તાહો પૂર્વે આ જ કોલમમાં તેમના જીવનસંઘર્ષને ટાંક્યો હતો. તેમનું દાંપત્યજીવન ભારે ચઢાવઉતારભર્યું રહ્યું છે. કેન્સરે સુપ્રસિદ્ધ અને સિદ્ધાંતનિષ્ઠ પત્રકાર પતિનો જીવ લીધો અને સુખીસંપન્ન યુગલ ખંડિત થયું. એકલવાયું જીવન ન જીરવાતાં નાઇજેલાએ ચાર્લ્સ શાચી સાથે ફરી જીવનસંસાર વસાવ્યો. પણ મનમેળ થયો નહીં. જીવનમાં ઝંઝાવાત સર્જાયો અને ભારે વિવાદ થયો. બન્ને છુટ્ટાં પડ્યાં અને નાઇજેલાના જીવનમાં શાંતિનું પુનરાગમન થયું. નાઇજેલાએ તેની લાગણી બહુ ઓછા શબ્દોમાં, પણ સરસ રીતે વ્યક્ત કરતાં કહ્યુંઃ Life testes good after bad times. કપરો સમય પૂરો થાય છે ત્યારે જિંદગીનું ખરું મૂલ્ય સમજાતું હોય છે.
વાચક મિત્રો, આપણું જીવન શું છે? બહુ થોડાક શબ્દોમાં કહી શકાય કે...
છે માનવજીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન સુખ અલ્પ
થકી ભરેલી.
મિત્રો, સુખ અને દુખ અંતે તો એક મનોસ્થિતિ છે. તમે ક્યા સમયે, કેવા સંજોગોમાં, કેવો અભિગમ અપનાવો છો તેના પર જીવનનો આધાર હોય છે. જીવનને ભરપૂર માણવામાં જ મજા છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter