જે હસ્ત ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે...

સી. બી. પટેલ Tuesday 14th May 2019 13:25 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા બ્રિટનમાં ભલે ગયા માર્ચમાં મધર્સ ડે ઉજવાઇ ગયો, પરંતુ આંતરરાષ્ટ્રીય તખ્તે રવિવારે (૧૨ મેના રોજ) માતૃભક્તિ પર્વ ઉજવાયું. આ પ્રસંગે નારીશક્તિ, માતૃશક્તિના ગુણગાન ગાતી ગણી ગણાય નહીં ને વીણી વીણાય નહીં તેટલી અઢળક રજૂઆતો થઇ, પરંતુ આ બધામાં મારી સૌથી પ્રિય પંક્તિ છેઃ જે હસ્ત ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે... માત્ર નવ જ શબ્દોમાં નારીશક્તિનું, માતૃશક્તિનું કેવું અદભૂત મહિમા ગાન! ગુજરાતી ભાષામાં અમર બની ગયેલી આ પંક્તિ મૂળે તો અંગ્રેજી લેખક વિલિયમ રોસ વોલેસે ૧૮૬૫માં લખેલી અંગ્રેજી કવિતા The Hand That Rocks the Cradle Is the Hand That Rules the Worldનો ભાવાનુવાદ છે. મિત્રો, સંપૂર્ણ અંગ્રેજી કવિતા તો જગ્યાના અભાવે અત્રે રજૂ કરવાનું મુશ્કેલ છે, પરંતુ આ મૂળ કવિતા આપ સહુ ‘જીવંત પંથ’ની ઓનલાઇન એડિશન (www.gujarat-samachar.com) પર વાંચી શકો છો.
માતા થકી સંતાનમાં યોગ્ય સદ્ગુણો અને સંસ્કારવારસાનું સિંચન થાય છે એવું આખું વિશ્વ માને છે, સ્વીકારે છે. અને આ હકીકત પણ છે. પરંતુ સંતાનમાં સંસ્કાર-વારસાનું જતન કરવાની જવાબદારી માત્ર ને માત્ર માતાની જ છે તેમ માનવું પણ મને તો અયોગ્ય લાગે છે. પરિવારજનો, સવિશેષ તો પિતા, અન્ય સગાંસ્નેહીજનોની પણ ફરજ તો ખરીને? આ ઉપરાંત લેખન-વાચન, મનન-ચિંતનની સાથોસાથ પારિવારિક પરંપરા કે સંસ્કાર વારસાનું અમૂલ્ય સત્વ પણ વ્યક્તિત્વ ઘડતરમાં જાણ્યે-અજાણ્યે યોગદાન આપતાં હોય છે.
આજુબાજુના જીવનમાં આકાર લેતી ઘટનાઓમાંથી યથાયોગ્ય પદાર્થપાઠ મેળવવો તે પણ એટલું જ આવશ્યક છે. વર્તમાન સમયમાં જે કંઇ ઉપલબ્ધ હોય તેને પ્રાપ્ત કરવું, તેને પોતાના જ્ઞાન-અનુભવ-સૂઝના ગરણે ગાળવું અને ત્યાર બાદ અલગ તારવેલા પોષક તત્વોને જીવનમાં અપનાવી વિચાર-વાણી-વર્તનમાં પ્રદર્શિત કરવા એ જે તે વ્યક્તિની જવાબદારી ગણી શકાય. દરેક વ્યક્તિને, દરેક સમાજને, પોતીકા સંસ્કારવારસા માટે ગૌરવ હોવું સ્વાભાવિક છે. સાથે સાથે જ અન્યોમાંથી સુયોગ્ય ઉમેરવું તે પણ આવકાર્ય છે.
અલબત્ત, આપણે સહુ આ બધું જાણતા હોવા છતાં ક્યારેક સુખથી હર્યાભર્યા કુટુંબમાં કોઇક એવી નાજુક પળ આવી જાય છે અને જાણે દૂધના મોટા પાત્રમાં લીંબુ નીચોવાય જાય તેમ બધું અખરાઇ જાય છે.
લ્યોને... આપણા લંડનની જ એક વાત કરું. વર્ષોથી આ મહાનગરમાં વસતાં એક અગ્રણી ગુજરાતી પરિવારમાં બે પુત્રો. બન્ને ઉચ્ચ સુશિક્ષિત અને સાધનસંપન્ન. પોતપોતીકા વ્યવસાયમાં ઠરીઠામ. જીવનમાં પ્રગતિના પંથે અવિરત આગેકૂચ ચાલુ હતી. આ દરમિયાન કોણ જાણે શું થયું કે નાના પુત્રના હૃદયમાં પિતા માટે અભાવ ઉપજ્યો. તે પણ ક્યારે? જ્યારે જિંદગીનો આઠમો દસકો જીવી રહેલા પિતાએ જીવનસંગિની ગુમાવ્યા હતા. વાચક મિત્રો, હું કોઇના દોષ સામે આંગળી ચીંધુ તે યોગ્ય નથી, પણ એક દિવસ નાનો પુત્ર આવ્યો અને આક્રોશભેર પિતા પર વરસી પડ્યો. ગુસ્સામાં લાલચોળ પુત્રે પિતાને સંભળાવ્યું કે તમે આ કર્યું તે ખોટું કર્યું, પેલું કર્યું તે અયોગ્ય હતું... આ બધું મને હરગીજ સ્વીકાર્ય નથી. હવે હું તમારી સાથે બોલવા પણ માગતો નથી. આજથી મારો - તમારો નાતો પૂરો...આવી ઘટના, પરમાત્માનો પાડ, જવલ્લે જ બને છે.
વડીલના માથે તો જાણે વીજળી પડી. હજુ તો વિધુર બન્યાનો કારમો ઘા રુઝાયો નહોતો ત્યાં જિંદગીએ બીજો ફટકો માર્યો. નાના પુત્રે લોહીના સંબંધ તરફથી મોં ફેરવી લીધું. એક પરિવારના મોભી માટે આઘાતજનક બાબત શું હોય શકે?
ઘણી વખત ગુસ્સામાં રમમાણ વ્યક્તિ ન બોલવાનું બોલી જતી હોય છે. ન કહેવાનું કહી દે છે. સંભવ છે કે ગુસ્સો ઓસર્યા પછી તેને અફસોસ પણ થતો હશે. પણ પછી શું? છૂટેલું તીર અને બોલાયેલા શબ્દોને ક્યારેય વાળ્યા વાળી શકાતા નથી. આ પ્રકારના ઘટના-પ્રસંગો વિશે સાંભળીએ છીએ, જાણીએ છીએ ત્યારે આપણું હૃદય દ્રવી ઉઠે છે.
તો શું ભારતીય મૂલ્યો, પારિવારિક પરંપરા ખતમ થઇ રહ્યા છે? જી ના... આ તો સમાજ નામના સિક્કાની એક બાજુની વાત થઇ. બીજી બાજુ વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે. આ કિસ્સો, પ્રસંગ જાણશો તો સમજાશે કે ભારતીય સમાજ કેવા પારિવારિક મૂલ્યો પર ટકી રહ્યો છે. હું એવા લોકો વિશે પણ જાણું છું કે જેમના સંતાનો, પરિવારજનો વિકટ સ્થિતિનો સામનો કરવાની ઘડી આવે છે ત્યારે સમય-સંજોગ સામે શરણાગતિ સ્વીકારી લેવાના બદલે હસતા મોંએ તેની સામે લડી લે છે. આવા લોકો વિપદા ભોગવી રહેલા પરિવારજનના આખરી દિવસોને આનંદમય-ઉલ્લાસમય બનાવવામાં લગારેય પાછી પાની કરતા નથી.
તાજેતરમાં આપણા ગુજરાતી સમાજના એક એવા સજ્જન સદ્ગતિ પામ્યા, જેઓ લાંબા સમયથી શારીરિક-માનસિક આધિ-વ્યાધિથી પીડાતા હતા. મેં અહીં ‘સદ્ગતિ’ માત્ર શાબ્દિક સંદર્ભે જ નહીં, પણ ખરા અર્થમાં ટાંક્યો છે. પરિવારજનોએ આ સજ્જનની સરભરા માટે લીધેલી સારસંભાળ વિશે જાણશો તો તમે પણ આ શબ્દ સાચા અર્થમાં સાકાર થયાનું સ્વીકારશો.
આ રઘુવંશી સજ્જને વેપાર-વણજમાં સારી જમાવટ કરી હતી. લક્ષ્મીજી તો તેમને વર્યા જ હતા, દેવી સરસ્વતીના પણ તેઓ જબરા ઉપાસક. ગીત-સંગીત પ્રત્યે સવિશેષ લગાવ. ગમતાનો કરીએ ગુલાલ ન્યાયે પોતાના આ શોખનો સમાજને પણ લાભ મળી રહે તે ઉદ્દેશથી એક સંગીત સંસ્થા પણ તેમણે સ્થાપી અને પૂરા લગાવ સાથે તેનું જતન-સંવર્ધન કર્યું. આઠેક વર્ષ પૂર્વે આ સજ્જનને બ્રેઇન ટ્યુમરનું નિદાન થયું. સફળ સર્જરી થઇ. જોકે દિવસે દિવસે તબિયત લથડતી રહી. બે-ચાર શબ્દ બોલવામાં પણ મુશ્કેલી પડે. જીભ થોથવાય. ચાલવામાં પગે સાથ દેવાનું બંધ કર્યું. જિંદગી જાણે કે વ્હીલચેરમાં સમેટાઇ ગઇ. સમગ્ર જીવન અન્યોની મદદ પર નિર્ભર થઇ ગયું. ભલભલો મજબૂત માણસ હામ હારી જાય, પરંતુ આ સજ્જન અંતિમ શ્વાસ સુધી આનંદમાં જીવ્યા. શા માટે? પત્ની, પુત્ર, જમાઇ સહિતના પરિવારજનોનો તેમને લાગણીસભર સહારો હતો. વડીલ માનભેર - વટભેર જીવન જીવી શકે તે માટે પરિવારજનોએ એકસંપ થઇને શક્ય તમામ પ્રયાસ કર્યા. સ્વજનોએ ફરજ સમજીને નહીં, પણ સંપૂર્ણ પ્રેમ અને સંવેદનાની અનુભૂતિ સાથે તેમની કાળજી લીધી.
મિલનસાર અને ઉષ્માપૂર્ણ વ્યક્તિ તરીકે સમગ્ર જીવન વીતાવનાર આ સજ્જનને પરિવારજનો સામાજિક સમારંભ - મેળાવડાઓમાં પણ લઇ જાય. તો ક્યારેક લંડનની સેર પણ કરાવે. ભલે તેઓ બોલી-ચાલી ન શકે, પરંતુ નજરભરીને બધું માણી તો શકે ને? ઘરે મિત્રો-સ્વજનોને આમંત્રે અને કલાકારોને તેડાવીને ગીતસંગીતના કાર્યક્રમ યોજે. સજ્જન ભલે તેમની લાગણી વ્યક્ત ન કરી શકે, તાળીઓ પાડીને કલાકારોને વધાવી ન શકે, પરંતુ આ બધું જોઇ-માણીને આનંદ અવશ્ય અનુભવતા હશે એ નક્કી. વાચક મિત્રો, શારીરિક આધિ-વ્યાધિથી ઘેરાયેલા, પરવશ બની ગયેલા પરિવારના મોભીની આટલી લાગણીસભર સારસંભાળ લેવી એ પણ એક સંસ્કાર જ છેને?!
લેખના પ્રારંભે ટાંકેલી ઉક્તિમાં ઉલ્લેખ છે તે પ્રમાણે જે હાથ પારણું ઝૂલાવે છે તે જ હાથ જગતની શાસનધૂરા પણ સંભાળી જાણે છે. આ જગ એટલે શું? દરેક સ્ત્રી માટે પોતાનું કુટુંબ, પરિવારજનો, સ્નેહીજનો જ તેનું વિશ્વ સમસ્ત હોય છે. એક સ્ત્રી જ ઘરસંસારનું નિર્માણ કરતી હોય છેને?! માત્ર તેણે જ નહીં, પિતા સહિતના સ્નેહી-સ્વજનોએ સંતાનોને ભવ્ય સંસ્કાર-વારસો આપ્યો હશે ત્યારે જ આ સજ્જનની જિંદગીના અંતિમ દિવસો પણ યાદગાર બની રહ્યા હશેને?
સુજ્ઞ વાચક મિત્રો, આ તબક્કે હું વિખ્યાત લેખક-ચિંતક મુન્શી પ્રેમચંદનું મારા સ્મૃતિપટલ પર અમીટ અંકિત થઇ ગયેલું એક વાક્ય ટાંકવા માંગુ છુંઃ દુઃખી દિલ દુઃખતી હુઇ આંખે હૈ, જિસ્મેં હવા સે ભી દર્દ હોતા હૈ... થોડાક શબ્દોમાં કેવી ચોટદાર વાત! મુન્શીજીએ પાંચ ભાગમાં રચેલા બેનમૂન ગ્રંથ ‘સૂરદાસ’માં આનો ઉલ્લેખ છે. એક યા બીજા કારણસર દુઃખદર્દગ્રસ્ત વ્યક્તિને થોડીક રાહત મળે, મન શાંતિનો અનુભવ કરે, આનંદ પામે તેવું નાનું કે મોટું સદ્કાર્ય પરિવારજનો કે મિત્રો કરે ત્યારે જાણે સ્વર્ગ ઉતરી આવે છે.

ધનનો ઢગલો શાશ્વત નથી

બ્રિટનના એક રવિવારીય પ્રકાશને દેશના ૧૦૦૦ ધનવાનોની યાદી બહાર પાડી છે. તેમાં ૮૧ નામ ભારતવંશીઓના ગણાવાય છે. આપણી વસ્તીના પ્રમાણમાં આ ટકાવારી નોંધપાત્ર છે. યાદીમાં સ્થાન પામનારા સહુ ધનપતિઓને અભિનંદન. તેઓએ પોતાના બુદ્ધિબળથી, પરિશ્રમથી જે પ્રાપ્ત કર્યું તે સાચે જ આવકાર્ય છે અને તેનાથી ઓછાવત્તા અંશે સમાજને ગૌરવ પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે જ બ્રિટનમાં વસતાં એવા અનેક ગુજરાતી કે ભારતીય ધનાઢયોને પણ હું જાણું છું જેઓ તેમની ધનસંપત્તિ સાથે આ યાદીમાં નોંધપાત્ર ક્રમે સ્થાન મેળવી શકે તેમ હોવા છતાં સ્વેચ્છાએ આ પ્રસિદ્ધિથી વિમુખ રહેવા ઇચ્છે છે. આ લોકોને પણ તેમની સિદ્ધિ માટે આપણા સહુ વતી અભિનંદન અને ધન્યવાદ...
બ્રિટનમાં એક જમાનામાં રિટેલ વ્યવસાય ક્ષેત્રે સર ફિલીપ ગ્રીન બહુ મોટા ગજાનું નામ ગણાતા હતા. તેમણે જાતમહેનત થકી શૂન્યમાંથી સર્જન કર્યું હતું. જોતજોતામાં નાના-મોટા ત્રણેક હજાર સ્ટોરની ચેઇન ધમધમતી કરી હતી. એક વેળાએ તેમની અધધધ સંપત્તિનો આંકડો દસેક બિલિયન પાઉન્ડે પહોંચ્યો હતો. સરનો માનવંતો ઇલ્કાબ પણ મહારાણી તરફથી એનાયત થયો હતો. જોકે મહિલા જગત પ્રત્યે અવિવેક, ઉદ્ધતાઇ અને અડપલાં કરવા માટે તેઓ નામીચા બન્યા હતા. વેપાર-ધંધામાં પણ જોતજોતામાં ઓટ આવી. અને હવે તેમની સંપત્તિ થોડાક મિલિયન પાઉન્ડમાં સમેટાઇ ગઇ છે. સંપત્તિ તો આટલી પણ બચી છે, પરંતુ કીર્તિ, નામના, પ્રતિષ્ઠા, આબરૂના મામલે તો તેઓ લગભગ નાદાર જ છે એમ કહી શકાય. આટલી અઢળક સંપત્તિના માલિક હતા, પરંતુ તેમણે ના તો મોટી સખાવતો કરી છે કે ના તો સમાજોપયોગી પ્રવૃત્તિ કે સદ્કાર્યોમાં કોઇ અનુદાન આપ્યું છે.
વાચક મિત્રો, કંઇક પ્રાપ્ત કરવું એક બાબત છે, ઉપભોગ કરવો બીજી બાબત છે, પણ તેને પચાવી જાણવું તેનાથી પણ વધુ અગત્યની બાબત છે. કાશ, આપણા કોઇ ગુજરાતી ભાઇભાંડુએ સર ફિલીપના કાને પિંગળશી મેઘાણંદ ગઢવીના આ શબ્દો પહોંચાડ્યા હોતઃ
નામ રહંતા ઠકરાં, નાણાં નહીં રહંત,
કીર્તિ કેરા કોટડાં, પાડ્યા નહી પડંત.

હોલીવૂડની દુનિયામાં અર્ધગુજરાતીનો પ્રવેશ

આ સાથેની તસવીરમાં રજૂ થયેલો તરોતાજા ચહેરો છે નાઓમી સ્કોટનો. નાઓમીના માતા ઉષાબહેન યુગાન્ડામાં જન્મેલા ગુજરાતી. ઇદી અમીને જાહેર કરેલા હકાલપટ્ટીના આદેશનો ભોગ બનેલાઓમાં તેમનો પણ સમાવેશ થાય. બ્રિટન આવ્યા. વસ્યાં. ગોરા અંગ્રેજ સાથે ઘરસંસાર માંડ્યો. આ એંગ્લો-ઇંડિયન દંપતીનું સંતાન એટલે નાઓમી. જન્મ હોન્સલોમાં બૃહદ લંડનમાં તેનો ઉછેર. નાઓમીને બાળપણથી એક્ટિંગ, મોડેલીંગ, બ્યૂટી કોન્ટેસ્ટ, સંગીત-નૃત્ય વગેરે પ્રત્યે વિશેષ લગાવ. માતા-પિતાએ પણ તેનામાં રહેલી પ્રતિભા પારખીને તેના રસ-રુચિને પ્રોત્સાહન આપ્યું, અને પરિણામ આપણી નજર સમક્ષ છે. આજે તેનું નામ હોલીવૂડના નવાંગતુક પ્રતિભાશાળી કલાકાર તરીકે ચર્ચામાં છે. વય ૨૬ વર્ષની છે, પણ દસેક વર્ષથી અભિનય ક્ષેત્રે સક્રિય છે.
ગુજરાતીઓ શિક્ષણ, વેપાર-ધંધાની પ્રવૃત્તિમાં જ રચ્યાપચ્યા રહેતા હોવાની માન્યતાને નાઓમી જેવી આપણા સમાજની પ્રતિભાશાળી યુવા પેઢી ખોટી ઠેરવી રહી છે. ગુજરાતીઓની સિદ્ધિ કોઇ ચોક્કસ ક્ષેત્ર કે વર્તુળ પૂરતી સીમિત નથી. જીવનની દરેક સારી પ્રવૃત્તિમાં બ્રિટિશ ગુજરાતીઓ, ભારતીયો કે આપણા સંતાનો, પછી અર્ધગુજરાતી હોય કે આખા ગુજરાતી હોય, અર્ધભારતીય હોય કે આખા ભારતીય હોય કાઠું કાઢી રહ્યા છે. આપણે બ્રિટનમાં આ જ ક્ષેત્રે સક્રિય કેટલાક જાણીતા નામો પર નજર ફેરવીએ.
નીતિન ગણાત્રા... યુવાદિલોની ધડકન સમાન આ યુવા અભિનેતા બ્રિટિશ ટેલિવિઝન ક્ષેત્રે નોંધપાત્ર નામના ધરાવે છે. માત્ર અભિનય ક્ષેત્રે જ નહીં, સમાજસેવા માટે પણ સમય-શક્તિ ફાળવીને આ યુવા કલાકારે વિદેશવાસી ભારતીય યુવા પેઢી માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દેવ પટેલ... આ નામ જ એવું છે કે તેનો પરિચય આપવાની જરૂર નથી. ‘સ્લમડોમ મિલિયોનેર’થી ઘરે-ઘરે જાણીતો થઇ ગયેલો આ પટેલ યુવાન અવિરત આગેકૂચ કરી રહ્યો છે.
પ્રિયા કાલિદાસ - આપ સહુને નામ ભલે ઉત્તર ભારતીય જેવું જણાતું હોય, પરંતુ દરજી જ્ઞાતિની આ યુવા અભિનેત્રી પણ બીજા ભારતીયોની જેમ ઇસ્ટ આફ્રિકાથી અહીં આવીને વસી છે.
બેન કિંગ્સ્લે... ‘ગાંધી’ ફિલ્મમાં સાબરમતીના સંતની મુખ્ય ભૂમિકા આબેહૂબ ભજવીને ફિલ્મચાહકોના હૈયે વસી ગયેલા આ બેનભાઇનું અસલ નામ છે ક્રિષ્ના ભાણજી. ગુજરાતી મૂળના મરી-મસાલાના વેપારી પિતા અને ઇંગ્લિશ કુળના મોડેલ માતાનું સંતાન બેન ઓસ્કર પણ જીતી ચૂક્યા છે. હા, બેન પોતાને ગુજરાતી કે ભારતીય કરતાં અંગ્રેજ ગણાવવાનું વધુ પસંદ કરે છે તે અલગ બાબત છે.
ફ્રેડી મરક્યુરી... બ્રિટિશ સિંગર તરીકે દુનિયાભરને ઘેલું લગાડનાર ફ્રેડી મૂળે તો ઝાંઝીબારમાં જન્મેલો પારસી બાવો હતો એ બહુ ઓછા લોકો જાણતા હશે. તેણે શિક્ષણ ભારતના પંચગિનીમાં લીધું. મારી-તમારી જેમ, સમય-સંજોગોને વશ થઇને પરિવારજનો ઝાંઝીબારથી બ્રિટન આવીને વસ્યા. નાની વયે આભને આંબતી લોકપ્રિયતા મેળવી, પણ ૪૫ વર્ષની વયે અવસાન થયું.
જીમી મિસ્ત્રી... ઇસ્ટ ઇઝ ઇસ્ટ, બ્લડ ડાયમંડ, ધ ગુરુ જેવી અનેક ઇંગ્લીશ ફિલ્મોમાં ચમકી ગયેલો જાણીતો ચહેરો. સ્કારબરોમાં જન્મેલા આ ઈંગ્લીશ કલાકાર પણ ગુજરાતી કનેક્શન ધરાવે છે.
હિમેશ પટેલ... હન્ટીંગ્ડન કેમ્બ્રીજશાયરમાં ૧૯૯૦માં જન્મ. ૧૭ વર્ષથી ટી.વી. સિરીયલમાં સતત ગાજેલું નામ. ફિલ્મમાં પણ યાદગાર રોલ.
વાચક મિત્રો, આ તો હોલીવૂડના નભોમંડળમાં ચમકતાં ગુજરાતી મૂળના તારલાઓના પ્રદાનની આછેરી ઝલકમાત્ર છે. ક્યારેક આ લોકો વિશે માંડીને વાત કરશું. આજે તો અહીં જ અટકવું પડશે...  (ક્રમશઃ)

•••

The Hand That Rocks the Cradle Is the Hand That Rules the World

- William Ross Wallace

Blessings on the hand of women! 

Angels guard its strength and grace, 
In the palace, cottage, hovel, 
Oh, no matter where the place; 
Would that never storms assailed it, 
Rainbows ever gently curled; 
For the hand that rocks the cradle 
Is the hand that rules the world. 
Infancy's the tender fountain, 
Power may with beauty flow, 
Mother's first to guide the streamlets, 
From them souls unresting grow- 
Grow on for the good or evil, 
Sunshine streamed or evil hurled; 
For the hand that rocks the cradle 
Is the hand that rules the world. 
Woman, how divine your mission 
Here upon our natal sod! 
Keep, oh, keep the young heart open 
Always to the breath of God! 
All true trophies of the ages 
Are from mother-love impearled; 
For the hand that rocks the cradle 
Is the hand that rules the world. 
Blessings on the hand of women! 
Fathers, sons, and daughters cry, 
And the sacred song is mingled 
With the worship in the sky- 
Mingles where no tempest darkens, 
Rainbows evermore are hurled; 
For the hand that rocks the cradle 
Is the hand that rules the world. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter