જીવનસાથી શોધી આપવાનો ધીકતો ધંધો

સી. બી. પટેલ Tuesday 21st August 2018 13:14 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો... આજે આપણા તેમજ અન્ય સમાજના પાયામાં રહેલા પુરુષ-સ્ત્રી વચ્ચેના સંબંધો અને સવિશેષ તો લગ્નજીવન વિશે આજે થોડીક ચર્ચા માંડીએ. કલ્પના કરો, માત્ર કલ્પના અને કલ્પના જ કરવાની છે...
૮૩ વર્ષના એક વડીલ નામે ગંગાપ્રસાદ પોતાના નિવાસસ્થાનના નાના બગીચામાં બેઠા છે. પરિવારજનોએ રવિવારની બપોરે કંઇક પિકનિક જેવું ગોઠવ્યું છે. બાજુમાં તેમના છ દસકાના સંગાથી એવા દાદીમા બેઠા છે. બધા તેમને જમનાબા કહીને બોલાવે. પાસે જ ૫૮ વર્ષના પ્રૌઢ સુપુત્ર અરવિંદભાઇ અને તેના જીવનસંગિની કાંતાબેન બેઠા છે. અને બા-દાદા, માતા-પિતાની છત્રછાયામાં બેઠા છે ૩૫ વર્ષનો પૌત્ર શાલીન અને તેની પત્ની સૌમ્યા. ચોથી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા બે માસુમ ભૂલકાં બાર આંખોની નજર તળે બગીચામાં ધમાચકડી મચાવી રહ્યા છે. આમાંથી એક છે ૧૧ વર્ષની પ્રપૌત્રી એન્જલ અને બીજો છે નવ વર્ષનો દીકરો પ્રીત. બન્નેનો જન્મ અને ઉછેર અહીં બ્રિટનની ધરતી પર. આથી સ્વભાવિકપણે જ તેમના સ્વભાવમાં ખુલ્લાપણું (બોલ્ડનેસ) પણ અહીંની જીવનશૈલીનું જ છલકે.
મોટેરાઓ મસ્તમજાના મીઠા તડકામાં બેસીને વાતોનો ચાકડો ચલાવી રહ્યા હતા ત્યાં અચાનક એન્જલ દોડી આવી અને શાલીનને લાગલું જ પૂછ્યુંઃ ડેડ, ટેલ મી... તમે અને મમ્મા કેવી રીતે પરણ્યા હતા?
બધાને નવાઇ લાગી કે આવડી છોકરીના મોંએ આવો પ્રશ્ન ચઢ્યો ક્યાંથી? શાલીને બહુ વ્હાલપૂર્વક પૂછ્યુંઃ બેટા, તને આ પ્રશ્ન સૂઝ્યો ક્યાંથી? પુત્રીએ બહુ સહજતાથી કહ્યુંઃ અમારા ક્લાસમાં ડેટીંગ અંગે ડિસ્કશન ચાલતું હતું ત્યારે ટીચરે અમને સજેસ્ટ કર્યું હતું કે તમે તમારા પેરન્ટ્સ સાથે આ વાત કરજો... તેમને પ્રશ્ન પૂછજો... તેમણે પણ ડેટિંગ કર્યું જ હશે... દીકરીના સવાલના જવાબમાં પિતા શાલીને માંડેલી વાતનો સૂર કંઇક આવો છેઃ
અમે બન્નેએ એટલે કે તારા ડેડ અને મમ્માએ મેરેજ બ્યૂરોમાં નામ રજિસ્ટર કરાવ્યા હતા. અમને બન્ને ‘સમવન સ્પેશ્યલ’ શોધતા હતા. બ્યૂરોવાળાએ અમને કેટલાક લોકોના નામ સજેસ્ટ કર્યા, કેટલાક લોકોનો પ્રોફાઇલ અને ફોટોગ્રાફ દેખાડ્યા. કેટલાક અમારી ચોઇસના નહોતા, કેટલાકનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કે જોબ કે પ્રોફેશન અમારી પસંદના નહોતા. જોકે છતાં આવા સજેશન્સમાંથી કેટલાક નામ સિલેક્ટ કર્યા હતા. અમે બન્ને એક યા બીજા સમયે કેટલાકને મળ્યા પણ ખરા, તેમની સાથે વાતચીત પણ કરી પરંતુ કંઇ ફાઇનલ નહોતું થતું.
બેટા, અત્યારે ડેટિંગ નવાઇની વાત નથી, પરંતુ તે સમયે આ ટ્રેન્ડ નવો હતો. ઓનલાઇન ડેટિંગનો ટ્રેન્ડ યંગસ્ટર્સને પસંદ પડી રહ્યો હતો. ફલાણી.ડોટકોમ ને ઢીંકણી.ડોટકોમ જેવી અનેક વેબસાઇટ ચર્ચામાં હતી. અમે બન્નેએ પણ આમાં નામ રજિસ્ટર્ડ કરાવ્યા. કોઇ ઘડીએ અમે સંપર્કમાં આવ્યા. વાતચીતનો દોર શરૂ થયો. સંપર્ક મિત્રતામાં પરિણમ્યો. લાગ્યું કે ઘણી વાતોમાં અમારી પસંદ સમાન છે, પરંતુ જો અમારી પસંદગી સમાન ન હોય તો? અમે એકમેકની નાપસંદગીને પણ રિસ્પેક્ટફુલી - ખુલ્લા મને સ્વીકારી શકીએ છીએ. અમને લાગ્યું કે અમે સાથે મળીને જીવન વીતાવી શકશું... અને અમે લગ્ન કર્યા. ડિયર... ડોન્ટ યુ ફિલ ધેટ વી આર હેપીલી મેરિડ કપલ?!
બધા હસતા ચહેરા શાલીનની વાત સાંભળી રહ્યા હતા અને માસુમ એન્જલના ચહેરા પર પણ પિતાના જવાબથી સંતોષની લાગણી તરવરતી હતી. જોકે નવ વર્ષનું ટેણિયું પ્રીત ઊંચોનીચો થઇ રહ્યો હતો. બાળકો હંમેશા દેખાદેખી કરે - પછી વાત નાની હોય કે મોટી. પ્રીતે જોયું કે દીદી એક પ્રશ્ન પૂછીને બધાની નજરમાં છવાઇ ગઇ છે, એટલે કદાચ તેનેય લાગ્યું કે આપણું ‘વજન’ ઘટી રહ્યું છે... કંઇક તો કરવું પડશે?! બાળસહજ સ્વભાવ હોય છે - કોઇ પણ ભોગે મોટેરાઓની નજરમાં - સેન્ટર ઓફ એટ્રેક્શન - બની રહેવું. દીદીએ ડેડને પકડ્યા હતા તો પ્રિતે દાદાને ઝાલ્યા.
‘દદુ, ટેલ અસ યોર સ્ટોરી... તમે બાને ક્યાંથી લઇ આવ્યા છો?’
માસુમ પ્રીતનો પ્રશ્નનો ભાવાર્થ બધાને સમજાઇ ગયો હતો, પણ તેણે જે શબ્દો વાપર્યા હતા તે સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા. શાલીન-સૌમ્યાએ વાતનો તંતુ સાધતા કહ્યું કે મમ્મી-પપ્પા આજે તો તમારી પણ વાત કરો જ, આપણે અલપઝલપ વાત તો થઇ છે, પરંતુ તમે બન્ને કઇ રીતે મળ્યા હતા? ત્યારે શું થયું હતું? પહેલા કોણે પ્રપોઝ કર્યું હતું? તે અમે કંઇ નથી જાણતા... ગંગાપ્રસાદ અને જમનાબાએ પણ પૌત્ર-પૌત્રવધૂને ટેકો આપ્યો. આજે સહુ કોઇ ભૂતકાળના મીઠામધુરા સંસ્મરણ વાગોળવા તલપાપડ હતા.
અરવિંદભાઇ હસી પડ્યા. કાંતાબા સામે નજર કરીને અરવિંદભાઇએ વાત માંડીઃ
તમે સહુ એ તો જાણો જ છો કે આપણો પરિવાર આફ્રિકાના નાઇરોબીમાં વસતો હતો. આપણું ઘર ખાધેપીધે સુખી ગણાય. મારા માટે સુપાત્ર શોધવા માટે સહુકોઇ કામે લાગ્યા હતા. જ્યારે પણ કોઇ સ્વજન સાથે સંવાદ થાય ત્યારે એક વાક્ય અચૂકપણે બોલાતુંઃ આપણા અરવિંદ માટે કોઇ કન્યા ધ્યાનમાં હોય તો કહેજો. તમે તો તેને જાણો જ છો, કેવો શાંત ને ઠરેલ છે...
થોડા સમય બાદ એક વડીલે સૂચવ્યું કે અરે, મ્વાંઝા (ટાન્ઝાનિયા)માં તપાસ કરોને. આપણા ગોળના ઘણા વસે છે. તપાસનો લાકડિયો તાર ફરતો થયો. જાણવા મળ્યું કે મગનભાઇ તેમની ઉમરલાયક દીકરી - કાંતા માટે યોગ્ય પાત્રની તલાશમાં છે. મગનભાઇના મૂળિયા શોધવા ઓળખીતા-પાળખીતા સહુ કામે લાગ્યા. રિપોર્ટ આવ્યોઃ છોકરી સરસ છે, અરવિંદને એકદમ શોભે તેવી. તેમને કહેવડાવ્યું. મગનભાઇ અને ચંપાબહેન દીકરી કાંતાને લઇને એક સગાંને ત્યાં નૈરોબી આવી પહોંચ્યા. મિટીંગ થઇ. ત્રણ કુટુંબના લોકો ટોળે વળ્યા હતા. આપણો પરિવાર, કાંતાનો પરિવાર અને જેમને ત્યાં મિટીંગ ગોઠવાઇ હતી તે યજમાનનો પરિવાર.
મેં તમારા બા - કાંતાબાને જોયા અને તેમણે મને જોયો. નજરું મળી, પણ કંઇ વાત ન થઇ. ચા-પાણી થયા ને સહુ વાતોએ વળગ્યા. મને અને કાંતાને બેસાડ્યા હતા સામસામે જ, પણ વડીલોની વાતોમાં પૂર્ણવિરામ આવે તોને? વડીલો એકબીજાની ઓળખાણ-પીછાણ કાઢવામાં મંડ્યા હતા. બધાય બે-ચાર પેઢી સુધી તો પહોંચી ગયા હતા.
જોકે આવી મિટીંગ હોય ને તો તેમાં એકાદ ‘વાતડાહ્યા’ વડીલ પણ અચૂક હોય જ - આવા જમાનાના ખાધેલ વડીલને ક્યારે શું કરવું તેની બધી ગતાગમ હોય. તેને કોઇના આંખની શરમ ન નડે. લાગ્યું કે હવે વાત બહુ ખેંચાય છે એટલે અમને જોઇને કહે કે તમારે બેયને વાતો કરવી છે? જવાબની રાહ જોયા વગર જ અમને કહેઃ જાવ, બાજુના રૂમમાં જઇને બેસો... અમને શરમાતા-ખચકાતા જોયા તો તરત જ બાકી બધાને ઉભા કર્યાઃ ચાલો, ચાલો, તમને બધાયને ઘર દેખાડું. પળભરમાં તો આખો રૂમ ખાલી - માત્ર અમે બે બેઠા હતા.
અમે એકમેક સામે જોઇએ. વાત શું કરવી તે સમજાય નહીં. મેં તારી કાંતાબાને અભ્યાસનું પૂછ્યું તો કહે કે હમણાં જ ઓ લેવલ પૂરા કર્યા છે. આગળ ભણવાનો વિચાર નથી. પછી તો સવાલ-જવાબનો દોર ચાલ્યો.
૧૦-૧૫ મિનિટ બાદ ફરી પે’લા વાતડાહ્યા વડીલ પ્રગટ્યા. અમને પૂછ્યુંઃ વાત થઇ ગઇ તો બધાને લઇ આવું... તમે કહેતા હો તો હજુ થોડાક ગોળ ગોળ ફેરવું. જોકે અમારા ચહેરાનું હાસ્ય જોઇને તેઓ સમજી ગયા. બધા આવીને બેસી ગયા. થોડીક વાર પછી આ જ વડીલ આ તમારા કાંતાબા અને તેમના ઘરના સભ્યોને એક પછી એક બહાર લઇ ગયા. રૂમમાં હું, બા અને બાપુજી - ત્રણ જણા રહ્યા. બાએ મને લાગલું પૂછ્યુંઃ છોકરી સારી છે, ગમે છે? શું વિચાર છે? હું કંઇક અવઢવમાં હતો, પણ તેઓ ચટ મંગની પટ બ્યાહના મૂડમાં
હતા. હું કહું કે મેં એ લેવલ કર્યું છે ને તેણે ઓ લેવલ કર્યું છે. મારો વિચાર આગળ ભણવા માટે ભારત જવાનો છે, છોકરી થોડુંક ઓછી ભણેલી છે.
તરત જ બાએ કહ્યું કે ઓછી ભણેલી છે તે શું થઇ ગ્યું, આપણે ક્યાં તેને માસ્તર બનાવવી છે? બહુ ડાહી છે ને રંગેરૂપે ઉજળી છે. હમણાં જ કમળામાસી કહેતા હતા કે ઘરના બધા કામ છોકરીને આવડે છે. અને કુટુંબ પણ જાણીતું તો ખરું... આપણે બીજું શું જોઇએ? ખોટી હા-ના કરવાની જરૂર નથી... ‘સુપ્રીમ કોર્ટે’ ચુકાદો ફરમાવી દીધો હતોઃ બાપુજીને કહે તમતમારે નક્કી કરી નાખો. આમાં અરવિંદને શું ખબર પડે?
લગ્ન અરવિંદને કરવાના હતા, પણ અરવિંદને તો કોઇ પૂછતું જ નહોતું. બા-બાપુજીએ યજમાન પરિવારના વડીલને બોલાવ્યા. જણાવી દીધું કે અરવિંદને કન્યા પસંદ છે. આપણે નક્કી કરી નાંખો. તમારી મંજૂરી હોય તો અરવિંદ-કાંતા બહાર લટાર મારી આવે, ત્યાં સુધીમાં આપણે વ્યવહારની વાતો કરી લઇએ.
ડ્રાઇવર અલીને ગાડી કાઢવા કહ્યું. અલીએ મને અને આ તમારી કાંતાબાને નાઇરોબીમાં સેર કરાવી. પછી એક આઇસક્રીમવાળાને ત્યાં ઉભી રાખી. હું જરાક બીડી પીને આવું છું તેમ કહીને ‘સમજદાર’ અલી સરકી ગયો. અમે આઇસક્રીમ ખાધો. આઇસક્રીમ પેટનો કોઠો ટાઢો કરતો હતો, ને એકમેકની નજર દિલનો કોઠો... બસ, તે દી’ની ઘડીને આજનો દી આ તારો દદુ અને કાંતાબા એકમેકના બની રહ્યા છે.’
અરવિંદભાઇ-કાંતાબેનની લગ્નકથા પર પૂર્ણવિરામ આવ્યું હતું, પણ વાતનો દોર તો ચાલુ જ હતો. એન્જલે તરત જ દાદાને કહ્યુંઃ દદુ તમેય વાત કરી ને ડેડ-મમ્માએ તેમની વાત કરી, બસ હવે તો એક મોટા દાદા જ રહી જાય છે, તેમને કહો કે તેમના લગ્નની વાત કરે...
ગંગાપ્રસાદ અને જમનાબા ચર્ચાના આ સમગ્ર દૌર દરમિયાન મરક-મરક થતા બધાની વાતો સાંભળી રહ્યા હતા. તેમના દિલોદિમાગમાં પણ ભૂતકાળના તરંગો ઉઠી રહ્યા હતા. દાદાએ દાદીમા તરફ જોયુંઃ જાણે તેમણે આંખોઆંખોમાં જ કહી દીધું કે તમે વાત કરો... પણ જમનાબાએ હળવેકથી માથું હલાવીને નનૈયો ભણી દીધો. ‘હું શું કહું? તમે જ કહો... તમને બધું યાદ છે જ ને?’ જમનાબાનું આ એક જ વાક્ય ગંગાપ્રસાદને દસકાઓ પૂર્વેના કાળખંડમાં લઇ ગયું. દાદાએ વાત માંડીઃ
તે સમયે આપણો પરિવાર ઇંડિયામાં વસે... આપણું ભાદરણ ગામ ગાયકવાડી રાજના તાબામાં આવે. ગામ શાંત-સુખી અને સમૃદ્ધ... એટલે બધા કુટુંબવાળા તેમની દીકરી આ ગામમાં આપવા ઇચ્છે. હું વીસનો થયો હોઇશ કે બાએ બાપાને કહ્યું કે આ હવે તાડ જેવો મોટો થતો જાય છે. તેની હારના બધા છોકરાં પરણી ગયા છે, આના માટેય ક્યાંક કન્યા જૂઓ... આની જુવાની હવે ફાટ ફાટ થઇ રહી છે. હું ભીંતની ઓથે ઉભો રહીને આ વાત સાંભળી રહ્યો હતો.
બાપુજીએ ચક્રો ગતિમાન કર્યા. એમ કરતાં કરતાં થોડાક દિવસમાં ખબર પડી કે ફલાણા ગામના લોકો મને જોવા આવવાના છે. તે વર્ષોમાં આજના જેવું નહોતું. કન્યાના ઘરનાં આવે ખરા, પણ સાથે છોકરી ન હોય. તેઓ છોકરાનું ઘર જૂએ, જીવનશૈલી જૂએ, બીજા સંતાન હોય તો કોણ શું કરે છે? કોને ક્યાં પરણાવ્યું છે? કેટલા પરણાવવાનાં બાકી છે? ગામમાં પોતાના ઓળખીતા-પાળખીતાના ઘરે પણ જાય ને છોકરા તથા તેના ઘરના વિશે તપાસ કરે. આ રાઉન્ડ પૂરું થાય, અને બધું ઠીકઠાક જણાય તો ફરી મિટીંગનું આયોજન થાય. અલબત, આ મિટીંગ છોકરી કે છોકરાના ઘરે કે તેમના ગામમાં નહીં, પણ બન્નેને અનુકૂળ હોય તેવા નજીકના ગામે, બન્ને પક્ષે પરિચિત હોય તેવા પરિવારને ત્યાં ગોઠવાય. આ બેઠકમાં છોકરો અને છોકરી પણ હાજર હોય. આ તમારા દાદા અને દાદીના ઘરનાએ વડોદરામાં એક પરિચિતને ત્યાં બેઠક ગોઠવી હતી.
આ તમારી દાદી આજે દેખાય છે તેના કરતાં પણ સુંદર હતી. તે હાથમાં ચાની ટ્રે લઇને આવી. બધાને ચા આપી. અમે બન્ને સામસામે હતા, પણ કોઇએ એકેય શબ્દ ઉચ્ચાર્યો નહોતો. બધા વાતચીત કરીને છૂટા પડ્યા. ઘરે પહોંચતા જ બાએ પૂછ્યુંઃ શું વિચાર છે તારો? બાપુજીએ પણ કહ્યુંઃ તારે આફ્રિકા જવું હોય તો હા
પાડી દે... તેઓ તો આફ્રિકા આવવા ઇચ્છતો હોય તેવો છોકરો
ઇચ્છે છે. છોકરી બહુ સરસ છે, ખોટી હા-ના કરીને વાતને ખેંચવાની જરૂર નથી.
બન્નેની સંમતિથી અમારું સગપણ નક્કી થયું. અમે સાથે સિનેમા જોવા ગયા. પણ એક વાતની સ્પષ્ટતા કરી દઉં. છોકરા-છોકરીથી એકલા બહાર ન જવાય. આથી તેની બહેનપણી પણ સાથે આવી હતી. બસ, અમે સગપણના દોરે આજીવન બંધનમાં બંધાઇ ગયા.
બેટા, તે સમયે આપણા સમાજમાં આ પ્રકારે લગ્ન થતા હતા. છોકરો-છોકરો એક જ જાતિના હોય, ગોળ જોવાય, કુટુંબ જોવાય, છોકરા કે છોકરીના ભાઇ-બહેન ક્યાં છે? શું કરે છે? ક્યાં પરણાવ્યા છે? જેવી અનેક પ્રકારે તપાસ થાય. આ પછી સગપણ નક્કી થતાં અને ઘરસંસાર માંડવામાં આવતો હતો. આ રીતે મંડાયેલા ઘરસંસારમાં છૂટાછેડાનું પ્રમાણ ૧૦ ટકાથી પણ ઓછું રહેતું હતું. બહુ જવલ્લે જ છૂટાછેડા થતાં. અલબત્ત, તેનો મતલબ એવો નહોતો કે બધા દંપતી સંપૂર્ણપણે સુખી જ હતા. બન્ને પાત્રો વચ્ચે મનમેળ રહેતો જ હતો. મનમેળ ન હોય તો તેવા કિસ્સામાં બે પાત્રો વચ્ચે પડ્યું પાન નિભાવી લેવાની ભાવના જોવા મળતી હતી. પતિ-પત્ની લગ્ન પહેલાં ભલે ક્યારેય મળ્યા ન હોય, પરંતુ લગ્ન પછી સામેના પાત્રને સમજવાની તેમનામાં સજાગતા રહેતી હતી. નાની-મોટી ભૂલો હોય, ક્યાંક ભીનામાં પગ પડી ગયો હોય તો તેને નજરઅંદાજ કરવાની ઉદારતા હતી. આજે તો ભાગ્યે જ કોઇ પાત્ર બાંધછોડ કરવા તૈયાર જોવા મળે છે.
વાચક મિત્રો, મોટા દાદાની વાત ખોટી તો નથી જ. ખરુંને? આપણે બ્રિટનમાં વસીએ છીએ તો અહીંની જ વાત કરીએ. મેં તપાસ કરી છે તેમ - પહેલી વાત તો એ કે - આપણા યુવક-યુવતીઓ ૨૫ વર્ષની વય પહેલાં લગ્ન માટે વિચારવા પણ તૈયાર હોતા નથી. બોયફ્રેન્ડ / ગર્લફ્રેન્ડ હોય, હરેફરે અને મજા કરે. પરિવારજનો પણ આ અભિગમને સહજતાથી સ્વીકારે છે. કારણ? દેશમાં આ જ ટ્રેન્ડ છે. ૨૭ વર્ષ પછી યુવતી અને ૩૦ વર્ષે યુવક લગ્ન વિશે, જીવનસાથી વિશે વિચારવાનું શરૂ કરે છે સામાન્ય રીતે.
આજના બ્રિટનમાં, ગુજરાતી સમાજમાં હિન્દુ જ નહીં, બિનહિન્દુ જ્ઞાતિઓમાં પણ મોટા ભાગના - કદાચ ૬૦ ટકાથી વધુ લગ્ન સંબંધો - અભ્યાસ દરમિયાન કે જ્યાં જોબ કરતા હોય તે સ્થળે કે મિત્રના મિત્ર દ્વારા રચાય છે. જો આમાં કોઇ પ્રકારે સફળતા ન મળે ત્યારે મનગમતો જીવનસાથી શોધવા - લગભગ આખરી વિકલ્પ તરીકે - ઇન્ટરનેટના માધ્યમથી ડોટકોમ પર નજર માંડવામાં આવે છે.
ઇન્ટરનેટના માધ્યમથી, વેબસાઇટના માધ્યમથી જીવનસાથી શોધવાનો કુલ વેપલો અધધધ ૨૩ બિલિયન ડોલરનો થાય છે. એક સમય હતો જ્યારે સમાજના કેટલાક અગ્રણીઓ, ગામના પટેલ (અગ્રણી), તદ્દન નિસ્વાર્થ સેવાભાવે - ગાંઠનું ગોપીચંદન કરીનેય બે પરિવારો વચ્ચે સંબંધ બાંધવામાં નિમિત્ત બનતા હતા. આજે સમય બદલાયો છે. આજે રમણભાઇ જેવા માણસો દીવો લઇને શોધવા જાવ તો પણ મળતા નથી. પણ આ રમણભાઇ છે કોણ?
કેન્યામાં દસકાઓ પૂર્વે રમણભાઇ જી. પટેલ નામના એક સજ્જન વસતા હતા. મૂળે તેઓ ભાદરણના વતની. ચરોતરના પટેલોમાં, છ ગામના સમાજમાં તેઓ ‘રમણભાઇ સર્વવ્યાપી’ તરીકે ઓળખાય. આ રમણભાઇ થકી સેંકડો સંબંધો ગોઠવાયા હશે, અનેક ઘર મંડાયા હશે તેવું જાણકારોનું કહેવું છે.
રમણભાઇ તો પરધામગમન કરી ગયા, પરંતુ યુગાન્ડામાં વસતા તેમના એક મિત્ર અને વ્યવસાયે એકાઉન્ટન્ટ બાબુભાઇ અમીન સાથે મારો પરિચય. એક વખત પાટીદાર સમાજના મિત્રો સાથે અમે બેઠા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે રમણભાઇએ ઓછામાં ઓછા ૪૦૦-૫૦૦ લોકોનાં ચોકઠાં ગોઠવી આપ્યા હશે. આ આંકડો તો માત્ર બાબુભાઇની જાણકારી અનુસાર છે, તેમની જાણ બહારનો આંકડો તો અલગ. આ બધી ગઇકાલની વાત છે. રમણભાઇ ગયા, સમયાંતરે બાબુભાઇ પણ ગયા અને સાથે સાથે આવા નિસ્વાર્થ સમાજસેવકો પણ ગયા. કોઇ અંગત લાભ કે સ્વાર્થ વગર બે પરિવારોને જોડીને એક નવો પરિવાર વસાવી આપનારા પણ સમાજસેવક જ ગણાયને... આજે શું સ્થિતિ છે?
અગાઉ કહ્યું તેમ જે યુવક-યુવતીઓ કોલેજ-યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન કે મિત્રના મિત્ર થકી જીવનસાથી શોધવાનું ટાળે છે તેઓ છેવટે મનનો માણિગર શોધવા ડોટકોમના શરણે જાય છે. વાચક મિત્રો, આપને એક રસપ્રદ જાણકારી આપું. વડીલોને એ જાણીને નવાઇ લાગશે કે પરિવાર દ્વારા ગોઠવાયેલા લગ્નો કરતાં જ્યારે યુવક-યુવતી જાતે જીવનસાથી શોધી લે છે તેઓ ઠીક ઠીક વધુ સમય સહજીવન જીવે છે, આવા લગ્નો વધુ ટકે છે. અલબત્ત, કદાચ ચોથા ભાગના કે ત્રીજા ભાગના વિચ્છેદ થતાં હશે, પરંતુ યુવક-યુવતીઓ જાતે પાત્ર શોધ્યું હોવાથી સહજીવન દરમિયાન એકમેકની પસંદ-નાપસંદનો આદર કરી જાણતા હોય છે. આથી મતભેદોનું પ્રમાણ ઓછું હોય છે. વળી, યુવા પેઢીને મન જ્ઞાતિ અને ગોળનો બાધ તો રહ્યો જ નથી. આથી તેમના માટે પસંદગીનું ફલક પણ વિશાળ હોય છે.
મિત્રો, માત્ર ભારતીય સમુદાયમાં જ સામાજિક ક્ષેત્રે પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે એવું નથી. બ્રિટિશ સમાજ પણ આમાંથી બાકાત નથી. અહીં પણ અકલ્પનીય પરિવર્તન આવ્યું છે.
ચાલો મિત્રો, આપણે બ્રિટિશ લાઇબ્રેરીમાં જઇને ૧૯ જુલાઇ ૧૬૯પનું એક મેગેઝિન જોઇ આવીએ. સામયિકનું નામ છેઃ
Improvement of Husbandry & Trade. આ સામયિક એનિમલ હસબન્ડરીની વાત કરે છે એટલે કે પશુપાલનની. તેમાં એક જાહેરખબર પ્રકાશિત થઇ છે, જેનો સૂર કંઇક આવો છેઃ
ત્રીસેક વર્ષનો એક સજ્જન અને સારી એવી અસ્ક્યામત ધરાવનાર યુવાન £૩૦૦૦ની જાયદાદ ધરાવનાર રૂપવાન સુંદરી સાથે સંબંધ જોડવા આતુર છે.
૫૦૦ વર્ષ પૂર્વે પાઉન્ડનું મૂલ્ય કેટલું હતું? તે સમયના ૩૦૦૦ પાઉન્ડ આજે અંદાજે ૧.૫ મિલિયન પાઉન્ડ ગણાય. ખેર, આપણે તે વાત છોડીએ. ૧૯૪૦માં બ્રિટનમાં જે યુવક-યુવતીના લગ્ન થયા હતા તેમાંનાં ૧૦ ટકાએ એવા પાત્રો પસંદ કર્યા હતા, જેઓ એક યા બીજા પ્રકારે દેવળોમાં સેવા આપતી વેળા પરિચયમાં આવ્યા હોય, ૨૦ ટકા યુવક-યુવતીઓ એવા હતા જેમણે પ્રાયમરી, સેકન્ડરી સ્કૂલમાં સહઅભ્યાસ દરમિયાન પરિચય થયો હોય તેવા લોકો પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. બીજા ૨૦ ટકા લોકોએ મિત્રોના મિત્રો થકી પરિચયમાં આવ્યા હોય તેવા લોકો સાથે ઘરસંસાર માંડ્યો હતો.
આ બધી તો દસકાઓ જૂના ટ્રેન્ડની વાત થઇ, આજની તારીખે શું સ્થિતિ છે? દેવળોમાં સેવાકાર્યો માટે જતા હોય અને પરિચયમાં આવ્યા બાદ સંસાર માંડનાર યુવક કે યુવતી જવલ્લે જ જોવા મળશે. આજે પ્રાઇમરી કે સેકન્ડરી સ્કૂલમાં શિક્ષણ દરમિયાન પરિચયમાં આવેલા પાત્ર સાથે લગ્ન કરનાર વ્યક્તિ પણ મળવી મુશ્કેલ છે. સમયાંતરે રેસ્ટોરાં કે પાર્ટી દરમિયાન ગ્રૂપમાં મિલન-મુલાકાત દરમિયાન મળી જતી વ્યક્તિમાંથી જીવનસાથી પસંદ કરવાનો ટ્રેન્ડ આવ્યો. પારિવારિક કે મિત્રોના મેળાવડામાં યુવક-યુવતીના ચોકઠાં ગોઠવાઇ જતા હતા. આજે સમય તેનાથી દસ ડગલા આગળ વધી ગયો છે. આજે ઓનલાઇનની બોલબાલા છે.
વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન જીવનસાથી શોધવાનું ચલણ શરૂઆતમાં માંડ ૧૦ ટકાની આસપાસ હતું. આજે આ પ્રમાણ ૨૫ ટકા જેવા ઊંચા આંકડે પહોંચ્યું છે. વાચક મિત્રો, આપણે સહુએ જોયું એક સમય એવો હતો કે મા-બાપ સંતાનોનો ઘરસંસાર વસાવતા પહેલાં સામેના પાત્રના કુટુંબકબિલાથી માંડીને નાનામાં નાની વાતે તપાસ કરાવતા હતા. આજે સમય બદલાયો છે. યુવક-યુવતી ઓનલાઇન વેબસાઇટ પર મળે છે. એકબીજાના પ્રોફાઇલ વાંચે છે. એકમેકમાં થોડોક પણ રસ હોય તો વાતચીત શરૂ થાય છે. સમયાંતરે વાત આગળ વધે તો મિલન-મુલાકાત પણ થાય. આટલું થયા પછી શું લગ્ન પાક્કા? ના, કંઇ કહી શકાય નહીં. કોઇક વાતે એમ લાગે કે પરિવાર, સંયુક્ત કુટુંબ, લગ્ન પછી અભ્યાસ કે કારકિર્દી કે કોઇ પણ મુદ્દે બાંધછોડ થઇ શકે તેમ નથી તો યુવક-યુવતી જેટલી સહજતાથી મળ્યા હોય છે તેટલી જ સહજતાથી છૂટા પણ પડી જાય છે.
આ ટ્રેન્ડ માત્ર ગોરા સમાજમાં જ છે એવું નથી, ભારતીય સમુદાયની યુવા પેઢીમાં પણ આ જ વલણ જોવા મળે છે. ભારતમાં પણ બહુ ઝડપથી સામાજિક પરિવર્તન આવી રહ્યા છે. જીવનસાથીની પસંદગી માટે ઓનલાઇન વેબસાઇટ પર આધાર વધી રહ્યો છે. આજે જીવનસાથીની ઓનલાઇન શોધખોળ કેટલો મોટો ધંધો થઇ ગયો છે તેનો એક દાખલો આપું. ગયા વર્ષે ભારતમાં મેટ્રીમોની ડોટકોમ નામની એક કંપનીના શેરનું જાહેર ભરણું (આઇપીઓ) યોજાયું હતું. નામ પ્રમાણે જ કામ કરતી આ કંપનીએ બજારમાંથી ૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. અમેરિકી ડોલરમાં ગણો તો આ આંકડો ૭૦ મિલિયન ડોલર થયો. એક સમયે નિસ્વાર્થ સેવાભાવી સજ્જનોના હાથમાં રહેલું કામ આજે ઓનલાઇન બન્યું છે. એક સમયે પેની પણ ખર્ચ્યા વગર આ સેવા ઉપલબ્ધ હતી, આજે હજારો ખર્ચીને વેબસાઇટ પર નામ નોંધાવવું પડે છે. એક સમયે આ કામ સેવા ગણાતી હતી, આજે હજારો કરોડનું ટર્નઓવર ધરાવતો ધીકતો ધંધો બન્યો છે. જોકે આટલું કર્યા પછી પણ ઘરસંસાર સુખરૂપ ચાલશે જ તેવી કોઇ ગેરન્ટી તો છે જ નહીં. આનો આધાર તો યુવક-યુવતીએ કઇ રીતે રીતે મનનો માણિગર પસંદ કર્યો છે તેના પર નહીં, પરંતુ ઘરસંસાર વસાવનાર યુગલની સૂઝ-સમજદારી પર જ નિર્ભર હોય છે. વાત તો ખરીને?
વાચક મિત્રો, આજે આપણા સહુના પારિવારિક જીવનને સ્પર્શતા મુદ્દાની ચર્ચા છેડી છે. કદાચ તમારી પણ આવી જ વાત હશે ને? થોડામાં ઘણું કહ્યું છે, ગાગરમાં સાગર સમાવવા પ્રયાસ કર્યો છે. સહુ કોઇએ યાદ રાખવું રહ્યું કે પાત્ર કોઇ પણ પ્રકારે પસંદ કરો, પણ ઘરસંસારને સુખ-સમૃદ્ધિથી છલોછલ કરવો હશે તો બન્ને પાત્રોએ સાથે મળીને સમજદારી, (એકમેકમાં) વિશ્વાસ અને જતું કરવાની ભાવનાનો ત્રિવેણીસંગમ રચવો જ પડશે.  (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter